એ તો એક રહસ્ય જ છે, અને એનો ભેદ 16મી મેના રોજ મતગણતરીની સાથે જ ખૂલશે; પણ ભાજપ શ્રેષ્ઠીઓ ગુજરાતમાં 30મી એપ્રિલના મતદાન પછીના દિવસે કંઈક ઝંખવાયેલા જણાતા હતા અને એના વળતા દિવસે વળી તાનમાં વરતાતા હતા. બને કે એમણે પહેલી અને બીજી મેના રોજ અલગ અલગ અનુમાનગણિતથી કામ લીધું હોય. ગમે તેમ પણ, ગુજરાતમાં ખાસ કરીને ગાંધીનગરમાં સુરેશ પટેલના પ્રવેશ સાથે ભાજપને (આ કિસ્સામાં ખુદ વડાપ્રધાનપદના ઉમેદવારને) જે પટેલ ફુંફાડા અને ઉપાડાનો અનુભવ થયો તે એમને સારુ અક્ષરશઃ જીવને પડીકે બાંધનારો હતો. આમ તો, 2001ના ઑકટોબરમાં કેશુભાઈ પટેલને અપદસ્થ કર્યા તે સાથે પટેલ પ્રતિક્રિયાની સંભાવના હતી અને 2007માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે એક તબક્કે તે વાસ્તવિક ભય તરીકે પ્રત્યક્ષ તોળાતીયે વરતાઈ હતી. કેશુભાઈએ જે સંઘાડામાં પોતાની પરવરિશ થઈ હતી તેની સામે સીધા રાજકીય મુકાબલાની આગેવાની લેવા બાબતે કુલીન માણસની પેઠે સંકોચ કર્યો કે પછી એમની રાજકીય સંકલ્પશક્તિ ઓછી પડી; પણ સક્ષમ પ્લેટફોર્મના અભાવે આ પટેલ પ્રતિક્રિયા વાસ્તવિક મતદાનમાં પરિવર્તિત ન થઈ અને દુભાયેલા પટેલોએ પોતે ‘હિંદુ’ હોવાને ધોરણે મતદાન કર્યુ તે ગઈ ચૂંટણીનો ગુજરાત પૂરતો ટૂંકસાર છે.
ઓણ અડવાણીને જો વિલક્ષણ વકટલેંડનો અનુભવ થયો હોય અને એમણે નહીં તો એમનાં પુત્ર/પુત્રી/પત્નીએ ગાંધીનગરમાં આગલી ચૂંટણીઓ વખતનાં વણદીઠાં ગામડાં વૈશાખી ડમરી વચાળે ખૂંદવા પડ્યાં હોય તો એમાં આ પટેલ ડમરુનો ધાક ચોક્ક્સ હતો. કૉંગ્રેસના ઉમેદવાર સુરેશ પટેલે ઠીક જ કહ્યું છે કે જે કેશુભાઈ ન કરી શક્યા તે મેં કર્યું છે. ગુજરાત આખામાં ભાજપવિરોધી એક પટેલ લહર દોડી ગઈ જણાય છે એ જોતાં લોકમાનસમાં પરિણામપૂર્વ રાઉન્ડમાં અડવાણીની ઉમેદવારી અને મોદીની વ્યૂહકારી ચોક્ક્સ સંદર્ભમાં સવાલિયા દાયરામાં મુકાઈ ગઈ છે.
ખરું જોતાં આ ગાંધીનગર એપિસોડ, કૉંગ્રેસ અને ભાજપ બંને મુખ્ય પક્ષો પરત્વે પ્રજા તરફે નેત્રદીપક બની રહે એવો છે. નરેન્દ્ર મોદીએ મંદિર મોજાનો કસ કાઢતે છતે મંડલાસ્ત્રનો જે ભરપેટ રાજકીય લાભ ઉઠાવ્યો – કથિત ‘ સામાજિક ઈજનેરી’ વાટે – એમાં અગાઉના ખામનું (ભાજપી ખાસનું) દોઢસોલંકી મોદી સંસ્કરણ સાફ દેખાય છે. આ પ્રક્રિયામાં પટેલોનું દુભાવું, હટવું, સામે પડવું ક્યારેક તો દુર્નિવાર બનવાનું જ હતું. અને તે બનતું જણાય પણ છે. ઓબીસી તબકાને રાજકીય મધ્યપ્રવાહમાં લાવવાની કોશિશ સોલંકીકાળમાં કર્યા પછી કૉંગ્રેસે વળી પટેલશરણં ગચ્છામિનો પ્રત્યાઘાતી વ્યૂહ અજમાવ્યો, શું કહેવું એને વિશે. ઉલટ પક્ષે, ભાજપની તો ગળથૂથીમાં જ પ્રત્યાઘાતી વલણો પડેલાં છે, શું કહેવું એને વિશે.
કહેવાનું બંને વિશે અને બંનેને મિષે સીધુંસાદું એ જ છે કે તેઓ હિંદુ અને મુસ્લિમને ચૂંટણી લડાવી શકે છે, પટેલ અને ઈતરને ચૂંટણી લડાવી શકે છે; પણ નાગરિકનો એમને ખપ નથી અને સરેરાશ મતદારને પણ પોતાનું નાગરિક હોવું એ કોઈ નિર્ણાયક ઓળખપરખમુદ્દા તરીકે વસ્યું નથી. તમે જુઓ કે પોતાની જીત વિશે અગર તો જીત લગોલગ જઈ શકવા વિશે સુરેશ પટેલને ખાતરી છે. એટલે પક્ષનિરપેક્ષપણે અમન, એખલાસ અને ઇન્સાફના મુદ્દે ચૂંટણી લડી રહેલાં મલ્લિકા સારાભાઈ એમને ભાજપને મદદગારી કરનારાં જ જણાય છે. પોતે જે બુનિયાદ પર ઊભા છે તે ખોટી છે એનો કોઈ ખટકો સુરેશ પટેલને નથી, ન તો સ્વરાજ અને શાસનની વડી પાર્ટી તરીકેની પોતાની પરંપરાનો એમાં રહેલો દ્રોહ કૉંગ્રેસના બડેખાંઓને પણ જણાય છે.
જોકે, સુરેશ પટેલનો એક ઉદ્ગાર (તમે એને ‘વિધાન’ પણ કહી શકો) ધ્યાનાર્હ છે. ટાઈમ્સ ઑફ ઇન્ડિયા સાથે વાત કરતાં એમણે કહ્યું છે કે મને વડાપ્રધાન મનમોહનસિંહની પ્રતિભા અને પ્રતિમા (ઈમેજ)ની ખાસી કુમક છે. ગુજરાતના શહેરી મધ્યમવર્ગમાં જે એક વિલક્ષણ સંયોજન આ દિવસોમાં માલૂમ પડ્યું છે – ગાંધીનગરમાં મોદી અને નવી દિલ્હીમાં મનમોહનસિંહ – એનું અહીં સ્મરણ થવું સ્વાભાવિક છે. જેમ એક પા નાતજાત એ બાંધનારા બળ તરીકે કાર્યરત છે તેમ બીજી પા સુશાસન (ગવર્નન્સ)નીયે અપીલ કામ કરતી જણાય છે. ખરીખોટી પણ મોદી પ્રતિમા એક કુશળ શાસક તરીકે ઊપસી છે, અને મનમોહનસિંહ પણ ખાસ કરીને છેલ્લા મહિનાઓમાં અડવાણીની આઘાપાછીની સરખામણી સ્થિરમતિ શાસનકારી પ્રતિભા તરીકે ઊપસતા રહ્યા છે. શહેરી મધ્યમવર્ગના માનસમાં લાભ અંકે કરવા માટે સ્તો અરુણ શૌરિએ ચાલુ ઝુંબેશે સ્પિન ડૉકટરું કીધું કે મોદી વડાપ્રધાનપદે હોઈ શકે છે. મનમોહનને સ્થાને મોદીને વિકલ્પરૂપે રજૂ કરવા પાછળ શહેરી મધ્યમવર્ગને રાષ્ટ્રીય સ્તરે હોઈ શકતી અપીલને ભળતો મરોડ આપવાની ગણતરી સાફ હતી.
સુરેશ પટેલના મનમોહન-ગાનને આ સંદર્ભમાં જરી વિશેષ તપાસવાનીયે જરૂર છે. એનઆરઆઈ સમર્થને અતિઆશ્વસ્ત આ કૉંગ્રેસ ઉમેદવાર છે તો ગામડાં અને શહેરની વચ્ચેનો કસબાતી શહેરી. પણ એ કેવળ ખેડૂત મટી જમીનોનાં મોંઘાં મૂલ મેળવનાર અને એ રીતે અંતરિયાળ ગ્રામફલક પરથી મહાનગરી માહોલમાં મહોરનાર નવા સુખી મધ્યમવર્ગ પ્રકારનુંયે પ્રતિનિધિત્વ કરે છે. કુટુંબ કહો, કુનબો કહો – આમ પણ ‘કુનબા’ ને ‘કણબી’ વચ્ચેનો નાભિનાતો જાણીતો છે – એમાં બંધાઈ ન રહેતાં એક ગુણાત્મક પરિવર્તનની મધ્યમવર્ગી સંભાવના એનામાં જરૂર છે. એના મનમોહનખેંચાણને સમજવાની ચાવી આ વાતમાં પડેલી છે. ગુજરાતમાં પટેલો આખરે છે કેટલા. આશરે તેર ટકા વસ્તી એમની હોવાનો આધારભૂત અંદાજ છે. કણબી સહુ કુટુમ્બીઓની, સરવાળે ગામ આખાની કાળજી જાણી શકે એ એનો હાડનો જગત-તાત-ગુણ લેખાય છે. નવા સમયમાં એણે ઉભરતા ને ખાતાપીતા સુખી મધ્યમવર્ગની ભૂમિકાએથી બાકી સમાજની કાળજી લેતો સર્વસમાવેશક અભિગમ લેવાની યુગસમજ દાખવવી રહે છે. જે નવું કૉંગ્રેસ – પટેલ જોડાણ ગુજરાતમાં ઉભરી રહ્યું છે એણે આ નાગરિક કોઠો ભેદવાનો છે.
ભાવનગર – બાપુનગર – વરાછા પંથકમાં ભાજપ સામે જે પટેલ ઉપાડો દેખાય છે એણે પણ એનું હિંદુત્વસંધાન ખંખેરીને શાસન તેમજ કાયદાના શાસનને પ્રતિબદ્ધ સર્મસમાવેશી નવા મધ્યમવર્ગની ભૂમિકા નભાવવાની છે. લાંબા સમયથી ભાવનગરમાં પુરુષોત્તમ સોલંકીની કૃપાએ જીતતા આવેલા રાજેન્દ્રસિંહ રાણાને ગોરધન ઝડફિયા હરાવી શકે એવાં બધાં ચિહ્નનો વચ્ચે, કેવળ કૃષિજીવી મટી નવા મધ્યમવર્ગમાં રૂપાંતરિત થઈ રહેલા સૌરાષ્ટ્રના પટેલોની સંભવિત ફતેહ પછી અને છતાં, મહાગુજરાત જનતા પાર્ટીને પોતાનું વજૂદ કેવું ને કેટલું સમજાય છે તે અલબત્ત જોવું રહે છે. મોદીની કથિત સામાજિક ઈજનેરી પર, 2002ના ઘટનાક્રમ સંદર્ભે સંદિગ્ધ વલણ ધરાવતા કૉંગ્રેસ પટેલની કે એ ઘટનાક્રમમાં સીધી સંડોવણી ધરાવતા ભાજપી ગોત્રના પટેલની ફતેહ, જો આ નાગરિક પરિમાણની બાલાશ નહીં જાણે તો લાંબા ગાળાની વૈકલ્પિક રાજનીતિની કસોટીએ તે કેવળ અને કેવળ બેમતલબ બની રહેશે.
વાત એમ છે કે કૉંગ્રેસના મતબૅંકવાદ છતાં (અને કોમવાદી સિન્સ ઑફ ઓમિશન્સ ઍન્ડ કમિશન્સ છતાં) એની મૂળભૂત વિચારધારા સામાજિક બાદબાકીની નથી. એટલે સ્ખલનો પછી અને છતાં, વિપથગમનો પછી અને છતાં, એમાં એક નાગરિક ગુંજાશ રહેતી આવી છે. એથી ઊલટું, ભાજપમાં (એના જનસંઘી બલકે સંઘી હોર્મોન્સ ને જિન્સમાં) પડેલો બાદબાકીવાદ ‘ભારતમાતા કી જય’ ના સઘળાં ગર્જનતર્જન પછીયે એનાં સંતાનો વચ્ચે વહાલાંદવલાં-ઊંચનીચ-અલગ-વાદથી એને ઊંચે ઊઠવા દેતો નથી. એ ધારો કે નાતજાતનો અતિઓળખવાદ કેટલોક સમય ઠારી પણ શકે તોયે ‘હિંદુ’ ઓળખમાંથી પટેલ કે દલિત કે બીજી ઓળખો ઢેકો કાઢ્યા વગર રહેતી નથી. અયોધ્યા ઘટના પછી રાષ્ટ્રીય સ્તરે વૈકલ્પિક નેતૃત્વ માટેની ભાજપી નક્ષત્રમાળામાં કલ્યાણસિંહ પહેલાં ચારપાંચ નામોમાં હતા. આજે પોતે એક અતિપછાત (લોધ) વર્ગ માંહેલા હોઈ પક્ષમાં પોતાને ઊંચી પાયરીએ નહીં રહેવા દેવાયાની લાગણી સાથે મુલાયમસિંહમાં ભળ્યા છે. ગુજરાત ભાજપનાં ભંગાણોમાં ખરું જોતાં શંકરસિંહ પ્રકરણ પણ ‘હિંદુ’ વિ. ક્ષત્રિય અને ઈતર ‘પછાત’નો ક્લાસિક કિસ્સો છે અને ભોગજોગે સામસામા મુકાયેલા વાઘેલા-મોદી કદાચ એક જ રાજકારણના લાભાર્થી છે. મોદીએ હિંદુ ઈમેજ જાળવીને પોતાને પછાત વર્ગ માંહેલા એક તરીકે તેમ ગુજરાતમાં કટોકટી સામે લોકસંઘર્ષ અને જેપી આંદોલનના વડા લડવૈયા પૈકી (ભલે તથ્યનિરપેક્ષપણે) એક તરીકે ખાસ ઓળખાવવાની કાળજી ઑકટોબર 2001માં દિલ્હીનીમ્યા દંડનાયક તરીકે આવ્યા ત્યારે લીધી હતી. એનું આ તબક્કે સ્મરણ થાય છે. ધણીની જાતદેખરેખ હેઠળ ત્યારે પ્રસારિત આ સત્તાવાર બાયોડેટામાં કેવળ ‘હિંદુ’ હોવું તે પ્રજાસત્તાક રાજકારણના મૂલ્યોની કસોટીએ કેવું ને કેટલું અપૂરતું છે એનો એક અપરિભાષિત પણ એકરાર પડેલો છે.
આમ સમગ્ર પટ ઉપર જોઈએ ત્યારે ગુજરાતમાં મલ્લિકા સારાભાઈ (ગાંધીનગર) અને તપન દાસગુપ્તા (વડોદરા) નો ચૂંટણીપ્રવેશ ભાજપ/કૉંગ્રેસને સારુ મત બગાડનાર કે પછી નકરા પ્રતીકાત્મક દાખલા કરતાં વધુ ગુંજાશ ધરાવતો માલૂમ પડે છે. અલબત્ત, એમાં સમજ એ પડેલી છે કે નાગરિક અપીલની આ પ્રક્રિયા હવેનાં વરસોમાં ચાલુ રહેશે.