હમણાંનો મને પ્રતીકોમાં બહુ રસ પડે છે…
– સાહિત્યવાળાં પ્રતીકો ને ? અમારા ઘરમાંયે કશું પ્રતીકોવાળું વાંચે કે લાગી પડે ચર્ચા કરવામાં, એક પ્રોફેસર, અને એક એમએમાં, પછી શું થાય?
-સાહિત્યની વાત નથી, ભલા માણસ ! હું તો ચૂંટણી માટે ફાળવેલાં પ્રતીકોની વાત કરું છું.
– ઓ હો ! નોટ ઇન્ટરેસ્ટેડ, એમાં કંઈ દમ નહીં. બધું ડ્રાય ઍન્ડ ડ્રેબ. એ સાઇકલ, ને હાથી, ને દાતરડું ને ઘાસનો પૂળો, એમાં શો રસ લેવાનો ?
– અરેરે ! તમે શું ગુમાવી રહ્યા છો તેનો તમને અંદાજ જ નથી ! કોણ કયું પ્રતીક પસંદ કરે છે એમાં એમના મૂળભૂત અભિગમની ખબર પડે, પ્રતીક સ્વયં ચૂંટણીનો ઢંઢેરો છે, આઈ મીન જે તે પક્ષનો ઢંઢેરો … એકદમ થ્રીલિંગ છે બધું
– એમાં કંઈ રોમાંચક નથી દેખાતું મને તો …
– રોમાંચક કેમ નહીં ? સાંભળો, ગાજર, જલેબી, કૂકર, માટલું, થાળી વગેરે પ્રતીકો માન્ય હોવા છતાં એની પસંદગી નથી થતી એવા સમાચાર વાંચ્યા, મારે એ જોવું છે કે જોડાનું પ્રતીક કોઈ પસંદ કરે છે કે નહીં !
– જોડા ? યુ મીન શૂઝ ?
– યસ, શૂઝ, પગરખાં, જોડા, ચંપલ…
– જાવ જાવ હવે ! એવાં નકારાત્મક પ્રતીક કોને ગમે?
– જોડા નકારાત્મક કહેવાય? અરે, પગનું રક્ષણ કરે, અડવાણે પગે દાઝે, વાગે, પીડા થાય. જોડા તો ભક્તિનું, શક્તિનું પ્રતીક. ભરતે રામની પાદુકાનું શું કર્યું હતું, યાદ નથી? જોડા વિના ગતિ નથી, અને ગતિ વિના કશું જ નથી. મનુષ્યની સર્વ પ્રવૃત્તિનું ચાલકબળ જોડા જ તો છે !
– તો આ જોડા ફેંકીને અપમાન કર્યું એવી છાપ કયા બાઘાઓ ઊભી કરે છે? અપમાનવાળી વાત જ સાવ ખોટી, એવું નહીં ? – નાદાન છે એ સહુ, એમને ખબર નથી કે એ લોકો શું કરી રહ્યા છે !
– જોડો ફેંકીને ફેંકનાર શું વ્યકત કરે છે ? જેના પર ફેંક્યો તેને…
– એમ કે આપ અમારું ચાલકબળ છો, જેમ જોડાથી પગ, એમ આપનાથી અમે, સુરક્ષિત છીએ, શોભાયમાન છીએ !
– લો ! આવું તો અમે જાણતાં જ નહોતા ! આ તો એકદમ ઓરિજિનલ વિચાર છે !
– છે જ તો ! આ મહાન દેશની લોકશાહી આવા ઓરિજિનલ ખયાલાતથી તો ટકી છે…
– પણ તો પછી જોડા બે વિભિન્ન દિશાએથી આવવા ઘટે, ડાબાજમણા બેય પગને લાભ મળવો જોઈએ, ખરું કે નહીં ?
– સત્ય વચન, ઉચિત નિરીક્ષણ. કારણ કે ફેંકનાર તથા મેળવનાર એક જોડાનું શું કરી શકે ?
– વળી ફેંકવાની શી જરૂર ? એક સુંદર થાળમાં જોડા મૂકીને આપવાથી ભારતીય પરંપરા જળવાય અને નેતાઓને પણ હરખ થાય કે પ્રજા સાંસ્કૃતિક વારસો જાળવી રહી છે, મરતાં મરતાં પણ !
– વાહ ! સરસ અને મૌલિક વિચાર છે. શુભ પણ છે. હજી ચૂંટણીપ્રચાર અને વચનામૃત વર્ષા ચાલુ જ છે. વાતાવરણમાં નેતારૂપી સૂર્ય અને સાક્ષાત્ સૂર્યની ગરમીનો પ્રભાવ છે ત્યારે શુભમંગલનો શીઘ્ર અમલ કરીએ …
– પણ સલામતીરક્ષકો થાળ લઈને નહીં જવા દે તો ?
– જોડા પર હારના થડકલા કરવાના, ખબર જ ક્યાંથી પડવાની કે નીચે જોડા છે !
– ધન્ય છે તમારા કલ્પનાવૈભવ ધરાવતા વિચારવંત અભિગમને !
– જોનારાંને થશે કે થાળ લઈને સદ્ભાવ દર્શાવવા પ્રશંસકો આવ્યા છે. વર્તમાનમાં સદ્ભાવનો મોટો મહિમા છે. એના ઉચ્ચારમાત્રથી હૃદયો મીણ જેમ પીગળે છે, અણગમા ઓગળે છે. સહુ પરસ્પર પ્રેમથી ગદ્ગદ થઈ જાય છે… જાદુ છે સદ્ભાવનો !
– પછી બધે જોડા-જોડા થઈ જશે, જોડાનું ચૂંટણી-પ્રતીક માંગવા પડાપડી થશે, જોડાનું પ્રતીક જે ઉમેદવાર કે પક્ષનું હશે એને માટે આવું પ્રચારગીત ગાઈ શકાશે …
– તમે બનાવીયે કાઢ્યું ?
– પ્રેરણા… દિવ્ય લહેર પ્રેરણાની… સાંભળો !
હમ પૈરો પે પંખ લગાયે ….
હમ હવા સે બાત કરાયે…
હમ ધરતી કો સ્વર્ગ બનાયે…
હમે આજમાવો, ખુશહાલી લાવો !
અને સૂત્ર આવું હશે !
જોડા વિના પગ, મોત લગોલગ,
જોડાનું સત, જોડાને મત !