સાંજ એટલે એવો સમય જે વાતાવરણના ઉત્સવ જેવો હોય છે. સૂરજ ડૂબે એ પહેલાંની સોનેરી આભા અને સૂરજ ડૂબે એ પછી અંધારું થાય એ પહેલાંની લાલાશ એટલી અદ્દભુત હોય છે કે 'અદ્દભુત' શબ્દ એના માટે ટૂંકો પડે. જીવનમાં કેટલીક સાહ્યબી માણવા પૈસા ખર્ચવાની જરૂર નથી પડતી. બસ, થોડી ક્ષણ ફાળવવાની જ જરૂર હોય છે. સાંજે માત્ર ઘરની બારી ઉઘાડવાની કે અગાસીએ જવાની કે પછી હાઇવે પર ચાલ્યા જવાની જરૂર હોય છે. કે પછી બધું પડતું મૂકીને માત્ર સાંજના આકાશને જોવાની જરૂર હોય છે. જો તમારી પાસે બે ઘડીની ફુરસદ હોય તો સાંજ રોજ તમારા માટે જ પડે છે.
ફિલ્મમેકર મણિ રત્નમે એક વખત કહ્યું હતું કે "સાંજ એ એવો સમય છે કે જ્યારે દરેક માણસને પોતાના મૂડની પ્રવૃત્તિ કરવાનું ગમે છે." જેમ કે, કોઈને સંગીતનો શોખ હોય તો સાંજે એ તંબૂરો ખોલીને તાર ઝણઝણાવવાનું કે પછી મ્યુિઝક પ્લેયર શરૂ કરીને ગમતું સંગીત સાંભળવાનું પસંદ કરે છે. કેટલીક ગૃહિણીઓ સાંજે શાક સમારતાં સમારતાં ગીતો ગણગણતી હોય છે. ચિત્રો દોરવાનો શોખ હોય એ સૂરજ ઢળતો જાય એની સાથે કેન્વાસ પર રંગો ઢાળતો જાય છે. કોઈને ગપ્પાં મારવાનો શોખ હોય તો સાંજે કોફીહાઉસમાં જઈને યારોની મંડળી વચ્ચે મહેફિલ માંડે છે.
સાંજ એ ખરેખર તો અર્ધનારીશ્વરનું સમય સ્વરૂપ છે. એ દિવસ અને રાતની સંધિ કરે છે. એ સંધિટાણું એટલે કે સંધ્યાકાળ છે એટલે કે દિવસ પણ નથી ને રાત પણ નથી પણ બંનેનું કોકટેલ છે. કહેવાય છે કે કાઠિયાવાડમાં તો દિવસ જ બાર કલાકનો હોય છે. બપોરે સૂઈ જવાની સાહ્યબી છે. તેથી સાંજ પછી બીજો દિવસ શરૂ થાય છે, એટલે ત્યાં સાંજનાં પણ છાપાં નીકળે છે.
દિવસના ચોથા પ્રહરની શરૂઆતને સાંજ કહે છે. સૂરજ ડૂબતા પહેલાંનો સોનેરી સમય અને સૂરજ ડૂબ્યા પછી વાતાવરણમાં રહેતા અંધારા પહેલાંની સંધ્યાનો સમય એટલે સાંજ. એ વાતાવરણ ખરેખર અદ્દભુત હોય છે. સૂરજ ડૂબવાનો હોય એને જ સાંજ નથી કહેતા. તમે જેને મહેસૂસ કરી શકો એને સાંજ કહે છે. એ વાતાવરણની સાથે જિંદગી થોડી ઝિલમિલાય એને સાંજ કહે છે.
કલકત્તાનાં કોફીહાઉસોની એ સાંજ
જે માણસ કમસેકમ સાંજે પોતાના મૂડની પ્રવૃત્તિ માટે સમય ફાળવી શકતો હોય એ રજવાડું ભોગવે છે. પચાસથી સિત્તેરના દાયકાના બંગાળનાં કોફીહાઉસો રજવાડાં જ હતાં. સાંજ પડે ને ત્યાં કમ્યુિનસ્ટો, કવિઓ, રાજકારણીઓ, પત્રકારો ભેગા થઈને વાતોનો દૌર જમાવતા. બંગાળીઓ માને છે કે તેમને ત્યાં ત્રણ સાંસ્કૃિતક સંસ્થાનો થઈ ગયાં. રવીન્દ્રનાથ ઠાકુર, સત્યજિત રાય અને કોફીહાઉસ.
બંગાળના જાણીતા સાહિત્યકર્મી સુનિલ ગંગોપાધ્યાયે કહ્યું હતું કે "કોફીહાઉસ જ્યારે ઉફાન પર હતાં ત્યારે ત્યાં કવિઓનું અલગ ટેબલ રહેતું, ટૂંકી વાર્તાકારોનું અલગ ટેબલ રહેતું, રાજકારણીઓનું અલગ ટેબલ અને આંદોલનકારીઓનું અલગ ટેબલ રહેતું હતું."
ખરેખર તો આ બધાને એક જગ્યા પર ભેગા કરવા એ તગારામાં દેડકા ભેગા કરવા જેવું કામ છે, પણ કોફીહાઉસ બધાને એકસાથે ભેગા કરી દેતું. સાંજ પડયે ત્યાં રોજ બૌદ્ધિક મેળાવડો ભરાતો હતો. સત્યજિત રાય, અમર્ત્ય સેન, મૃણાલ સેન, ઋત્વિક ઘટક, સુનિલ ગંગોપાધ્યાય નિયમિત રીતે સાંજે કલકત્તાના કોંફીહાઉસોમાં જતા હતા. ત્યાં જઈને દોસ્તો વચ્ચે કોફીની ચુસકી સાથે ચર્ચા કરતા હતા.
બંગાળના શિષ્ટ સાહિત્યથી માંડીને સસ્તું સનસનીખેજ સાહિત્ય પણ કોફીહાઉસમાં સાંજે જામતાં દૌરમાંથી નીકળ્યું છે. ચીપ પેપરબેક સિરીઝ 'દસ્યુ મોહન'ના રાઇટર શશધર દત્તા પણ ત્યાં નિયમિત જતા હતા. બંગાળના બૌદ્ધિક વિકાસમાં કોફીહાઉસનું કેટલું પ્રદાન છે એ પી.એચડીનો વિષય બની શકે છે. હવે આ કોફીહાઉસોની સાંજની એ રોનક પહેલાં જેવી નથી રહી એ અલગ વાત છે.
શહેરોમાં જે ફેશનેબલ સુંવાળાં કોફીહાઉસ શરૂ થયાં છે એનું ગોત્ર પણ કલકત્તાનાં કોફીહાઉસ જ છે.
શહેરોમાંથી ગાયબ થઈ ગયેલી સાંજ
અમદાવાદ, દિલ્હી, હૈદરાબાદ, પૂણે, મુંબઈની કોર્પોરેટ ઓફિસોમાં કામ કરતાં લોકો સાંજવંચિત લોકો છે. સવારે કે બપોરે કામ પર ચઢે ને આઠ – દશ કલાકની નોકરી પછી ઓફિસની બહાર નીકળે ત્યારે સૂરજ ડૂબી જ ગયો હોય છે ને સીધી રાત જ સામી ભટકાય છે. સાંજ કેવી રીતે પડે છે એ તેમને અઠવાડિયે એક વાર માત્ર રવિવારે જ કદાચ ખબર પડે છે.
જે શહેર પર કોર્પોરેટીકરણ હાવી થઈ ગયું છે ત્યાંના નોકરિયાતોના જીવનમાં સાંજનું વધેલું ઘટેલું અજવાળું બસ કે લોકલ ટ્રેનમાં લટકતાં કે ટ્રાફિકમાંથી વ્હીકલને પસાર કરવામાં પતી જાય છે.
