Opinion Magazine
Number of visits: 9479403
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શપથ, રાજપથ, જનપથ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

બહુશંકુ લોકસભામાંથી ઊગરી ગયાના ખયાલે હરખ અને હળવાશ ; વરુણમત્ત ભાજપના વડપણ હેઠળના મોરચાની હાર ; ડાબેરીઓ તેમજ માયાવતી, મુલાયમ, લાલુ, સૌની પીછેહઠ – અને હા, 22 મે (શુક્રવાર)ના શપથ કલાકો લગીની તાણ ને ખેંચતાણ : જનાદેશ 2009ના બરાબર એક અઠવાડિયે, આ કશામાં સુવાંગ ખોવાયા વગર એકબે વ્યાપક નિરીક્ષણ અને સાધારણીકરણ કરવા ધારું છું. કંઈક પાછળ નજર તો કંઈક આગળ નજર, એવો ખયાલ છે.

દેશના રાજકારણમાં, વિશ્વનાથ પ્રતાપ સિંહના વારાથી એટલે કે 1989થી જે એક પ્રક્રિયા શરૂ થઈ હતી, મંદિરને નામે કોમી ધ્રુવીકરણની અને મંડલને ધોરણે સામાજિક ન્યાયની રાજનીતિની, એ જે તે ઝંડાબરદારને વારાફરતી વળતર આપીને હાલ પાછી પડી છે. એમાંથી કેટલુંક ખૂણેખાંચરે હશે તો હશે, કેટલુંક મુખ્યધારામાં આત્મસાત્ કરવા જેવું થશે તો થશે અને કેટલુંક કાળધર્મ પામ્યાનું જાહેર થશે. આ રીતે જોઈએ તો 1989 પછી વીસે વરસે કેમ જાણે વાન ઊઘડવા કરે છે.

આ ઊઘડતો વાન શો ને કેવોક છે વારુ ? વૈશ્વિકીકરણ અને ઉદારીકરણના દોરમાં વિસ્તરતા મધ્યમવર્ગે દેખીતી સાંકડી વફાદારીઓને કંઈક ઓળાંડી જઈને તેમ નાતજાતકોમના મતબૅંંકવાદથી સહેજસાજ પણ હટીને મતદાન કર્યું છે. સાંકડી વફાદારીઓ કે નાતજાતકોમની મતબૅંંકો નહોતી અને નથી એવું તો નહીં કહી શકાય ; પણ એને અતિક્રમતો એક નવો મધ્યમવર્ગ આપણી વચ્ચે જરૂર પેદા થયો છે.

આ મધ્યમવર્ગની વિશેષતા નોંધવા જેવી છે. એ 26/11ની ઘટના પછી મુંબઈની સડકો પર મહેરામણે માઝા મૂકી હોય તેમ ઊમટી શકે છે, અને રાજકીય અગ્રવર્ગ સમસ્ત સામે લગભગ અવિશ્વાસની દરખાસ્તનો મિજાજ પણ એ રીતે પ્રગટ કરી શકે છે. આ જ મિજાજ એક પા જેમ દક્ષિણ મુંબઈમાંથી મીરા સંન્યાલ અને મોના શાહની (અગર તો ગાંધીનગરમાંથી મલ્લિકા સારાભાઈની) દેખીતી અફળ ઉમેદવારી વાટે પ્રગટ થવા કરે છે તેમ બીજી પા સલામતીના ખયાલે ભયભુરાંટ થયા વગર મનમોહન સિંહે લીધેલ સ્વસ્થ અભિગમની જોડે રહે છે. જાડી રીતે કહેતાં અહીં કામ કરી ગયેલી અપીલ સુશાસન કહેતાં ‘ગવર્નન્સ’ના મૂલ્યની છે. વિહિપ-બજરંગ લપસીંદર સાથેનો વરુણોત્સવી ભાજપ એને આ મુદ્દે અપીલ નથી કરતો ; જેમ નવા મુસ્લિમ મધ્યમવર્ગને પણ બુશ સાથેની પરમાણુ સમજૂતીને કારણે મનમોહન અને સાથીઓ મુસ્લિમવિરોધી થઈ ગયાનું કોઈ લૉજિક વસતું નથી.

જોવાનું એ છે કે પરિવર્તનના સિપાહી તરીકે આ લખનારની પેઠે બીજા પણ મધ્યમવર્ગમાંથી ટેકો મેળવતે છતે એના ટીકાકાર રહ્યા છે. નવાં બળોને સારુ રાજકારણની મુખ્ય ધારામાં પ્રવેશયોગ સરજતું મંડલાસ્ત્ર પ્રયોજાયું ત્યારે બોફોર્સ મુદ્દે વિશ્વનાથ પ્રતાપ સિંહ ફરતે ગરબે ઘૂમતો આ મધ્યમવર્ગ એમનાથી એકદમ જ નારાજ થઈ ગયો હતો અને મંદિરવાદની સોડમાં લપાવા લાગ્યો હતો. પણ જેવી નરસિંહરાવ અને મનમોહનની ટીમે નવી આર્થિક નીતિને ગતિ આપી કે બહુરાષ્ટ્રી આંબાઆંબલી દેખાવા લાગતાં આ મધ્યમવર્ગે (અયોધ્યા 1992 અને ગુજરાત 2002નાં વિપથગમન બાદ કરતાં )મંદિરવાદની ને અનામતવિરોધની રાજનીતિથી હટવા માંડ્યું એ તો હજી હમણાંનાં વરસોની જ વાત છે. આ હટવાની પ્રક્રિયા પહેલાં ભાજપી મંદિરવાદ મ્યાન રાખવાને ધોરણે એનડીએના સમર્થનમાં પ્રગટ થઈ, પછી એણે એનાં સંદિગ્ધ વલણોથી છેડો ફાડવાની શરૂઆતનો પહેલો નોંધપાત્ર સંકેત 2004ના જનાદેશ વાટે આપ્યો ; અને 2009ના જનાદેશમાં તો…

હમણાં વીસે(1989-2009) વાનની જિકર કરી, પણ મન છેક 1977 સુધી પહોંચી  જાય છે. કટોકટીવાદ સામેના જનાદેશની, સ્વરાજ પછી અક્ષરશઃ અભૂતપૂર્વ અને અશ્રૂતપૂર્વ ક્ષણો એ હતી. સ્વરાજ અને શાસનની વડી પાર્ટી તરીકેની ભૂમિકામાંથી પથભ્રષ્ટ થયેલી કૉંગ્રેસને પદભ્રષ્ટ કરતી બિના એ હતી. રાષ્ટ્રના અંતરાત્માના અવાજરૂપે ત્યારે જયપ્રકાશ ઉભર્યા હતા, અને આપણે કાળરાત્રિ શા બોગદાની બહાર પ્રકાશ જોવા પામ્યા હતા. ગુજરાતના નવનિર્માણ આંદોલનને પગલે 1974–75માં જયપ્રકાશના નેતૃત્વમાં બિહારથી શરૂ થઈ દેશભરમાં આંદોલન પ્રસરવા લાગ્યું ત્યારે દિનકરની એ પંક્તિઓ વારેવારે ટંકાતી હતી કે "સમય કે રથ કા ઘર્ઘર નાદ સૂનો/સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ". જોકે, આંદોલનના યુવા સૈનિકોનું સૂત્ર એથી આગળ જતું હતું : "સંપૂર્ણ ક્રાંતિ અબ નારા હૈ/ ભાવિ ઇતિહાસ હમારા હૈ". એકમાં સત્તાપલટાની વાત હતી, બીજામાં પરિવર્તનનો નવો ઇતિહાસ રચવાની. 1977માં જે બન્યું તે લોકશાહીની પુનઃપ્રતિષ્ઠાની કીર્તિદા કામગીરીના તબક્કે ગંઠાઈ ગયેલું પરિવર્તન હતું. સચોટ કહ્યું હતું આચાર્ય રામમૂર્તિએ કે એમાં લોકશાહી માટે ચાહ હશે, ક્રાંતિ માટે નહોતી.

આ મધ્યમવર્ગી જનાદેશે પછી થોડો વખત રાજીવ ગાંધીમાં તો થોડો વખત વિશ્વનાથ પ્રતાપ સિંહમાં મુકામ કીધો ન કીધો ; અને આજે આપણે મે 2009માં વળી એક એવા લોકચુકાદે આવી ઊભા છીએ. શું સન સુડતાલીસમાં, શું સન સિત્તોતેરમાં, હજુ સુધી તો આપણી ગતિ મંગેશ પાડગાંવકરની પેલી કવિતા જેવી રહી છે કે ક્રાંતિની નિયતિ જનકતનયા જેવી રહી છે – વનવાસમાં સાથે, સિંહાસન પર બેસવાની વેળા આવે એટલે બચાડી ફરીને વનમાં.

મુદ્દે, શપથ લઈને રાજપથમાં અને રાજરથમાં દાખલ થવાની ફાવટ તો આપણા રાજકીય અગ્રવર્ગને આવી ગઈ છે, અને કોઈ પણ મુલકને તેમ આપણનેય એનો ખપ ખસૂસ છે. પણ જનાદેશ બાદ શપથ લેતાં સાથે જનપથ જોડેનો સંબંધ કેમ જાણે છૂટી જાય છે. લોક અને સત્તા વચ્ચેનાં આ ચિરજુવારાંની લખચોરાસીમાંથી કેમ છૂટવું એ લાખ રૂપિયાનો સવાલ છે. સવાલ જોકે કેવળ લખચોરાસીમાંથી છૂટવાનો જ નથી. રાબેતા મુજબ રોડવવા ઉપરાંતની મૂળભૂત તબદિલીનો પણ સવાલ છે. એટલે ચાલુ રાજકારણમાંનાં યથાસ્થિતિના બળોને ટોકનાર, ટપારનાર, જરૂર પડ્યે દરમ્યાન થનાર જાગ્રત વર્ગ પણ જોઈશે જ. દેખીતી રીતે જ, ચાલુ પક્ષપક્ષડાં એને સારુ અપૂરતાં છે. જનાદેશ આંખમાથા ઉપર. પણ તેને લઈને રાજપથ પર ચડેલાને જનપથની (કોઈ સત્તા-સરનામાની નહીં પણ જનપથની) સુધબુધ ન રહે તે કેમ ચાલે.

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન
  • જેન ગુડોલ; જેણે આપણને ચિમ્પાન્ઝીઓમાં માનવતાના ગુણ જોતાં શીખવ્યું
  • માણસ આજે (૩૨) 
  • દેશમાં વડાપ્રધાન કેટલા છે?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના
  • શૂન્ય …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved