Opinion Magazine
Number of visits: 9702709
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાહુલ, નવેસરથી

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

પહેલાં કોચી, પછી કોલકાતા : એપ્રિલ 2009ની આ બે પ્રેસ કૉન્ફરન્સ પછી લોકસભાની ચૂંટણીના લગભગ આખરી તબક્કે, 5મી મેના રોજ નવી દિલ્હીમાં યુવરાજ રાહુલ ગાંધીએ જે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી તેને કેવી રીતે જોશું વારુ. બે વાત તરત સમજાય છે : રાહુલ બહુ ઝડપથી વયમાં આવી રહ્યા છે, અને પક્ષનો યુવા (આવતી કાલના નેતા) ચહેરો માત્ર ન રહેતાં આજના વ્યૂહકાર તરીકે પણ ઉભરી રહ્યા છે. બીજી વાત એ કે આ વ્યૂહકારે જે તાકીદથી અને જે સ્પષ્ટતાથી પરિણામો પછીના જોડીદારો માટેની પોતાની મૃગયા બોલી બતાવી તે એમને જેમ પક્ષના વ્યૂહકાર લેખે સ્થાપતી બીના છે તેમ ચૂંટણીના પહેલાબીજા દોરની ધારણાં કરતાં કૉંગ્રેસની સરસાઈ કંઈક ઓસરી શકે એવો અંદાજ અંકે કરી આપતી બીના પણ છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના તરોતાજા સર્વેક્ષણ મુજબ કૉંગ્રેસ (યુપીએ), ભાજપ (એનડીએ) મુકાબલાનો અંજામ લગભગ ‘ફોટો ફિનિશ’ જેવો છે : પાંચસાત (વધુમાં વધુ દસ) બેઠકોથી વધુ સરસાઈ કૉંગ્રેસની હોઈ શકવાની નથી. રાહુલ ગાંધીએ તેથી, ડાબેરીઓ કેટલીક બાબતમાં વીસત્રીસ વરસ પહેલાં અટકી ગયેલા છે એમ કહ્યા પછી પણ, કેટલીયે બાબતોમાં અમારી વચ્ચે સહિયારી ભૂમિકા છે એવું ભારપૂર્વક કહ્યું છે અને ડાબેરીનિષેધના મુદ્દાને જરા જુદી રીતે વાળી લેતાં ઉમેર્યું છે કે અમારે અને ભાજપને ઊભે પણ મેળ નથી. પણ એવું ડાબેરીઓ વિશે હું ન કહી શકું.

ચૂંટણી પછીના સાથીઓની શોધમાં રાહુલ ગાંધીએ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની અચ્છી કામગીરીનો ખાસ ઉલ્લેખ કરીને એનડીએ પર ધોળા દિવસે ધાડનો ઉપક્રમ હાથ ધર્યો છે તો ભલે હૈદરાબાદકેન્દ્રી છતાં ચંદ્રાબાબુ નાયડુની કામગીરી પર પુષ્પો વેરી કથિત ત્રીજા મોરચાને દાણા નાખી જોયા છે.

બેલાશક, આ એક ઊઘડતો સિનારિયો જરૂર છે. પણ બધું આમ જ બની શકે અને સરળતાથી સમેસૂતરે પાર પડી શકે એવું માનવા માટે ખાસો મુગ્ધ આશાવાદ જોઈએ જે સદ્ભાગ્યે રાહુલ કને પણ જણાતો નથી. એક જ દાખલો લઈએ, ડાબેરીઓનો- જેમને માટે મનમોહનસિંહ પણ કૂણી લાગણી પ્રગટ કરતા સંભળાયા છે – તો તરત જ સામે આવતી હકીકત એ છે કે પશ્ચિમ બંગાળમાં આજે કૉંગ્રેસ અને તૃણમૂલ કૉંગ્રેસ (મમતા) ભેરુ છે. રાષ્ટ્રીય સ્તરે અમેરિકા સાથેની પરમાણુ સમજૂતી તેમ બંગાળની નંદીગ્રામ ઘટના, આ બંને વાનાંએ કૉંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે મોટું અંતર ઊભું કરેલું છે. અને આ સંજોગોમાં મૂળ પક્ષ (કૉંગ્રેસ) અને એનું વિખૂટું સંતાન (તૃણમૂલ) નજીક આવ્યાં છે. મમતા – તૃણમૂલ રાજનીતિ પશ્ચિમ બંગાળના સંદર્ભમાં મૂળભૂતપણે ડાબેરીવિરોધ પર ઉભેલી છે. જો દિલ્હીમાં નવી કેન્દ્ર સરકારમાં પાછો કૉંગ્રેસ-ડાબેરી મેળ જામવાનો હોય તો મમતાને કૉંગ્રેસ જોડે નહીં જામે એ પણ સાફ છે.

અત્યારે પ્રાદેશિક પક્ષોના ટેકાની ગરજ છતાં કૉંગ્રેસ, છેવટે તો, પોતાનો ઉગાર આવા બધા આધારો જરૂરી ન રહે એવી ભૂમિકામાં જુએ છે. તમે જુઓ કે આ જ પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં લોકો ભાજપા, બસપા, સપાથી કંટાળી ગયા છે એમ દો ટૂક શબ્દોમાં કહ્યું હતું. બિહારમાં અને ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસનો મતદાનીય દેખાવ કંઈક સુધરી રહ્યાના અણસાર સાથે રાહુલ ઉત્તરપ્રદેશમાં પક્ષનાં પૂર્વવત્ કદ અને કાઠીની ઉચ્ચાકાંક્ષા સેવતા જણાય છે. દેખીતી રીતે જ, તત્કાળ વટીને લાંબા ગાળાની દૃષ્ટિએ આગળ વધવાનો આ અભિગમ છે.

એક સાથે જે બે છેડા રાહુલ ગાંધીનાં વિધાનોમાં જોવા મળ્યા – નીતિશ અને ચંદ્રાબાબુ સરખી પ્રાદેશિક શક્તિઓને ખુલ્લા નિમંત્રણનાં તેમજ ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસ બાદ કરતાં જે જૂનાંનવાં દમદાર બળો છે એમને જાકારો આપવાનાં – એમાં ટૂંકા ગાળાનો વ્યૂહ અને લાંબા ગાળાની નીતિ, બેઉની સહોપસ્થિતિ આ શખ્સિયતમાં હોઈ શકતી પ્રૌઢિ સૂચવે છે.

શરૂમાં એમને ‘યુવરાજ’ કહ્યા ; પણ લાગે છે કે એમાં તથ્ય છતાં આ પ્રયોગ બાબતે હવે નવેસર વિચાર કરવો પ્રાપ્ત થાય છે. જેમ પહેલાં એમના દેશાટન વિશે ‘ યુવરાજની ભારતખોજ’ જેવો પ્રયોગ સંમિશ્ર લાગણીઓથી કર્યા વગર રહી શકાતું નહોતું તેમ હવે એ જ રીતે ‘ભારતની યુવરાજખોજ’ જેવો પ્રયોગ કરવાનું મન થઈ આવે છે. હા, એ ગાદીએ જરૂર આવ્યા છે (કૉંગ્રેસમેન એમને રાખે તો કોણ ચાખે); પણ ગાદી માટેની પાત્રતા એમણે વારસાઈથી નહીં એવી અને એટલી કારવાઈથી પ્રાપ્ત કરવાની છે. અધિકાર, એના બંને અર્થમાં, એમણે ક્ષણે ક્ષણે નવસાધ્ય કરવાનો છે એવી એક સભાનતા રાહુલ ગાંધીમાં દેખાય છે. કાકા સંજય ગાંધી અધિકાર મેળવવા અને દાખવવા જ નહીં, ભોગવવા પણ આતુર (બલકે ગાંડાતૂર) હતા. એથી વિપરીત, રાહુલ અધિકાર કેળવવા આતુર જણાય છે. જે રીતે એમણે યુવક કૉંગ્રેસમાં નવી ભરતી અને મુક્ત ચૂંટણીનો અભિગમ દાખવ્યો છે એમાં આ વાતની ઝલક સાફ દેખાય છે. પંજાબ અને ગુજરાતમાં એમણે તે અમલમાં પણ મૂકી બતાવ્યો. ગુજરાતમાં યુવક કૉંગ્રેસની ચૂંટણીઓમાં જે બુથો પર ગરબડ થઈ ત્યાં ફેરચૂંટણીઓ પણ એમણે આગ્રહપૂર્વક યોજી. આ પ્રક્રિયા જો ઉપલકિયા છાંટ (ટોકનિઝમ) ન બને રહે તો એમાં જરૂર એક સંભાવના રહેલી છે.

જેમ સંગઠનની વાત, તેમ શાસનની પણ. સીબીઆઈ પાસે દરેક સરકાર પોતાને ઇષ્ટ એવો તોડ કરાવે છે અને જે તે તપાસને અંગે રાજકીય ગણતરીસર તોડમરોડ, વળ, અને ઢાંકાઢૂબાનો રાહ લે છે એ જાણીતું છે. પણ રાહુલ ગાંધીએ એ વાત જે સરળતાથી (ખરું જોતાં સ્પષ્ટતાથી) બોલી બતાવી છે તે સત્તાપક્ષમાં એમનું સ્થાન જોતાં એક નોંધપાત્ર બાબત બની રહે છે. એમના કહેવામાં કોઈ ધૃષ્ટતા કે ઉદ્દંડતા નહીં, બહુ ઊંડી જાતતપાસ નહીં તોપણ સરકારો પ્રકૃતિ અને શીલ વચ્ચે ઝોલા ખાતી હોય છે એવી એક કુલીન સમજ અને સ્વીકૃતિ જરૂર હતી. કદાચ, ઇન્ડિયન એક્સપ્રેસે એક જ અઠવાડિયામાં જે બે વિગતો આપી – બોફોર્સમાં કૉંગ્રેસની સંડોવણી અને અયોધ્યામાં ભાજપની સંડોવણી, બેઉ બાબતે સીબીઆઈ મારફતે જે તે સરકારોની દોંગાઈની – તે પછી ધોરણસરની તત્કાળ પ્રતિક્રિયા આવી જ શક્ય હતી, સિવાય કે અડવાણીની આરોપમુક્તિ માટેની સીબીઆઈ કારવાઈ બાબતે ભાજપી મૌન એ કોઈ મોડેલ હોય. અલબત્ત, નવી સરકારના કાર્યકાળમાં સીબીઆઈ બાબતે રાહુલ કેવીક દુરસ્તીનો રાહ લેવા ઈચ્છે છે તે હજુ જાણવું બાકી છે.

ગાંધીનગરના મતદાનની વળતી સવારે અડવાણીના વિચારતરંગોમાં, હવેની લોકસભામાં સ્થિર બહુમતી બાબતે આશંકા જોતાં, જે એકબે મુદ્દા ઉપસી રહ્યા એમાં પાંચ વરસની પૂરી મુદતની વાત હતી : સરકાર પડે નહીં , નવાં જોડાણોથી બદલાય એવો એક અભિગમ હતો. અતિતરલ પાંચ વરસને છેડે જો કોઈક પ્રકારે સ્થિરતા સધાવાની હશે તો એમાં રાહુલ ગાંધીને અભિમત કૉંગ્રેસ વ્યૂહની વિધાયક સંભાવનાઓ જરૂર હશે. 1989 પછી ‘વીસે વાન’ ની જે પ્રક્રિયા 2009માં શરૂ થતી જણાય છે તે એથી જરૂર આગળ ચાલશે. જોકે, ભાજપે પણ પોતાને છેડેથી વરુણ પ્રકારનાં વિપથગમનોને અંકુશિત કરવા પડશે.
 

Loading

1 December 2012 admin
← માણસ તરીકે મારું વજૂદ શું ?
વિનાયક સેન; અસ્વસ્થ સમાજ વચ્ચે સ્વસ્થ સ્વાસ્થ્યકર્મી →

Search by

Opinion

  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિનાની મહત્ત્વાકાંક્ષાઃ ‘AI સમિટ’ના ગોટાળા પુરાવો છે કે આપણે હજી પ્રોપ્ટિંગમાં કાચા છીએ
  • ગલગોટિયા યુનિવર્સિટીએ તો ભારાતનું અને ભારત સરકારનું નાક જ કાપી નાખ્યું!
  • ચલ મન મુંબઈ નગરી—329
  • સોનમ વાંગચુકનો ગુનો શો છે : લોક-સહભાગિતા માંગવી એ?
  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી
  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved