તમન્ના હું જગે શું શું થવાની લઈને આવ્યો છું?
હું માનવ છું છતાં મસ્તી ખુદાની લઈને આવ્યો છું.
ઊજડ વનમાં ગઝલની ફૂલદાની લઈને આવ્યો છું,
કલા ગુજરાતની કામણ ઈરાની લઈને આવ્યો છું.
અમારી સંસ્કૃિત કેરી નિશાની લઈને આવ્યો છું,
'મલાવી' ભોમને મારી જ માની લઈને આવ્યો છું.
અહીં રહેતી બધી શ્યામલ અને ગોરી પ્રજા વચ્ચે,
જડીબુટ્ટી જીવન જીવી જવાની લઈને આવ્યો છું.
કદી હું કોઈથી રીઝું, કદી હું કોઈથી રૂઠું?
તબિયત મસ્ત છે ને મન સ્વમાની લઈને આવ્યો છું.
કોઈ સમજે કે ના સમજે, કોઈ માને કે ના માને,
ગઝલની ઓથમાં હું શીખ છાની લઈને આવ્યો છું.
નથી કંઈ એકલો 'ખય્યામ' આ દુનિયામાં દીવાનો,
હું મારી સાથમાં દુનિયા દીવાની લઈને આવ્યો છું.
પ્રકાશિત: "નવયુગ", 24-4-65
સૌજન્ય: "સુરાલય", પૃ : 73, ઑક્ટોબર 1966, ગુજરાતી સાહિત્ય મંડળ, બ્લેન્ટાયર (મલાવી).
કવિના સ્વમુખે: https://www.youtube.com/watch?v=t1mbdVQIa7w