Opinion Magazine
Number of visits: 9483416
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પોસ્ટ ઓફીસ

'ધૂમકેતુ'|Opinion - Short Stories|13 July 2015

પાછલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝભ્ભાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્યભાગમાં થઈ ને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતાં કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ, કોઈક વહેલાં ઊઠનારનાં પગરખાંનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર : એ સિવાય શહેર તદ્દન શાંત હતું.

લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા, અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કહે નહિ છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબૂ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રૂજતો ને શાંત રીતે ડગમગ ચાલતો હતો, શહેરના દરવાજા બહાર થઈ, એક સીધી સડક પર આવી પહોંચ્યો, ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો.

સડકની એક બાજુ ઝાડોની હાર હતી, ને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે “શીમણી” બનતી હતી. પવન સોંસરવો નીકળી જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ, બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું, ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાશ બહાર પડતો હતો.

ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે, તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઇ આનંદ પામ્યો. કમાન પર એક જરીપુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા : “પોસ્ટ ઓફિસ”. ડોસો ઑફિસની બહાર પડથાર પર બેઠો. અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો ન હતો, પણ બેચાર જણા કામમાં હોય તેમ વ્યાવહારિક ‘ગુસપુસ’ થતી હતી.

પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ! અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો. પણ પાછો શાંત બનીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યાં હતાં. અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળનાં સરનામાં બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, દીવાનસાહેબ, લાઇબ્રેરિયન, એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળો ફેંક્યે જતો હતો.

એવામાં અંદરથી એક મશ્કરીભર્યો અવાજ આવ્યો : ‘કોચમેન અલી ડોસા !’ વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો, શ્રદ્ધાથી આકાશ સામે જોયું, ને આગળ વધ્યો, અને બારણા પર હાથ મૂક્યો.

‘ગોકળભાઈ !’

’કોણ ?’

‘કોચમેન અલી ડોસાનો કાગળ કીધો નાં ?….. હું આવ્યો છું.’

જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું.

‘સાહેબ ! આ એક ગાંડો ડોસો છે. એ હંમેશાં પોતાનો કાગળ લેવા પોસ્ટઑફિસે ધક્કો ખાય છે.’ કારકુને આ શબ્દો પોસ્ટમાસ્તરને કહ્યા, ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો. પાંચ વર્ષ થયાં એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો.

અલી મૂળ હોશિયાર શિકારી હતો. પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશાં જેમ અફીણીને અફીણ લેવું પડે, તેમ અલીને શિકાર કરવો પડે. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબરચીતરા તેતર પર અલીની દૃષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય ! એની તીક્ષ્ણ દૃષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી. આસપાસના સૂકા, પીળા ‘કાસડા’ના કે રાંપડાના ધાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા, આગળ વધી જતા ને સસલું બચી જતું, પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દૃષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પળે તે રહેતું નહિ. વળી ક્યારેક અલી મચ્છીમારોનો મિત્ર બની જતો.

પણ જ્યારે જીવનસંધ્યા પહોંચતી લાગી, ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઇ હતી; અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લાં પાંચ વર્ષ થયાં કાંઈ સમાચાર હતા નહિ. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલાં તો એ તેતરનાં બચ્ચાંને આકુળવ્યાકુળ દોડતાં જોઈ હસતો. આ એનો – શિકારનો આનંદ હતો.

શિકારનો રસ એની નસેનસમાં ઊતરી ગયો હતો, પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીમાં એકલતા લાગી, તે દહાડાથી અલી શિકારે જતાં શિકાર ભૂલી, સ્થિર દૃષ્ટિથી અનાજનાં ભરચક લીલાં ખેતર જોઈ રહેતો ! એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહનાં આંસુ છે ! પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોયો. ત્યાર પછી હંમેશાં સવારમાં ચાર વાગ્યે ઊઠીને એ પોસ્ટઑફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહિ, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશાભર્યા ઉલ્લાસનાં તે હંમેશાં સૌથી પહેલો પોસ્ટઑફિસે આવીને બેસતો.

