Opinion Magazine
Number of visits: 9504766
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજનું મીડિયાજગત

બી.જી. વર્ઘીસ|Opinion - Opinion|25 April 2015

હાલનું ભારતીય મીડિયા સંકટમાં છે. સમગ્ર મીડિયા સામે પોતાની વિશ્વસનીયતાને ટકાવી રાખવાના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સંપાદકોનું સ્થાન મૅનેજરોએ લીધું છે. ઉપરાંત ‘ગૉસિપ’ અને સનસનાટીની ભરમારે તટસ્થ સમાચારોને માધ્યમોમાંથી ગાયબ કરી નાંખ્યા છે. આ પ્રક્રિયામાં નિષ્પક્ષતાને નુકસાન પહોંચ્યું છે …

આધુનિક મીડિયાને અસ્તિત્વમાં આવ્યે ત્રણસો વર્ષથી વધુ સમય થયો નથી. વૈશ્વિક સ્તરે શરૂ થયેલાં સુધારણા-આંદોલન અને નવજાગૃતિ કાળ દરમિયાન તેનો જન્મ થયો. ટેક્‌નોલૉજી ક્ષેત્રે નવાં-નવાં સંશોધનો થતાં મીડિયામાં પણ દેખીતું પરિવર્તન આવ્યું છે. રેડિયો, ફિલ્મ, ટીવી, કમ્પ્યૂટર, ઇન્ટરનેટ, સેલફોન, આઇ-પેડ, ફેસબુક અને યૂ-ટ્‌યૂબ વગેરેના આગમન સાથે જ મીડિયામાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.

હું એ કાળમાં જન્મ્યો, જ્યારે સમાચારનું મુખ્ય માધ્યમ રેડિયો હતું. પત્રકારત્વની દુનિયામાં મેં ત્યારે પ્રવેશ કર્યો, જ્યારે હૉટમેટલ-રોટરી (એક પ્રકારનું ટાઇપસેટિંગ) યુગ હતો, ત્યારે ટપાલ-આવૃત્તિ માટે ચોવીસ કલાક કામ કરવું પડતું. વધુ આવૃત્તિઓ અને ઑફ્‌સેટયુગમાં હું પરિપક્વ થયો. કમ્પ્યૂટરયુગની શરૂઆત થતાં જ હું રિટાયર થઈ ગયો. હવે મીડિયાનો અર્થ ઇલેક્ટ્રોનિક મીડિયા, ઇન્ટરનેટ, બ્રેકિંગ ન્યૂઝ અને સોશિયલ મીડિયા છે. આ બધું જ મારી સમજની બહાર છે. આપણે દરેક ક્ષણે, ૨૪ ગુણ્યા ૭ દુનિયાથી જોડાયેલાં રહીએ છીએ. આજે મીડિયામાં કશું જ પહેલાં જેવું નથી. હવે દુષ્પ્રચાર અને અફવાની સમાચાર સાથે જાણે ટક્કર થઈ રહી છે.

અત્યારે મીડિયાનું વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે. તેના પર મૅનેજર અને કૉર્પોરેટ હાઉસનું પ્રભુત્વ છે. મીડિયાનો ખૂબ મોટો હિસ્સો વિષયવસ્તુના હિસાબે ઉપરછલ્લો અને સનસનાટી પેદા કરનારો, મનોરંજક અને રેટિંગનો ભૂખ્યો થઈ ગયો છે. આજના સમયે ભારતીય મીડિયાની વાસ્તવિકતા, આપણે ક્યાં ઊભા છીએ અને આપણે કઈ દિશામાં જવું છે, તેને સમજાવાની જરૂર છે. કેટલાક લોકો માને છે કે ત્રીજા પ્રેસના આયોગ દ્વારા આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ તે હકીકતમાં શક્ય નથી. બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયા બાદ અમેરિકાએ પ્રેસની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. તેના માટે ‘હંચિસ-આયોગ’ની રચના કરવામાં આવી હતી, જે અંતર્ગત અમેરિકાના અનેક અગ્રણી લોકો એકત્રિત થયા હતા. આ આયોગે કૉર્પોરેટ જોડતોડને બદલે સામાજિક જવાબદારી, તટસ્થતા અને સંતુલન પર ભાર મૂક્યો હતો. યુદ્ધ બાદ મહાસત્તા તરીકે ઊભા થઈ રહેલાં અમેરિકન માધ્યમો આંતરરાષ્ટૃીય મુદ્દે વધુ રસ લેવા લાગ્યાં હતાં. ‘હંચિસ-આયોગ’ના અહેવાલનો અમેરિકાની બહાર પણ વ્યાપક સ્તરે હવાલો અપાવવા લાગ્યો.

ત્યાર બાદ ૧૯૭૦ના અંતમાં યુનેસ્કો દ્વારા ‘મેકબ્રાઇડ-આયોગ’ની રચના કરવામાં આવી હતી. તેનું કામ વૈશ્વિક સ્તરે માહિતીનું વધુ સારી રીતે આદાન-પ્રદાન થાય તે નિશ્ચિત કરવાનું હતું. જેથી વિકસિત અને ત્રીજા દુનિયાના દેશો વચ્ચે યોગ્ય રાજકીય અને સામાજિક સંતુલન સ્થાપિત કરી શકાય. આ પહેલથી મીડિયા પર ખૂબ ઊંડો પ્રભાવ પડ્યો. પરંતુ આજે સ્થિતિ તેનાથી પૂર્ણ રીતે વિપરીત છે. ભારતીય મીડિયાનો ખૂબ મોટા સ્તરે વિસ્તાર થયો છે. મીડિયાએ નવા યુગમાં પ્રવેશ કર્યો છે, જ્યાં સોશિયલ મીડિયામાં દરેક પુરુષ અને મહિલા એક ‘સિટીઝન જર્નાલિસ્ટ’ છે.

હું નવા મીડિયાના રચનાત્મક પ્રયોગોનો તરફદાર છું. તેના માટે બુદ્ધિજીવી અને ખુલ્લા દિમાગના લોકોએ આગળ આવવું જોઈએ. જો શક્ય હોય તો એક ‘બ્લ્યુ-રિબન આયોગ’ની રચના કરવી જોઈએ, જેમાં શિક્ષણવિદ, વૈજ્ઞાનિક, વિચારક, રાજનીતિજ્ઞ, કૉર્પોરેટ હાઉસના પ્રમુખ, સામાજિક કાર્યકર્તા, મજૂર નેતા અને મહિલાઓની ભાગીદારી હોય. આ સમિતિ નિશ્ચિત સમયમાં પોતાના રિપોર્ટ આપે, ત્યાર બાદ આ જાહેર ચર્ચા-વિમર્શ આગળની કાર્યવાહી માટે આધાર બની શકે છે. આપણે પોતાના વિચારોમાં વ્યાપક પરિવર્તન લાવવાની જરૂર છે.

ભારતીય મીડિયા

વર્તમાન સમયમાં ભારતીય મીડિયા સંકટમાં છે. સમગ્ર મીડિયા સામે વિશ્વસનીયતાને ટકાવી રાખવાના ગંભીર પ્રશ્ન ઊભા છે. સંપાદકોનું સ્થાન મૅનેજરોએ લીધું છે, ઉપરાંત ગૉસિપ અને સનસનીખેજની ભરમારે તટસ્થ સમાચારોને માધ્યમોમાંથી ગાયબ કરી નાંખ્યા છે. આ પ્રક્રિયામાં નિષ્પક્ષતાને નુકસાન પહોચ્યું છે. એક તરફ પ્રિન્ટ મીડિયા મુશ્કેલીમાં છે, તો બીજી તરફ ઇલેક્ટ્રૉનિક મીડિયાનો કેટલોક ભાગ નિયંત્રણથી બહાર જતો રહ્યો છે. પ્રેસ કાઉન્સિલ નબળી છે તો ઇલેક્ટ્રોનિક મીડિયા તેનાથી પણ વધુ નબળું અને અનિયંત્રિત છે. ઝડપથી વધી રહેલું સોશિયલ મીડિયા નિયંત્રણના ઢાંચાથી મુક્ત છે. તે ખૂબ જ બેજવાબદારીભર્યું, વિવાદાસ્પદ, ચહેરાવિહીન અને માત્ર સ્વઅર્થમાં વિભાજિત હોઈ શકે છે. તે અનેક વાર અફવા અને ષડ્‌યંત્રને ફેલાવે છે, જેનાથી હિંસા અને અશાંતિ ભડકે છે.

