રશિયન સર્જક દોસ્તોએવસ્કીની નવલકથા ‘ધ બ્રધર્સ કારામઝોવ’ના એક પ્રકરણ ‘ધ ગ્રાન્ડ ઇન્ક્વિઝિટર’માં સરમુખત્યાર, ઈસુખ્રિસ્તને કારાવાસમાં પૂરીને એક પ્રશ્ન પૂછે છે – ‘જો અમે લોકોના એક હાથમાં રોટલો અને બીજા હાથમાં સ્વતંત્રતા મૂકીએ, તો લોકો શું પસંદ કરશે ? તારો ઉપદેશ સાંભળીને બેઠેલા આ લોકો સ્વતંત્રતાને પસંદ નહીં કરે, તેઓ તો રોટલાને જ પસંદ કરશે.’
વાત ખરી છે, પેટે પાટા બાંધીને જીવતા લોકોને રોટલો જોઈએ છે. સ્વતંત્રતા નહીં, પણ જેમનાં પેટ ભરેલાં છે, જેમને રોટલાની કશી ચિંતા નથી, તેઓ શા માટે સ્વતંત્રતા સ્વીકારતા નથી, તેઓ શા માટે ચાલીને થાળમાં સ્વતંત્રતાનું નજરાણું ધરી દે છે અને હરખઘેલા થાય છે? સંવાદિતાના આ સાધકોને હવે શું જોઈએ છે? કેટલીક વાર જાગતાં, ઊંઘતાં, સપનામાં મને એવું લાગે છે કે હું ૨૦૧૫માં જીવતો નથી, પણ ૧૯૩૧થી ૧૯૩૮ના જર્મનીમાં જીવી રહ્યો છું. ફ્રાન્સની રાજ્યક્રાંતિથી માંડીને નાઝીવાદના ઉદય અને વ્યાપ સુધીનો ઇતિહાસ આપણે વારે-વારે યાદ કરવો જોઈએ. ક્યારેક એમ પણ લાગે કે હું ૧૯૭૫થી ૧૯૭૭ સુધીના ભારતમાં જીવી રહ્યો છું. અત્યારે જાણે અઘોષિત કટોકટીકાળ પ્રવર્તી રહ્યો છે. એક જમાનામાં જર્મન કવિ હોલ્ડરલીન ચિત્કારી ઊઠ્યો હતો. In this spiritless age why to be a poet at all ? અને છતાં ગમે તેવા વિષમ સંજોગો પ્રવર્તતા હોય, તો પણ શ્વાસ ચાલે છે, ત્યાં સુધી તો શબ્દ પાડવો જ પડે છે. એવી કઈ અંદરની ઇચ્છા છે કે જે પ્રગટ કે અપ્રગટ તાનાશાહી પ્રવર્તી રહી હોય, ત્યારે પણ સ્વતંત્રતા માટે મરી ફીટવા કોઈ તત્પર થાય છે ?