પોસ્ટઑફિસ – કદાચ જગતમાં સૌથી રસહીન મકાન – એનું ધર્મક્ષેત્ર – તીર્થસ્થાન બન્યું. એક જ જ્ગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશાં બેસતો. એને એવો જાણ્યા પછી સૌ હસતા. પોસ્ટમેન મશ્કરી કરતા ને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જ્ગ્યા પરથી પોસ્ટઑફિસનાં બારણાં સુધી, કાગળ ન હોય છતાં, ધક્કો ખવરાવતા. અખૂટ શ્રદ્ધા ને ધૈર્ય હોય તેમ એ હંમેશાં આવતો ને દરરોજ ઠાલે હાથે પાછો જતો.

અલી બઠો હતો એટલામાં એક પછી એક પટાવાળાઓ પોતપોતાની ઑફિસના કાગળો લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટાવાળા એ વીસમી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે, એટલે આખા શહેરના દરેકદરેક ઑફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો.

કોઈના માથા પર સાફો. તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ – એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં બારણું ખૂલ્યું, દેવાના અજવાળામાં સામેની ખુરશી પર તૂંબડા જેવું માથું ને હંમેશનો દિલગીરીભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટમાસ્તર બેઠા હતા. કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાં ય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડસ્મિથનો ''વિલેજ સ્કૂલ માસ્તર'' આ સદીનો કારકુન કે પોસ્ટમાસ્તર હોય છે !

અલી પોતાની જ્ગ્યાએથી ખસ્યો નહિ.

પોલીસ કમિશનર ! કારકુને બૂમ પાડી, ને એક થનગનાટ કરતા જુવાને પોલીસ કમિશનરના કાગળ લેવા હાથ આગળ ધર્યો.

સુપરિન્ટેન્ડન્ટ !

બીજો એક પટાવાળો આગળ આવ્યો – અને આમ ને આમ એ સહસ્ત્રનામાવલિ વિષ્ણુભક્તની જેમ કારકુન હંમેશાં પઢી જતો. અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઊઠ્યો. પોસ્ટઑફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો ! અરે ! સૈકાઓ પહેલાંનો ગામડિયો !

આ માણસ ગાંડો છે ? પોસ્ટમાસ્તરે પૂછ્યું.

હા, કોણ ? અલી ના ? હા સાહેબ, પાંચ વરસ થયાં ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે ! એનો કાગળ ભાગ્યે જ હોય છે ! કારકુને જવાબ આપ્યો.

કોણ નવરું બેઠું છે ? હંમેશ તે કાગળ ક્યાંથી હોય ?

અરે ! સાહેબ, પણ એનું મગજ જ ચસકી ગયું છે ! તે પહેલાં બહુ પાપ કરતો, એમાં કોઈ થાનકમાં દોષ કર્યો ! ભાઈ, કર્યાં ભોગવવાં છે ! પોસ્ટમેને ટેકો આપ્યો.

ગાંડા બહુ વિચિત્ર હોય છે.

હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. તે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો : બસ, બીજું કાંઈ નહિ. બીજા એક ગાંડાને હંમેશાં નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી !

અરે, એક ગાંડાને એવી હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે ! બીજો એક કવિતા ગાયા કરતો ! એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો. ને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો !

આજે પોસ્ટઑફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશાં આવું એકાદ પ્રકરણ છેડીને એના પર બે-ચાર મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકરવર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ છે. પોસ્ટ્માસ્તર છેવટે ઊઠ્યા અને જતાં જતા કહ્યું : માળું, ગાંડાની પણ દુનિયા લાગે છે ! ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે !

છેલ્લા શબ્દ બોલતા પોસ્ટમાસ્તર હસીને ચાલ્યા ગયા. એક કારકુન વખત મળ્યે જરાં ગાંડાઘેલાં જોડી કાઢતો ને એને સૌ ખીજવતા. પોસ્ટમાસ્તરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતાં હસતાં એના તરફ ફરીને કહ્યુ હતું. પોસ્ટઑફિસ હતી તેવી શાંત બની રહી.