ધોળા દિવસે પણ જ્યાં બત્તીઓ બળતી હોય એવી ઓફિસોમાં સાંજની બારીક બ્યુટીનો સ્પર્શ અને સમજ લોકો ગુમાવી બેસે છે.
સાંજ ઠહેરાવ, ઇત્મિનાન અને ફુરસદની ઘટના છે. દિવસભર જે કંઈ કર્યું હોય પણ સાંજે એમાંથી થોડું પરવારીને ખૂણે બેસીને ખુદને જોવાની ઘડી છે. કામ તો આખો દિવસ રહેવાનું જ છે પણ એમાંથી બે ઘડી ચોરીને જાતમાં ઝાંખવાની ઘટના છે. રોજ જે કંઈ કામ કરતાં હોય એને બે ઘડી પડતું મૂકીને સાંજને નિહાળો, ન્યાલ થઈ જશો.
સાંજ એટલે સાંજી : હે રી સખી મંગલ ગાઓ રી …
કૈલાશ ખેરે ગાયેલું અને હવે ગુજરાતી ડાયરામાં ઓસમાણ મીર અને કીર્તિદાન ગઢવી જેવા ગાયકોએ પોપ્યુલર કરેલું 'હે રી સખી મંગલ ગાઓ રી …' ગીત એ સાંજી છે.
આપણે ત્યાં બે પ્રકારે સાંજી પ્રચલિત છે. એક લગ્નમાં ગવાતી સાંજી અને બીજી પુષ્ટીમાર્ગીય હવેલીમાં ઊજવાતો સાંજી ઉત્સવ. લગ્નમાં ગવાતી સાંજી પણ ગોપી અને વ્રજની પુષ્ટિમાર્ગીય પરંપરામાંથી આવેલું સ્વરૂપ છે. આ બંનેમાં સાંજનું ખૂબ મહત્ત્વ છે. તેથી જ એને સાંજી કહે છે.
સાંજી એ વ્રજની ગોપીઓનો કૃષ્ણ માટેનો એક ભાવ છે. વ્રજમાં સવારથી સાંજ કૃષ્ણની રાહ જોતી ગોપીઓ સાંજે કૃષ્ણ પાછા ફરે ત્યારે તેમને રિઝવવા સાંજી ગાય છે અને આંગણે રંગોળી પૂરે છે. એ પરંપરા અનુસાર લગ્નમાં સાંજી આવી છે. વિવાહવાળું ઘર હોય ત્યાં લગ્નની વધામણીરૂપે તેઓ સાંજી ગોઠવે છે.
એ જ રીતે હવેલી મંદિરોમાં સાંજીઉત્સવ વખતે રંગોળી પૂરવામાં આવે છે. ભાદ્રપદ પૂનમથી લઈને અમાસ સુધી વિવિધ હવેલી મંદિરોમાં સાંજી ઉત્સવ ઊજવાય છે. જેમાં વિવિધ હવેલીઓમાં રંગોળી પૂરવામાં આવે છે. જેનાં દર્શન કરવા ભાવિકો આવે છે.
લગ્નમાં ગવાતી સાંજીની પરંપરાની વાત આગળ વધારીએ તો જે પરિવારમાં વિવાહ લેવાયા હોય ત્યાં આગલી સાંજે મહિલાઓ ભેગી મળીને પ્રીત-પિયુ-પરણેતરનાં ગીતો ગાય. એ માહોલ ખરેખર જોવાલાયક હોય છે. આસપાસની મહિલાઓ અને યુવતીઓ હાથમાં શુકનની ખાંડ ભરેલી ડિશ લઈને આવે અને વિવાહવાળા ઘરમાં આપે. બધી ભેગી મળીને સાંજી ગાય. સૂરના કોઈ ઠેકાણાં ન હોય. બે-ત્રણ મહિલાઓ એવી હોય જેને સાંજી ગીતો આવડતાં હોય. એનો લય મોઢે હોય. સાંજીમાં હુકમના એક્કા જેવી એ મહિલાઓ સાંજીગીતોમાં વટ પાડવા તત્પર હોય છે. કેટલાંક નિવડેલા શાયરો જેમ મુશાયરો લૂંટી લે એમ એ સાંજી સ્પેિશયાલિસ્ટ માનુનીઓ સાંજી લૂંટી લે છે.
કન્યાવિદાયની જેમ હવે સાંજી પણ લગ્ન પરંપરામાંથી વિદાય થઈ રહી છે. સાંજીનું સ્થાન સંગીતે લઈ લીધું છે. જેમાં લોકો ગરબા અને દાંડિયા રમે છે. એ પણ સરસ પરંપરા છે.
'સાંજ' નામનો ટૂરિસ્ટ પોઇન્ટ
માઉન્ટ આબુ એવું સ્થળ છે જેનું મુખ્ય આકર્ષણ સાંજ છે. માઉન્ટ આબુ સનસેટ પોઇન્ટ માટે જાણીતું સ્થળ છે. પહાડની ટોચે બેસીને લોકો ડૂબતા લાલ સૂરજની લીલા માણે છે. માથેરાન, મહાબળેશ્વર જેવાં હિલસ્ટેશનો પર પણ સનસેટ પોઇન્ટ ડેવલપ કરવામાં આવ્યા છે અને પ્રવાસીઓને આકર્ષવામાં આવ્યા છે. ગિરનાર પર લોકો પ્રદક્ષિણા કરવા અને ફરવા જાય છે. ઊગતા અને ડૂબતા સૂરજનું સૌંદર્ય ગિરનાર પરથી નિરખવું એ ખરેખર લહાવો છે. ગિરનારનું ધાર્મિક માહાત્મ્ય તો ખૂબ છે. ત્યાં સનસેટ પોઇન્ટ જેવાં આકર્ષણ ઊભાં કરીને પર્યટન માહાત્મ્ય પણ વધારી શકાય છે. જો પડોશનું રાજસ્થાન માઉન્ટ આબુ જેવા ડુંગરાને સનસેટ પોઇન્ટ તરીકે ડેવલપ કરી શકતું હોય અને મહારાષ્ટ્ર હિલસ્ટેશનો પર સનસેટ પોઇન્ટનાં આકર્ષણ ઊભાં કરી શકતું હોય તો ગુજરાતના પર્યટન વિભાગને એવું કેમ સૂઝતું નથી, એ સવાલ છે. સાપુતારામાં સનસેટ પોઇન્ટ છે પણ સાપુતારાનાં અન્ય આકર્ષણો વધુ પોપ્યુલર છે.
આવી જ રીતે દરિયાકાંઠાઓને પણ સાંજના ટૂરિસ્ટ આકર્ષણ તરીકે વિકસાવીને શકાય છે. દેશમાં સૌથી લાંબો સાગરકાંઠો ગુજરાત પાસે છે. ૧૬૬૦ કિલો મિટર લાંબો આપણો દરિયાકિનારો છે. છતાં આપણે એક દરિયાકિનારાને સનસેટ કે સનરાઇઝ પોઇન્ટ તરીકે વિકસાવ્યો નથી. સાંજે દરિયાની છોળો ઉપરથી સૂર્ય ઓઝલ થાય એ દૃશ્ય એટલું બેનમૂન હોય છે કે એ જોઇએ ત્યારે એ દૃશ્યને આજીવન આંખોમાં ભરી રાખવાનું મન થાય.
