કાળાં નાણાંની જનની કરચોરી કે ધનલોલુપતા?
આજકાલ ભારતમાં ‘વિદેશી બેંકોમાં મુકાયેલાં કાળાં નાણાં જનતાને ક્યારે મળશે?’ એવા સવાલો સરકારી તંત્રને પુછાઈ રહ્યા છે. હવે માનનીય મોદી સાહેબ એનો જવાબ ક્યાંથી આપે? કોઈ વસ્તુ ક્યાં છે તે ખબર હોય તો શોધીને પાછી આણી શકાય, પણ જેના સગડ ન હોય તેવી જણસ લાવવી એ તો અસંભવ છે.
ચર્ચાએ ચડેલ આ વિષય પર વિચાર કરતાં સવાલ થયો કે ભાઈ, નાણાંને તે કોઈ રંગ હોતો હશે? તાંબા વર્ણ અને ચાંદી જેવા વર્ણના સિક્કા ચલણમાં છે, પણ કાળા – ધોળા રંગનું નાણું ક્યાં ય અસ્તિત્વમાં હોય તેવું જાણ્યું નથી. જો જો, હો ભાઈ, કોઈ એમ ના કહેશો કે નાણાં એમ તો લીલા, ભગવા, સફેદ કે લાલ રંગના હોય છે! ચાલો સ્વીકારીએ કે બેહિસાબી નાણાંને કાળું નાણું કહેવામાં આવે છે તો બીજો પ્રશ્ન એ ઊઠે કે આનો ઉદ્દભવ ક્યાં અને ક્યારે થયો હશે? આ અનિષ્ટનું મૂળ શોધતાં લાગ્યું કે કાળાં નાણાંની જનની કરચોરી, તેની જનની ધનલોલુપતા, તેની જનની ભૌતિક સંપત્તિનો મોહ, તેની ય જનની દુન્યવી સાધનોમાં સુખને ભાળવાની દ્રષ્ટિ, તેની જનની ……… આમ કેટલી પેઢીનો આંબો બનાવીશું?
કહે છે કે છેલ્લા બાર પંદર વર્ષમાં ભારતમાં કમાણી કરીને જમા કરેલી સંપત્તિમાંથી લગભગ 500 બિલિયન ડોલર જેટલું ધન વિદેશી બેંકોમાં જતું રહ્યું છે. આ હકીકત બે ત્રણ વાતો ઉઘાડી પાડે છે, એક તો એ કે ભારતમાં કરવેરાની વ્યવસ્થા નબળી છે. એક અંદાજ મુજબ દેશની કુલ વસતીના માત્ર 3% લોકો કરવેરા ભરે છે જેનો અર્થ એ હોઈ શકે કે કાં તો મોટા ભાગના લોકો કરવેરા ભરવા જેટલું નાણું કમાતા નથી અથવા કર ચોરી કરે છે. એટલે કે દેશમાં એવા અને એટલા વ્યવસાયો ઉપલબ્ધ નથી જેમાં કમાનાર તેના કુટુંબનું ભારણપોષણ કરવા જરૂરી હોય તેટલી રકમ બાદ કરતાં વધે તેવી રકમ ફાળવી શકે. અને બીજો અર્થ એ પણ થઈ શકે કે સારી એવી સંખ્યા કરચોરી કરે છે. પ્રથમ સ્થિતિ સમગ્ર અર્થવ્યવસ્થા કેવી ખોખલી છે તે દર્શાવે છે અને બીજી સ્થિતિ નીતિમત્તાનાં નબળા ધોરણનો ખ્યાલ આપે છે. બંને સ્થિતિ શરમજનક છે.
કાળાં નાણાંના સંદર્ભમાં જોઈએ તો ધોળું નાણું કાળું કેમ બને? કાયદેસરના નોકરી-ધંધા કરનાર માણસ સરકારે નક્કી કરેલ ધોરણ પ્રમાણે પોતાની આવકમાંથી આવકવેરો અથવા વેચાણવેરો ભરે તો બાકી રહેલી તેની આવક અને બચત ધોળું નાણું ગણાય અને કરચોરી કરી જમા થયેલ રકમ કાળું નાણું બને એવી મારી સાદી સમજ છે. એટલે જ કાળા નાણાંની જનની કરચોરી છે એમ કહી શકાય. માણસ શા માટે કરચોરી કરતો હશે, ભલા? પોતાની આવકમાંથી કુટુંબનું ભરણપોષણ થઈ જાય તેનાથી તેને કે તેના કુટુંબીજનોને સંતોષ ન રહે ત્યારે વધુ કમાણી કરવાના માર્ગ શોધવાને બદલે કરચોરી કરીને એ ધનથી મોજ-શોખની વસ્તુઓ વસાવીને પોતાને મધ્યમમાંથી ઉચ્ચ મધ્યમ વર્ગ તરફ લઈ જઈ શકે.
ગાંધીજીએ કહેલું, ‘There is enough for every body’s need, but not for every body’s greed.’ આથી સાબિત થયું કે કરચોરીને જન્મ આપનાર છે ધનલોલુપતા.
માનવી ધનલોલુપતાનો શિકાર શા કારણે બનતો હશે? એક દોહો છે, ‘ગોધન, ગજધન બાજીધન ઔર રતન ધન ખાન; જબ આવત સંતોષ ધન, સબ ધન ધૂલ સમાન.’ જો દરેક બાળકને આ મૂલ્યનું મહત્ત્વ સમજાવીને તે મુજબ જીવન જીવવાની ચાવી આપવામાં આવે તો ધન લાલસાનો રોગ લાગુ ન પડે. ધન દ્વારા મળતી ભૌતિક સંપત્તિ માણસને વધુ ને વધુ ધન સંચય તરફ દોરી જાય એથી ભૌતિક સંપત્તિનો મોહ ધનલોલુપતાની માતા છે એ સમજી શકાય.
હવે સવાલ થાય કે ભૌતિક સુખમાં માણસ એવું તે શું ભાળી ગયો કે દિવસ-રાત, બસ, લક્ષ્મી મેળવવા પાછળ ઘેલો થઈને દોડ્યા જ કરે છે? સામાન્ય માનવી એમ માને છે કે ભૌતિક સંપત્તિ તેને સુખ અને આનંદ આપે, ભવિષ્યની સુરક્ષા અને સમાજમાં પ્રતિષ્ઠા આપે. દુન્યવી સાધનોમાં સુખ ભાળવાની દ્રષ્ટિ એ ભૌતિક સંપત્તિ પ્રત્યેના મોહને જન્મ આપે એ સાબિત થઈ જાય છે.
આમ જોઈએ તો સુખની શોધમાં માનવી ભૌતિક સંપત્તિ એકઠી કરવા પ્રયત્નશીલ બને, જે તેને ધનલોલુપ બનાવે. અને ધન એકઠું કરવા તેને કરચોરી કરવાની ફરજ પડે જેનાથી એ કાળાં નાણાંનો સ્વામી બને એ સ્વાભાવિક છે. એટલે કે કાળાં નાણાંનું મૂળ સુખની શોધમાં મળી આવે છે. તો પછી દેશના વડાપ્રધાન વિદેશી બેંકોમાં કાળાં નાણાં શોધી પણ કાઢે તો આ પ્રશ્ન કેવી રીતે હલ થશે? એમ થવાથી તો સામાન્ય જનતાના બેંક ખાતામાં મજૂરી કર્યા વિના, ભણાવ્યા વિના કે ખેતી કર્યા વિના પંદર લાખ રૂપિયા જમા થઈ જશે એટલે એ પણ વધુ ‘સુખી’ થવા કાર, ફ્રીજ, મોબાઈલ ફોન અને કમ્પ્યુટર ખરીદવા ઉત્સુક બનશે. એ તમામ વસ્તુઓ ખરીદવા પંદર લાખ રૂપિયાથી વધુ મિલકત જોઈએ એ લાલસા તેને પોતાની સાધારણ આવકમાંથી ચોરી કરવા પ્રેરશે અને છેવટ ભારતનો દરેકે દરેક નાગરિક કે જે હાલમાં એક પ્રામાણિક નાગરિક છે એ પણ કાળાં નાણાંનો સ્વામી બની જશે. તેનાથી બધા ‘કરચોરી કરીને બનેલ કાળાં નાણાંના સ્વામી’ હોવાને કારણે સમાન બની જશે એ ફાયદો થશે. તો શું આપણને આવી અર્થવ્યવસ્થા જોઈએ છે?
ખરેખર તો કાળાં નાણાં વિદેશમાં શોધવા જવાને બદલે આપણા જ દેશમાં તેના સગડ મેળવવા કોશિષ કરવી રહી. પેલી વાર્તા જાણીતી છે તે ટાંકું : ત્રણ સોદાગર પોતાના કામ અર્થે ગામે ગામ મુસાફરી કરતા એક ગામની ધર્મશાળામાં રાતવાસો કરવા રોકાયા. એક સોદાગરની બાજુમાં એક ચોર સૂતેલો, જેની નજર આ શાહુકારની દોલત પડાવી પાડવા તરફ ખોડાયેલી હતી. પેલો સોદાગર રાત દરમ્યાન એક કરતાં વધુ વખત કુદરતી હાજતે જવા ઊઠ્યો અને દરેક વખતે પેલો ચોર તેના સામાનને ધનની પોટકી મળી જશે એવી ધારણા સાથે ફેંદી નાખતો. સવાર પડી, પણ ચોરના હાથે કંઈ ન આવ્યું. પોતાને રસ્તે રવાના થતા સોદાગરને ચોરે પૂછ્યું, ‘તમારી પાસે ઘણું નાણું હશે જ, મેં ઘણું શોધ્યું પણ ન મળ્યું, તમે ઘણા ચાલાક લાગો છો, તો ક્યાં સંતાડ્યું હતું તે કહો.’ સોદાગરે હસતાં હસતાં કહ્યું, ‘અરે ભાઈ, મેં તો એ તારા પોતાના ઓશિકા નીચે જ સંતાડ્યું હતું, તો પણ તને ન મળ્યું?’
આપણે કરચોરી થકી એકઠી થયેલ સંપત્તિને પરદેશ શોધવા જઈએ છીએ, પણ પોતાના જ દેશમાં છુટ્ટી છવાયેલ પડેલ ધન-દોલતને ખોળી નથી શકતા. આમ તો ધનની માફક સુખ-શાંતિ પણ બાહ્ય ઉપકરણો અને અન્ય દુન્યવી-ભૌતિક સાધનોમાં શોધીએ છીએ અને પોતાના જ દિલમાં, મનમાં છુપાયેલ સુખ-શાંતિ શોધી કાઢતા નથી. ચાલો, આપણે સહુ આંતર શોધ આદરીએ. વિદેશી પાણી ડહોળવાથી તો કદાચ વિષ પણ નીકળે, જ્યારે અંતરમાં ખોળવાથી માત્ર નિષ્ઠા, પ્રામાણિકતા, આત્મ સંતોષ, સ્વમાન અને ગૌરવ જેવાં પંચરત્નો જ લાધશે.
e.mail : 71abuch@gmail.com