એક દિવસ અલી બે-ત્રણ દિવસ સુધી આવ્યો નહિ. પોસ્ટઑફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દૃષ્ટિ કોઈનામાં ન હતી. પણ એ કેમ ન આવ્યો, અવી કૌતુકબુદ્ધિ સૌને થઈ. પછી અલી આવ્યો પણ તે દિવસે એ હાંફતો હતો, ને એના ચહેરા પર જીવનસંધ્યાનાં સ્પષ્ટ ચિહ્ન હતાં.

આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટમાસ્તરને પૂછ્યું : માસ્તરસાહેબ, મારી મરિયમનો કાગળ છે ?

પોસ્ટમાસ્તર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા ને તેમનું મગજ સવાલ ઝીલી શકે એટલું શાંત ન હતું.

ભાઈ, તમે કેવા છો ?

મારું નામ અલી ! અલીનો અસંબદ્ધ જવાબ મળ્યો.

હા. પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે ?

નોંધી રાખોને, ભાઈ ! વખત છે ને કાગળ આવે, ને હું ન હોઉં તો તમને ખપ આવે ! પોણી જિંદગી શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું છે ?

પોસ્ટમાસ્તર તપી ગયા : ગાંડો છે કે શું ? જા, જા, તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહિ જાય !

પોસ્ટમાસ્તર ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતાં નીકળતાં એક વખત ફરીને પોસ્ટઑફિસ તરફ જોઇ લીધું ! આજે એની આંખમાં અનાથનાં આંસુની છાલક હતી, અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો ! અરે ! હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે ?

એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી તેના તરફ ફર્યો : ભાઈ !

કારકુન ચમક્યો, પણ તે સારો હતો.

કેમ ?

જુઓ, આ મારી પાસે છે. એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ પાંચ ગીની કાઢી. એ જોઈ કારકુન ભડક્યો.

ભડકશો નહિ, તમારે આ ઉપયોગી ચીજ છે. મારે હવે તેનો ઉપયોગ નથી, પણ એક કામ કરશો ?

શું ?

આ ઉપર શું દેખાય છે ? અલીએ શુન્ય આકાશ સામે આંગળી ચીંધી.

''આકાશ''

ઉપર અલ્લા છે તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો.

કારકુન આશ્ચર્યમાં સ્થિર ઊભો : ક્યાંથી ક્યાં પહોંચાડવો ?

મારી કબર ઉપર !

હેં ?

સાચું કહું છું. આજ હવે છેલ્લો દિવસ છે ! અરેરે છેલ્લો ! મરિયમ ન મળી – કાગળે ન મળ્યો. અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમેધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. તેના ખીસામાં ત્રણ તોલા સોનું પડ્યું હતું.

પછી અલી કોઈ દિવસ દેખાયો નહિ, અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહિ. એક દિવસ પોસ્ટમાસ્તર જરાક અફસોસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી, અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા. ટપાલ આવી ને કાગળનો થોક પકડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટમાસ્તરે ઝપાટાબંધ એક કવર ઊંચકી લીધું. પણ એના ઉપર સરનામું હતું ''કોચમેન અલી ડોસા !''

વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું ! દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો હતો. એમને એકદમ સાંભર્યું કે આ પેલા ડોસાનું કવર – અને કદાચ એની દીકરી મરિયમનું.

લક્ષ્મીદાસ ! – એમણે એકદમ બૂમ પાડી. લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા.

કેમ સાહેબ ?

આ તમારા કોચમેન અલી ડોસા ….. આજે હવે ક્યાં છે એ ?

તપાસ કરશું.

તે દિવસે પોસ્ટમાસ્તરના સમાચાર ન આવ્યા. આખી રાત્રિ શંકામાં વિતાવી. બીજે દિવસે સવારે ત્રણ વાગ્યામાં તે ઑફિસમાં બેઠા હતા. ચાર વાગે ને અલી ડોસા આવે કે, હું પોતે જ તેને કવર આપું, એવી આજ એમની ઈચ્છા હતી.

વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટમાસ્તર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. પાંચ પાંચ વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હૃદય આજે પહેલવહેલું લાગણીથી ઊછળી રહ્યું હતું. બરાબર પાંચ વાગ્યે બારણા પર ટકોરો પડ્યો. પોસ્ટમેન હજી આવ્યા નહતા, પણ આ ટકોરો અલીનો હતો, એમ લાગ્યું. પોસ્ટમાસ્તર ઊઠ્યા. પિતાનું હૃદય પિતાના હૃદયને પિછાને તેમ આજે એ દોડ્યા, બારણું ખોલ્યું.

આવો અલીભાઈ ! આ તમારો કાગળ ! બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો.

છેલ્લાં આંસુની ધાર હજી તેના ગાલ પર તાજી હતી, ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમનસાઈની પીંછી ફરેલી હતી.

તેણે પોસ્ટમાસ્તર સામે જોયું ને પોસ્ટમાસ્તર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું !

કોણ સાહેબ ? અલી ડોસા ….! લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો.

પણ પોસ્ટમાસ્તરે તે તરફ હવે લક્ષ ન આપતાં બારણા તરફ જ જોયા કર્યું – પણ ત્યાં કોઈ ન લાગ્યું.

પોસ્ટમાસ્તરની આંખ ફાટી ગઈ ! બારણામાં હવે કોઈ જ હતું નહિ, એ શું ? તે લક્ષ્મીદાસ તરફ ફર્યા.

એના સવાલનો જવાબ વાળ્યો :

હા, અલી ડોસા કોણ ? તમે છો નાં ?

જી, અલી ડોસો તો મરી ગયેલ છે ! પણ એનો કાગળ લાવો મારી પાસે !

હેં ? કે દી ? લક્ષ્મીદાસ !

જી, એને તો ત્રણેક મહિના થઈ ગયા ! સામેથી એક પોસ્ટમેન આવતો હતો. તેણે બીજો અરધો જવાબ વાળ્યો હતો.

પોસ્ટમાસ્તર દિંગ્મૂઢ બની ગયાં. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો ! અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી. લક્ષ્મીદાસે, અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટમાસ્તરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બંન્ને ખડાં થયાં ! એમનું મન ભ્રમમાં પડ્યું : મે અલીને જોયો કે એ માત્ર શંકા હતી, કે એ લક્ષ્મીદાસ હતો ? –

પાછી રોજનીશી ચાલી : પોલીસ કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુન ઝપાટાબંધ કાગળ ફેંક્યે જતો હતો. પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમે પોસ્ટમાસ્તર આજે એકીનજરે એ તરફ જોઈ રહ્યા છે ! કવર એટલે એક આનો ને પોસ્ટ્કાર્ડ એટલે બે પૈસા એ દૃષ્ટિ ચાલી ગઈ છે. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું ? પોસ્ટમાસ્તર વધારે ને વધારે ઊંડા ઊતરે છે.

મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય.

તે સાંજે લક્ષ્મીદાસ ને પોસ્ટમાસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટમાસ્તર ને લક્ષ્મીદાસ પાછા વળ્યા.

લક્ષ્મીદાસ ! આજે સવારે તમે પોસ્ટઑફિસે વહેલા આવ્યા કાં ?

જી. હા.

અને તમે કીધું, અલી ડોસા …..!

જી હા.

પણ ત્યારે …. ત્યારે, સમજાયું નહિ કે ….!

શું ?

હાં ઠીક, કાંઈ નહીં ! પોસ્ટમાસ્તરે ઉતાવળે વાત વાળી લીધી.

પોસ્ટઑફિસનું આંગણું આવતાં પોસ્ટમાસ્તર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા, માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપ એમ ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દીવાનખંડમાં બેઠા, ને પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો.

Loading

13 July 2015 admin
← Jana Gana Mana Adhinayaka: It’s not about King George
યોગદિનમાં હું જોડાયો, પણ … … →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved