ગયા શનિવાર[04 જુલાઈ 2015]ના લેખમાં, રસૂલ હમજાતોવના 'મારું દાઘેસ્તાન' વિશે મેં જે વાતો કરી તે દર્શાવે છે કે લેખકમાં તળપદનું કેવું તો મૉંઘેરું શાણપણ છે. જો કે પુસ્તકમાં એમણે સાહિત્યના યુનિવર્સિટી-અભ્યાસક્રમો વિશે તેમ જ સમ્પાદક વિવેચક અનુવાદક અને વાચક નામની સાહિત્યસંસાર સાથે અનિવાર્યપણે જોડાયેલી હસ્તીઓ વિશે પણ વ્યંગભરી ઉપકારક વાતો લખી છે :
યુનિવર્સિટી-અભ્યાસક્રમોમાં, સર્જનની સરખામણીએ ક્રમશ: વિવેચનનું આધિપત્ય — એવું લગભગ બધે હોય છે. પોતાને ત્યાંની પરિસ્થિતિ વિશે રસૂલ કહે છે : પ્રથમ વર્ષમાં, ૨૦ કવિઓ, ૪ ગદ્યલેખકો અને એક નાટ્યકાર. બીજામાં, ૧૫ કવિઓ, ૮ ગદ્યલેખકો, ૧ નાટ્યકાર, ૧ વિવેચક. ત્રીજામાં, ૮ કવિઓ, ૧૦ ગદ્યલેખકો, ૧ નાટ્યકાર અને ૬ વિવેચકો. પાંચમામાં, ૧ કવિ, ૧ ગદ્યલેખક, ૧ નાટ્યકાર અને બાકી બધા વિવેચકો ! : આની તુલનામાં આપણે ત્યાં કેવું છે તે લાગતાવળગતાઓ જણાવે, તો થાય …
રસૂલે સમ્પાદકો બાબતે આવું આવું કહ્યું છે: 'પ્રિય સમ્પાદક'-નો લહેકો કરી એક જણાને લગીર વ્યંગ વાપરીને કહે, તમે સમ્પાદકોના શાણા અને માયાળુ પ્રકારમાં આવો છો. તમારી જોડે કામ કરવામાં મઝા આવે છે. ખાતરી રાખજો કે મારી હસ્તપ્રતના હાંસિયામાં તમારી બહાલી વ્યક્ત કરવા તમે અંકિત કરેલા કોઈ પણ ઉદ્દગારચિહ્નની અથવા તમારા એક પણ પ્રશ્નાર્થચિહ્નની હું અવગણના નહીં કરું. પૂરેપુરું ધ્યાન આપીશ: અવળું પણ કહે છે, હું કવિ તરીકે જે જાહેર કરવાની ધગશ અનુભવતો હોઉં એને ઢાંકી ન દેશો. અને મારી પંક્તિઓ અલંકારો તથા ભાતો વિશે શંકા ન ઉઠાવશો. મારા ગાલીચાની ભાતમાં ખામી હોય તો પણ કોઈને મિટાવી દેવા કે ઘસી નાખવા ન દેશો — કેમ કે એથી તો ધાબું જ પડે, ધબ્બો કે કાણું જ પડે.
રસૂલ કહે છે કે વિવેચક વિશે ઝાઝું ન કહેવું જ સારું છતાં ઉમેરે છે કે હું એને થોડીક સલાહ આપું. એમ કહીને એમણે ૧૦ સલાહો આપી છે. રસૂલે પોતે જણાવ્યું છે એમ એ સલાહોમાં 'નવું' કશું નથી. પણ બે સલાહો મજાની છે : ૧ : (ઘણું વાંચ્યાની બડાશો મારનારા વિવેચકોને કામ આવે એવી સલાહ) : ખીસાં ખાલી હોય તો અમીર દેખાવાનો ડોળ ન કરવો : ૨ : (ગપ્પાંબાજીથી કામ ચલાવતા વિવેચકોને કામ આવે એવી સલાહ) : લાંબા સમયથી વતનના ગામે જવાનું ન થયું હોય અને ત્યાંની હાલત વિશે કશી ખબર ન હોય તો કદી ન કહેવું કે હું હમણાં જ ત્યાંથી આવ્યો છું !
પોતાના લોકોની સાહિત્યપ્રીતિ બાબતે રસૂલને ઘણો ગર્વ છે. કહે, અવાર લોકોને જેટલો પરિચય પોતાના સાહિત્યનો છે એટલો જ પરભાષાની અનેક અનૂદિત સાહિત્યકૃતિઓનો પણ છે. રસૂલે અનુવાદ અને અનુવાદક વિશે કહેતાં, પોતાના બાપુને મળેલા પારિતોષિકની વાત કરી છે. કહે, રશિયન ભાષાના જાણકાર ૪૦ કવિઓએ પૂશ્કિનના કાવ્ય 'ગામ'-નો અવાર ભાષામાં અનુવાદ કરેલો પણ પહેલું ઈનામ તો બાપુને મળેલું. પછી ઉમેરે છે — જો કે એ વખતે બાપુ રશિયન બોલી નહોતા શકતા ! રસૂલનો મતલબ એ કે અનુવાદકો ભલે મોટા વિદ્વાનો હોય પણ સાહિત્યસમજુ ય હોય તો વધારે સારું. ભાષાન્તર અને અનુવાદનો ફર્ક સમજાવવા માટે રસૂલે રોજિંદા જીવનના દાખલા આપ્યા છે. કહે, દરેક પંક્તિના દરેક શબ્દનું ભાષાન્તર એટલે બીજી જગ્યાએ ફેરવવા માટે છૂટું પાડેલું ઘર : કહે, વાળંદ મારા વાળ કાપીને, દાઢી કરી આપીને, વાળ ઓળી આપીને, મને રવાના કરતી વેળા કહેતો હોય — કે તમે દરેક પંક્તિના દરેક શબ્દના 'ભાષાન્તર'-ના રૂપમાં આવેલા હવે 'અનુવાદ'-ના રૂપમાં જઈ રહ્યા છો : જો કે એમ પણ કહે કે અનુવાદકો કેટલીયે વાર કાવ્યના બધા દાંત ખૅંચી કાઢતા હોય છે અને જગતમાં એને બોખી ડોકરીની જેમ ગણગણતું મૂકી દેતા હોય છે …
રસૂલની આવી બધી સમજ જીવનમાં બનેલા કિસ્સાઓથી ઘડાઈ છે. એમની એ આગવી રીત માટે વાચકે આ પુસ્તકને નિરાંતે વાંચવું જોઈશે. જાપાનમાં કલાકાર મિત્રોને ભેટ આપવા પોતે સુન્દર સુરાઈઓ લઈ ગયેલા. ઍરપોર્ટોની અદલાબદલી વખતે સુરાઈઓ તૂટીફૂટીને ઠીકરાં ઠીકરાં થઈ ગયેલી, પણ કેટલાક દિવસ પછી એ યજમાન-િમત્રોએ ટુકડાઓને જોડીને સુરાઈઓને અદ્દલ નવી જેવી બનાવી આપેલી. એ જોઈ રસૂલને પોતાના અનુવાદકો યાદ આવેલા, લખે છે : મારા કાવ્યોની દરેક પંક્તિ અને દરેક શબ્દનાં ભાષાન્તરો ફૂટી ગયેલી સુરાઈઓનાં ઠીકરાં જેવાં હતાં. હવે એ ઠીકરાંને જોડી દેવામાં આવ્યાં છે, સુરાઈ સાવ નવી જેવી બની ગઈ છે, મારી અવાર ભાષા-ભાતો અસલ જેવી જ કાયમ રહી છે : જો કે રસૂલ ચેતવે છે — કે બેશક, અનુવાદકે સુરાઈને નવો ઘાટ ન જ આપવો જોઈએ. હાથા વગરની સુરાઈને હાથો ન જ જોડવો જોઈએ. એક તળિયાને ઠેકાણે બે ન જ બનાવવાં જોઈએ. બધા અનુવાદકોને રસૂલ કહે છે : હું લંગડો ને આંધળો હોઉં તો મને હાથ ઝાલીને બહાર ન લઈ જશો. મને મારા ઘરને પગથિયે મારી પોતાની સગડી પાસે બેસી રહેવા દેજો. મારી ત્રાંબાની થાળીઓને કલઈ ચડાવશો નહીં કે મારી ચાંદીની ચીજને સોનાનો ઢોળ ચડાવશો નહીં : રસૂલ આમ મરમમાં ઘણું કહી દેતા હોય છે.