સોમનાથ, ચોરવાડ સહિત કેટલાં ય સાગરકાંઠે રોજ સાંજે આંખોને ઠારે એવું સૂર્યાસ્તનું દૃશ્ય સર્જાય છે. એ સાગરકાંઠાને સનસેટ પોઇન્ટ તરીકે વિકસાવીને એમાંથી પૈસા રળી શકાય છે એવો કોઈ આઇડિયા આપણા ટૂરિઝમ વિભાગને હજી સુધી નથી આવ્યો એ આશ્ચર્યની વાત છે. સોમનાથના સાગરકાંઠે તો સૂરજ સાગરમાં ઓગળતો હોય અને મનોહારી દૃશ્ય માંડ જામ્યું હોય ત્યાં પોલીસના જવાનો પર્યટકોને દરિયાકાંઠેથી હાંકી કાઢે છે.
શામ એ અવધ
સાંજની વાત કરીએ અને 'શામ એ અવધ'નો જિકર ન થાય તો વાત જ અધૂરી કહેવાય. અવધ એટલે કે અયોધ્યા. લખનઉ એ અવધની રાજધાની હતું. તેથી લખનઉની મુલાયમ સાંજ 'શામ એ અવધ' તરીકે ઓળખાતી હતી. લખનઉની સાંજ ભારતની શાન હતી. ૧૮૫૭નો વિપ્લવ થયો એની સાથે જ 'શામ એ અવધ'ની રાત પડી ગઈ હતી. અવધના આખરી નવાબ વાજિદ અલી શાહને ૧૮૫૬માં અંગ્રેજોએ પદથી હટાવ્યા ત્યારથી ત્યાંની સાંજની રોનક પણ ઊતરી ગઈ હતી. નવાબોના સમયની એ શામ હવે યાદોનું નઝરાણું રહી ગઈ છે. હજી લખનઉમાં એ શાહી સાંજની થોડી ઝાંખી જોવા મળે છે. લખનઉમાં નકશીકામ, હીરામોતી તેમ જ વસ્ત્રોમાં ચિકનકારી ખૂબ ઉત્કર્ષ પામ્યા હતા. ત્યાં ગલી ગલીએ મિનારા અને નકશીદાર મકાનો હતાં. ૧૮૮૫માં અંગ્રેજ અધિકારી વિલિયમ ટેનન્ટે પોતાનાં યાત્રા સંસ્મરણો 'ઇન્ડિયન રિક્રિએશન'માં લખ્યું હતું કે ઇંગ્લેન્ડમાં એવી કોઈ ઈમારત નથી કે જેની બહારની સાજસજ્જા લખનઉના મહેલો જેવી હોય. લંડનના 'ટાઇમ્સ'ના રિપોર્ટર વિલિયમ હાવર્ડ રસેલે 'માય ડાયરી ઓફ ઇન્ડિયન મ્યુિટની'માં લખ્યું હતું કે અહીંના મહેલ, મિનારા અને ગુંબજ પર સોના અને તાંબાનો વરખ ચડાવેલો છે. એ સાંજના સમયે એટલા સુંદર લાગે છે કે જાણે શાંત સમુદ્રમાં સૂરજનાં કિરણો દૂર દૂર ફેલાયેલાં હોય.
અવધ – લખનઉમાં મહેલો, મિનારા અને ગુંબજો પર સાંજનાં સોનેરી કિરણો ફેલાતાં ત્યારે આખું શહેર સોનાવરણું બની જતું હતું તેથી ત્યાંની સાંજ વખણાતી હતી. લોકો ત્યાં ખાસ સાંજનો નજારો જોવા આવતા હતા. હવે એ નકશીદાર મકાનો – મહેલો નથી. હવે એ સાંજ પણ ત્યાં નથી.
અન્ય શહેરોની રોનકદાર સાંજ
બનારસની સાંજની ગંગાઆરતીનો નજારો આંખો માટે ઉત્સવ જેવો હોય છે. મુંબઈમાં દરિયાકાંઠે મરિનડ્રાઈવની પાળે સાંજે ફરવા જાવ તો એવું ચોક્કસ માનવાનું મન થાય કે જગત ખરેખર પ્રેમ પર જ ટકેલું છે. ત્યાં અસંખ્ય જોડકાં દુનિયાની સામે પીઠ અને દરિયાની સામે હૈયું ધરીને પોતપોતાનામાં પરોવાયેલાં હોય છે. એ વખતે એમ પણ માનવાનું મન થાય કે ડૂબતા સૂરજ પાસે નક્કી રોમાન્સની ભૂરકી હોવી જ જોઇએ જે આ જોડકાંવ પર છંટાયેલી હોવી જોઇએ. કલકત્તામાં કોફીહાઉસની સાંજની જેમ મુંબઇમાં ઈરાની કેફેની સાંજ વખણાતી હતી. લોકો ત્યાં સાંજે મોટી સંખ્યામાં એકઠા થતા હતા. હજી પણ મુંબઇમાં કેટલીક ઈરાની કેફેમાં એ રંગત છે.
જૂની દિલ્હીની સાંજ જેટલી ભરીભરી છે એટલી જ નવી દિલ્હીની સાંજ બોરિંગ છે. લુટિયનની દિલ્હી સૂરજ ડૂબે એ પહેલાં બંધ થઈ જાય છે. નવી દિલ્હી સરકારી કાર્યાલયો તેમ જ પ્રધાનોના આવાસથી ભરેલી છે. સૂરજ ડૂબી જાય પછી નવી દિલ્હીમાં ચાની લારી શોધવા કોલંબસને બોલાવવો પડે. નવી દિલ્હીની સાંજ એકદમ સરકારી હોય છે. એકદમ સૂકી સાંજ. જ્યારે કે જૂની દિલ્હીની સાંજ ગાલીબની ગઝલ જેવી તલબગાર હોય છે.
દીવાબત્તીટાણું, ગોરજવેળા અને શફ.ક.
સાંજ માટે ભાષામાં શબ્દોનું પણ કેવું સૌંદર્ય છે. 'દીવાબત્તીટાણું' અને 'ઝાલરટાણું' આ બે સાંજને ચિતરતા સુંદર શબ્દો છે. એવાં કેટલાં ય ઘરો હજી પણ હશે કે જ્યાં સાંજ થઈ એમ ન કહે પણ દીવાબત્તીટાણું થયું એમ કહેતાં હશે. એ ઘરોમાં મંદિરમાં દીવાબત્તી થયા બાદ જ ઘરની ટયુબલાઈટની સ્વિચ પડતી હશે. સાંજે મંદિરની આરતી વખતે ઝાલર વાગે એટલે એને ઝાલરટાણું કહે છે. 'ગોધુલિકવેળા' અને 'ગોરજવેળા' એ બંને પણ સમી સાંજ માટે વપરાતાં શબ્દો છે. ગાયો ચરીને સાંજે પાછી ફરે ત્યારે ઊડતી 'ધૂળ' કે 'રજ' પરથી આ બંને શબ્દો આવ્યા છે. સાંજને 'સંધ્યાકાળ' જેવો શૃંગાર-શબ્દ સંસ્કૃતમાંથી મળે છે. ઉર્દૂમાં 'શફ.ક.' એટલે સંધ્યાની લાલી. સાંજે ક્ષિતિજ લાલ થાય એને 'શામ ફૂલના' પણ ઉર્દૂમાં કહે છે. ઊગતા સૂરજને દેશ નમે છે પણ બિહાર – ઉત્તર પ્રદેશમાં ઊજવાતો 'છઠપૂજા' એવો ઉત્સવ છે જ્યાં મહિલાઓ ડૂબતા સૂરજને અર્ધ્ય આપે છે.
સાંજનો એટલો મહિમા છે કે સુબહ કા ભૂલા અગર શામ કો લૌટ આયે તો ઉસે ભૂલા ભી નહીં કહેતે, બરખુરદાર કુછ સમજે !
…. અને છેલ્લે સાંજ અને ઉદાસી
હિન્દી ફિલ્મોમાં સાંજને વ્યક્ત કરતાં 'યે શામ મસ્તાની …' જેવાં ખુશનુમા ગીતો રજૂ થયાં છે તો સાંજની ઉદાસીને ઝીલતાં 'વો શામ કુછ અજીબ થી …' જેવાં ગીતો પણ રજૂ થયાં છે. સાંજ પાસે સૌંદર્ય છે એમ ઘેરી ઉદાસી પણ છે. આપણા કવિ રાવજી પટેલે તેમની રચના 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …'માં મોતને સાંજની અટારી પર બેસાડી છે. માણસે આખો દિવસ ઢાંકી રાખેલી એકલતાને સાંજ ઉઘાડી કરી દે છે. ઉદાસ માણસ સાંજ પાસે ઢોંગ નથી કરી શકતો. હિન્દી કવિ સૂર્યભાનુ ગુપ્તે પોતાના એક કાવ્યમાં સાંજની ઉદાસીના આત્માને પકડયો છે. વાંચો,
શામ ટૂટે હુએં દિલ વાલોં કે ઘર ઢૂંઢતી હૈ,
શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો
શામ આયેગી તો ઝખ્મોં કા પતા પૂછેગી,
શામ આયેગી તો તસવીર કોઈ ઢૂંઢેગી.
ઈસ કદર તુમસે બડા હોગા તુમ્હારા સાયા,
શામ આયેગી તો પીને કો લહુ માંગેગી
શામ હર રોજ કહીં ખૂને-જીગર ઢૂંઢતી હૈ,
શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો.
યાદ રહે રહે કર કોઈ સિલસિલા આયેગા તુમ્હેં,
બાર-બાર અપની બહોત યાદ દિલાયેગા તુમ્હેં.
ન તો જીતે હી, ન મરતે હી બનેગા તુમસે,
દર્દ બંસી કી તરહ લેકે બજાયેગા તુમ્હે.
શામ સૂલી ચઢેં લોગોં કી કબર ઢૂંઢતી હૈ,
શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો.
ઘર મેં સહરા(રણ) કા ગુમાન ઈતના ઝ્યાદા હોગા,
મોમ કે જિસ્મ મેં રોશન કોઈ ધાગા હોગા.
રૂહ સે લિપટેંગી ઇસ તરહ પુરાની યાદેં,
શામ કે બાદ બહોત ખૂનખરાબા હોગા.
શામ ઝુલસે હુએ પરવાનોં કે પર ઢૂંઢતી હૈ,
શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો
કિસી મહેફિલ, કિસી જલસે, કિસી મેલે મેં રહો,
શામ જબ આયે કિસી ભીડ કે રેલે મેં રહો
શામ કો ભૂલે સે ભી આઓ ન કભી હાથ અપને,
ખુદ કો ઉલઝાયે કિસી ઐસે ઝમેલે મેં રહો
શામ હર રોજ કોઈ તનહા બશર ઢૂંઢતી હૈ,
શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો.
સત્યજિત રાય, અમર્ત્ય સેન, મૃણાલ સેન, ઋત્વિક ઘટક, સુનિલ ગંગોપાધ્યાય નિયમિત રીતે સાંજે કલકત્તાના કોફીહાઉસોમાં જતા હતા. ત્યાં જઇને દોસ્તો વચ્ચે કોફીની ચુસકી સાથે બૌદ્ધિક ચર્ચા કરતા હતા.
સાંજ એ એવો સમય છે કે જ્યારે દરેક માણસને પોતાના મૂડની પ્રવૃત્તિ કરવાનું ગમે છે.
– મણિ રત્નમ –
સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામ લેખકની કટાર, “સંદેશ”, 18 માર્ચ 2015
e.mail : tejas.vd@gmail.com
http://www.sandesh.com/article.aspx?newsid=3054110