ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષસ્થાને અકાદમીના બંધારણ મુજબની ચૂંટણી ન કરાવતાં રાજ્ય સરકારે સીધી નિમણૂક કરી દીધી, એ અંગે ગુજરાતમાં સારો એવો ઊહાપોહ થયો છે. બંધારણ મુજબ અકાદમીના અધ્યક્ષસ્થાન માટે ચૂંટણી થવી જોઈએ, ન કે સરકાર દ્વારા નિમણૂક, એવું મારું પણ સ્પષ્ટ માનવું છે. કોઈ અવઢવ વગરની આટલી સ્પષ્ટતાની સાથોસાથ, એની સાથે અનિવાર્યપણે સંકળાયેલી એવી બીજી કેટલીક બાબતો છે. એ બાબતો નજરઅંદાજ ન થાય એ આ ઊહાપોહની પ્રામાણિકતા, વ્યાપકતા અને કાર્યસાધકતા ત્રણે જાળવવા માટે જરૂરી છે. એ અંગે આ થોડીક ચર્ચા.
ચર્ચાના બે મુદ્દા તપાસીએ : સરકારના કોઈ મંત્રી કે અફસર પૂછી શકે કે જો બીજાં સરકારી નિગમોમાં અધ્યક્ષો કે વડાઓની નિમણૂક સરકાર કરી શકે, તો સાહિત્ય અકાદમીમાં કેમ નહીં? દલીલના જવાબમાં દલીલ તરીકે નહીં પણ આવી કોઈ સમજણને સમભાવથી છતાં તટસ્થતાપૂર્વક (ક્રિટિકલી) તપાસતાં રહેવાનું આવે કે સાહિત્ય અકાદમીનું કામ નિગમોના કામથી જુદું છે. નિગમોમાં અગાઉથી સરકારે નક્કી કરેલા ધ્યેયને કુશળતાથી (આદર્શ તો એ કે કૌભાંડ કર્યા વગર) પાર પાડે એવા વ્યાવહારવિદ્દ નિષ્ણાતની નિમણૂક કરવાની હોય. પણ સાહિત્ય અકાદમીનું ધ્યેય અગાઉથી સરકાર નક્કી કરે, એવું નથી. સરકારી ઉદ્દેશોની પૂર્તિ કરવાના કામમાં અકાદમી જોડાય, તો એવી અકાદમી દ્વારા સર્જકતાભર્યા સાહિત્યને સહાય કે ઉત્તેજન ન મળે. એથી ઊંધું થાય. સોવિયેટ યુનિયનમાં (અને દેશબહાર / દેશમાં બીજે ય સત્તાવાર ડાબેરી પ્રતિબદ્ધતામાં સપડાયેલાં રાજ્યોમાં) સાહિત્યની જે દુર્દશા થઈ, એ અજાણ્યું નથી. મેં મૉસ્કોથી રીગા જઈને એ જાતે, ઝીણવટથી જોયું છે. સાહિત્યના સત્તાવાર ઉદ્દેશો અકાદમીઓમાં ઉપરથી આવે, તો એનાં મૂળિયાંમાં નીચેથી સર્જકતાનો રસકસ આવતો અટકે – પછી એ ઉદ્દેશો ડાબેરી સત્તા નક્કી કરતી હોય કે જમણેરી કે કોઈ વિચારશૂન્ય સરકાર. અથવા બુદ્ધિબળિયા છતાં વિચારશૂન્ય બડે બાબુ લોગ. – સહુને એટલું કહેવાનું કે સાહિત્ય અકાદમી એક સરકારી નિગમ નથી. એનું સંચાલન કરવાનું કે એના સંચાલક નીમવાનું કામ કોઈએ કરવા જેવું કામ નથી.
