‘તમારા ધાર્મિક પુસ્તકમાં લખેલું હોય કે ધર્મ ગુરુ કહે તે પ્રમાણે તમે ન માનતા હો કે તે આજ્ઞાઓને અવગણો તો શું થાય?’ ‘તમે પુનર્જન્મમાં માનો છો?’ ‘કોઈ વ્યક્તિનું આગવું ધર્મ વિશેનું અર્થઘટન સાચું કે ખોટું હોઈ શકે?’
આ અને આવા પ્રશ્નોના ઉત્તરો વિવિધ ધર્મ/માન્યતા ધરાવનાર સમૂહોના પ્રતિનિધિઓ પાસેથી સાંભળવાની તક મળી. તાજેતરમાં માન્ચેસ્ટરની એક શાળામાં sixth formનાં વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ માટે યોજાયેલા દસમા Spritual Awareness Day નિમિત્તે હિંદુ ધર્મ વિષે વાત કરવા જવા માટે આમંત્રણ મળેલું. જેહોવાઝ વિટનેસ, હ્યુમનીસ્ટ, Baptist minister, કવેકર, મુસ્લિમ અને હિંદુ ધર્મ અને અન્ય માન્યતાના પ્રતિનિધિઓને પોત પોતાની રીતે ઈશ્વર, ધર્મ, તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મની સમજણ આપવા માટે નોતરેલા. 16/17 વર્ષના યુવાનીને ઉંબરે આવીને ઊભેલ વિદ્યાર્થી સમૂહને ચાર વર્ગ ખંડમાં વહેંચી દીધેલા.
45 મિનિટના એક એવા ચાર વર્ગો દરમ્યાન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સનાતન ધર્મના ઉદ્દગમ સ્થાનની ભૌગોલિક વિગતોથી વાતની માંડણી કરી. આ પુરાતન ધર્મ માનવતા, આંતર પરીક્ષણ, પ્રકૃતિ પ્રત્યે અપાર આદર, વિવિધ ધર્મ અને સંસ્કૃિત માટે અહોભાવ અને સહિષ્ણુતા અને વૈશ્વીક મૂલ્યોને આધારે વિકસ્યો અને નભ્યો છે એ વિષે ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે શ્રોતાઓ કંઈક અંશે આદરથી સાંભળી રહ્યા તેમ ભાસ્યું. બીજા ધર્મથી હિંદુ ધર્મને અલગ પાડતાં ત્રણ લક્ષણો : કોઈ ચોક્કસ વર્ષમાં તેની શરૂઆત થઇ કહી ન શકાય, એક વિશિષ્ટ વ્યક્તિએ તેનો પ્રારંભ કર્યાનો દાવો નથી કર્યો અને કોઈ એક જ ધાર્મિક પુસ્તકને અનુસરવાનો આદેશ નથી એ હકીકત સ્પષ્ટ કરી, જેના વિષે વિદ્યાર્થીઓને થોડું વિસ્મય થયું. ખરી મુશ્કેલી ‘એકમ સત વિપ્રા બહુધા વદન્તિ’ એમ કહીને ત્રિદેવ માટેની શ્રદ્ધાને સમજાવવામાં પડી.
મારી કોશિશ રહી કે કર્મ, પુનર્જન્મ અને સ્વર્ગ-નર્ક વિષે બહુમતી હિંદુ સમાજ પ્રચલિત માન્યતાઓને અનુસરે છે, પરંતુ બુદ્ધિજીવીઓ વૈજ્ઞાનિક જ્ઞાન અને માહિતીને આધારે એવી માન્યતાઓથી વેગળા થવા લાગ્યા છે, એ મુદ્દો હું તેમને ગળે ઉતરાવી શકું. દશાવતારના ખ્યાલને ડાર્વિનના ઉત્ક્રાંતિ વાદ સાથે સરખાવવામાં ઘણે ભાગે સફળતા મળી. વિદ્યાર્થીઓ સાથે રસપ્રદ ચર્ચા હિંદુ ધર્મના ક્રિયાકાંડ અને કેટલાક રીત-રિવાજો પર આવીને અટકી. મૂર્તિ પૂજા અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવા પાછળની ભાવના સમજવામાં તેમને અન્ય ધર્મના ખ્યાલો અડચણ રૂપ લાગ્યા. વળી પ્રાર્થના-પૂજા કરવા માટે કોઈ બાંધેલ સમય અને સંખ્યાનું અનુસરણ કરવાની આજ્ઞા નથી કરવામાં આવી અને જીવનને લગતી નાની મોટી તમામ બાબતો માટે ધાર્મિક માર્ગદર્શિકાનું પાલન અનિવાર્ય માનવામાં નથી આવતું, એ હકીકત જાણીને કેટલાક વિદ્યાર્થીઓને આશ્ચર્ય થયું.