આજના મીડિયાનું નેતૃત્વ એવા હાથોમાં છે, જેમને સાચા સમાચાર પારખવાની ચિંતા થતી નથી, તેઓ ન્યૂઝ બ્રેક કરવામાં જ પરોવાયેલા છે. બાકીનું મીડિયા બ્રેકિંગ ન્યૂઝનો સતત પીછો કરીને તેને એક વ્યક્તિગત વાસ્તવિકતા બનાવી દે છે, જે વાસ્તવિક સત્યથી ખૂબ દૂર હોય છે. મીડિયાની એકમેક સાથેની સ્પર્ધા ભડકાઉ ટિપ્પણી અને ગપગોળાને ફેલાવે છે. પરિણામે તથ્યોની તપાસ વિના જ મીડિયા-ટ્રાયલ શરૂ થઈ જાય છે. માહિતીની ખરાઈ કરવાની જરૂરી પ્રક્રિયા નષ્ટ થવાથી સંસ્થા અને વ્યક્તિગત પ્રતિષ્ઠા થોડી જ ક્ષણોમાં ધ્વસ્ત થઈ જાય છે. વ્યક્તિ અને સંસ્થા નિર્દોષ સાબિત થાય તે પહેલાં જ તેમને આરોપી તરીકે દોષી ઠહેરાવી દેવામાં આવે છે. આ બધામાં સૌથી વિચિત્ર બાબત એ છે કે સમાચારનું સરળતાથી રાજકીયકરણ કરવામાં આવે છે. રાજકીય પક્ષ અને વૈચારિક જૂથ ભાવનાઓને ભડકાવી અને તેની સાથે રમત રમવા માટે મેદાનમાં આવી જાય છે. આવા બેજવાબદારીભર્યાં રિપોટિંગ, સ્ટિંગઑપરેશન અને સ્રોતવિહીન વીડિયોક્લિપના અગણિત દાખલાઓ સામાન્ય વ્યક્તિ પણ ગણાવી શકે એટલા છે. કોકરાઝાર અને મુઝફ્‌રનગરનાં રમખાણોને શરૂ કરવામાં અને તેને ફેલાવવામાં સોશિયલ મીડિયા જવાબદાર હતું. ‘રાશોમન પરીક્ષણ’ના એ દિવસો અત્યારે વીતી ચૂક્યા છે, જ્યારે પત્રકારો માટે ખબરનાં તમામ પાસાંને જાણવાં આવશ્યક હતાં …. તમે જોયું હશે કે થોડા વખત પહેલાં કાયદાની વિદ્યાર્થિનીની જાતીય છેડતી થઈ હતી, તેના પ્રકરણમાં આરોપી બનાવવામાં આવેલા ન્યાયમૂર્તિ ગાંગુલી વિશે મીડિયામાં કેવું રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું. ન્યાયમૂર્તિનો પીછો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પીડિતાએ આગળ આવીને ગવાહી આપવાનો જ ઇન્કાર કરી દીધો.

‘ઇંબેડેડ ખબર’ની શરૂઆત ઇરાક યુદ્ધના કવરેજ દરમિયાન અમેરિકન સરકારે કરી હતી. ભારતીય મીડિયાની મુખ્ય ધારાએ બે વર્ષ અગાઉ રામલીલા મેદાનમાં અન્ના હજારેના આમરણાંત ઉપવાસ અને તે પછીની ઘટનાઓનાં કવરેજ દરમિયાન તેની બેશર્મીથી નકલ કરી હતી. જો કે ઘણું સારું રિપોર્ટિંગ અને તટસ્થ વિશ્લેષણોની પ્રશંસા કર્યા વિના પ્રેસને આરોપીના પાંજરામાં ઊભું કરવું પણ યોગ્ય નથી.

કૉર્પોરેટ દુનિયા સાથે વિશેષાધિકારમાં ઉતાવળ પણ ચિંતાનો વિષય છે, જે જાહેરખબરોના જોરે અભિવ્યક્તિનું ગળું રૂંધી નાંખવા માંગે છે. કેટલાંક તથાકથિત વિવાદિત પુસ્તકો અને ફિલ્મો પર પ્રતિબંધ મૂકવો એ સામાન્ય બાબત થઈ ગઈ છે. આવાં પુસ્તકો અને ફિલ્મો પર દેશના એક વર્ગની લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવે છે. જ્યારે સત્ય તો એ છે કે તે કથિત વર્ગ અને તેનાં કારણ ક્યારે ય સામે આવતાં નથી. એવો જ એક મુદ્દો એમ.એફ. હુસૈનનો પણ હતો. તેમને ત્યાં સુધી હેરાન કરવામાં આવ્યા હતા, જ્યાં સુધી તેમણે દેશ છોડી ન દીધો. નૈતિક પોલીસ બેખોફ થઈને ડર ફેલાવે છે. ભા.જ.પ., કૉંગ્રેસ તૃણમુલ કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને વામપંથી જેવા રાજકીય દળના હથિયારધારી ગુંડાઓ પોતાના વિરોધીઓ પર કહેર બનીને તૂટી પડે છે અને તેમની હત્યા કરવામાં પણ પાછા પડતા નથી. આનાથી અનિયંત્રિત ભાષા અને વર્તનનું ચલણ વધ્યું છે. દુર્ભાગ્યે આ પ્રકારના વર્તનને મીડિયા હંમેશાં વધુ પડતું મહત્ત્વ આપે છે. ચર્ચાનું સંચાલન એ રીતે કરવામાં આવે છે. જેથી લાગણીને ભડકાવાનું, આદર્શ નીતિથી જોડાયેલા સત્યને છુપાવનારું અને ભ્રમ વધારનારું સાબિત થાય.

મીડિયા પર નજર જરૂરી

આ વર્તારાની નકારાત્મક અસર થઈ હોવા છતાં લાગે છે કે આપણી સરકાર મીડિયાનું નિયમન કરવાની જરૂરિયાત સમજતી નથી. આવું કરવાથી અભિવ્યક્તિની આઝાદી પર લગામ લાગી જશે ? આ પણ એક દંભ છે. અમેરિકામાં ‘ફેડરલ કમ્યૂિનકેશન કમિશન’ છે, જે મીડિયા સંબંધિત માપદંડો પર નજર અને ફરિયાદનું નિરાકારણ કરે છે. બ્રિટન પોતાના ‘બ્રૉડકાસ્ટ કંમ્પ્લેટ કમિશન’ની પુનઃરચના કરી રહ્યું છે. અન્ય દેશોમાં પણ આ રીતે સંસ્થાઓ કાર્યરત છે. આ મામલે ભારત અનોખો દેશ છે, જેની પાસે મીડિયાની ફરિયાદ માટે પોતાની કોઈ કાયદાકીય સંસ્થા નથી. પ્રસાર ભારતીની રચના થઈ, ત્યારે ફરિયાદ-આયોગ અને વ્યાવસાયિક ચૅનલો માટે પ્રસારણ-આયોગની રચનાનો પ્રસ્તાવ હતો. તેનાથી પ્રસાર ભારતી અને વ્યાવસાયિક ચૅનલોના માટે બે જુદી-જુદી સંસ્થા હોવાની ગેરસમજણ ઊભી થઈ હોત. તે માટે ફરિયાદની આયોગની રચનાને જ રદ કરી દેવામાં આવી અને પ્રસારણ-આયોગની રચનાની પ્રક્રિયા આગળ જ ન વધી. પરિણામે ભારતમાં ફરિયાદ માટે કોઈ ઔપચારિક પ્રસારણ સંસ્થા નથી. આ ખૂબ મોટી કમી છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રૉનિક મીડિયા માટે એક જ ફરિયાદ-આયોગની રચનાનું સૂચન અવ્યાવહારિક છે. બંને મીડિયા પોતાના ચારિત્ર્યમાં એકબીજાથી બિલકુલ અલગ છે. એક સાથે બંને મીડિયાનું ભાર વાહન કરનારી પ્રસ્તાવિત સંસ્થા ખુદ પોતાના જ ભાર નીચે આવીને ખતમ થઈ જશે.

જાહેર પ્રસારણ સેવાના પ્રત્યે સરકારની ઉદાસીનતા તેની છૂપી દુશ્મનીનો હિસ્સો છે. આ દુશ્મની વધુ હાનિકારક સાબિત થઈ છે. જાહેર પ્રસારણ સેવાની ભૂમિકાને સંભવત : ભારતમાં સમજવામાં જ આવી નથી. જવાહલાલ નેહરુએ ૧૯૪૮માં બંધારણસભાને જણાવ્યું હતું કે, બી.બી.સી.ની જેમ જ આકાશવાણીને સ્વાયત્તતા આપવામાં આવશે. પરંતુ આવું થઈ ન શક્યું. જો કે શરૂઆતનાં વર્ષોમાં આકાશવાણી એક હદ સુધી સ્વતંત્ર હતી. પરંતુ સમય સાથે તે સરકારનું ભોપું (વાજિંત્ર) બનતી ગઈ. શરૂઆતમાં માહિતી અને પ્રસારણમંત્રી ડૉ. કેસકરના નેતૃત્વમાં સંસ્કૃતનિષ્ઠ, હિન્દીને સરકારી ભાષાને દરજ્જો આપવાનો મૂર્ખતાભર્યો નિર્ણય કરવામાં આવ્યો. આ નિર્ણયે સૌને નારાજ કર્યા. તેનાથી અધિકારિક ભાષા માટે તમામ ભારતીય ભાષા, વિશેષ કરીને ઉર્દૂથી ઉધાર લેવાની જરૂરિયાતના અનુચ્છેદ ૩૫૧ જનાદેશની અવગણના કરી. સાથે જ સંચારના બદલે સમજની જટિલતાને વધારવાનું કામ કર્યું.

સરકારી મીડિયા

કટોકટી દરમિયાન ઇંદિરા ગાંધીએ આકાશવાણીની સંહિતા ખતમ કરી દીધી હતી. પ્રાઇવેટ મીડિયાને સરકાર વિરોધી માનવામાં આવતું હતું. એવું કહેવામાં આવતું કે તે માલિકોના એકાધિકાર સાથે જ ‘જૂટ પ્રેસ’ના હાથની કઠપૂતળી છે. તે માટે આકાશવાણીને ઔપચારિક રીતે સરકારી નોકર જાહેર કરી દેવામાં આવી હતી. કટોકટીના અનુભવનો બોધપાઠ લઈને જનતા પાર્ટીની સરકારે પ્રસારણના સંદર્ભમાં એક સ્વાયત્ત સંસ્થાને આકાર આપવા માટે એક સમિતિની રચના કરી હતી. ૧૯૭૮માં તે સમયે માહિતી અને પ્રસારણમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ જણાવ્યું હતું કે, “આને સ્વાયત્તતા પર સૂચન આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે ‘સ્વતંત્રતા’ની ભલામણ કરી છે.”

અંતે, ૧૯૮૦માં પ્રસાર ભારતી કાયદો પસાર થયો, પરંતુ સુપ્રીમ કોર્ટર્ના ૧૯૯૫ના એક ફેંસલાને લઈને સાત વર્ષ સુધી એટલે કે ૧૯૯૭ સુધી તે લાગુ ન થઈ શક્યો. વિવિધ પક્ષોના પારસ્પરિક વિવાદમાં થોડાં વધુ સંશોધન પસાર થયાં. પરંતુ ત્યાર બાદ પણ પ્રસાર ભારતીનો આર્થિક બાબતોમાં અને ઉપરી પદનો આધાર સરકાર પર જ રહ્યો. આ એક ખૂબ જ અટપટો ઠરાવ હતો, પરંતુ તેમ છતાં તે પહેલ હતી. મુશ્કેલી એ છે કે પ્રસાર ભારતીને ક્યારે ય તક જ ન આપવામાં આવી. તે દરમિયાન સપાટી પર જે ચિત્ર આવ્યું તે એ હતું કે પ્રસાર ભારતી માહિતી-પ્રસારણ મંત્રાલય અને અધિકારીના નિયંત્રણ ધરાવનારી એક સરકારી સંસ્થા છે. જથ્થાબંધ માત્રામાં નિમણૂક થયેલા સરકારી કર્મચારીઓથી તે બની છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે હાલમાં જ એક મુખ્ય કાર્યકારી અધિકારી(સીઇઓ)ના કારણે વિવાદનો સામનો કરવો પડ્યો. જો કે, અત્યારે સ્થિતિ જૈસે થેની છે.

દેશના બહુવર્ગીય સમાજની સેવા કરવા માટે પ્રસાર ભારતી જરૂરી છે. પ્રાઇવેટ ચૅનલ વ્યાવસાયિક હોવાના કારણે તે પોતાની જરૂરિયાત માટે જાહેરાત પર અવલંબે છે, જે ટીઆરપી અને રેટિંગ પર નિર્ભર છે. એવામાં તે ચૅનલ પર શું પ્રસારિત કરવામાં આવે એ જાહેરખબરની જરૂરિયાતને લઈને નક્કી થાય છે. પરિણામે તેના દ્વારા લોકપ્રિય રમત, મનોરંજન અને બજારમાં માલ અને સેવાઓનો ઉપભોગ કરનારાની જરૂરિયાતોને પૂરી કરવા માટેના જ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે.

વર્તમાન માપદંડના મુજબ દેશની ૩૦ ટકા વસતી ગરીબીની રેખા નીચે જીવન ગુજારે છે. જ્યારે બીજા ૩૦ ટકા તેની ઉપર છે. દરેક ગ્રાહક એક નાગરિક છે, પરંતુ દરેક નાગરિક ગ્રાહક નથી. પરંતુ કડવું સત્ય એ છે કે ગરીબના હિસ્સામાં માહિતી અને જ્ઞાન એટલું જ પહોંચે છે જેમ કોઈ અમીરના ભોજનના ટેબલ પરથી કોઈ ટુકડો કોઈ ગરીબની થાળીમાં પડ્યો હોય. એક ગરીબ વ્યક્તિને પ્રીતિ ઝીંટા અને નેસ વાડિયાના વચ્ચે થયેલા ઝઘડા પર કલાકો થતી ચર્ચાબાજી અને વગર કામની માહિતીમાં શું રસ હોઈ શકે છે?

જો કે સમાચારની રીતે પ્રસાર ભારતી સારો સ્રોત છે, અહીંયાં ગંભીરતાથી રિપોર્ટિંગ કરવામાં આવે છે, પરંતુ બદનસીબે સંસદ, મીડિયા, જાહેરખબર દાતા અને મનોરંજન જગત તેનો પ્રયોગ કરતા નથી. પ્રસાર ભારતીનો એક દુષ્પ્રભાવ એ રહ્યો છે કે ટેલિવિઝને રેડિયોને ગળી લીધો છે. આકાશવાણી એક ગરીબ સંબંધી બન્યો છે. દેશ માટે આ મોટું નુકસાન છે. તેની નજર રાખી શકાય તેવી સેવાઓ મોટા ભાગે નેસ્તનાબૂદ થઈ ગઈ છે. સ્થાનિક પ્રસારણને અગાઉથી રોકી દેવામાં આવ્યાં હતાં, ત્યાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી. એફએમ ચૅનલનો મનોરંજન ચૅનલના ક્ષેત્રમાં વિસ્તાર થયો છે. સ્થાનિક ચૅનલ સમાચારના કેટલાંક બુલેટિન સુધી જ મર્યાદિત છે.

મીડિયામાં માહિતી અને પ્રસારણ-મંત્રાલયની કોઈ ભૂમિકા નથી. તેનાથી મોટા ભાગના અંગ જેમ કે ફિલ્મ-ડિવિઝન, ડિરેક્ટર ઑફ ઑડિયો-વિઝ્‌યુઅલ પબ્લિસિટી વિભાગ સ્વાયત્ત નિકાસ થઈ શકે છે. રોજબરોજની માહિતીની જરૂરિયાતને વિભાગના મંત્રાલયોના હવાલે કરી દેવી જોઈએ. યુ.પી.એ. સરકારના માહિતી અને પ્રસારણમંત્રી મનીષ તિવારીએ ખૂબ પ્રામાણિકતા સાથે એ વાતને સ્વીકાર કર્યો હતો કે, “હવે સમય આવી ચૂક્યો છે કે મંત્રાલયનો અંત લાવી દેવામાં આવે. આ સમયે સુસંગત રાષ્ટ્રીય સંચારનીતિની જરૂરિયાત છે, જે રાષ્ટ્રીય આદર્શ વાક્ય ‘સત્યમેવ જયતે’ હોવા છતાં ગાયબ છે.”

સનસનાટી અને પક્ષપાત

અગાઉ પણ કહેવામાં આવ્યું છે કે મીડિયાના મોટા હિસ્સામાંથી વિષયવસ્તુ ગાયબ થઈ ચૂકી છે. તેનું સ્થાન રાજકીય પક્ષપાત અને સનસનીખેજ સમાચારોએ લીધું છે. પાકિસ્તાનમાં આતંકવાદી હાફિઝ સઇદ સાથે વેદપ્રતાપ વૈદિકની મુલાકાત પર ચૅનલોનું રાષ્ટ્રવાદી ગાંડપણથી કોઈને શું મળવાનું હતું? આ ઘટનાના મૂલ્યાંકન માટે કોઈએ વૈદીકની રાજનીતિ અને બાબા રામદેવ સાથે તેમના ઘનિષ્ટતાથી સહમત થવાની જરૂર નથી. એક પત્રકાર તરીકે ભારતના સૌથી મોટા દુશ્મન સાથે તેમને એક સનસનીખેજ મુલાકાત લેવાની તક મળી, તેમાં કોઈ ગુનો નથી. તેમાં એવું કશું નથી જેથી હાફિઝ સઇદ કે પાકિસ્તાન તેનો દૂરુપયોગ કરે. એ મુદ્દો અલગ છે કે તે મુલાકાતની વાતચીત ખૂબ નબળી હતી. તેમાં મહત્ત્વના મુદ્દા પર વાત થઈ નહોતી, ન તો તેમાં કોઈ એવું તત્ત્વ હતું, એટલે વૈદિકે તેમની નબળાઈનો ઉપયોગ કર્યો. જે પણ હોય તેમને ગદ્દાર ઠેરવીને સતત તેમનો પીછો કરવો અને જેલમાં નાંખવાની માંગ સદંતર જ ખોટી હતી.

ઍન્કર્સ અને આલોચકો દ્વારા એવા પ્રશ્નો ખૂબ જ વિચિત્ર લાગતા હતા કે, તેઓ કોની મંજૂરીથી ગયા હતા? તેઓ અમુક પ્રશ્નોને પૂછવામાં કેમ નિષ્ફળ રહ્યા? અને શું તેઓ વડાપ્રધાનના દૂત બનીને ત્યાં ગયા હતા? જો પત્રકારને કોઈ વ્યક્તિની મુલાકાત લેવા માટે કોઈ અધિકારીથી મંજૂરી લેવી પડે, એવું હોય તો પત્રકારત્વની દુકાનને તત્કાલ તાળાં લગાવી દેવાં જોઈએ. ભારતીય અને અમેરિકી પત્રકારોએ પ્રભાકરન અને ઓસામા બિન લાદેનની મુલાકાત લીધી જ હતી. ‘ડેજર્ટ સ્ટૉર્મ’નું રિપોર્ટિંગ કરવા માટે સી.એન.એન.ના પત્રકાર પીટર ઑરનેટ બગદાદમાં હાજર હતા, તે અમેરિકામાં ખૂબ જ શરમજનક ઘટના હતી અને દુનિયા માટે તે ખૂબ જ લાભકારક સાબિત થઈ.