વાચકને 'પ્યારો દોસ્ત' ગણે છે. એને સમ્બોધીને કહે છે : દરેકે દરેક પુસ્તક તારા માટે જ લખાતું હોય છે. હું પ્રકાશકને સમજાવવાની કોશિશ કરી શકું અને સમ્પાદક તેમ જ વિવેચક જોડે દલીલો કરી શકું પરન્તુ તારો ફૅંસલો જ ઈનસાફી અને આખરી હોય : કહે, મારા પુસ્તકમાં તને બીજા કોઈના પુસ્તકમાંનો ખયાલ નજરે ચડે તો એને ફગાવી દેજે. પણ મારા પુસ્તકમાં તને ખરો ખયાલ મળે તો તેની નીચે લીટી કરજે, અને ખોટો મળે તો તેની નીચે બે લીટી કરજે. અને પુસ્તકમાં તને એક પણ જૂઠાણું નજરે પડે તો આખું પુસ્તક ફગાવી દેજે : કહે, લેખક તો માત્ર વાચક સાથેની મુલાકાત માટે જ જીવતો હોય છે. મારી જિન્દગીમાં મેં ખરેખરી ફિકર માત્ર ત્રણ અનુભવી છે : તને વાચકને મળતાં પહેલાં, હું ફિકરમાં પડી જાઉં છું — મુલાકાતની રાહ જોઉં ને કલ્પના કર્યા કરું કે એ કેવી રહેશે. મુલાકાત દરમ્યાન, મને ફિકર હોય જ હોય એ તો સ્વાભાવિક છે. મુલાકાત પછી ય, મને ફિકર થાય — વીગતો યાદ કરું, અંદાજ લગાવું, કે તારા પર મારી કેવીક છાપ પડી હશે …
પછી રસૂલ સરસ કહે છે : મારી નજર સામે વાચકોના ચહેરા તરવરે છે. દરેક ચહેરો નિરાળો છે. એકનાં ભવાં ચડી ગયાં છે — એની નાખુશી દૂર કરવા માટે શબ્દો ક્યાંથી લાવું ? બીજો જાણે માખી ગળી ગયો હોય એમ એનું મોઢું કટાણું થઈ ગયેલું છે. ત્રીજાના ચહેરા પર ભયંકર અને નિરાશાજનક કંટાળાનો ભાવ વરતાય છે. આવા વાચકોને મનમાં રાખીને રસૂલ એક વાત રજૂ કરે છે. કહે, લોકોથી દૂર પહાડો પર ઘર બાંધીને રહેતા પહાડવાસીઓ લગી પહોંચવાનું મુશ્કેલ — સાંકડી કેડીએ ઉપર ચડતાં ખીણમાં ગબડી પડવાનું કે ઉપરથી ધસી પડતા ખડકો નીચે દબાઈ જવાનું જોખમ. પહાડવાસીઓને પૂછવામાં આવ્યું કે તમારા લગી કોઈ આવે તો આવે શી રીતે. પહાડવાસીઓએ સરસ કહ્યું : ખરા દોસ્તો તો મુશ્કેલ પંથ કાપીને અને તમામ જોખમો ઉઠાવીને પણ અમારા લગી પહોંચવાના જ છે — ને નકામા ? એમના વગર અમે ચલાવી લઇશું …
મને થાય, જો પુસ્તક નામનું 'ઘર' દરેક લેખક 'અંદર'-ના પહાડ પર આમ 'ઊંચે' બાંધે; ખરા દોસ્તો જેવા વાચકો અંગે આવો ભરોસો રાખે; ને નકામાને વિશે આવા બેપરવા રહે, તો કેટલું સારું થાય …
સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’, નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 11 જુલાઈ 2015
http://navgujaratsamay.indiatimes.com/editorial/sampadkiya/rasool-hamjatov-hated-translators/articleshow/48021195.cms