Opinion Magazine
Number of visits: 9447906
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Sarvodayanun Pagpaada Patrkaaratva

ભવાનીપ્રસાદ મિશ્ર [
અનુવાદક - ભૂપત પારેખ]|Gandhiana|11 September 2015

સર્વોદયનું પગપાળા પત્રકારત્વ

પત્રકારત્વના સઘળા ઇતિહાસ ઉપર નજર નાખવાથી ખ્યાલ આવે છે કે, સામાન્ય રીતે કોઈ પણ સુચારુ પત્રકારત્વ એ સર્વોદયનું પત્રકારત્વ છે. કોઈ પણ સાચો પત્રકાર એટલું તો માનશે જ કે, પોતાની બાબતમાં મારા અને તારાનો ભેદ કરવાના હોય નહિ. સાચી સેવાશીલ વ્યક્તિ કોઈના પણ દુઃખ-દદર્ની સામે આંખમીંચામણાં ન કરી શકે. જો પત્રકારત્વને એક સેવા ગણીએ તો પત્રકાર એક સેવક ગણાય. સેવક એટલે કે એ વ્યક્તિ જેની પાસે એવી કોઈ ઉપલબ્ધિનું સાધન નથી, પરંતુ તેનું પોતાનું સાધ્ય છે. સેવા મારફતે નથી તેને કીર્તિ જોઈતી, નહિ પદ કે નહિ પૈસા. પત્રકાર પણ એક રીતે સેવક છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, પૂર, ભયંકર રોગચાળા, રાજનૈતિક ઊથલપાથલ, દલિત અને શોષિતોનો ઉદ્ધાર, શિક્ષણમાં જાગરણ વગેરે કોઈ પણ પ્રશ્નને લઈએ, બધા જ પ્રશ્નો પત્રકારત્વની સાથે જોડાયેલા છે. આવા અર્થમાં આપણે એમ કહી શકીએ કે, પત્રકાર તો એક સેવક છે, જેને સમગ્ર માનવતા તરફ એવી રીતે જાગ્રત અને સંવેદનશીલ રહેવું પડે છે, જેવી રીતે કોઈ માતાને તેના નાના બાળક પાછળ રહેવું પડે છે. માતાનું ક્ષેત્ર નાનું અને મર્યાદિત છે, જ્યારે પત્રકારનું વિશાળ અને વ્યાપક. સાચા પત્રકારે આ માટે કાયમ જાગતા રહીને જ્યાં જે રીતનું કષ્ટ હોય, ત્યાં શરીર અને મનથી હાજર રહેવું પડે છે.

પત્રકાર સેવા માટે જે સાધનનો ઉપયોગ કરે છે તે મુખ્યત્વે તો શબ્દ જ છે. ગાંધીજી સાધન અથવા માધ્યમની શુદ્ધિ પર જ જોર આપતા. દરેક સાચા પત્રકારનું જોર પ્રશ્નને જેવો અને તેવો વાચકની સામે રાખવા પર હોય તે જરૂરી છે. જેઓ પ્રશ્નને વધારી વધારીને, દબાવી છુપાવીને, અથવા તો મારી-મચોડીને રજૂ કરે છે – ક્યારેક કોઈ ભયને લીધે, ક્યારેક આક્રોશને કારણે, ત્યારે ક્યારેક પક્ષપાતને કારણે અથવા ક્યારેક કોઈ પ્રકારની લાલચને કારણે, ત્યારે તેઓ તે તથ્યોને અન્યાય કરે છે. તથ્યનો અન્યાય એ સત્યનો અન્યાય છે. આથી તથ્યોને જેવાં ને તેવાં સામે નહિ લાવવા એ અહિંસાથી દૂર થવું અને હિંસા તરફ ધકેલાવું ગણાય. ગાંધીજીથી લઈને આજ સુધી સર્વોદય પત્રકારત્વ અને જેવું અમોએ કહ્યું, મોટા ભાગે સંસારના બધા જ નિષ્પક્ષ પત્રકારો જાણ્યે-અજાણ્યે આ આદર્શને સામે રાખીને આગળ વધેલા છે.

લોર્ડ લિનલિથગોએ, જેઓ ત્યારે ભારતના વાઈસરૉય હતા અને જ્યારે ગાંધીજી તેમની સાથે એકધારો સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે તેમણે લુઈ ફીશરની સાથે વાતચીત દરમ્યાન કહ્યું હતું : ‘‘ધી બિગેસ્ટ થીંગ ઈન ઇન્ડિયા ઈઝ ગાંધી.’’ આ માટે ભારતવર્ષમાં ગાંધીજીએ જે કંઈ શરૂ કર્યું હતું તે આવતા લાંબા સમય સુધી કદાચ ‘બિગેસ્ટ’ જ બની રહેશે. આ અર્થમાં તેઓનું પત્રકારત્વ પણ ભારતમાં આજ સુધી થયેલા પત્રકારત્વમાં ‘બિગેસ્ટ’ છે. જવાહરલાલજીએ એમના માટે બરાબર લખ્યું છે કે, ‘‘તે માણસ માટે જિંદગી ટુકડાઓ પાડેલી કોઈ તૂટેલી ફૂટેલી વસ્તુ ન હતી.’’ જિંદગી એમના માટે એવું રંગીન વણેલું કાપડ છે કે જેમાં બધા રંગોનો આછો અને ઘેરો અથવા આછામાં આછા અને ઘેરામાં ઘેરા દોરા વણવામાં આવ્યા છે.

પત્રકારત્વ પણ એમના માટે એક સત્યની ખોજ હતી. પત્રકારત્વ અને મુદ્રણના ક્ષેત્રમાં વિલ્હેમ સ્ટીડ લગભગ શરૂઆતના અને ખાસ્સી પ્રતિષ્ઠિત વ્યક્તિ થઈ ગયા. તેઓએ કીધું છે કે, ‘‘ખબર દેવામાં સબરનો સહારો લો, અને ખબર પર પોતાનો ખ્યાલ રજૂ કરતા મનમાં કોઈ પ્રકારનો હિચકિચાટ ન રાખો.’’ આ શબ્દોને અમે સારા પત્રકારત્વની સાથે સાથે સર્વોદય પત્રકારત્વનાં બ્રહ્મવાક્યો પણ કહી શકીએ.

જો સર્વોદય પત્રકારત્વની શરૂઆત ગાંધીજીના સમાચારપત્રોમાં લખવાથી માની લઈએ તો આપણે સૌથી પહેલાં લંડનની ‘વેજીટેરિયન સોસાયટી’ના મુખપત્ર ‘વેજીટેરિયન’નું નામ લેવું જોઈએ. પત્રકારત્વ ધ્યાન આપવા જેવી ચીજ છે અને જીવનમાં તેનું મહત્ત્વપૂર્ણ સ્થાન હોઈ શકે છે, આ અંગે પહેલવહેલા ગાંધીજીએ પોતાની પહેલી વિદેશયાત્રાના સમયે જ વિચાર્યું. લંડનમાં તેઓને ‘ડેલી ટેલીગ્રાફ’, ‘ડેલી ન્યુઝ’ અને ‘પાલ-માલ ગેઝેટ’નું બહુ જ આકર્ષણ થયું અને તેનો ઉલ્લેખ કરીને પોતાની આત્મકથામાં લખ્યું ‘‘ભારતમાં તો મેં સમાચારપત્ર વાચ્યું પણ ન હતું.’’

એમ તો ગાંધીજીના જન્મથી એક વરસ પહેલાં એટલે ૧૮૬૮માં કલકત્તાથી ‘અમૃત બાજાર પત્રિકા’નો આરંભ થઈ ગયો હતો અને ત્યાર પછી છ વરસે અંગ્રેજીમાં ‘સ્ટેટ્સમેન’નો, પરંતુ અખબારોના વાંચન-વાંચવાનું ચલણ, ભણતર અને સંચારસાધનોની કમીને લીધે દેશમાં ખૂબ જ ધીમે ધીમે ફેલાયું. ભારતીય ભાષાઓમાં તો તેનો પ્રચાર વધારે ધીમી ગતિથી થયો. કદાચ આ માટે જ ગાંધીજીએ વિદેશયાત્રા પહેલાં કોઈ અખબાર વાંચ્યું પણ ન હતું. વિલાયત પહોંચીને અખબારોનું મહત્ત્વ તેમની સમજમાં આવ્યું, અને તેઓ તેનો ઉપયોગ અનિવાર્ય માનવા લાગ્યા. ન કેવળ વાંચવા માટે પરંતુ પોતાના વિચારોને લખવા, અને બીજાને પણ પહોંચાડવા માટે. તેઓએ વિદ્યાર્થી તરીકે લંડનમાં ત્રણ વરસ વીતાવ્યાં અને આ ત્રણ વર્ષમાં ‘વેજીટેરિયન’માં નવ લેખો લખ્યા. એ બધા લેખો ભારત સાથે જોડાયેલા હતા. તેઓ ઇંગ્લેંડના પાઠકવર્ગની સામે આ રીતે ભારતીય રહેણી-કરણી, ઉત્સવો, તહેવારો અને ભોજનપ્રણાલી વગેરે વિષયો મૂકતા રહ્યા. તેઓએ ત્યાં પણ પોતાના એટલે કે પોતાના દેશના કોઈ ગુણોને વધારી-વધારીને નહીં લખ્યા અને કોઈ દુર્ગુણોને છુપાવ્યા પણ નહિ. જેમ કે એ વખતે મોટાભાગે લોકોની ધારણા એવી હતી કે, સામાન્ય ભારતીય લોકો શાકાહારી છે. ગાંધીજીએ બતાવ્યું કે, ભારતમાં માંસાહારીઓની સંખ્યા પણ ઓછી નથી. જરૂરી છે કે ઘણાં લોકો આર્થિક કારણોને લીધે માંસ ખાઈ નથી શકતા તેમ જ ધાર્મિક કારણોથી માંસ નથી ખાતા, તેઓની સંખ્યા આર્થિક અથવા અન્ય કારણોથી માંસ ન ખાવાવાળાની સંખ્યાથી ઓછી છે.

ભારત આવ્યા પછી પણ તેઓ ‘વેજીટેરિયન’ માટે લખીને મોકલતા રહ્યા. ઇંગ્લેન્ડથી ભારત પાછા આવવાનું ખૂબ જ સંક્ષિપ્ત અને મનોરંજક વર્ણન તેઓએ તેમને મોકલ્યું, જે બે હપ્તામાં તેઓએ પ્રકાશિત કર્યું હતું.

ગાંધીજી ૧૮૯૩ના એપ્રિલ મહિનામાં દક્ષિણ આફ્રિકા ગયા. આ યાત્રાએ તેમનું આખું જીવન જ બદલી નાખ્યું. દક્ષિણ આફ્રિકાની રાજનૈતિક પરિસ્થિતિ રંગભેદની નીતિના કારણે ભારતના રહેવાસીઓ માટે ખૂબ જ અપમાનજનક હતી. આવી પરિસ્થિતિએ ગાંધીજીને પક્ષપાતના વિરોધમાં ત્યાંના શાસનની સામે અને ન્યાયની દૃષ્ટિથી ભારતીયોના પક્ષમાં ઊભા કરી દીધા. તેઓ ૧૮૯૬માં થોડાક મહિનાઓ માટે સ્વદેશ આવ્યા. ત્યારે તેઓએ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં લખીને જણાવ્યું, ‘‘અખબારો દ્વારા પ્રચાર એ કદાચ અમારી હાલત સુધારવાનો સૌથી સારો ઉપાય છે.’’ તેઓએ છાપામાં છપાવવા માટે અને સમાચિત થવા માટે ‘ગ્રીન પેફલેટ’, લીલા આવરણવાળી નાની એવી પુસ્તિકા પ્રકાશિત કરી, અને આ પુસ્તિકાએ દક્ષિણ આફ્રિકામાં રહેવાવાળાની દુદર્શાની તરફ આખા દેશનું ધ્યાન આકર્ષિત કર્યું. આ પુસ્તિકા પછી ગાંધીજીએ ‘મદ્રાસ-સ્ટૈન્ડર્ડ,’ ‘હિન્દુ’ અને ‘અમૃત બાજાર પત્રિકા’માં અનેક લેખ આપ્યા. કલકત્તાથી નીકળતા ‘હિન્દી-બંગવાસી’માં પણ ગાંધીજીના તેને લગતા વિચાર ૧૮૯૬માં પ્રકાશિત થયા. આપણે તેને હિન્દી પત્રકારત્વમાં સર્વોદય પત્રકારત્વની શરૂઆત માની શકીએ.

ગાંધીજીએ ૧૮૯૩માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી. આ સંસ્થાનો ઉદ્દેશ દક્ષિણ આફ્રિકામાં ભારતીય હિતોની રક્ષા અને તેની સ્થિતિ સુધારવાનો હતો. બહુ જ ઝડપથી એ વાત સમજાવા માંડી કે, દક્ષિણ આફ્રિકાના અંગ્રેજો, બ્રિટનના રહેવાસીઓ અને ભારતના લોકોને પણ ત્યાંની ખરેખરી પરિસ્થિતિથી વાકેફ કરાવવા જોઈએ. પત્રકારત્વ તો જાણે ગાંધીજીના લોહીમાં જ હતું. તેઓએ ‘ઇન્ડિયન ઓપીનિયન’ સાપ્તાહિકનું પ્રકાશન એકસાથે ચાર ભાષાઓમાં શરૂ કર્યું. એક જ અંકમાં અંગ્રેજી, ગુજરાતી, તામિલ અને હિંદી ભાષામાં છ કોલમ રાખીને સામગ્રી પ્રકાશિત કરવામાં આવતી હતી. અંગ્રેજી ભાષા દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ભારતના અંગ્રેજ લોકોને માટે જરૂરી હતી. દક્ષિણ આફ્રિકામાં જે વેપાર કરતા હતા તે મોટેભાગે ગુજરાતી ભાષાવાળા હતા, એટલા માટે ગુજરાતીમાં પણ અંક કાઢવો જરૂરી હતો. સૌથી વધારે મુશ્કેલી દક્ષિણ આફ્રિકામાં ભારતથી બાંધી મુદત માટે જવાવાળા મજૂરોને થતી હતી, જે પરમીટ પર જવાવાળા ગિરમીટિયા કહેવાતા હતા. ગિરમીટિયા મજૂરો, કાં તો તામિલ ભાષાવાળા હતા અગર હિંદી ભાષાવાળા. આ માટે ગાંધીજીએ જરૂરી સમજ્યું હતું કે, ‘ઇન્ડિયન ઓપીનિયન’માં તામિલ અને હિંદી ભાષામાં પણ સામગ્રી આપવી જોઈએ. અખબાર શા માટે જરૂરી છે એ વાત સ્પષ્ટ કરતા તેઓએ ‘દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ’ નામના પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ‘‘મને ખ્યાલ છે કે, એવી કોઈ પણ લડાઈ, જેનો આધાર આત્મબળ હોય, તે અખબારની મદદ વિના નથી લડી શકાતી. જો તે અખબાર કાઢીને દક્ષિણ આફ્રિકામાં વસેલા ભારતીય લોકોને તેમની સ્થિતિ ન સમજાવી હોત અને આખી દુનિયામાં ફેલાયેલા ભારતીયોને દક્ષિણ આફ્રિકામાં શું – કંઈ થઈ રહ્યું છે, તેની ઇન્ડિયન ઓપીનિયન મારફત જાણકારી ન આપી હોત તો હું પોતાના ઉદ્દેશમાં સફળ ન થઈ શકત. આ રીતે મને ભરોસો થઈ ગયો છે કે, અહિંસક ઉપાયોથી સત્યના વિજય માટે અખબાર એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને અનિવાર્ય સાધન છે.’’ ગાંધીજીના આ વિચારને ઉર્દૂ કવિ અકબરે બે પંક્તિઓમાં સારી રીતે રજૂ કર્યો છે –

ખીંચો ન કમાનોં કો, ન તલવાર નિકાલો
અબ તોપ મુકાબિલ હો, તો અખબાર નિકાલો.

શસ્ત્રબળને બદલે શાસનનો મુકાબલો નિર્ભય-સત્યના ઉચ્ચારણથી જ થઈ શકે છે. ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપીનિયન’ના માધ્યમથી સર્વોદય-પત્રકારત્વની આ દૃષ્ટિ ૧૯૦૩માં જ આપણી સામે રાખી છે. ‘ઇન્ડિયન ઓપીનિયન’નો પહેલો અંક ૪ જૂન ૧૯૦૩માં નીકળ્યો અને એ પણ ત્યારે, જ્યારે તેઓએ એક પ્રેસ પણ શરૂ કર્યું. સમયસર પત્ર કાઢવા માટે પોતાનું પ્રેસ હોય તેવી વાત ગાંધીજી ચોક્કસપણે માનતા હતા. પ્રેસ નાખતા પહેલાં ગાંધીજીએ થોડું કંપોજિંગ પણ શીખી લીધું હતું અને પ્રેસમાં જે માણસોને રાખ્યા તેમાં પોતાના સહાયક સંપાદકથી લઈને દરેક સાથીને છપાઈકામ શીખવા માટે ઉત્સાહિત કર્યા હતા. મનસુખલાલ નાઝર સંપાદક અને મદનજીત ગાંધીજીના સહાયક સંપાદક હતા. મદનજીત મુંબઈના રહેવાસી હતા અને દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની સાથે રાજનૈતિક ક્ષેત્રમાં પણ તેઓએ કામ કર્યું હતું. અખબારના ઉદ્દેશો સ્પષ્ટ કરતા ગાંધીજીએ લખ્યું, ‘‘અખબારની નીતિ આ ઉપમહાદ્વીપમાં ભારતીયોનાં હિતોને લોકોની સામે પ્રગટ કરવાની છે, પરંતુ અમે કહી દેવા માગીએ છીએ કે અખબાર ફક્ત ભારતીય સમાજના અધિકારોની જ વાત નહીં કરે, તે એક મોટા અને વિશાળ સામ્રાજ્યમાં તેઓનાં શું કર્તવ્યો છે, તે દર્શાવવામાં પણ કોઈ જાતની આનાકાની નહિ કરે. અખબાર એ વાતની પૂરેપૂરી કોશિશ કરશે કે નિયતિએ જ્યારે બે મહાન જાતિઓને એક ઝંડા નીચે ઊભી કરી દીધી છે તો તેઓ એકબીજાના હિત અને સન્માનની રક્ષા કરતા કરતા, પોત-પોતાનો વિકાસ એવી રીતે કરે કે આખી માનવજાત લાભાન્વિત થઈ શકે.

ટૂંકમાં, આખા સર્વોદય પત્રકારત્વનો ઉદ્દેશ આ જ છે. કર્તવ્યોને પૂરા કરતા કરતા નિર્ભય થઈને પોતાના અધિકાર માટે લડવું એ દરેક વ્યક્તિ અને સમાજનું કર્તવ્ય છે. આ ઉદ્દેશને માટે લડતી વખતે એટલું ધ્યાન રાખવામાં આવે કે આપણે જેની સામે સંઘર્ષ કરી રહ્યા છીએ, તે કોઈ પણ કારણ માટે કેમ ન હોય, તે અમારા ભાગ્ય સાથે જોડાયેલ છે, એટલે કે, અમારું કર્તવ્ય સહજ રીતે નિભાવવું જોઈએ. આપણે તેઓની સાથે લડતા-લડતા ખુદ ઉપર ઊઠીએ અને તેઓને પણ ઉપર ઉઠાડીએ. આ રીતે બંને પક્ષો એકબીજાને આત્મીયતાપૂર્વક, મતભેદોની વચ્ચે પણ સમજવાની ઇચ્છા રાખે, પરિસ્થિતિઓને બદલવાની ઇચ્છા રાખે, તેઓને બદલે, અને આ પ્રક્રિયામાં જે પરિણામ આવે, તે આ બે પક્ષોનાં નહિ, આખા સંસારનું હિત સાધવાવાળાં હોવાં જોઈએ.

કોઈપણ સારા સમાચારપત્ર કરતાં સન્માન સાથે પ્રકાશિત થતી ‘ઇન્ડિયન ઓપીનિયન’ની સામગ્રી રહેતી. જેવી કે, (૧) સમાચાર, વાચકોની પોત-પોતાની માતૃભાષામાં. (૨) એવા સમાચાર જેનો સંબંધ વાચકોના રાજનૈતિક અને સામાજિક હિત અથવા વિરોધથી હોય (૩) માતૃભૂમિમાં થનારી મહત્ત્વપૂર્ણ ઘટનાઓની સમીક્ષા. (૪) વ્યાપાર અને ઉદ્યોગને લગતા ઉતાર-ચઢાવ અને તેની સંભાવનાઓ. (૫) સામાજિક, નૈતિક તેમ જ બૌદ્ધિક વિષયો પર દેશ અને વિદેશના મોટામોટા લેખકોના વિચાર, નિબંધ અને જીવનકથાઓ.

‘ઇન્ડિયન ઓપીનિયન’ અન્ય ભાષાઓની સાથેસાથે હિન્દીનું પહેલું વિચારપત્ર હતું. ત્યાર પછી ગાંધીજીના માર્ગદર્શનમાં જેઓએ પત્રકારત્વને સમજ્યું, તેઓએ લગભગ આ જ બધા સિદ્ધાંતોને પોતાની સામે રાખ્યા. સાપ્તાહિકપત્ર સમાચારને બદલે વિચાર ઉપર વધારે જોર આપે છે. તે જે સમાચારો ઉપર જોર આપે છે એ સમાચાર પણ મોટેભાગે કાં તો પોતાના ઉદ્દેશને અનુકૂળ અથવા ઉદ્દેશથી એકદમ વિરુદ્ધમાં જનારા સમાચાર હોય છે. કુતૂહલ, મનોરંજન અથવા ફક્ત હાસ્યવાળા વિચાર-પત્રોની સાથે ખાસ કરીને સર્વોદય વિચાર-પત્રોની સાથે મેળ નથી પડતો. વ્યંગનું તેમાં સ્થાન છે. પછીથી થોડાં સર્વોદય વિચાર-પત્રોએ વ્યંગને પોતાને ત્યાં કાયમી સ્તંભ તરીકે સ્વીકાર્યા – જેવી રીતે સેવાગ્રામ આશ્રમથી પ્રકાશિત ‘સર્વોદય’ માસિક, અને પહેલાં વારાણસી અને પછી દિલ્હીથી સાપ્તાહિક પત્ર ‘ભૂદાનયજ્ઞ’. ગાંધીજી આ વાતની તપાસ-જાણકારી પણ રાખતા હતા કે, ભારતના હિંદી છાપામાં એવી કેવી સામગ્રી છપાઈ રહી છે કે, જેનો ઉપયોગ દક્ષિણ આફ્રિકાના ભારતીયોની નૈતિક તથા ધાર્મિક ભાવનાઓને સચેત કરવા માટેની દૃષ્ટિથી કરવામાં આવતો હોય. કોઈ એક અંકમાં શ્રીરામ નરેશ ત્રિપાઠીની ‘સરસ્વતી’માંથી ઉદ્ધૃત ‘રામ’ કવિતા પણ પ્રકાશિત કરવામાં આવી હતી. આ જાણકારી બે વાતો સૂચિત કરે છે. એક તો એ કે ગાંધીજી ભારતમાં પ્રકાશિત થતી હિંદી પત્ર-પત્રિકાઓ ઉપર નજર નાખ્યા કરતા હતા, અને બીજી એ કે તેઓ ત્યાંથી એવી બાબતો જ ઉપાડતા હતા, જે ભારતવાસીઓને નૈતિક રૂપથી ઉપર ઉઠાવવામાં સમર્થ હોઈ શકે. શ્રીરામ નરેશ ત્રિપાઠીની આ કવિતાને ઉદ્ધૃત કર્યા પછી ગાંધીજીએ તેમની સાથે જીવનભર વ્યક્તિગત સંબંધ જાળવી રાખેલ – આ એમની લોકસંગ્રહ વૃત્તિને ઉજાગર કરે છે. તેઓ વિભિન્ન કામોમાં સહયોગ મેળવવાની દૃષ્ટિથી કાયમ લોકોની શોધમાં રહેતા હતા. એક સારા સંપાદકની માફક સારા લેખકો સાથે સંબંધ જોડાયા પછી શક્ય પ્રયાસે તૂટવા દેતા નહિ.

થોડા દિવસો પછી તેઓએ ‘ઇન્ડિયન ઓપીનિયન’ને માટે નિયમિત રૂપથી હિંદીમાં લખીને મોકલનારા લોકોની તપાસ પણ કરી હતી. આ સિલસિલામાં તેઓએ ૧૩ જાન્યુઆરી ૧૯૦૫માં ગોખલેને લખ્યું, ‘‘હું અંગ્રેજી, ગુજરાતી, હિંદી અને તામિલમાં મહેનતાણા વગર અગર મહેનતાણું લઈને સાપ્તાહિકમાં ટિપ્પણીઓ આપવાવાળાની શોધમાં છું.’’

દક્ષિણ આફ્રિકામાં ભારતીયોને તેમના મુખ્ય અધિકારો અપાવ્યા પછી ૧૯૧૪માં ગાંધીજી ભારતમાં આવી ગયા. ભારતની રાજનૈતિક પરિસ્થતિમાં તેઓને કોઈક અખબારનું પ્રકાશન કરવું બહુ જરૂરી જણાયું. એ દિવસોના દરેક સુધારક અને નેતા પોતાના વિચારોના પ્રચાર માટે અખબાર બહાર પાડતા હતા. રાજા રામમોહન રાયથી લઈને કેશવચંદ્ર સેન, ગોખલે, તિલક, ફિરોજશાહ મહેતા, દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, સી. ચિંતામણિ, સહુ આ રીતના વિચારકોમાં આવે છે, જેઓએ પોતપોતાનાં અખબાર કાઢ્યાં હતાં.

ગાંધીજીને અમુક અખબારોએ તેનું સંપાદકપણું સોંપવા જણાવ્યું, પરંતુ ગાંધીજીના અખબારો વિષેના પોતાના ખ્યાલોને લીધે એ વખતના ખૂબ જ પ્રસિદ્ધ અખબાર ‘બોંબે ક્રૉનિકલ’ના સંપાદક થવા માટેનો પણ અસ્વીકાર કર્યો, અને પોતે એક પાનાનું ‘સત્યાગ્રહી’ નામનું બુલેટીન કાઢ્યું. આ મુખ્યત્વે અંગ્રેજીમાં અને અંશતઃ હિન્દીમાં નીકળતું હતું. તેનું તેઓએ કોઈ ડેકલેરેશન ન આપ્યું અને તેની કોઈ કિંમત પણ ન રાખી. તેને પ્રકાશિત કરતા તેઓએ જણાવ્યું કે ‘‘અમે એ વાતની કોઈ ખાતરી નથી આપી શકતા કે, આ અખબાર નિયમિતરૂપથી નીકળ્યા કરશે. કારણ કે સંપાદકની કોઈપણ ક્ષણે ગિરફતારી થઈ જવાની આશંકા છે. પરંતુ અમે એ વાતની કોશિશ જરૂર કરીશું કે એક સંપાદકની ગિરફતારી પછી બીજા સંપાદક તેની જવાબદારી ઉઠાવતા રહે. અને અમે શક્ય પ્રયાસે ચલાવતા રહેશું, જ્યાં સુધી ‘રોલેટ એક્ટ’ પાછો ન લેવામાં આવે.’’

આ પત્રમાં મુખ્યત્વે સત્યાગ્રહના જ સમાચાર આપવામાં આવતા હતા. આખો દેશ દમનગ્રસ્ત હતો. ત્યાર પછી જલિયાંવાલાબાગ હત્યાકાંડ થયો. સરકારે જનતાને તો દબાવી જ, પણ હાર્નીમેન જેવા મોટા સંપાદકને પણ છોડ્યા નહોતા. તેઓને તો દેશનિકાલનો હુકમ થયો હતો. લોકોએ એ વખતે ગાંધીજીને ‘બોંબે ક્રૉનિકલ’ને હાથમાં લેવાની વાત કરી હતી.

‘સત્યાગ્રહી’ પછી અમુક પૈસાદાર ગુજરાતીઓની મદદથી નીકળનાર સાપ્તાહિક ‘યંગ ઇન્ડિયા’નું સંપાદન તેઓએ પોતાના હાથમાં લીધું, અને પછી તુરત જ જુલાઈ ૧૯૧૯માં તેનું ગુજરાતીમાં સંસ્કરણ ‘નવજીવન’ નામ આપીને શરૂ કર્યું. પહેલાં તે માસિકના રૂપમાં હતું, પણ તા. ૭/૧૦/૧૯૧૯થી તેને સાપ્તાહિક કરી નાખ્યું. આ સમયમાં તેઓને શંકરલાલ બેંકર તથા મહાદેવ જેવા સહયોગી મળ્યા. ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ બંને બહુ જ લોકપ્રિય થયાં. અનેક સમાચારપત્રોનું ભેગા મળીને જેટલું વેચાણ નો’તું થતું તેથી વધારે આ બંનેનું એકલાનું વેચાણ થતું. જે. સી. કુમારપ્પા પણ એ દિવસોમાં ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને તેઓએ અંગ્રેજી – ‘યંગ ઇન્ડિયા’ના સંપાદનમાં ગાંધીજીને સાથ આપ્યો. બીજા સહયોગીઓ મળવાથી ગાંધીજીએ ‘હિંદી નવજીવન’ પણ શરૂ કર્યું.

‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’ અને ‘હિંદી નવજીવન’માં અંગ્રેજી સંપાદકીય અને ટિપ્પણીઓના અનુવાદની સાથેસાથે ગાંધીજી મુખ્યત્વે ગુજરાતી અને હિંદીમાં પણ લખતા હતા. ‘હિંદી નવજીવન’માં ગાંધીજી જે મુખ્ય સામગ્રી આપતા હતા તે કમભાગ્યે અમારી નિષ્કાળજીથી ખોવાઈ ગઈ છે. હિંદી અનુવાદમાં મદદ કરનાર સજ્જન ગાંધીજીની હિંદીને બદલીને, જુદી હિંદી બનાવતા હતા અને મુખ્ય સામગ્રીને સાચવીને રાખતા ન હતા. તે એક એવી ભૂલ થઈ કે તેને સુધારવાનું અત્યારે ભગવાનના હાથમાં પણ નથી. ગાંધીજીએ આ વિચારોથી ચાલુ કરેલાં ત્રણે સાપ્તાહિકોએ પોત-પોતાનું મહત્ત્વ બનાવી રાખ્યું, કારણ કે તેમના પ્રકાશન દિવસ જુદા જુદા રાખ્યા હતા. ૩ નવેમ્બર-૧૯૩૨ના રોજ ગાંધીજીને અસહયોગના ગુના માટે ફરીથી જેલમાં પૂર્યા હતા અને જાન્યુઆરી ૧૯૩૫માં છોડ્યા હતા. એ વખતે તેઓએ નિર્ણય લીધો કે, હવે પૂનાથી અંગ્રેજી ભાષામાં શુક્રવારે, અને હિંદી ભાષામાં સોમવારે પ્રકાશિત થયા કરશે.

દરમ્યાન ગાંધીજીના મનમાં અસ્પૃશ્યતાનો પ્રશ્ન સર્વોપરી મહત્ત્વ ધારણ કરવા લાગ્યો, અને તેઓએ ત્રણે સાપ્તાહિકોનાં નામ બદલીને ‘હરિજન’ રાખી દીધાં. ગાંધીજીએ હરિજન શબ્દની વ્યાખ્યા કરતી વખતે લખ્યું કે ‘‘હું અછૂત કહેવામાં આવતા ભાઈઓને હરિજન એટલા માટે કહું છું કે તેઓને હજુ સુધી ખોટા નામથી બોલાવવામાં આવે છે. તેઓનું ખરું નામ હરિજન અથવા હરિના ભક્ત જ છે. આ નામ મેં નથી ગોતી કાઢ્યું. ઘણાં વર્ષો પહેલાં અનેક ભાઈઓએ ફરિયાદ કરી હતી કે, હું મારા લખવા-બોલવામાં ‘અસ્પૃશ્ય’ શબ્દનો ઉપયોગ કરું છું. ત્યારે મેં એ લોકોને પૂછ્યું. આ બાબતે એક અછૂત ભાઈએ તે માટે હરિજન શબ્દ દર્શાવ્યો, અને કહ્યું કે ગુજરાતના પહેલા સંત કવિ જે જ્ઞાતિમાંથી થયા હતા, તેને અછૂત કહેવામાં આવતી હતી. મને આ શબ્દ ખૂબ જ પસંદ આવ્યો. મેં વિચાર્યું કે, બધા ધર્મોમાં ભગવાનને મુખ્યરૂપથી અશરણના શરણ અને નિર્બળના બળ વગેરે કહેવામાં આવ્યા છે. આખી દુનિયામાં આપણાં અસ્પૃશ્યોથી વધારે અશરણ અને નિર્બળ બીજું કોણ છે ?’’

જ્યારે સરકારે ભારત દેશની ઇચ્છાથી વિરુદ્ધ દેશને બીજા વિશ્વયુદ્ધમાં સામેલ કરી દીધો ત્યારે ગાંધીજીએ, ‘‘ન એક પાઈ, ન એક ભાઈ’’ના નારા લગાવ્યા અને કહ્યું કે આપણો દેશ આ યુદ્ધમાં નહિ પૈસાથી મદદ કરશે, કે નહિ માણસોથી મદદ કરશે. ૧૮ ઓક્ટોબર ૧૯૩૯ના રોજ આ સાપ્તાહિકો ઉપર થોડી પાબંધી લગાવવામાં આવી, જેને લીધે તેઓ વ્યક્તિગત સત્યાગ્રહનાં ભાષણ વગેરે છાપી શકતા ન હતા. ગાંધીજીએ કહ્યું કે મારાં સાપ્તાહિકો સત્યને ઉજાગર કરવા માટે જ કાઢવામાં આવે છે, અને ક્યારેક પ્રેસની સ્વતંત્રતા ઉપર જો આ રીતે અન્યાય કરવામાં આવશે તો હું તેને સ્વીકારીશ નહીં, અને તેનો વિરોધ કરીશ. ગાંધીજીએ આ નિર્ણય એટલું સમજીને કર્યો હતો કે, અખબારોને ગમે ત્યારે બંધ પણ કરવાની જરૂર પડતી હોય છે, આથી ગાંધીજીએ ‘‘પૈદલપત્ર’’ કાઢવાની યોજના બનાવી હતી. આ પત્રિકા એક પાનની હતી અને લોકો હરતા-ફરતાં તેને વહેંચતાં હતાં.