આપણા જે સંજોગો છે, તેમાં આલ્બેર કૅમ્યૂનું નાટક ‘કાલીગુલા’ કે યુજિન આયોનેસ્કોનું નાટક ‘રાઇનોસરોસ’ યાદ આવે. આયોનેસ્કોનું નાટક આપણા સમયમાં ખૂબ જ પ્રસ્તુત છે. આલ્બેર કૅમ્યૂએ નાઝીવાદને ધ્યાનમાં રાખીને ‘ધ પ્લેગ’ નવલકથા લખી. આયોનેસ્કોએ આ જ વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને નાટક લખ્યું. અહીં નગરના લોકો ધીમે – ધીમે ગેંડામાં રૂપાંતરિત થવા માંડે છે. તાનાશાહીને કારણે આમ થયું કે થોડી લાલચો, ભવિષ્યમાં માનપાન વગેરેને કારણે વ્યક્તિઓ ધીમેધીમે ગેંડામાં ફેરવાતી ચાલી. છેવટે નાયક અને તેની પ્રિયતમા એકલાં રહી જાય છે અને અંતે તો પ્રિયતમા પણ સાથ છોડી દે છે. પ્રશ્ન એ થાય કે આ સાથ શા માટે છોડી દીધો ? કઈ પળે છોડી દીધો ? નાયિકા ટેલિફોન પર ગેંડાનો અવાજ સાંભળે છે અને રેડિયો પરથી પણ આવા જ અવાજ સંભળાય છે. ટેલિફોન એ અંગત સંવાદનું માધ્યમ અને રેડિયો – સમૂહમાધ્યમ. આ બંને પ્રકારના સંવાદ જો ઝૂંટવાઈ જવાના હોય તો પછી માનવી માટે કયો વિકલ્પ – આ પળે નાયિકા સાથ છોડી દે છે. એક રીતે તો આપણને અભિવ્યક્તિસ્વાતંત્ર્ય છે, પણ અદૃશ્ય એવી સેન્સરશીપ પ્રવર્તે છે. આપણા અધિકારનું ય કશું જોઈતું હોય તો કંઠી પહેરવી જ પડે, અને જો કદી ન પહેરો તો બધું ગુમાવવાની તૈયારી રાખવી પડે.
૧૯૪૪માં યુરોપના કેટલાક સર્જકો ભેગા થયા, તેમાં પ્રખ્યાત નવલકથાકાર ટોમસ માન પણ હતા. બધાએ નક્કી કર્યું કે હિટલરે ટેન કમાન્ડમેન્ટ્સ નામે જાણીતી થયેલી દસેદસ આજ્ઞાનો ભંગ કર્યો છે. દરેક વાર્તાકારે એક-એક આજ્ઞા લીધી અને એને ધ્યાનમાં રાખીને વાર્તા લખી, પાછળથી આ વાર્તાઓ ગ્રંથસ્થ થઈ. આ પ્રખ્યાત લેખકોની કેટલીક કૃતિઓ કળાદૃષ્ટિએ ઉત્તમ ન હતી, પણ તેની કશી પરવા તેમણે કરી ન હતી. કેટલીક વખત સંજોગો એવા ઊભા થાય, ત્યારે શુદ્ધ સાહિત્યના આદર્શો બાજુ પર પણ મૂકવા પડે.
એક વાત આપણે સૌએ એ યાદ રાખવાની કે કોઈ વ્યક્તિ, કોઈ સંસ્થા સામે કશો વિરોધ ન હોઈ શકે, જે વિરોધ છે, તે સિદ્ધાંત સામે છે. જો શાસક પક્ષ અને સરકાર વચ્ચેનો ભેદ ભૂંસી નાખીને બધે એક જ રંગના કૂચડા ફેરવવા માગતો હોય, તો એ કોઈ સંજોગોમાં ચલાવી ન શકાય. શાસકોની ખુશામત કરનારાઓ દરેક સમયે – દરેક સ્થળે હોવાના. ‘ધીરે વહે છે દોન’ જેવી ઉત્તમ નવલકથા સર્જનારા શોલોખોવે શાસકોની કદમબોશી કરીને, ‘ડૉ. ઝિયાગો’ના સર્જકે બોરિસ પાસ્તરનાક જેવા ઉપર પણ માછલાં ધોવામાં શું બાકી રાખ્યું હતું?
રહીરહીને પ્રશ્ન તો થાય છે જ કે આપણું વાતાવરણ આટલું બધું ડહોળાઈ કેમ ગયું? ‘ઝટ ડહોળી નાખો’નો સાવ અવળો અર્થ કેમ થઈ ગયો? શાસકીય ખેલના પડઘા ધીમે-ધીમે આપણી બધી જ સંસ્થાઓમાં પડવા માંડ્યા હતા, અને તેનો સૌથી પહેલો અને મોટો ભોગ શિક્ષણક્ષેત્રે લેવાયો. જે-જે ઉત્તમ હતું એ સર્વને વેદીમાં હોમી દેવામાં આવ્યું. આપણા કહેવાતા બુદ્ધિજીવીઓને ય ખ્યાલ ન આવ્યો કે ભાવિ પેઢીને નિઃસત્ત્વ કરવાનો આ ભયાનક ખેલ ભારે પડશે ! કવિ કહી ગયા હતા કે mere anarchy is loosed upon the world. (યેટ્સ ઃ ધ સેકન્ડ કમિંગ)
ફરી પેલો દાયકાઓ જૂનોપ્રશ્ન આવી રહ્યો – ત્યારે કરીશું શું? ‘જે આપણી સાથે નથી તે આપણી સામે છે,’ એવી ભાવના પણ કેળવી ન શકાય. એક સૂર બધેથી સંભળાઈ રહ્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યોજાતા પરિસંવાદોમાં ભાગ ન લો, અકાદમીના મુખપત્રમાં લખવાનું બંધ કરો. પરદેશી માલનો બહિષ્કાર કરવાની વાત તો બરાબર પણ આ તો સ્વદેશીનો જ વિરોધ કરવાનો આવ્યો! આપણે જે નીતિ અપનાવીએ, તેનાં ભયસ્થાનોનો વિચાર પણ કરવો જોઈએ. આ બહિષ્કાર કરવાથી પરિસંવાદો મોળા થવા માંડશે. મુખપત્ર પણ ઝાંખું બનશે. આને કારણે નુકસાન તો થવાનું જ છે, સાથે-સાથે એક લાભ એ છે કે આ નિઃસત્ત્વતાનો ખ્યાલ આપણને આવશે. કેટલાકને પ્રશ્ન થાય છે કે સમજુ સર્જકો-વિચારકો શા માટે શાસકો પાસે નમન કરે છે આ પ્રકારના વલણ પાછળ ઘણું બધું હોઈ શકે. ચાલો, આપણે બધા ઍવૉર્ડ, બધા પારિતોષિકો, ચંદ્રકો, ઇલકાબોનો થોડા સમય માટે બહિષ્કાર કરીએ. આ માનપાન ગમે તે સંસ્થા દ્વારા અપાતાં હોય, મોકળાશભર્યું વાતાવરણ ન સર્જાય, ત્યાં સુધી કશું ન ખપે, એવી પ્રતિજ્ઞા લઈએ તો!
છેલ્લાં થોડાં વરસોથી આપણું જાહેરજીવન વધુ ને વધુ ખરડાતું રહ્યું છે, આનો ઓછોવત્તો પ્રભાવ આપણાં કળા-સાહિત્ય-શિક્ષણ પર પડવા માંડ્યો છે, પરિણામે આ સાથે સંકળાયેલી વ્યક્તિઓ, સંસ્થાઓ હીઝ માસ્ટર્સ વૉઈસ બનવા માંડ્યા. આ બધાં જ પરિબળો સામે મોરચો માંડવો પડે, આ મોરચો આપણને ‘સ્વરાજ્ય’ સુધી પહોંચાડશે જ.
એક વિચાર અત્યારે મનમાં ઘાટ લઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પરિસંવાદોનું હીર ઝાંખું થઈ રહ્યું છે. ખ્યાતનામ સંસ્થાઓને પણ કેટલીક મર્યાદાઓ નડે છે. આપણે કશી વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ. પુરસ્કારની અપેક્ષા વિના કામ કરવા તૈયાર કેટલાક વિદ્વાનો તો આપણી વચ્ચે છે, એવી જ રીતે આર્થિક સહાય આપનારી કેટલીક સંસ્થાઓ પણ છે – આ બધાંની મદદથી એક-એક દિવસના પરિસંવાદોથી આરંભ થઈ શકે, તો નવેસરથી સારસ્વતયજ્ઞ આરંભીએ. જો આમ નહીં થાય, તો ક્યાં ય ‘અરુણું પરભાત’ જોવા નહીં મળે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2015; પૃ. 02-03