Opinion Magazine
Number of visits: 9447170
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Vaadni Naika Fatima Malalani Purogami Chhe

એસ. ડી. દેસાઈ|Opinion - Literature|2 September 2015

‘વાડ’ની નાયિકા ફાતિમા મલાલાની પુરોગામી છે

સાહિત્ય, એના ઉચ્ચતમ સ્તરે, સર્જનાત્મક કે વાસ્તવિક પરિસ્થિતિની વિષમતા આત્મસાત્‌ કરી સમભાવપૂર્વક કરુણાંતિકા અથવા હાસ્યરચના સર્જે કે પછી એમાં મુકાયેલ નાયક/નાયિકાના સંઘર્ષપૂર્ણ સફળ આરોહણને આલેખે. ટોચની સત્તા અને જાહોજલાલીથી અહંકાર સમેત ઝળહળતો રાજા લિઅર અરણ્યમાં આંતરિક અને વાસ્તવિક તોફાનોની થપાટો ખાધા પછી, અકિંચનની વેદનાનો અહેસાસ મેળવી, પોતાની અંદરની ભીનાશનો સાક્ષાત્કાર કરે. ગુજરાતી સાહિત્યમાં, પ્રભાવક સામાજિક અને વ્યક્તિલક્ષી આરોહણકથાઓ છે, પરંતુ સામાજિક વેદના, તેમાં ય મુખ્ય પ્રવાહની બહાર ફેંકાઈ ગયેલ ’અન્ય’ ધર્મના પાત્રની વેદના, એનાં સમણાં કે પછી તેનું આરોહણ આલેખતી દીર્ઘ સાહિત્યકૃતિઓ નગણ્ય છે.

મધ્યસ્થ નામને કારણે જરા દૂરની લાગે એવી નામસંજ્ઞા ધરાવતાં આપણાં પ્રતિષ્ઠિત નવલકથાકાર અને વાર્તાકાર, હાલ ઑસ્ટ્રેલિયા-નિવાસી ઇલા આરબ મહેતાની નવલકથા ’વાડ’ (ગુર્જર, ૨૦૧૧) સમભાવ સાથે આ પ્રકારના આરોહણનું  કલાત્મક આલેખન કરે છે. આરંભે કિશોરી એવી એની નાયિકા ફાતિમા. પિતા માજીદભાઈ લોખંડવાલા તરીકે એટલા માટે ઓળખાય કે તેઓ લોખંડનો ભંગાર ભેગો કરી વેચે. માતા ખતીજાબી છાણ એકઠું કરી છાણાં બનાવે ને ભીંતે થાપી સૂકવે. નસીબવંતાઓનાં ઉત્તુંગ શિખરોની સરખામણીમાં તળેટીની ધૂળમાં રહેતાં કુટુંબોમાંનું એક. એમાં રહેતી નાયિકા ફાતિમા કિશોરાવસ્થાથી જ એના મિજાજને કારણે નોખી પડે. 

આ નવલકથાનો સુપેરે પરિચય પ્રાપ્ત થયો રીટા કોઠારીએ કરેલ એના અનુવાદ ‘Fence’ (Zubaan, 2015) થકી. અંગ્રેજીનાં પ્રાધ્યાપિકા, હાલ ગાંધીનગરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ અવ્‌ ટેક્નોલૉજીમાં, હોવા ઉપરાંત ‘Chutneyfying English’ (Penguin, 2011) જેવાં પુસ્તકો અને પરિસંવાદથી રાષ્ટ્રભરમાં નામના મેળવનાર રીટા કોઠારીનું વિશિષ્ટ પ્રદાન એમણે કરેલા અનુવાદ (નિરંજન ભગત, જૉસેફ મેકવાન) છે. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાનું ધ્વન્યાર્થ સહિતનું એમનું અર્થગ્રહણ અને પ્રભુત્વ, અનુવાદ માટે ઉત્કૃષ્ટ કૃતિઓની જ પસંદગી અને એમની સમાજ પ્રત્યેની નિસબત એમના અનુવાદોને વાચનક્ષમ બનાવે છે. ‘Fence’ એ રીતે એકીબેઠકે વાંચવા મન થાય એવી – પ્રકાશકોએ કેટલાંક વર્ષોથી મૂળ ભાષાના શબ્દો (thikdi, jootha, paniyaru ….) ઇટલિક્સ, અવતરણચિહ્નો કે નોંધ વિના છાપવાની સ્વીકારી લીધેલી પ્રણાલીને બાદ કરતાં (ખાસ્સી છાપભૂલો પણ ખરી) – જાણે કે મૌલિક હોય એવી કૃતિ બની છે.

ફાતિમા મલાલાને અપેક્ષે છે. કૌટુંબિક હાલત અતિ સામાન્ય, છોકરીનો આત્મવિશ્વાસ જબરો, બહાદુર અને તેની પણ શિક્ષણમાં અવિચળ શ્રદ્ધા. મા માટીનો ગારો ગૂંદતી હોય કે રોટલો ટીપતી હોય ત્યારે તે તૂટેલા પગથિયે બેસી ભણતી અને ભણાવતી હોય, લોકો ગમે તે કહે. અગાઉ ગામમાં નિશાળ ખૂલી ત્યારે માબાપને પણ ક્યાં તેનો આનંદ નહોતો? કાચા ઘરમાં ફાટીતૂટી ગોદડી પર ચીમળાયેલા પેટે સૂઈને પણ તેણે સ્વપ્ન સેવ્યું અને ધગશપૂર્વક તેને સાકાર કર્યું. ભણીને ગૌરવપૂર્વક પગભર થવાનું અને બીજાને ભણાવતા રહેવાનું. જે સમાજમાં તે જીવે છે તેણે પોતાની કોમ માટે ઊભી કરેલી એક અદૃશ્ય વાડ (fence) છે તે તોડવાનું પણ એનું સ્વપ્ન. વાચકને છેવટ સુધી કુતૂહલ રહે છે કે એકલે હાથે તે એ વાડ તોડી શકશે? તે પણ ગુજરાતમાં, અમદાવાદમાં. જન્મ સૌરાષ્ટ્રના એક નાના, કદાચ કાલ્પનિક ગામમાં. નોકરી મળે છે તે શહેર લાગે છે, અમદાવાદ. જો કે દેશભરમાં, જૂજ અપવાદો બાદ કરતાં, પરસ્પરના અવિશ્વાસ વગરનું શાંગ્રિલા સહેલાઈથી ક્યાં મળે એમ છે?

વાસ્તવિકતાનું-ક્યારેક કલ્પનાની આંખે-અવલોકન, સંવેદનાએ આપેલ સમભાવ અને સમાનતા બાબતે પ્રતીતિ સાથે મળીને મૂળ કૃતિ અને અનુવાદ બંનેને વાર્તાકથનનો સહજ રીતે વહ્યે જતો પ્રવાહ બક્ષે છે અને સચ્ચાઈના રણકારનો આંતરપ્રવાહ. આ ત્રણેમાં વાચક પણ સહભાગી બનવાની સજ્જતા ધરાવતો હોય તો એમાં અનાયાસ વણાયેલા લાગે એવા સંકેતો પણ પ્રસન્નતાથી ઝીલી શકે અને અનેક ગુજરાતી નવલકથાઓમાંની એક તરીકે નજર તળેથી પસાર થઈ ગયેલી ’વાડ’ની અનન્યતા પારખે તથા વિચારપ્રેરક અને ભાવવાહી અંગ્રેજી અનુવાદ પણ એક કલા છે, એમ માનતો થાય.

ભણવા છતાં અનિચ્છનીય સંપર્કમાં ઝીલેલા ઝનૂન અને સતત વૈચારિક આક્રમણને પરિણામે ટૅરરિસ્ટ બની બેઠેલા ભાઈ કરીમે ફાતિમાને પોલીસ-કસ્ટડીની હવા તો ખવડાવેલી, મોત સાથે હાથતાળી પણ અપાવેલી. કરીમ કમોતે મરેલો તે જાણીને ફાતિમા બેભાન થઈ ગયેલી, પોલીસ-કસ્ટડીમાં. તેના હાથમાં કરીમનો આખરી પત્ર મુકાયેલો, ’ગુનેગાર તો અમે હતાં, પણ બેડી તો તારા હાથમાં પડી.’ તેને હુકમ હતો : ’તારી બહેન ફાતિમા ખતરનાક છે. આપણને બધાંને મરાવશે. તું ઇસ્લામનો સિપાહી છે. એને ખતમ કરજે.’  અને … ’હું તો જિહાદી. બીજી સાંજે જ્યારે આપણા શહેરના જંકશન પર ત્રણ ટ્રેનો આવી પહોંચે છે, ત્યારે બૉમ્બની કોથળી લઈ હું બેઠો હતો. કોથળી પુલ આગળ મૂકી, દૂર રિમોટ કંટ્રોલથી તેમાંનો બૉમ્બ ફાટે કે હું તને મારવાનો પ્લાન વિચારતો હતો. મોટો છૂરો હતો મારી પાસે.’  આગળનો દોર અનુવાદકના શબ્દોમાં.

‘Fatima, I cannot tell you what happened after that. You are educated, so you will understand. Fatee, I was sitting on a bench at the platform. One of the trains had arrived, and the next one was awaited. I was facing a train that pulled in on the tracks across. It was choked with passengers. Many of them got down. I suddenly saw that Ba was also one among them. Fatee, it was our Ba, the same torn black dupatta, a shabby kurta and salwar. … Ba came towards me. She seemed to look past me. She sat beside me. I froze. Ba said, Rascal, you want to kill your sister ? Fatima, I heard Ba’s voice. It was her. … All voices from the mornings of that house in the village came alive.’ અહીં સંકેત છે.

’ફાતિમા છોકરીમાંથી સ્ત્રી બની તે સાથે ગરીબ હોવું, તેનો અહેસાસ પણ થયો, તે સાથે, ‘હવે જ્યાં-ત્યાં ભટકતી નહીં.’ એમાં પણ સમર્થ સંકેત. બચપણમાં છાપરામાંથી ચળાઈને આવતા ચાંદરણાં કે ચાંદનાં ચકરડાં દ્વારા વ્યક્ત થતું જીવનનાં સમણાંનું પ્રતીક દોહરાતું રહે છે અને ફાતિમાને દોરતું પણ રહે છે. કેન્દ્રવર્તી સંકેત નવલકથાનું શીર્ષક ’વાડ’ (‘Fence’) બને છે. નાયિકાનું સ્વપ્ન છે તે વાડને ઓળંગી જવાનું – ગરીબાઈની, લિંગભેદની, ધર્મની, કેળવણીના અભાવની. એ વાડ મૂળ કૃતિની કવર-ડિઝાઇન પર ગાંઠેલા તારની લાઇનથી દર્શાવાઈ છે, અપાર્ટમૅન્ટની અગાસી પર ઊભેલ બુરખાધારી આકૃતિની સામે. અનુવાદની કવર-ડિઝાઇન પ્રતીકાત્મક બની છે. સ્કૂટર પર બેસી આગળ જઈ રહેલી યુવતી પૂરી બુરખાથી ઢંકાયેલી છે. દેખાય છે માત્ર એની બે આંખો – આશંકાભરી, સાવચેત છતાં આગળ વધવા માટે કૃતનિશ્ચયી.

નવલકથા હૃદયસ્પર્શી સંકેત સાથે અટકે છે. શમશૂ અને બીજાં બે કુટુંબોને ફાતિમાને કારણે અહીં ફ્‌લૅટ મળ્યા છે. શમશૂ  પર કરીમનો નહીં, ફાતિમાની ’પઢાઈ અને સમજદારી’ની વાતનો પ્રભાવ પડેલો. એમ. કોમ. થયો. એ તો ફ્‌લૅટ મળવાથી અત્યંત ખુશ. ‘બિલ્ડરભાઈ આ મકાન વચ્ચે દીવાલ ચણી આપશે. એટલે આપણી સોસાયટી જ અલગ …’  ફાતિમાની આંખમાં આંસુ. ’એને તો સહુની હારે સહુના જેવા થઈ રે’વું હતું.’  વર્ષોની તલાશને અંતે અહીં પણ એક બાજુ હિંદુઓ અને બીજી બાજુ મુસલમાનો?  ઍગ્રીમૅન્ટ પાછું આપે તો પેલાં કુટુંબો પણ ઘરથી વંચિત રહે. આ અસમંજસ વચ્ચે એણે ઍગ્રીમૅન્ટ, પર્સમાં મૂક્યું.

વર્ષો પુરાણા પૂર્વગ્રહો, પરસ્પરની અસહિષ્ણુતા, મનમાં બાઝેલાં જાળાંથી વિમુક્તિ અપાવે તે વિદ્યા. ઇતિહાસનો અને ઇસ્લામનો તલસ્પર્શી, સારો એવો હિંદુધર્મનો અને કંઈક અન્ય ધર્મોનો પણ, અભ્યાસ કરી ફાતિમાએ સાચી વિદ્યા પ્રાપ્ત કરી છે. ગિરનારની ટોચ પરની ખુલ્લી હવામાં તેને કુરાનની પંક્તિઓની સાથે વેદની ઋચાઓ તેમ જ બુદ્ધ અને મહાવીરની વાણી સંભળાયેલી અને તે સાથે હજારો પારસીઓ, ખ્રિસ્તીઓ, યહૂદીઓ, આદિવાસીઓના ધર્મો અને વિચારોની પોતે વારસદાર છે, તેનો અહેસાસ થયેલો.

અંગ્રેજી અનુવાદમાં શૈલીના સ્વાભાવિક રીતે વહેતા પ્રવાહ ઉપરાંત સામાજિક સમાનતાની લેખિકાની પોતાની પ્રતીતિ છે. તે ઉપરાંત પ્રાદેશિક ગુજરાતી બોલીની છાંટ, ઉર્દૂ અને હિન્દી પરિચિત શબ્દોનું પ્રાબલ્ય, કાને પડતું રહેતું હિન્દી-ગુજરાતીનું મિશ્રણ, જૂનું પારસી ગુજરાતી, શહેરી ગુજરાતી, શુદ્ધ ગુજરાતી, વાતચીતનું ગુજરાતી – એ બધાં તત્ત્વોને સંભાળતા જઈને (અંગ્રેજીમાં એ વિવિધતા તો કેવી રીતે લાવી શકાય!) સામાજિક વિષમતા અને તે વચ્ચે વ્યક્તિગત વેદનાના વિષયને અનુવાદકે રાષ્ટ્રીય, અને કંઈક અંશે આંતરરાષ્ટ્રીય સ્તરે, વાચકો સુધી પહોંચાડ્યો છે.

e.mail : sureshmrudula@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2015; પૃ. 05-06

Loading

2 September 2015 admin
← 29 August : Darshak Samvatsari
Alexander Forbes : British Adhikaari →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved