ડૉ.વિનાયક સેનની અજબ કહાણી
છત્તીસગઢમાં નક્સલવાદના પ્રતિકારના નામે ડૉ. વિનાયક સેનને જેલમાં ગોંધી રાખવાનું ભાજપ અને કોંગ્રેસનું સહિયારૂં પાપ છાપરે ચડીને આખી દુનિયામાં પોકારે છે, પણ તેમને કશી શરમ નથી
ગુજરાતની કોમી હિંસાના મુદ્દે સર્વોચ્ચ અદાલત સળવળી એટલે કેટલાક વર્તુળોમાં ફરી કાગારોળનું સમૂહગાન શરૂ થઇ ગયું. ‘સેક્યુલરિસ્ટો-માનવ અધિકારવાદીઓ ફક્ત ગુજરાતમાં જ કેમ ઉતરી પડે છે’ એવી લૂલી અને લપટી દલીલો ફરી થવા લાગી છે. એવી દલીલો રસથી કે રમૂજથી સાંભળનારા સૌ માટે ડૉ.વિનાયક સેનનો કિસ્સો આંખ ઉઘાડનારો અને મગજ ખુલ્લું હોય તો નવી દિશા ચીંધનારો બની શકે છે.
છત્તીસગઢના પાટનગર રાયપુરની જેલમાં બબ્બે વર્ષથી જામીન આપ્યા વિના જેમને ગોંધી રાખવામાં આવ્યા છે, એ ડૉ. વિનાયક સેન છે કોણ? શા માટે સલમાન ખાનો અને સંજય દત્તોને, પપ્પુ યાદવો અને શહાબુદ્દીનોને છૂટથી જામીન મળતા હોય- અરે, જામીન ન મળે તો જેલમાં રજવાડાં ભોગવવાં મળતાં હોય- એ દેશમાં એક બાળરોગનિષ્ણાત અને પીપલ્સ યુનિયન ફોર સિવિલ લીબર્ટી (પીયુસીએલ)ના ઉપપ્રમુખ ડૉ. સેનને જામીન મળતા નથી? શા માટે તેમનાં પરિવારજનો- પત્ની ઇલિના અને બે દીકરીઓને- અઠવાડિયે માત્ર અડધા કલાક માટે ડૉ. સેનને મળી શકે છે? જેલમાં પુરાઇ રહેવું ન પડે એટલા ખાતર ગુંડાઓ તરત હોસ્પિટલભેગા થઇ શકે છે, પણ હૃદયની ગંભીર બીમારીના દર્દી એવા આ ડૉક્ટરને તબીબી સારવાર આપવા માટે બે વર્ષ જેટલી ખતરનાક ઢીલ કરવામાં આવે છે – સર્વોચ્ચ અદાલતના ફેંસલાની રાહ જોવામાં આવે છે?
છત્તીસગઢની રાજ્ય સરકાર પાસે લાખ સવાલના એક જવાબ જેવો ઉત્તર છેઃ ડૉ. સેન નક્સલવાદીઓના સાથીદાર છે. તેમણે જેલમાં રહેલા નક્સલવાદી કહેવાતા નેતા નારાયણ સન્યાલને સંદેશા પહોંચાડવામાં મદદ કરી છે અને તેમની તબીબી સારવાર કરી છે.
દેખીતું છે કે આ જવાબ બહારની દુનિયા માટેનો, છાપેલો સરકારી જવાબ છે. કારણ કે –
૧) ડૉ. સેન પીયુસીએલના ઉપપ્રમુખ અને એક તબીબની હેસિયતથી જેટલી પણ વાર નારાયણ સન્યાલને જેલમાં મળ્યા, એ બધી વાર તેમણે યથાયોગ્ય સરકારી પરવાનગી લીધેલી છે. નારાયણ સન્યાલ જેવા ‘ખતરનાક નક્સલવાદી’ માટે છત્તીસગઢની રાજ્યસરકાર- ખાસ તો તેના ઉત્સાહી મુખ્ય મંત્રી રમણસિંઘ- ઝાઝી છૂટછાટ આપે અથવા સન્યાલને રેઢા મુકે એવું માનવાને કારણ નથી.
૨) છત્તીસગઢની સરકારને અસલી વાંધો ડૉ. સેનની ગરીબો-આદિવાસીઓ સાથેની કામગીરી માટે છે. પરંતુ હવે સરકારો અને સત્તાધીશો જ નહીં, ‘વિકાસપ્રેમી’ મઘ્યમ વર્ગીય પ્રજા પણ ગરીબોની વાત કરનારા માટે ‘સામ્યવાદી’, ‘નક્સલવાદી’ જેવા શબ્દો છૂટથી વાપરે છે. એટલે પોતાને અળખામણા લાગતા હોય એવા લોકોને ‘નક્સલવાદીઓના સાગરીત’ તરીકે ઓળખાવવાનું સત્તાધીશોનું કામ સહેલું બની જાય છે.
૩) ડૉ. સેનનો વાંધો રાજ્ય સરકારો સામે નહીં, પણ સરકારી ટેકાથી ચાલતી ‘સાલ્વા જુડુમ’ ઝુંબેશ સામે છે. સ્થાનિક ગૌંડી ભાષામાં સાલ્વા જુડુમનો એક અર્થ છેઃ શાંતિ માટેની ઝુંબેશ. પણ નક્સલવાદીઓની હિંસા સામે રાજ્ય સરકાર પ્રોત્સાહિત સાલ્વા જુડુમની હિંસા હજુ સુધી રાજ્યમાં શાંતિ સ્થાપિત કરી શકી નથી.
સાલ્વા જુડુમની ટૂંકી, નિર્દોષ અને સ્વચ્છ સમજૂતી આપવી હોય તો કહી શકાય કે ’નક્સલવાદીઓની હિંસાએ માઝા મુકી ત્યારે આદિવાસીઓએ તેમનો પ્રતિકાર શરૂ કર્યો. શરૂઆતમાં પોલીસ તંત્રએ પોતાના શરણમાં આવેલા આદિવાસીઓને નક્સલવાદીઓ સામે રક્ષણ આપવાનું શરૂ કર્યું, જે આગળ જતાં રાજ્યની નીતિ તરીકે અમલી બન્યું. ૨૦૦૫થી ચાલતી ‘સાલ્વા જુડુમ’ ઝુંબેશ હેઠળ આગળ જતાં રાજ્ય સરકારે એસપીઓ તરીકે ઓળખાતા સ્પેશ્યલ પોલીસ ઓફિસરની નિમણૂંકો કરી.તેમાં આદિવાસી યુવકોની ભરતી કરવામાં આવી.’
સરકાર એવો દાવો કરે છે કે નક્સલવાદનો અસરકારક મુકાબલો કરવા માટે સાલ્વા જુડુમ થકી આદિવાસીઓનું સશક્તિકરણ- ખરેખર તો સશસ્ત્રીકરણ- કરવામાં આવ્યું છે. આ દલીલ સાવ ખોટી નથી, પણ તેનું બીજું ભયંકર પાસું એ છે કે લોકોના હાથમાં હથિયારો આવી જતાં કાયદો-વ્યવસ્થા જેવું કશું રહ્યું નહીં. અંદરોઅંદરની તકરારો અને હિંસાએ માઝા મૂકી અને એ બઘું નક્સલવાદના મુકાબલાના બહાને થતું હોવાથી રાજ્ય સરકારે હાથ પર હાથ જોડીને તમાશો જોવાનું, બલ્કે એવી હિંસાને આડકતરૂં કે સીઘું પ્રોત્સાહન આપવાનું વલણ અપનાવ્યું, પરિણામ એ આવ્યું કે અત્યાર લગી નક્સલવાદીઓનો ભોગ બનતા ગરીબો- આદિવાસીઓ હવે સરકારી સાલ્વા જુડુમની હિંસાનો પણ શિકાર બનવા લાગ્યા.
ડૉ. વિનાયક સેન જેવા માનવ અધિકાર કાર્યકર્તાનું વલણ બહુ સ્પષ્ટ હતું. ગયા મહિને એક અખબારને આપેલી મુલાકાતમાં તેમણે પોતાના વિચારોનું પુનરાવર્તન કરતાં કહ્યું હતું,‘હું તમામ પ્રકારની હિંસાનો વિરોધી છું.’ રાજ્ય સરકારને આ વાત આકરી લાગે છે. કારણ કે ‘તમામ પ્રકારની હિંસા’માં નક્સલવાદી હિંસા ઉપરાંત સરકારી સાલ્વા જુડુમની હિંસાનો પણ સમાવેશ થઇ જાય છે!
નક્સલવાદના મુકાબલાના ઉત્સાહમાં પાપડી ભેગી જ નહીં, પાપડી કરતાં વધારે ઇયળો બફાતી હોય એવું ડૉ. વિનાયક સેન સહિત અનેક નિષ્પક્ષ કાર્યકર્તાઓને જણાયું. સાલ્વા જુડુમનો વિરોધ કરીને રાજ્ય સરકારની આંખે ચડેલા ડૉ. સેનને લાગ જોઇને જેલમાં ખોસી દીધા. ટાડા-પોટા પ્રકારના ‘અનલૉફુલ એક્ટિવિટિઝ’ અટકાવવા માટે રચાયેલા કાળા કાયદાની કમાલ એ હોય છે કે તેમાં પકડાયેલી વ્યક્તિએ પોતે નિર્દોષ છે એવું સાબીત કરવાનું રહે છે. એટલે જ, અત્યાર સુધી અદાલતી કાર્યવાહીમાં ૬૦થી પણ વધારે સાક્ષીઓની તપાસ પછી ડૉ. સેનની નક્સલવાદ સાથેની સંડોવણીના કોઇ પુરાવા મળ્યા નથી, છતાં તેમને જામીન મળતા નથી. તબીબી ક્ષેત્રે ઉત્તમ પ્રદાન બદલ અપાતા જોનાથન માન એવોર્ડ માટે ડૉ. સેનની પસંદગી થયા પછી, ૨૦ નોબેલ પુરસ્કાર વિજેતાઓની વિનંતી ઠુકરાવીને, ડૉ. સેનને સમારંભમાં હાજરી આપવાની પરવાનગી મળતી નથી. હૃદયની બીમારી માટે સારવાર પણ સર્વોચ્ચ અદાલતના ૪ મે, ૨૦૦૯ના આદેશથી શક્ય બની છે.
એક તરફ છત્તીસગઢની ભાજપી સરકાર એક નિષ્ઠાવાન ડોક્ટરને વિરોધનો સૂર કાઢવા બદલ બધા નીતિનિયમો નેવે મૂકીને અથવા બધા નીતિનિયમો નેવે મૂકી શકતા એક કાળા કાયદાના જોરે જેલમાં ગોંધી શકે છે, ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળ ચાલતી સરકાર શું કરે છે? ચૂંટણીપ્રચાર વખતે લાંબી જીભ ધરાવતા કોંગ્રેસી અને ભાજપી નેતાઓ ડૉ. સેનના મુદ્દે ચૂપ છે.
વીસથી વધારે નોબેલ પુરસ્કાર વિજેતાઓ, બૌદ્ધિકો અને આંતરરાષ્ટ્રિય પ્રતિષ્ઠા ધરાવતાં જર્નલ-સામયિકોએ ડૉ. સેન સાથે ન્યાયી વર્તણૂંક કરવામાં આવે અને તેમને મુક્ત કરવામાં આવે, એવી માગણી કરી છે. એ જ હેતુથી દર સોમવારે છત્તીસગઢના પાટનગર રાયપુરમાં સત્યાગ્રહ યોજાય છે, જેમાં ગુજરાતના કેટલાક કર્મશીલો સહિત દેશભરના કર્મશીલો અને અગ્રણીઓ ભાગ લે છે- ધરપકડ વહોરે છે.
આ લડાઇ અને આ સવાલ ફક્ત ડૉ. સેનની મુક્તિનો નથી. દેખીતી રીતે એકબીજાનો વિરોધ કરતા રાજકીય પક્ષો જાગ્રત નાગરિકોનો અવાજ રૂંધવાના કામમાં કેવા એક થઇ જાય છે અને વૈશ્વિકીકરણના જમાનામાં વિશ્વમતને તે કઇ હદે અવગણી શકે છે, એ ડૉ.સેન પ્રકરણનું સૌથી ભયંકર પાસું છે.
ન્યાયની માગણી કરતાં બિનરાજકીય સંગઠનોને-કર્મશીલોને રાજકીય પક્ષોના રવાડે ચડીને વખોડી કાઢતા ગુજરાતના બોલકા વર્ગે અને કાળા કાયદાઓના તરફદારોએ પણ આ બોધપાઠ ગાંઠે બાંધવા જેવો છે.