આ મુદ્દે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે વૈદિકે પોતાના મરજીથી કામ કર્યું છે. સરકારનો આ મુલાકાત સાથે કોઈ જ સંબંધ નથી. ભા.જ.પે. ખરેખર બેવડો માપદંડ રાખ્યું હતું. ગત દિવસોમાં દિલ્હીના કેટલાક વિશ્લેષકોના કશ્મીરમાં હુર્રિયત નેતાઓના સંપર્કની વાતને દેશદ્રોહની રીતે રજૂઆત કરવામાં આવી હતી. દુઃખદ વાત એ હતી કે કેટલાક રિપોર્ટર કશ્મીર પર વૈદિકની ટિપ્પણીને લઈને તેમને રાષ્ટ્રવિરોધી દર્શાવવામાં વ્યસ્ત હતા, જ્યારે આ ટિપ્પણી બિલકુલ તર્કસંગત હતી.

હું જૂના જમાનાનો પત્રકાર છું અને નવા સોશિયલ મીડિયા વિશે કશું જ જાણતો નથી. પરંતુ હું વડાપ્રધાનના તમામ નોકરશાહોને અને સામાન્ય લોકોને ટિ્‌વટર દ્વારા સીધા સંદેશ મોકલવાના અપીલથી ચિંતિત છું. આ લોભ સર્વશક્તિમાન થવાનો ભ્રમ પેદા કરે છે. આમ આદમી પાર્ટીએ ટિ્‌વટર અને એસ.એમ.એસ. દ્વારા શાસન ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. આમ આદમી પાર્ટીનો આ નિર્ણય મનોરંજક હતો, પરંતુ તેનાથી કશું હાંસલ થનારુ નહોતું. લોકો સાચે જ સંપ્રભુ (સાર્વભૌમ) છે, પરંતુ આપણે મૂર્ખ ટોળાથી ચેતતાં રહેવું જોઈએ.

વર્તમાન સમયમાં લાગે છે કે મીડિયા ચોથો સ્તંભ નથી, બલકે પ્રથમ સ્તંભ બની ગયો છે. કાર્યપાલિકા, વિધાયક અને ન્યાયપાલિકા હવે તેના પછી આવે છે. સંચારક્રાંતિએ પોતાની અંદર ખૂબ તાકાત મેળવી લીધી છે. તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ થવો જોઈએ. અંતે મીડિયા સમયના ભીતર સત્ય લોકો સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. તેણે પોતાના શક્તિ અનુસાર જવાબદારીને નિર્વાહ કરવાની છે. મીડિયાએ માત્ર કમાણીની દૃષ્ટિએ આગળ વધવાના બદલે પોતાના મૂળ ઉદ્દેશ્યોની તરફ પાછા ફરવું જોઈએ.

(૨૦ જુલાઈ, ૨૦૧૪એ પ્રભાષ જોષી સ્મૃિત-વ્યાખ્યાનમાળામાં, બી.જી. વર્ઘીસે આ વક્તવ્ય આપ્યું હતું. તે પછી તરતના જ મહિનાઓમાં વર્ઘીસ ગયા એ રીતે જોતાં એમની આજીવન પત્રકારિતાના નીચોડરૂપ અંતિમ જેવું વક્તવ્ય આ હતું.)                            

અનુવાદ : કિરણ કાપુરે

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2015; પૃ. 04-06

Loading

25 April 2015 admin
← પ્રેમાનંદને પગલે-પગલે
Population by Religions in times to come →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved