સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાને સ્પીકર ગુજરાત – અમદાવાદ શહેરે આપ્યા હતા. ગણેશ વાસુદેવ માવળંકર. એ પછી મીરા કુમાર પંદરમી લોકસભાના પંદરમા સ્પીકર બની રહેશે. એમ.એ. આયંગર, નીલમ સંજીવ રેડ્ડી, જી. એસ. ધિલ્લોન, બલરામ જાખર અને જી. એમ. સી. બાલયોગી એકથી વધુ મુદત – લોકસભાના સ્પીકર પદે રહ્યા હતા. આ પંદર – પંદરનો મેળ બેસવો તેને પણ એક રેકોર્ડ જ ગણી લઈએ. આંકડા બહાદુરો આવતી કાલથી એમજ કરશે. આપણે આજથી શરૂ કરી દઈએ. માવળંકરથી સોમનાથ ચેટરજી સુધીના સ્પીકરોએ ઘણા રેકોર્ડ બનાવ્યા હશે અને હવે મીરા કુમાર કંઈક બીજા રેકોર્ડ બનાવશે. સ્પીકર પદે આરૂઢ થનારા તેઓ પ્રથમ મહિલા બની રહેશે એ તો હવે જાણીતી વાત થઈ ગઈ. એમણે બીજો રેકોર્ડ બનાવ્યો છે તે સૌથી ઓછા સમય માટે કેન્દ્રિય મંત્રીમંડળમાં પ્રધાનપદે રહેવાનો. મંત્રી પદે શપથ લીધાના એક અઠવાડિયા કરતા પણ ઓછા સમયમાં તો તેમણે રાજીનામું આપી દીધું. આ પણ એક રેકોર્ડ જ છે ને. ૧૯૯૬માં માત્ર તેર દિવસ માટે વડાપ્રધાન બનેલા અટલ બિહારી વાજપયીના મંત્રીમંડળનો દાખલો લઈએ તો પણ મીરા કુમાર એ મંત્રીઓથી આગળ વધી ગયેલા જણાશે. રાજીનામું આપવાની બાબતમાં તો ખરા જ. ભારતીય વિદેશ સેવાઓમાંથી આગળ વધીને દેશના સર્વોચ્ચ બંધારણીય હોદ્દા પર પહોંચનારા તે બીજી વ્યક્તિ પણ બની રહેશે. આ પહેલાં કે. આર. નારાયણન આઈ.એફ.એસ. કેડરમાં સેવાઓ આપ્યા પછીના વર્ષો બાદ દેશના ઉપરાષ્ટ્રપતિ અને પછી રાષ્ટ્રપતિપદે બિરાજ્યા હતા.