બીજો મુદ્દો સરકાર સાથેના સંવાદમાંથી નહીં, પણ સાહિત્યકારોની અરસપરસની વાતચીતમાંથી નીપજે એવો છે : સાહિત્યની સંસ્થાઓમાં સાચી વિચારશીલતા, શોધક વૃત્તિ, સ્વાતંત્ર્ય પ્રેમ અને સ્વાર્થમુક્ત નિર્ભયતા, એ ચાર લક્ષણોથી દીપતી સર્જકતા માટે આપણે દરવાજા તો નથી દઈ દીધાને? ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા અંગે ઊહાપોહ થયો, પણ ગુજરાતી સાહિત્ય પરિષદની ‘ઓલિગાર્કી’ યા ને ટોળી-શાસન અંગે આપણે દાયકાઓથી મીંઢું મૌન કેમ જાળવીએ છીએ? જયંત કોઠારીથી શરૂ થતી, મામકા-પાંડવાઃ-ની લાંબી યાદી પરિષદના ચોપડે વંચાય તેમ છે. રાજકીય પક્ષો ફંડ-ફાળા લાવી આપનારને ટિકિટ અપાવે ને ચૂંટાવીયે અપાવે. પણ પરિષદ જેવી, ઉમાશંકર જોશી અને રણજીતરામ મહેતા જેવા વિત્તકારણથી પર સાહિત્યકારોની આ સંસ્થામાં આવાં ધોરણો અને આવી ચૂંટણી-ચતુરાઈ આટલા દશકો સુધી આપણે કેમ ચલાવી લીધી? નારાયણભાઈ દેસાઈ જેવા પ્રમુખે પસાર કરાવેલો સાચી સ્વાયત્તતા અને સંસ્થા-સુધારણા અંગેનો ઠરાવ આટલાં વરસોથી અભેરાઈ પર ચઢાવી દેવામાં મુત્સદ્દીગીરી હશે, બડે બાબુ છાપ કુનેહ હશે. પણ એની નીચે જે એક ભયંકર વિચારશૂન્યતા રહેલી વરતાય છે, એ ગુજરાતી સાહિત્યની નિર્ભયતા-શોધકતા-યુક્ત સર્જકતા માટે (પેલા વિવિધ સરકારી આદેશો જેટલી જ) ખતરનાક અને વિઘાતક છે. ઉમાશંકર જોશીએ ‘પરિષદ-મુક્તિ’-નું કામ એક તબક્કે હાથ ધરવું પડ્યું હતું. ફરી પરિષદ-પરિસ્થિતિ એવા જ તબક્કે આવી પહોંચી છે.
આ બે મુદ્દા એક જ સિક્કાની બે બાજુ જેવા છે. આપણો આ ઊહાપોહ એક કે બીજી બાજુ પૂરતો, પસંદગીપૂર્વકનો ન બની રહે, એ આપણે જોવું રહ્યું. સિક્કો આખો જ નકલી છે, બન્ને બાજુએ નકલી. (શરૂઆતની સાંઠગાંઠ દેખાવાયે લાગી છે.) વિકલ્પે છે એક નિર્ભય, તર્કશુદ્ધ, અનુકંપાશીલ, શોધક-સર્જકતાની સોનામહોર. પ્રામાણિક, નિઃસ્વાર્થ, તર્કશુદ્ધ અને દૃઢ ઊહાપોહ કરનારને તો બેમાંથી એકે બજારમાં ન ચાલતી એ સોનામહોર મળે !
છેલ્લે, આ ઊહાપોહ ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ અંગે જેટલો છે, એટલો ગુજરાત લલિતકલા, સંગીત-નાટક વગેરે અકાદમીઓ અને મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાતી સાહિત્ય અકાદમી માટે પણ જરૂરી છે. કેમ કે મૂળ વાત છે એક નિઃસ્વાર્થ, સ્વાભિમાની, સ્વશાસિત, જાતે વિચારતી, પોતાના જીવન અને વાસ્તવમાં જાતે શોધસફરો કરતી (ન કે એક કે બીજી કંડક્ટેડ ટૂરમાં જોડાતી) – એક સર્જનશીલ પ્રજાની આપ-ઓળખ અને આપ-ઘડતરની, એ સાહસમાં નિજી સ્વાર્થને ઉમળકાભેર ભૂલીને જોડાવાની.
કેટલાક સાહિત્યકારો આજે એવું કહેતા જણાય છે કે સારો વહીવટ ચાલતો હોય, તો ચૂંટણીનો આગ્રહ જતો કરવો. અધ્યક્ષસ્થાને સરકારી નિમણુકવાળી અકાદમી હોય કે નિર્ણાયક સ્થાને ઓલિગાર્કી કહેતાં ટોળીશાહી સત્તા હોઠળ ચાલતી પરિષદ હોય, દરેક સંસ્થામાં (આ સાહિત્યકારોને મતે) જો વહીવટ સારો ચાલતો હોય, તો ચૂંટણીની શી જરૂર? આવું વલણ ક્યાંથી આવે છે અને ક્યાં લઈ જશે, એ જરા વિચારીએ.
આવા વલણને આજે સાહિત્ય ક્ષેત્રે, કલા ક્ષેત્રે પોષ્યું, તો આવતી કાલે એની અસર દેશનાં બીજાં ક્ષેત્રો પર કેવી પડશે, એ પહેલો સવાલ છે. સાહિત્ય અને કલા તો પ્રજાચેતનાની કોઢ્ય, વર્કશોપ છે, એટલે સવાલ ફક્ત અકાદમી/પરિષદનો નથી. સવાલ કેન્દ્રોત્સારી, સરોવરમાં પથરો પડ્યે પાણીમાં ફેલાતાં જતાં વર્તુળો જેવો છે, સાહિત્ય અને બીજી કલાઓની સંસ્થાઓના સંચાલન અંગેની ચૂંટણી અંગે ‘કેલસ’ થવું, બેદરકાર બનવું સ્વતંત્ર પ્રજાને પોસાય નહીં.
સ્વતંત્ર ભારતની એક રાજ્યસત્તાએ લાદેલી ઇમર્જન્સીનાં વરસોમાં વહીવટ સુધર્યો હતો, એમ કહેનારા લોકો પણ હતા. એ પહેલાં, ૧૯૪૭ પછીના દાયકામાં, ‘આના કરતાં અંગ્રેજોનું રાજ્ય સારું હતું,’ એવું કહેનારા એમના પુરોગામી લોકો પણ હતા. આપણે એ બન્નેના અનુગામી થવું છે? બન્નેની (ત્રણેની) ભૂલ એક જ છે : એકેને એ સરત ન રહી કે શાસક કુશળ હોય (કે કુશળ દેખાવાના કીમિયા જાણતો/જાણતી હોય) એ અપૂરતું છે. પ્રજા આપ-કેળવણી વડે સ્વ-નિયંત્રણ કરવાનું કૌવત કેળવે, પોતે જોતી-સમજતી-કરતી થાય, એ જ તો મુખ્ય વાત છે. અને કવિતા, સાહિત્ય, કલાઓ તો એ આપ-કેળવણીનું અજોડ સાધન છે, બલકે સ્વયમ્ એવી સહજ કેળવણી છે.
અકાદમીઓમાં (ગુજરાત અને મહારાષ્ટ્ર બન્નેમાં) ભય અને લોભથી મુક્ત ચૂંટણી થાય અને પરિષદમાં ઓલિગાર્કી તૂટે, એ એકમેક સાથે કાર્યકારણભાવે જોડાયેલી વાત છે. અને એ ઉપર સૂચવેલો વ્યાપક સંદર્ભ લઈને આવે છે. સાહિત્યકાર જાતે પોતાના લોભ અને ભયને વશ કરવાની સાધના કરે, એવું સાહિત્યજગત રચવાને ઉદ્યૃત થાય, એ આપણું તાકીદનું કામ છે. નહીં કે એ માટેના પ્રયત્નો જ છોડીને કોઈ એક કે બીજાની શરણાગતિ સ્વીકારવાનું ઇજન આપવાનું કામ.
ભારતીય સાહિત્ય તો પ્રજાની ચેતના ઘડનાર એક હજારો વરસના અડીખમ લુહારની કોઢ છે. આપણે એ લુહારનું કુટુંબ છીએ અને આપણે એનું ટિપાતું લોઢું પણ છીએ. ભલે ટિપાઈએ, પણ એ સ્વયંભૂ અગ્નિ બુઝાવવાનો વિચાર પણ ન કરીએ.
e.mail : sitanshuy@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2015, પૃ. 03 – 04