અહીં એક વાત નોંધનીય લાગી કે યુવતીઓની સરખામણીમાં યુવાનોને આ વિષયમાં વધુ રસ પડતો હતો, તેઓ પ્રશ્નો પૂછતા હતા એટલું જ નહીં પરંતુ પડકાર પણ ફેંકતા હતા, જે તેમના જાગૃત વિચારો અને નીડરતાના દ્યોતક હતા. તેમાં ય એક પ્રશ્ને મારું ધ્યાન વધુ ખેંચ્યું. એક અતિ ઉત્સાહી વિદ્યાર્થીએ પૂછ્યું, “તો પછી તમારે કેવી રીતે વર્તવું, જીવનમાં શું સારું-ખરાબ છે તે કેવી રીતે નક્કી કરી શકો?” આ પ્રશ્ન પરથી મને વિચાર આવ્યો કે કેટલાક ધર્મમાં માનવીને પોતાના કર્મ માટે સ્વતંત્રપણે નિર્ણય લઈને તેના ફાળો ભોગવવા જેટલી માનસિક કે બૌદ્ધિક તાલીમ નથી અપાતી કે શું? ધર્મ એક સુપથ માટેની માર્ગદર્શિકા બનવાને બદલે રોજિંદા જીવનમાં ઝીણી ઝીણી બાબતોમાં શું કરવું, શું ન કરવું, શું કરવાથી સ્વર્ગ મળે અને ન કરવાથી નર્ક મળે એવું પ્રબોધીને તેના અનુયાયીઓને ડરપોક અને પાંગળા તો નથી બનાવી દેતો?
એક આનંદ દાયક વાત તો એ છે કે જેવો હિંદુ ધર્મના મુખ્ય મુખ્ય મૂલ્યોનો ઉલ્લેખ કર્યો કે તરત લગભગ બધા શ્રોતાઓએ અશાબ્દિક સહમતી બતાવી. આ વાર્તાલાપની પૂર્ણાહુતિ હિંદુ ધર્મના સારાંશ રૂપ ઇશા વાસ્યમ શ્લોક અને શાંતિ મંત્રના ગાન અને સમજણ સાથે કરી જે વિદ્યાર્થીઓને ખૂબ પસંદ પડ્યું.
આશરે સોએક જેટલાં વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ જુદા જુદા ધર્મ/વિચારધારાઓનો પરિચય મેળવી રહ્યાં પછી એક પ્રશ્નોત્તરીનું આયોજન થયેલું, જેમાં વિદ્યાર્થીઓએ લેખની શરૂઆતમાં જણાવ્યા છે તે પ્રશ્નો પૂછ્યા. આખા દિવસના વાર્તાલાપનું સમાપન કરતાં તેના આયોજક તરફથી બધા પ્રતિનિધિઓને પૂછવામાં આવ્યું, ‘તમને તમારા ધર્મ તરફથી કઈ મૂલ્યવાન ચીજ મળી એમ તમે કહી શકો?’ અલગ અલગ ધર્મ/વિચારધારાઓના પ્રતિનિધિઓના પ્રતિભાવો પરથી એવું તારણ કાઢી શકાયું કે હ્યુમનિસ્ટ, Baptist minister, કવેકર, અને હિંદુ ફિલોસોફી પ્રમાણે ધાર્મિક પુસ્તકમાંના લખાણને અક્ષરશ: વળગી રહેવું અનિવાર્ય નથી મનાતું, તેમાં કાળક્રમે ફેરફાર થઈ શકે છે. હ્યુમનિસ્ટ અને કવેકર સંપ્રદાયના લોકો ઈશ્વર, પુનર્જન્મ અને પાપ-પુણ્યમાં શ્રદ્ધા નથી ધરાવતા. તેમના મતે એક જ ધર્મ છે અને તે માનવ ધર્મ અને તેનું એક જ અર્થઘટન હોઈ શકે જેમાં સાચું-ખોટું હોવાનો સંભવ જ નથી.
એ શાળાના મુખ્ય આચાર્ય અને શિક્ષકગણ પોતાના વિદ્યાર્થીઓને કોઈ પણ મતભેદ અને સંઘર્ષનો શાંતિમય ઉકેલ લાવવા માટે તાલીમ આપવાની કોશિશ કરી રહ્યા છે જેના વિષે સહુ પ્રતિનિધિઓનો અભિપ્રાય માગતાં કહ્યું, “ISIS જેવા આતંકવાદી સંગઠનની પ્રવૃત્તિઓને કારણે આ વાત ગળે ઉતરાવવી કઠીન બને છે.” તેવામાં અમારામાંથી એક પ્રતિનિધિનું કહેવું એવું થયું કે ન્યાય મેળવવા અને પોતાના વિચારોનો અમલ કરવા ક્યારેક હિંસાત્મક પગલાં જરૂરી થઈ પડે છે. શાળાના મુખ્ય આચાર્યને શાંતિમય વાટાઘાટો અને લવાદીમાં અત્યંત વિશ્વાસ હોવાથી તેમણે એ વાતને ટેકો ન આપ્યો અને વાત જરા વણસી. અન્ય પ્રતિનિધિઓએ પણ શાળાના મુખ્ય આચાર્યને ટેકો આપનારા મંતવ્યો આપ્યાં. તેવે વખતે એ યુવા પેઢીને ચેતવણી આપવાની મેં ફરજ સમજીને કહ્યું, સદીઓનો ઇતિહાસ તપાસશો તો માલુમ પડશે કે એક યા બીજા કારણસર યુદ્ધો ખેલાયાં અને લડાઈઓ થઈ પણ તેનાથી ક્યારે ય ન્યાય, ધર્મ કે શાંતિ નથી સ્થપાયાં. માનવ જાતને યુદ્ધની નિષ્ફળતાના અગણિત પુરાવા મળી ચુક્યા છે. હવે તમારી પેઢી પણ જો એ માર્ગે જવા માગતી હોય તો સમજી લેજો કે તમને પણ એવો જ ઘોર પરાજય મળશે. કોઈ જો તમને લલચાવે કે અમુક તમુક કારણસર વ્યક્તિઓ કે ખાસ સમૂહની કતલ કરશો તો સ્વર્ગમાં પરીઓ તમને આવકારવા ઊભી હશે તો એ વાત બિલકુલ નહીં માનશો, કેમ કે તમે જાણો છો કે એવું કોઈ સ્થળ આ પૃથ્વી પર કે અંતરીક્ષમાં નથી. જેનું અસ્તિત્વ નથી એ મેળવવાની લાલચમાં અન્યના માનવ અધિકારનું ભક્ષણ કરવા લેશ માત્ર તૈયાર ન થશો. ખૂબ દર્દ અને અનુકંપાથી કહેવાયેલ આ વિધાનની સાનુકુળ અસર થઈ.
અહીં હિંદુ ધર્મનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરતાં એ પણ કહેવામાં આવ્યું કે કોઈ એક પુસ્તક કે મહાન વિભૂતિના વિચારો, સિદ્ધાંતો અને ઉપદેશ જે તે સમય અને સંયોગો માટે પ્રસ્તુત અને યોગ્ય હોઈ શકે. એ આદેશો અને આજ્ઞાઓને આજના વિજ્ઞાન યુગમાં મળેલ જ્ઞાન અને માહિતીની એરણે ચકાસીએ ત્યારે જો એ ખરા ઉતરે અને માનવ અધિકારોને હાની પહોંચાડે તેવા ન હોય તો જ તેને અનુસરવા એવો સારાસારનો વિવેક કેળવવાની ક્ષમતા વિક્સાવવી રહી. આથી જો ધાર્મિક પુસ્તકમાં લખ્યું છે તે ન માનો તો પાપ કર્યું કહેવાય કે ગુનો બને તેવું કોઈ કહે તો ડરવું નહીં. વળી કર્મનો સિદ્ધાંત તો સાવ સહેલો છે. જેવું વાવો તેવું લણો. હવે માનવ જાત વિજ્ઞાનને આધારે એટલું જરૂર જાણી શકી છે કે માનવ શરીર કેમ નિર્માણ થાય છે અને કેમ તેનો અંત આવે છે, તો પછી પુનર્જન્મમાં શ્રદ્ધા રાખવી એ મળેલ જ્ઞાનની અવગણના કરવા બરાબર છે. એવું જ જો આપણે સ્વર્ગ અને નર્ક જેવી કોઈ જગ્યા શોધવા જઈશું તો નિરાશા મળશે. એ એક માનસિક અને સામાજિક વિભાવના છે. સતકૃત્ય કરો તો સારાં ફળ મળે, ઉત્તમ લોકોનો સહવાસ પ્રાપ્ત થાય, તેઓ તેમને આદર અને પ્રેમ આપે એ તમારું સ્વર્ગ અને તેનાથી વિરુદ્ધની સ્થિતિ તે નર્ક અને એ બંને આ જગતમાં અને આ જન્મમાં જ મળે છે એ સમજવું અતિ આવશ્યક છે. હિંદુ ધર્મની સહુથી મોટી દેણગી છે પ્રકૃતિના તમામ સર્જનને સ્વીકારવાની, તેનો આદર કરવાની અને તેની સાથે સામંજસ્ય ભર્યું સહઅસ્તિત્વ કેળવવાની દ્રષ્ટિ.
આ આખી આધ્યાત્મિક જાગૃતિ આણવા સારુ યોજાયેલી બેઠકોનો અંજામ વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિઓમાંના મોટા ભાગના ‘આજના પ્રસ્થાપિત ધર્મોને માનવતાની દ્રષ્ટીએ કેવી રીતે સમજી શકાય અને તેને નામે થતી ગેરસમજ, હિંસા, અન્યાય અને અત્યાચાર કેમ રોકી શકાય તેની ચર્ચા કરવામાં આવ્યો જે આનંદ દાયક અનુભૂતિ હતી.
e.mail : 71abuch@gmail.com
![]()