એ દિવસોમાં માસિક પત્રિકાઓમાં, વર્ધાથી કાઢવામાં આવતા ‘સર્વોદય’ની વિશેષ પ્રતિષ્ઠા હતી. ‘સર્વોદય’ માસિક ઓગસ્ટ ૧૯૩૮માં સેવાગ્રામ આશ્રમથી પ્રકાશિત થયું. તેના સંપાદકો હતા કાકાસાહેબ અને દાદા ધર્માધિકારી. આ માસિક ઓગસ્ટ-૧૯૪૨ એટલે કે ‘ભારત છોડો આંદોલન’ની શરૂઆત સુધી એકધારું નીકળતું રહ્યું, અને તેમાં નાની નાની ટિપ્પણીઓ તેમ જ સંપાદકીય, ઉપરાંત સર્વોદય પરિવારનાં જુદાં જુદાં ઘટકો સરળ અને સુવાચ્ય ભાષામાં અપાતાં રહ્યાં હતાં. તેના લેખકો પણ ખાસ કરીને ગાંધીવિચારના જાણકાર જ રહેતા. ક્યારેક ક્યારેક તેમાં અન્ય ભારતીય ભાષાઓના પ્રસિદ્ધ વિચારકોના લેખોના અનુવાદ પણ પ્રકાશિત કરવામાં આવતા હતા. આચાર્ય ભાગવત, જાવડેકર, આશાદેવી આર્યનાયકમ, અન્નાસાહેબ, સહસ્રબુદ્ધે, શ્રીધર ધોત્રે, અને દ્વારિકાનાથ લેલે જેવા જુદાં જુદાં રચનાત્મક ક્ષેત્રોમાં કામ કરવાવાળી વ્યક્તિઓના લેખો પણ તેમાં પ્રકાશિત થતા હતા.

સર્વોદય માસિકમાં વ્યંગની પણ એક કોલમ હતી. એ સર્વોદય પત્રિકા માટે નવીન વસ્તુ હતી. તેને અત્યંત ગંભીર સ્વભાવવાળા કિશોરલાલ મશરૂવાળા લખતા હતા. આ વ્યંગ માટે તેઓએ પોતાનું ઉપનામ ‘આશ્રમ કા ઉલ્લુ’ રાખ્યું હતું. કિશોરલાલે ગુજરાતીમાં મહત્ત્વપૂર્ણ લેખનકાર્ય કર્યું છે પરંતુ ‘આશ્રમ કા ઉલ્લુ’ નામથી લખાયેલા તેમના બધા જ વ્યંગ લેખો હિંદીમાં જ લખાયેલા છે. તેને હિંદી વ્યંગ સાહિત્યનો ખજાનો ગણી શકાય. આ એક મોટી આશ્ચર્યની વાત છે કે, સર્વોદય ક્ષેત્રમાં કેટલાક લેખકો હિંદીભાષી નહિ હોવા છતાં તેઓએ હિંદીમાં ઊંડાણથી લખ્યું અને તેઓની ભાષા આપણા મોટા મોટા દિગ્ગજોની સરખામણીએ ખૂબ જ મધુર, સરળ, પ્રવાહી અને તેજસ્વી હતી.

સ્વતંત્રતા મળવાના થોડા સમય પહેલાં જ બાપુએ વર્ધા છોડી દીધું હતું. ત્યારથી હિંદી ‘હરિજન’ સંપાદનનો બધો જ બોજ કિશોરલાલ મશરૂવાળાએ ઉપાડી લીધો હતો અને તેમની મદદમાં મહિલાશ્રમના આનંદીલાલ તિવારી હતા. જો કે ૮-ઓગસ્ટ ૧૯૪૨માં ગાંધીજીની ધરપકડ પછી ‘હરિજન’ બંધ થઈ ગયું હતું અને સરકારે હુકમ કર્યો હતો કે, ‘હરિજન’ની ૧૯૩૩થી ૧૯૪૨ સુધીની બધી જ ફાઈલોને નષ્ટ કરી દેવી. સરકારનો દિમાગ આવો હોય છે. જ્યાં જ્યાં શક્યતા જણાય ત્યાં સરકારે ‘હરિજન’ની નકલોને શોધી અને ‘હરિજન’ની બધી ફાઈલો, પત્રકો તથા વિવિધ લખાણો અને સરકારને નહિ વાંચવાયોગ્ય લાગેલાં પુસ્તકોને બાળી દેવામાં આવ્યાં. આ વખતનો કારાવાસ ગાંધીજીને માટે અનેક દૃષ્ટિઓથી ખૂબ જ મોટા મોટા આઘાતો પહોંચાડનારો સાબિત થયો. આ અવધિમાં તેઓના સહયોગી મહાદેવભાઈ દેસાઈ જતા રહ્યા, તેમ જ એ જ અવધિમાં કસ્તૂરબા પણ ચાલ્યાં ગયાં.

જેલમાંથી ૧૯૪૪માં છૂટ્યા પછી ગાંધીજીએ ફરી વાર સાડાત્રણ વર્ષ પછી ‘હરિજન’ કાઢવાનું શરૂ કર્યું. હવે તેમાં મુખ્યત્વે દેશની અન્ય સમસ્યાઓ ઉપર લખવામાં આવતું. ગાંધીજીએ સરકારને કહ્યું કે, શાંતિના સમયમાં અન્ન મોરચે એવી રીતે કામ કરવું જોઈએ જેવી રીતે યુદ્ધના મોરચે કરવામાં આવે છે. ત્યારથી ‘અૉન વાર ફુટીંગ’ શબ્દો વારંવાર સંભળાવા લાગ્યા. વધારે અન્ન ઉત્પન્ન કરવા માટે ગાંધીજીએ લોકોને સરકારને દરેક પ્રકારનો સહયોગ કરવાની અપીલ કરી અને સરકારે પોતાની નાવ ડૂબતી જણાતાં આ મહાન વિદ્રોહી સાથે હાથ મેળવાની કોશિશ કરી. ગાંધીજીએ એલાન કર્યું કે, જ્યાં પણ કોઈ ખાલી જમીન હોય તેમાં વાવેતર કરીને અન્ન ઉગાડો, તેમ જ શોખનાં ફૂલો ઉગાડવાનો ખેલ પૂરો કરો. મુગલગાર્ડન વગેરે ગુલાબના બગીચાઓનો તેઓએ વિશેષરૂપથી ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ જમીનમાં હજારો લોકોને ખાવાલાયક ધાન પેદા કરી શકાય. તેઓએ સરકારી ઉત્સવો અને પાર્ટીઓ વગેરેને તાત્કાલિક બંધ કરવા માટે પણ પોતાનો મત જણાવ્યો.

તેઓએ જનતાને પણ કહ્યું કે, જો આપણે સાવધાનીથી કામ કરીએ તો સરકારની મદદ વિના પણ કંઈક કરીને દેખાડી શકીશું. તેઓએ એ પણ કહ્યું કે કપડાં, વગેરેની અછતથી આપણે ભયભીત ન થવું જોઈએ અને મરણ આવ્યા પહેલાં મરવાનો ઇન્કાર કરવો જોઈએ. તેઓએ મિતાહાર ઉપર પણ ખૂબ જ ભાર આપ્યો.

આ સમયે ગાંધીજીએ માછલીનું ઉત્પાદન વધારવાનો પણ અભિપ્રાય આપ્યો અને કહ્યું કે જીવનમાં હિંસાનો અંશ તો પડેલો જ છે. જેઓ માછલી નહિ ખાવાની વાત હિંસાના આધાર પર કરે છે, તેઓએ વિચારવું જોઈએ કે, આ બીજા પ્રકારની હિંસા છે. પંરતુ જેઓ નથી ખાતા તેઓ પણ શરૂ કરી દે, એવો પણ તેનો અર્થ નથી. તેઓએ કષ્ટ ભોગવવું જોઈએ, મિતાહાર કરવો જોઈએ, ખોરાક જરા પણ બગાડવો ન જોઈએ, અને એકેએક ઈંચ જમીનનો ઉપયોગ કરવો જોઈએ.   

ગાંધીજી એપ્રિલ-૧૯૪૭માં દિલ્હી ચાલ્યા ગયા અને પછી ત્યાંથી હિંદુ-મુસ્લિમ તોફાનોની ખબર મળતાં બંગાળ ગયા, જેથી ૧૨-જૂન ૧૯૪૭ સુધી તેઓ ‘હરિજન’માં કંઈ લખી ન શક્યા. ત્યાર પછી દિલ્હીમાં તેઓના પ્રાર્થના-પ્રવચન ‘હરિજન સેવક’માં છપાવા માંડ્યાં અને અનુવાદ અંગ્રેજી સંસ્કરણમાં. એ વખતે પ્યારેલાલજી નોઆખલીમાં હતા. અન્ય સહયોગીઓ પણ એ રીતે કોમી અશાંતિ દૂર કરવામાં લાગેલા હતા. ગાંધીજીએ કીધું કે આવા સમયે લખવા બેસી જવું એક પાગલપણું છે. એટલે કે ગાંધીજી એવું લખવાને મહત્ત્વ આપતા હતા કે જે સમાજને માટે હિતકારી સાબિત થઈ શકે. જુલાઈ-૧૯૪૭માં ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને લખ્યું કે, હવે ‘હરિજન’ વગેરે અખબરો બંધ કરી દેવાં જોઈએ, એવું મને લાગે છે. સરકાર આવા સમયે તમારા લોકોના હાથમાં છે. મારે તેમના વિરોધમાં કંઈ ન કરવું જોઈએ. મારું મન સરકારનાં કામોની સાથે નથી. જો અખબાર ચાલુ રખાશે તો હું સરકારની વિરૂદ્ધમાં લખીશ. પોતાના વાચકોને સંબોધિત કરતા તેઓએ કીધું કે આપણે અંગ્રેજોની ગુલામીથી મુક્ત થઈ રહ્યા છીએ, એટલે અમારાં સાપ્તાહિકોની જરૂરિયાત નથી રહેતી. છેવટના દિવસોમાં તેઓ ખૂબ જ ઓછું લખવા માંડ્યા હતા. મોટાભાગે તેમાં તેઓનાં પ્રાર્થના-પ્રવચન જ લખતા હતા. તેઓએ વાચકોને પણ અખબાર ચાલુ રાખવા-બંધ કરવા બાબતમાં પૂછ્યું હતું.

ગાંધીજીએ કહ્યું હતું કે મારું જીવન એ જ મારો સંદેશ છે. તેઓનું જીવન પૂરું થઈ ગયું પછી જે નાના નાના લોકો રાજનીતિથી દૂર હતા તેઓએ સંદેશને ઉપાડી લીધો. ઓગસ્ટ ૧૯૪૯માં ફરીવાર ‘સર્વોદય’ માસિકનું પ્રકાશન શરૂ થયું. તેના સંપાદક હતા વિનોબા અને દાદાધર્માધિકારી. આ માસિક અખબારે બધા જ રચનાત્મક કાર્યકર્તાઓને તેઓની અભૂતપૂર્વ તાકાતનો પરિચય કરાવ્યો. ગાંધીજીના બધા જ રચનાત્મક કાર્યક્રમોને લીધે ફરીવાર દેશ આખામાં શરૂ થઈ ગઈ. આ સમજાવવા તથા આગળ ધપાવવા અગાઉથી જ અમુક પત્રિકાઓ નીકળતી હતી. સેવાગ્રામથી ‘ખાદી જગત’ તો નીકળતું જ હતું. અને ત્યાંથી જ ગાંધીજીની કલ્પનાનું શિક્ષણ ‘નઈ તાલીમ’ના પ્રચાર કરવાની એ જ નામવાળી પત્રિકા પણ માર્ચ ૧૯૪૩થી નીકળી રહી હતી. તેની સંપાદિકા આશાદેવી આર્યનાયકમ હતાં. આશાદેવીનો ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુર અને શાંતિનિકેતન સાથે ઘનિષ્ઠ સંબંધ રહ્યો હતો. જેને લીધે ‘નઈ તાલીમ’માં, સર્વોદયની અન્ય પત્રિકાઓની સામે સૌંદર્ય-બોધના વિશેષ ચિહ્નો ઉભરેલા જણાતા હતાં. આશાદેવીને તેના કામોમાં રાધાકૃષ્ણ અને દેવીપ્રસાદ જેવા લાગણીવાળા અને બુદ્ધિમાન સહયોગીઓની શક્તિ પણ મળી હતી. ‘નઈ તાલીમ’ના અંકો આજે પણ વિષય, ભાષા અને સાજ-સજાવટની દૃષ્ટિએ આપણો આદર્શ બની શકે છે.

વર્ધાથી નીકળનારી ત્રિમાસિક ‘મહિલાશ્રમ પત્રિકા’નો ઉલ્લેખ પણ આ જગ્યાએ કરી દેવો વ્યાજબી ગણાશે. ‘મહિલાશ્રમ પત્રિકા’ સ્ત્રી-શિક્ષણના સંબંધમાં વર્ધાની પ્રસિદ્ધ સંસ્થા મહિલાશ્રમની મુખ્ય પત્રિકા કહેવાતી હતી. પરંતુ વચમાં સર્વોદય માસિક બંધ થઈ જવાને લીધે તેનું પ્રકાશન જરૂરી માનવામાં આવ્યું હતું. આને લીધે આ પત્રિકા મુજબ મુખ્ય રૂપથી સંપૂર્ણ સર્વોદય વિચારની પત્રિકા બની રહી. અવશ્યપણે તેમાં નારી જાગરણને લગતી સામગ્રી વધારે રહેતી હતી, વિનોબા અને દાદા ધર્માધિકારીના નારી-જાગરણને લગતા લેખો તેમાં પ્રકાશિત થયા, તેને પછીથી પુસ્તકોના રૂપમાં સંગ્રહિત કરવામાં આવ્યા. આ પત્રિકાના લેખકોમાં સર્વોદય માસિકના લેખકો ઉપરાંત હિંદીના ખ્યાતનામ લેખકો પણ તેમાં લખવા માંડ્યા હતા. તેના પહેલા સર્વોદય પત્રિકાઓમાં કવિતાઓનું પ્રકાશન થતું ન હતું. એકાદવાર ‘સર્વોદય માસિક’માં શિયારામશરણ ગુપ્તની કવિતા ખરેખર પ્રકાશિત થઈ હતી. ‘મહિલાશ્રમ પત્રિકા’એ મૌલિક કવિતાઓની સાથે સાથે રવીન્દ્રનાથની થોડી એવી લાંબી કવિતાઓના હિંદી અનુવાદ પણ પ્રકાશિત કર્યા, જે હિંદીમાં તો શું, બીજી કોઈ ભારતીય અથવા બહારની ભાષામાં પણ પ્રકાશિત થયા ન હતા. દુનિયાના બીજા નવા અને જૂના લેખકો અને કવિઓ કે જેના વિચારો સર્વોદય પરિવાર સાથે અંતર્ગત હોય તે આ ત્રિમાસિકના માધ્યમથી પ્રકાશિત થયા. વિનોબાના ત્યારના સચિવ દામોદરદાસ મુંદડાની વિશેષ પ્રેરણાથી મહિલાશ્રમે તેનું પ્રકાશન શરૂ કર્યું હતું. અનેક કારણોને લીધે આ પત્રિકા ત્રણ વર્ષ નીકળીને બંધ થઈ હતી.

બાપુના નિધન પછી સેવાગ્રામે સર્વોદય કાર્યકર્તાઓ અને વિચારોનું એક સંમેલન કર્યું હતું, જેમાં ભારતના તે વખતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર-પ્રસાદ તથા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ પણ સામેલ હતા. આ અધિવેશનમાં સર્વ સેવા સંઘની સ્થાપનાની સાથે એ વિચાર પણ આગળ કરવામાં આવ્યો કે, સર્વોદય વિચારને આખા દેશમાં ફેલાવવા માટે તેને માટેની પત્ર-પત્રિકાઓ અને સાહિત્યની જરૂરિયાત પહેલાં કરતાં પણ આશા વધી ગઈ છે. પહેલાં એકલા ગાંધીજીના સાપ્તાહિક દ્વારા ભારતભરમાં સર્વોદય વિચારસરણી અંગેની ગતિવિધિયોનો પ્રચાર-પ્રસાર અંગ્રેજી, ગુજરાતી અને હિંદી ભાષાથી કરવામાં આવતો હતો. તેઓના જતા રહ્યા પછી ‘હરિજન’ સાપ્તાહિકના ત્રણે સંસ્કરણો એટલા લોકપ્રિય રહ્યા નહિ. પછીથી જુદી જુદી પ્રાદેશિક ભાષાઓનું મહત્ત્વ પણ વધવા માંડ્યું હતું.

૧૯૫૧ના માર્ચ મહિનામાં સેવાગ્રામમાં ‘તાલીમ સંઘ’નું સાતમુ અધિવેશન ભરાયું હતું. ત્યાં દેશભરના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. બધાએ વિનોબાજીને હૈદરાબાદમાં ‘સર્વ સેવા સંઘ’ના ત્રીજા વાર્ષિક અધિવેશનમાં આવવાનો આગ્રહ કર્યો અને તેઓએ નિશ્ચય કર્યો કે તેઓ હૈદરાબાદ જવા માટે ૭ માર્ચથી પૈદલ યાત્રા શરૂ કરશે. આ યાત્રા એક ઐતિહાસિક યાત્રા બની રહી. વિનોબા શિવરામપલ્લીના સર્વોદય સંમેલન પછી હૈદરાબાદની જેલમાં એવા કમ્યુિનસ્ટ આંદોલનકારીઓને મળવા ગયા, કે જેઓ હિંસાનો સહારો લઈને ગામડાંના ભૂમિહીનોને ભૂમિ અપાવવાના પ્રયત્ન કરતા હતા. વર્ધાથી શિવરામપલ્લી સુધીની યાત્રાએ તેમના મનમાં ભારતના ભૂમિહીન લોકોની હાલત માટે ખૂબ જ ઊંડાણ સુધી ચિત્રિત કરી દીધા હતા. તેઓ રસ્તામાં આવતા દરેક ગામમાં ભાષણ કરતા હતા. એ ભાષણો, દામોદરદાસ મુંદડા વિવરણ સાથે લિપિબદ્ધ કરાવીને ‘હરિજન સેવક’માં પ્રકાશિત કરતા હતા. પત્રકારત્વના દૃષ્ટિકોણથી એ બધા લેખો હિંદીમાં અનોખો ખજાનો છે.

હૈદરાબાદથી પાછા ફરતા ૧૮ એપ્રિલ ૧૯૫૧ના રોજ વિનોબા પોચમપલ્લી નામના ગામમાં પહોંચ્યા. ત્યાં સાંજના તેઓએ રાબેતા મુજબ સભા કરી. આ ગામ સામ્યવાદીઓનો ગઢ હતો. સભા પૂરી થતા થોડા લોકોએ ઊભા થઈને જણાવ્યું કે, અમને લોકોને જમીન અપાવો. જમીન અપાવવા માટેનું હિંસક આંદોલન વિનોબાની ચિંતાનો વિષય બનેલો જ હતો. તેઓ તેનો પ્રતિકાર તો પ્રેમપૂર્વક જમીન અપાવીને જ કરી શકે તેમ હતા. આ માટે તેઓએ સભામાં ભેગા થયેલા લોકોને પૂછ્યું, અહીં કોઈ એવી વ્યક્તિ નથી જે પોતાની ઇચ્છાથી ભૂમિહીનોને જમીન આપી શકે ? વિનોબાએ ૮૦ એકર જમીનની માંગણી આ સભામાં ઊભી કરી. વિનોબાનું એટલું જ કહેવાનું હતું. ત્યાં તો એક લાંબા ખડતલ શરીર ભવ્ય આકૃતિવાળા યુવાને ઊભા થઈને જણાવ્યુ કે હું હરિજનભાઈઓને ૫૦ એકર તૈયાર જમીન અને ૫૦ એકર પડતર જમીન આપી શકું છું. બસ ! અહીંથી જ ભૂદાનગંગાનો સ્રોત ફૂટી નીકળ્યો. આ અહિંસક ક્રાંતિને દેશભરમાં ફેલાવવાને માટે જુદી જુદી જગ્યાઓથી સર્વોદયવિચારની પોષક વ્યક્તિઓ અને સંસ્થાઓએ અખબાર-પત્રિકઓ કાઢવાનું શરૂ કરી દીધુ. દેશના બધા રાજ્યોની ભાષાઓમાં પત્રિકાઓ નીકળી. બધાથી વધારે પત્રિકાઓ કદાચ હિંદીમાં જ નીકળી. આમાં સર્વ સેવા સંઘ વારાણસીથી પ્રકાશિત પત્રિકા ‘ભૂદાનયજ્ઞ’એ સૌથી વધારે જહેમતથી આ વિચારને ફેલાવ્યો. આ પત્રિકાએ આચાર્ય રામમૂર્તિ જેવા સંપાદક અને નારાયણ દેસાઈ અને પ્રભાષ જોષી, કુમાર પ્રશાંત, શ્રવણકુમાર વગેરે પત્રકારો પણ હિંદી જગતને આપ્યા.

રચનાત્મક કાર્યક્રમને લગતી જે પત્રિકાઓ પહેલેથી નીકળતી હતી, તે તો નીકળતી રહી. ભાષાશૈલીના વિચારથી કાકાસાહેબનું ‘મંગલ પ્રભાત’ એક ખૂબ જ ઉલ્લેખનીય અખબાર રહ્યું છે. તે વર્ષો સુધી વર્ધાથી નીકળતું રહ્યું. ત્યારે અમૃતલાલ નાણાવટી તેનું બધું કામ સંભાળતા હતા. કાકા સાહેબનાં પોતાનાં લખાણથી ઉપરાંત તેમાં રેહાનાબહેન તૈયબજીના લેખો જે ‘સુનિયે કાકાસાહેબ’ના મથાળાથી પ્રકાશિત થતા હતા, જે પોતાની વાતચીતની શૈલીમાં તત્ત્વની વાત કરવાની દૃષ્ટિથી અનુપમ છે. કુમારી રેહાના તૈયબજીની ઉર્દૂ, ફારસી, અંગ્રેજી, ફેંચ, ગુજરાતી તથા મરાઠી ભાષામાં અદ્દભુત પકડ હતી. તેના લખાણમાં જે પ્રવાહ અને સરળતા દેખાય છે, તે કોઈ પણ ભાષાને માટે ગૌરવની બાબત હોઈ શકે છે.

જે પત્ર-પત્રિકાઓએ ‘સવોદર્ય’ હિંદી પત્રકારત્વને સંપન્ન બનાવ્યું છે તેની સંખ્યા ખૂબ જ મોટી છે. હિંદી રાજ્યોના લગભગ દરેક નાનામોટા નગર જ નહીં, કસ્બાઓમાંથી પણ સર્વોદય વિચારને લગતાં અખબારો નીકળ્યાં એ બધાનો પરિચય આપવો સંભવ નથી. પરંતુ તેમ છતાં એ બધાની બાબતે થોડીક સર્વ-સાધારણ વાત કરી શકાય. એ બધી જ પત્ર-પત્રિકાઓ મેદાનમાં એટલા માટે ઊતરી કે, તેઓને કોઈ કર્તવ્ય પૂરું કરવાનું હતું. તેઓએ જાણે કેટલાંયે ગર્વોન્મત્ત માથાઓને વિનયથી ઝૂકતા શીખવાડ્યું છે, અને કેટલાયે દીન-હીન મનોને હિમાલયના કોઈ શિખરની જેમ ઊંચા કરી દીધા છે. આ પત્રિકાઓના સંપાદકો અથવા સંચાલકોએ કોઈ દિવસ પોતાના વ્યક્તિત્વને ઉછાળ્યું નથી. કાયમી એ વિચારોને જ પ્રકાશિત કર્યા જેનાથી સ્વયં તેઓના વ્યક્તિત્વ દેખાયાં. આ બધા અખબારોમાં ઉદ્દેશની ઉચ્ચતા, વિશ્વાસની દૃઢતા, ભાષાની સરળતા અને સત્યને જેવું હોય તેવું જાહેર કરવાની ઇચ્છા પ્રતિબિંબિત થાય છે. આવાં ગુણો હોવા છતાં પણ આર્થિક દૃષ્ટિએ સફળ થઈ શકતાં નહીં.

ફક્ત એક જ સર્વોદય પત્રિકા એવી છે જે આર્થિક કારણોથી નહિ પણ સૈદ્ધાંતિક કારણોથી બંધ થઈ, તે છે સર્વ સેવા સંઘનું સાપ્તાહિક ‘ભૂદાન-યજ્ઞ’. શાસનના વિરોધમાં આંદોલન કરવામાં આવે કે ન આવે, આ બાબતે સર્વ સેવા સંઘમાં મતભેદ થયા. સર્વ સેવા સંઘ ગાંધીજીના પ્રજાતંત્રને માનવાવાળુ સંગઠન છે. તેનો નિયમ છે, કોઈ પણ કામ સંઘના નામથી ત્યાં સુધી ન કરવામાં આવે જ્યાં સુધી તે અંગે સર્વાનુમતિ પ્રાપ્ત ન થાય. કદાચ એક પણ વ્યક્તિ કોઈ એક પગલાને ઉપાડવાના વિરોધમાં હોય, તો એ પગલુ સંઘના નામે ન ઉપાડી શકાય. શાસનના વિરોધમં જયપ્રકાશજીએ જે આંદોલન ચલાવ્યું હતું, તેને લીધે સર્વ સેવા સંઘમાં મતભેદ હતા. આ માટે એ નક્કી થયું કે, તેના મુખપત્રને બંધ કરી દેવું જોઈએ, જે લોકો પોતાની રીતે આંદોલનના પક્ષમાં હોય તેઓ પોતાની અંગત હેસિયતથી તેમાં કામ કરે. ‘ભૂદાનયજ્ઞ’ જે પહેલાં ભૂદાન આંદોલનનું ચિત્ર દર્શાવતું હતું, તે નવા આંદોલનનું ચિત્ર દર્શાવવા લાગ્યું હતું. વિનોબાએ આધ્યાત્મિક કારણોને લીધે મૌન સાધના માટે એક વર્ષનો સમય નક્કી કર્યો હતો. એવું નક્કી થયું કે, પહેલા વર્ષ સુધી સર્વસેવા સંઘ પણ મૌન રહે, અને તેનું મુખપત્ર પણ બંધ રહે.

પત્રકારત્વના ચરિત્ર અને નિર્વિકાર આત્માનું નામ લેતાં જ વિનોબાના બ્રહ્મવિદ્યામંદિરથી પ્રકાશિત થનારી નાની એવી માસિક પત્રિકા ‘મૈત્રી’નું નામ મનમાં એકદમ ચોંટી જાય છે. આ પત્રિકાની અનેક ખૂબીઓ છે. તેનો બ્રહ્મવિદ્યામંદિરમાં પોતાનું નાનું એવું પ્રેસ છે. આ કામ કરવાવાળી બધી બહેનો વિનોબાના આશ્રમમાં રહીને સાધના કરે છે. આશ્રમમાં પૈસા આપીને એક પણ મજૂર રાખવામાં આવતો નથી. અન્ન, ફળ, વસ્ત્ર, પુસ્તકો અને પત્રિકા, બધાંનું ઉત્પાદન આશ્રમવાસીઓ કરે છે. પત્રિકાનો પહેલો અંક ૧૨ ઓક્ટોબર ૧૯૬૩ના પ્રકાશિત થયો હતો. પત્રિકાને કાઢવામાં ક્યારે ય એક દિવસનું પણ મોડુ થતું નથી. સંપાદન, કંપોઝીંગ, પ્રુફ રીડીંગ અને છપાઈ તથા રવાનગી અને તેના હિસાબ વગેરેનું બધું જ કામ આ બહેનો કરે છે. સામગ્રી સહજપણે જ સંપૂર્ણતાની પ્રતીતિ કરાવે છે, અને તેમાં પત્રકારત્વના એ બધાં ગુણ છે જે ગાંધીજીના પત્રકારત્વના આદર્શ હતા, વિષયોની સુરુચિ સાથે સમાન રીતે આકલન, દૃષ્ટિના સત્ય, પ્રેમ, કરુણા અને તેની રજૂઆતમાં સર્વભૂતહિત રક્ષાની કામના અને સાવધાની. આ પત્રિકાને નીકળ્યાને બાવન વર્ષ (એક યુગ) થઈ ગયા છે. આ એકલી પત્રિકા હિંદી સર્વોદય પત્રકારત્વના એક યુગને પ્રતિબિંબિત કરે છે.

ગાંધીજીએ પત્ર-પત્રિકાઓ માટે અમુક આદર્શ રાખ્યા હતા. તેઓ ઇચ્છતા હતા કે, દેશની બધી પત્ર-પત્રિકાઓ આ આદર્શને પાળીને કઢાય, અને જ્યારે તેમને લાગ્યુ કે, કોઈ કારણોથી આ આદર્શ નિભાવવા મુશ્કેલ પડી રહ્યા છે, તો ત્યારે તેને બંધ કરી દેવી જોઈએ, તેઓ જે બાબતોને પત્ર-પત્રિકાઓ માટે અનિવાર્ય માનતા હતા, તેમાં સૌથી પહેલી વાત તો એ હતી કે તેમની સામે કોઈ ઉદાત્ત ધ્યેય હોવો જોઈએ. કેવળ મનોરંજન અથવા પૈસા કમાવાની દૃષ્ટિએ પત્ર-પત્રિકાઓ કાઢવી અવાંછનીય છે. કોઈ સમાજ, સંગઠન અથવા દેશના વિરોધમાં દ્વેષ ફેલાવવાના વિચારથી પણ પત્ર-પત્રિકાઓ નહિ કાઢવી જોઈએ.

ગાંધીજી, મનઘડંત, દ્વેષપૂર્ણ અને ચરિત્રહનન કરવાવાળા પત્રકારત્વના જબરદસ્ત વિરોધી હતા. તેઓ તલનું તાડ બનાવવાના પણ વિરોધી હતા. ખબરને સમયથી વહેલાં ફેલાવવાને પણ તેઓ ગેરવ્યાજબી સમજતા હતા. આજના પત્રકારત્વમાં ઘટના બને તે પહેલાં તેને પ્રકાશિત કરી દેવી, તેને બહુ મોટી બાહોશી ગણવામાં આવે છે. સંવાદદાતાઓનું કહેવું છે કે, ‘પ્રેસ લીવ બાઈ ડિસ્કલોઝર’. ગાંધીજીએ ઘણીવાર મોટા મોટા રહસ્યોને જાણીને પણ પોતાના સુધી જ રાખ્યા. તેમનું કહેવું હતું કે, જેને જેટલી વધારે શક્તિ છે તેઓએ તેટલા વધારે સંયમ દાખવવો જોઈએ. પત્ર-પત્રિકાઓ દેશના શાસનથી પણ વધારે શક્તિશાળી છે, એટલા માટે તેઓએ પોતાની શક્તિનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો જોઈએ. આપણે જે પણ કહીએ, સમજી-વિચારીને કહેવું જોઈએ. સરળ અને પ્રાંજલ શૈલીમાં કહીએ, નિર્ભય થઈને કહીએ.

(પ્રતિશ્રુતિ પ્રકારપી, કોલકતાથી હાલમાં જ પ્રકાશિત પુસ્તક ‘કુછ નીતિ કુછ રાજનીતિ’ના એક મોટા અધ્યાય સર્વોદય પત્રકારત્વનો સંક્ષિપ્ત સંપાદિત અંશે.)

(સાભાર : “ગાંધીમાર્ગ”માંથી)

વિશેષ નોંધ :

સર્વોદયના પત્રકારત્વમાં આપણું આ પાક્ષિક ભૂમિપુત્રનો પ્રથમ અંક તા. ૧૧/૯/૧૯૫૩ (વિનોબા જન્મદિન)ના રોજ પ્રગટ થયો હતો. વિનોબાજીએ ૧૯૫૧માં ભૂદાન પદયાત્રા શરૂ કરી તેની સાથે ગુજરાતમાં પણ ભૂદાનયાત્રાઓ શરૂ થઈ. આ વખતે વિનોબા અને તેમની ભૂદાનયાત્રા અને કામનો પરિચય લોકોને મળી રહે તેવા આશયથી પ્રબોધભાઈ ચોક્સી અને નારાયણભાઈ દેસાઈએ તેની શરૂઆત કરી. ભૂમિપુત્રનો આઠ પાનનો પહેલો અંક તૈયાર થાય તે પહેલાં જ ૨,૭૧૩ ગ્રાહકો નોંધાઈ ચૂક્યા હતાં. ગ્રાહકોની સંખ્યા ઉત્તરોત્તર વધતા ૧૯૬૯(ગાંધી શતાબ્દિ વર્ષ)માં ૨૭,૦૦૦ જેટલી હતી અને હાલ ગ્રાહકોની સંખ્યા ૩,૫૦૦ જેટલી રહી ગઈ છે. ભૂમિપુત્ર શરૂઆતમાં અમદાવાદથી છપાતું હતું. અને ત્યારબાદ તરત જ વડોદરાથી જ છપાય છે. ૧૯૭૫ની કટોકટીના કપરા સમય દરમ્યાન સરકારી રોક સામે ભૂમિપુત્રે સત્યની જ્યોત જલતી રાખવા છુપી જગ્યાએ પણ તેનું છાપકામ કરીને તેનું વિતરણ ચાલુ રાખ્યું હતું. ભૂમિપુત્ર ૬૨માં વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. હાલ આ પાક્ષિક સર્વોદયના ગાંધી-વિનોબાના વિચારોને આધારે તેમાં અધ્યાત્મની સાથે સાથે જમીન બચાવ, પર્યાવરણ બચાવ, સજીવ ખેતી, કોમી એખલાસ, માનવ હક્ક તેમ જ અસ્પૃશ્યતાને લગતા પ્રશ્નો-ઉકેલોને વાચા આપવા યથાશક્તિ પ્રયત્ન થાય છે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”, વર્ષ 62; અંક 21 – 22; 16 જુલાઈ 2015 (પૃ. 12-15) તથા 01 અૉગસ્ટ 2015 (પૃ. 09-11)

‘ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર’ “ભૂમિપુત્ર” 62 વર્ષથી સતત વડોદરાથી પ્રગટ થઈ રહ્યું છે. દર માસની તારીખ 01 અને 16મીએ પ્રસિદ્ધ થતા આ સામયિકનું ભારત માટે વાર્ષિક લવાજમ રૂ. 150 છે. ત્રિવાર્ષિક રૂ. 425 છે. પંચવાર્ષિક રૂ. 700 છે. આજીવન અનામત રૂ. 1,500. જ્યારે વિદેશ માટે વાર્ષિક લવાજમ (અૅરમેલ) રૂ. 1,000 છે. લવાજમની રકમ મનીઅૉર્ડર, ડૃાફ્ટ કે એટ પારના ચેક દ્વારા અથવા યજ્ઞ પ્રકાશન સમિતિના દેના બેંક, મંગળ બજાર, વડોદરાના ખાતા નંબર 0588 10001978માં પણ જમા કરાવી શકાય છે. ચેક / ડૃાફ્ટ ‘યજ્ઞ પ્રકાશન સમિતિ’ના નામનો મોકલવો. સંપર્ક : Yajna Prakashan Samiti, Huzaratpaga, VADODARA – 390 001. Telephone : 0265 – 2437957.

Loading

11 September 2015 admin
← Killing a Rationalist: Silencing Reason
Controlling Thought and Food Habits →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved