Opinion Magazine
Number of visits: 9446640
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘેટ્ટોઆઇઝેશન વિશે

ઘનશ્યામ શાહ|Samantar Gujarat - Samantar|2 March 2015

કરુણાનો ગુણ સમાજકાર્યના પ્રાધ્યાપક અને કાર્યકર માટે સૌથી પ્રથમ અનિવાર્ય શરત છે. સમાજના પીડિતો અંગે સંવેદનશીલતા ન હોય, તે અંગે અનુકંપા ન હોય, તો તે વ્યક્તિ ગમે તેટલી વિદ્વાન હોય, ચારિત્ર્યશીલ હોય તો પણ તે સમાજકાર્ય ન કરી શકે. આમ છતાં, જો તે આ વ્યવસાયમાં હોય તો તેનું કાર્ય યંત્રવત્, કરવા ખાતર, પગાર મેળવવા માટેનું હોય છે. વાસ્તવિકતામાં આ કાર્ય સત્ત્વહીન હોય છે. પણ ફક્ત પીડિત માટેની અનુકંપા સામાજિક કાર્યકર માટે પૂરતી નથી, કારણ કે સામાજિક કાર્યકર પરગજુથી વિશેષ છે. એનું કાર્ય એકલ-દોકલ પીડિત વ્યક્તિને મલમ-પટ્ટા કે રાહત આપવાથી ઘણું વિશેષ છે. ફક્ત કરુણાથી પ્રેરાઈ પાંચ-દશ-પચ્ચીસ દુઃખીજનોને તાત્કાલિક રાહત આપવાથી પ્રશ્ન પતતો નથી. કેટલીક વખત એવું પણ બને કે આવેશમાં આવી દયાની ભાવનાથી અમુક પ્રકારની મદદ કરવાથી દાનવીરને કંઈક કર્યાનો સંતોષ થાય, પણ લાભાર્થીને લાંબા ગાળે નુકસાન પણ પહોંચી શકે. એટલે પ્રશ્ન-પીડાનાં કારણો અને એનાં જુદાં-જુદાં વિવિધ પાસાં સમજવાં જરૂરી છે. એટલે ડૉ. આંબેડકર કહે છે તે પ્રમાણે પ્રજ્ઞા વગરની સંવેદનશીલતા પીડિતોના પ્રશ્નનો ઉકેલ નથી. પ્રજ્ઞાથી પ્રશ્નનાં મૂળ કારણો સમજવા માટેનો રસ્તો મળે છે. પ્રશ્નને સમજવા વાસ્તવિક પરિસ્થિતિનું તલસ્પર્શી બારીકાઈથી અવલોકન, જે-તે પરિસ્થિતિને સ્થળ અને સમયના સંદર્ભમાં જે-તે સામાજિક, આર્થિક, ઐતિહાસિક પરિબળોની સમજ, એનું પૃથક્કરણ, બૌદ્ધિક-તાર્કિક (rational) રીતે કરવાં જરૂરી છે. આમ કરવાથી પરિસ્થિતિની ગહન સમજ આવે. આમાંથી સમાજકાર્ય માટે વ્યૂહરચના અને પગલાં ઉદ્દભવે. કાર્યક્રમો તૈયાર થાય. એટલે કરુણા અને પ્રજ્ઞા સમાજકાર્યનાં મૂળભૂત અંગો છે. પ્રસ્તુત પુસ્તકનાં લેખિકા ગૂજરાત વિદ્યાપીઠના સમાજકાર્યના પ્રાધ્યાપક છે. ૨૦૦૨માં ગુજરાતમાં જે હિંસાનું તાંડવ થયું, તેનાથી તેઓ વ્યથિત હતાં. આ અમાનુષી હિંસાનો ભોગ બનેલા પીડિતોની સ્થિતિને સમજવા માટે આ અભ્યાસ છે.

૨૦૦૨નાં કોમી હુલ્લડ કે જનસંહાર – જે કહો તે – ગુજરાતના સમાજનો સૌથી શરમજનક કાળો ધબ્બો છે. આ હિંસાના અમાનુષી તાંડવમાં સેંકડો નિર્દોષ લોકોના જાન લેવાયા, કેટલીક સ્ત્રીઓ પર કહેવાતા ‘ધર્મ’ના નામે બળાત્કાર થયા, નાનાં માસૂમ બાળકોનો ભોગ લેવાયો અને સેંકડો લોકોને ઘરબાર છોડી બીજે જવાની ફરજ પડી. પીડિતોની કથની લેખિકાએ સાંભળી. વિગતો પુસ્તકમાં નોંધવામાં આવી છે. લેખિકા બતાવે છે કે આ હિંસાનું તાંડવ ફક્ત આવેશનું પરિણામ ન હતું. એના માટે ઘણા સમયનું હિન્દુત્વની માન્યતા ધરાવતાં સંગઠનોનું આયોજન હતું. આ સમગ્ર બનાવ દરમિયાન પોલીસનું પક્ષપાતી વલણ અને રાજ્યની નિષ્ક્રિયતાએ લઘુમતી કોમના લોકોને બેઘર બનાવ્યા. હિંસામાં હોમી દીધા. આ અવલોકન બીજા અભ્યાસુઓએ પણ કર્યું છે.

હિંસાનો ભોગ બનેલા જેઓ કોઈક રીતે પણ જાન બચાવી શક્યા, તેઓ સંતાતા-છુપાતા ભાગ્યા. કેટલા ય દિવસો સુધી ખેતરોમાં છુપાયા. કોઈક પરમાર્થીઓને ત્યાં આશ્રય લીધો. આમ કરતાં રાહત-છાવણીઓમાં પહોંચ્યા. આ છાવણીઓ મોટા ભાગનાં ધાર્મિક સંગઠનો અને કેટલાંક સેવાભાવી નાગરિક સંગઠનોએ શરૂ કરી હતી. પાછળથી રાજ્ય આ છાવણીઓની મદદે પહોંચ્યું. સમય જતાં આ છાવણીઓ એક પછી એક બંધ થઈ. જેઓ કોઈ પણ રીતે મૂળ ગામમાં કે લત્તામાં પાછા સલામત જગ્યાએ જઈ શકતાં હતાં, તેઓ ધીરે-ધીરે પાછાં ગયાં. પણ એમાંનાં ઘણાં મૂળ ગામ, વિસ્તારમાં જઈ શકે તેમ ન હતાં, કારણ કે ત્યાં જો પાછાં જાય તો ફરીથી એમનાં જીવન ભયમાં મુકાય. એમનાં ઘરબાર ખતમ કરવામાં આવ્યાં હતાં, એમનો વ્યવસાય છીનવાઈ ગયો હતો. એટલે તેઓ જાય તો ક્યાં જાય ? આ પરિસ્થિતિમાં એમના માટે સલામત નવી વસાહતો જરૂરી હતી. કોઈ પણ રાજ્યનો રાજ્યધર્મ છે કે આ પીડિતોના પુનઃવસવાટની વ્યવસ્થા કરે. આંતરિક વિસ્થાપિતોના પુનઃવસવાટ અંગે યુનાઇટેડ નેશન્સ (UNO) દ્વારા કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો તૈયાર થયા છે, જે ભારતે સ્વીકાર્યા છે. આ સિદ્ધાંતો ગુજરાત સરકારે લેખિકાના મતે મહદ્દ  અંશે નજરઅંદાજ કર્યા છે. એટલું જ નહીં ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામા(affidavit)માં કહ્યું કે ગુજરાતમાં બધા જ ૨૦૦૨ના પીડિતો પોતાના વતન પાછા ગયા છે અને કોઈ વસાહત નથી. પણ જ્યારે એક સ્વૈચ્છિક સંસ્થાએ અસ્તિત્વ ધરાવતી વસાહતોનો અભ્યાસ-વિગતો-કોર્ટમાં રજૂ કરી ત્યાર પછી આવી વસાહતોનું અસ્તિત્વ સરકારે સ્વીકાર્યું.

પ્રસ્તુત અભ્યાસ આ વસાહતોમાં વસતાં કુટુંબો-પીડિતોનો છે. સરકારના નકારાત્મક વલણને કારણે આ વસાહતો ધાર્મિક સંસ્થાઓએ શરૂ કરી. આને પરિણામે પીડિતોને ઇચ્છાએ-અનિચ્છાએ ધાર્મિક સંસ્થાઓમાં અને ધાર્મિક માહોલમાં ધકેલવામાં આવ્યા. પીડિતો પાસે કોઈ વિકલ્પ ન હતો. આ પરિસ્થિતિમાં ધાર્મિક વલણો અને માનસિકતા, ધર્મ આધારિત ઓળખ-આઇડેન્ટિટી કેવી રીતે ક્ષીણ થાય ? સમાજમાં સાંપ્રદાયિકતા ઓછી કરવી હોય, ધાર્મિક સંકુચિતતા અને આઇડેન્ટિટીને ક્ષીણ કરવી હોય, તો ધાર્મિક સંગઠનોની પકડ અને વર્ચસ્વ ક્ષીણ કરવાં જ પડે. આ બિનસાંપ્રદાયિક રાજ્યની જવાબદારી છે. જો રાજ્ય આ જવાબદારી બજાવવામાં આંખ આડા કાન કરે, તો કોમી polarisation વધે કે ઘટે ? પ્રસ્તુત અભ્યાસ આ પ્રશ્ન અંગે વાચકને વિચાર કરતો કરે તેવી અપેક્ષા અસ્થાને નથી.

વિસ્થાપિત પીડિતોની વસાહતો ગામ/નગરનું બીજું ફળિયું, પોળ કે લત્તો નથી. અભ્યાસ બતાવે છે કે આ વસાહતોમાં વસવાટ કરનારા પોતાની સલામતી માટે અહીં રહે છે. આ વસવાટો પાયાની મૂળભૂત જરૂરિયાતો – રસ્તા, વીજળી, પાણી, ગટર, શૌચાલય વગેરે – જે પૂરી પાડવાની રાજ્યની લઘુતમ જવાબદારી છે, તેનાથી વંચિત છે. અહીં બાળકો માટે શિક્ષણની પૂરતી વ્યવસ્થા નથી. તેઓ પ્રાથમિક આરોગ્ય – સેવાથી વંચિત છે. મૂળ વતનમાં હતા, તેના કરતાં એમની અહીં આજીવિકાની તકો ખૂબ મર્યાદિત છે. આ જગ્યાએ આજે લગભગ દશ વર્ષથી રહે છે, પણ અહીં એમને પરાયાપણું લાગે છે. ઊખડેલા-ઊખડેલા હોય એવું અનુભવે છે. જે ગામ કે શહેર નજીક આ વસાહતમાં તેઓ રહે છે, તેઓ તે શહેર કે ગામને ‘પોતીકું’ માની શકતા નથી. મૂળ વતનની વારંવાર યાદ આવ્યા કરે છે. હિજરાય છે પણ પાછા જઈ શકતા નથી. આ વસવસા સાથે આ વસાહતોમાં રહે છે.

આ અલાયદી વસાહતો, જેને ઘેટ્ટોઝ કહેવામાં આવે છે. આ પરિસ્થિતિ માટે કયાં કારણો જવાબદાર છે ? લેખિકા આ કારણો આ પ્રમાણે નોંધે છે : પીડિતાના પુનઃવસવાટ માટે રાજ્યની નિષ્ક્રિયતા, સરકારી તંત્રનો ભેદભાવપૂર્ણ અભિગમ, બહુમતીનો મુસ્લિમો પ્રત્યે પૂર્વગ્રહ અને આક્રમક કટ્ટરવાદી માનસિકતા જવાબદાર છે. સમાજનો બહુમતી વર્ગ અને સરકાર અહીં વસવાટ કરતા લોકોને કંઈક ઘૃણાથી તુચ્છકારથી, દુશ્મન તરીકે જુએ છે. ત્યાં જવાનું અને ત્યાંના લોકોને મળવાનું ટાળે છે.

અહીં ઘેટ્ટો શબ્દ અંગે ઠીક વિચાર કરવા જેવો છે. લેખિકાને ઘેટ્ટો શબ્દનો કોઈ ગુજરાતી પર્યાય ન મળ્યો, એટલે આ અંગ્રેજી શબ્દનો યથાવત્ ઉપયોગ કર્યો છે. વિનીત જોડણીકોશ, બૃહદ્દ ગુજરાતી કોશ(કે.કા. શાસ્ત્રી રચિત)માં ઘેટ્ટો શબ્દ નથી. વિનયન શબ્દકોશ (ભટ્ટ અને ભટ્ટ) અને અંગ્રેજી-ગુજરાતી કોશ (દેશપાંડે) અંગ્રેજી શબ્દ Ghettoનો અર્થ આપે છે : યહૂદીવાડો – લત્તો – વિસ્તાર. લેખિકા પણ આ અર્થને અનુસરે છે. સત્તરમી સદીમાં યુરોપમાં જ્યુ (યહૂદી) લોકોનો નગરબહાર વસવાટ. આ પ્રજા માટે કેટલાંક નિયંત્રણો હતાં. તેવું જ અમેરિકામાં શ્યામ(નિગ્રો)ની વસાહતો. આ લોકો સાથે પૂર્વગ્રહપ્રેરિત ઘૃણાપૂર્વક વ્યવહાર થયા. તેઓ સામાજિક-આર્થિક ભેદભાવનો ભોગ બનેલા હોય અને તેઓને માટે સામાજિક-આર્થિક તકો મર્યાદિત હોય. અભ્યાસમાં થયેલ વસવાટના લોકોની સ્થિતિ આવી જ છે; એટલે ઘેટ્ટો શબ્દ યથાર્થ છે.

શું આ પ્રકારના વસવાટ ફક્ત યુરોપમાં જ હતા અને આપણે ત્યાં આવું કંઈ હતું જ નહીં ? ઘેટ્ટોનો સમાનાર્થી શબ્દ આપણે ત્યાં નથી ? સંસ્કૃિતની ભવ્ય ગાથામાં માનનારા આનો જવાબ હકારાત્મક આપશે અને વેદ-પુરાણોને ટાંકશે. પણ વાત સાચી છે ખરી ? ભારતના કોઈ પણ બિનઆદિવાસી ગામમાં, ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ પ્રદેશમાં દરેક ગામ અને નગરમાં ગામબહાર વસવાટ જોવા મળશે કે જ્યાં વસવાટ કરતા લોકો સદીઓથી ભેદભાવ અને ઘૃણાના ભોગ બનેલા છે. આ વસાહત એટલે એક વખત જેને ‘અંત્યજો’ કહેતા તેમની. આ પરિસ્થિતિ આજે પણ છે. ૧૯૪૮માં ડૉ. આંબેડકરે લખ્યું છે કે, ‘દરેક હિન્દુ ગામમાં ઘેટ્ટો હોય છે. હિન્દુઓ ગામમાં રહે છે અને અસ્પૃશ્યો ઘેટ્ટોમાં.’ ઉપર જણાવ્યું તે પ્રમાણે ભલે જોડણીકોશ કે અંગ્રેજી-ગુજરાતી કોશમાં ઘેટ્ટોનો અહીંનો સંદર્ભ ન હોય, પણ સદ્દનસીબે ભગવદ્દગોમંડળ ઘેટ્ટો શબ્દનો અર્થ આપણા વાસ્તવિક સંદર્ભમાં આપે છે. ઘેટ્ટો એટલે આપણે ત્યાં ‘અસ્પૃશ્ય ગણાતા લોકોને રહેવાની જગ્યા – ઢેડવાડો.’ અંગ્રેજ ઘેટ્ટો શબ્દનાં બધાં જ લક્ષણો આ દલિતોને લાગુ પડે છે. આપણે સવાલ કરવો જોઈએ કે આપણા સમાજમાં આંખે વળગીને દેખાય તેવી હકીકતને આપણે કેમ જોવાથી વિમુખ છીએ ? જે વિદ્વાનો શબ્દમાં રાચે છે, એનો મહિમા ગાય છે – તેવા સર્જકો આવી સામાજિક વાસ્તવિકતાથી કેમ વિમુખ છે?

મુસ્લિમ ઘેટ્ટોઆઇઝેશન અને ૨૦૦૨ના કોમી દાવાનળને લેખિકા ગુજરાતના કોમી વિસંવાદિતા અને રાજકારણના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. આ જરૂરી છે. આ પરિપ્રેક્ષ્યની માહિતીનો આધાર ઇતિહાસવિદો અને સમાજવૈજ્ઞાનિકોના પ્રાપ્ત અભ્યાસો છે. સમાજકાર્યનો વિદ્યાર્થી સમાજશાસ્ત્રી નથી. લેખિકાનો એવો દાવો પણ નથી. એમની પાસે સમાજશાસ્ત્રી અભિગમની અપેક્ષા પણ ન રાખી શકાય. પણ આજે આપણે બધાએ વિચાર કરવાનો છે, આપણી જાતને સવાલ કરવાનો છે કે આપણો દેશ અને રાષ્ટ્રનો ખ્યાલ શો છે? આજે ઘણા નેતાઓ કહે છે કે એમના માટે ભારત રાષ્ટ્ર પહેલું છે, મુખ્ય છે. પણ આ ‘રાષ્ટ્ર’ કે ‘દેશ’ની પ્રાથમિકતા એટલે કઈ-કઈ બાબતોની પ્રાથમિકતા ? આ દેશ/ રાષ્ટ્ર (નેતાઓ અને ઘણાબધા બૌદ્ધિકો પણ આ બંને વિભાવનાઓને એકબીજાના પર્યાય તરીકે વાપરે છે. પણ સૈદ્ધાંતિક રીતે તે જુદા છે), જેને ‘ભારતમાતા’ કહેવામાં આવે છે, તે કોણ ? આ અંગેની આપણી શી કલ્પના છે ? રાજકીય સીમાડાઓ વચ્ચેની ભૌતિક ભૂમિ કે તેમાં વસતા લોકો ? આ લોકો આર્થિક, સાંસ્કૃિતક, સામાજિક રીતે ભિન્ન – ભિન્ન છે. આ લોકોમાં, મુસ્લિમ, શીખ, બુદ્ધિસ્ટ, ખ્રિસ્તી, દલિત, વિચરતી જાતિ, આદિવાસી વગેરે આવે છે કે નહીં ? આ દેશ એટલે શહેરમાં રહેતા, બોલકા, વર્ચસ્વ ધરાવતા જ લોકો કે દરરોજ ખેતર, ખાણ અને કારખાનામાં કામ કરતા લોકો ખરા કે નહીં ? કોઈ પણ સમાજ / દેશની સમૃદ્ધિનો પાયો જેઓ શ્રમ કરી મૂડી પેદા કરે છે, તે શ્રમિકો છે; મૂડી પર વર્ચસ્વ ધરાવતા નહીં. દેશની કલ્પનામાં આ શ્રમિકો જેઓ સતત શોષણના ભોગ બનેલા છે, તેઓનું શું સ્થાન છે ?

આઝાદીની ચળવળ વખતે ડૉ. આંબેડકરે અસ્પૃશ્યતાના સવાલને અને તેનાથી પીડાતા લોકોના પ્રશ્નને પ્રાધાન્ય આપ્યું. એટલે ૧૯૩૦ના દાયકામાં એમને ‘દેશદ્રોહી’ કહેવામાં આવ્યા હતા. રાષ્ટ્ર અંગેના અલગ- અલગ ખ્યાલને કોમવાદ સાથે સંબંધ છે. જ્યારથી આપણે રાષ્ટ્રના વિચારમાં પ્રવર્તમાન સ્થાપિત ધર્મ-સંસ્કૃિતને પ્રાધાન્ય આપવાના ખ્યાલને પોસવા લાગ્યા, ત્યારથી કોમી વિખવાદની શરૂઆત થઈ. આજે પણ એ ચાલુ જ છે. આ વિચારસરણીમાં દલિત, એક વખતે સરકાર અને ઉપલા વર્ગે ગણેલ ‘ગુનેગાર’ જાતિઓ (ex-criminal tribes), મુસ્લિમોના ઘેટ્ટો આપણે જોઈ શકતા જ નથી. કારણકે આ પીડિતો-શ્રમિકો આપણી ‘દેશ’ કે ‘રાષ્ટ્ર’ની કલ્પના બહાર છે. એટલે તેઓ અંગે આપણામાં સંવદનશીલતા જ નથી. જરૂર છે નવેસરથી રાષ્ટ્રના ખ્યાલ અંગે વિચારવાની, નવા સવાલો ઊભા કરવાની. આ કામ સમાજવૈજ્ઞાનિકોનું, ઇતિહાસવિદોનું છે, પણ તે સાથે સૌ સમાજ અંગે ચિંતિત વ્યક્તિઓનું છે.

આ પુસ્તકમાં મુસ્લિમ ઘેટ્ટોની સ્થિતિનો ચિતાર આપ્યો છે, એને આપણે ‘રાષ્ટ્ર’ના ખ્યાલના સંદર્ભમાં જોઈશું, તો વધુ ફળદાયી નીવડશે. લેખિકાનો આ અભ્યાસ પાછળનો એક ઉદ્દેશ એ પણ છે કે આવા અભ્યાસો દ્વારા સમાજકાર્યના ‘વિદ્યાર્થીઓમાં સંવેદનશીલ મુદ્દા અંગે તટસ્થ સમજ ઊભી થાય.’ હું ઇચ્છું છું કે આ કાર્ય વિદ્યાર્થીઓ અને અન્ય વાચકોની સંવેદનહીનતા સચેત કરે. અભ્યાસ માટે ડૉ. દામિની શાહને અભિનંદન.

ડૉ. દામિની શાહ કૃત ‘મુસ્લિમ ઘેટ્ટોઆઇઝેશન : એક કરુણ દાસ્તાન (ગુજરાતના 2002ના રમખાણોના સંદર્ભે)’ની પ્રસ્તાવના; ગુર્જર સાહિત્ય ભવન, રતનપોળ નાકા સામે, અમદાવાદ 380 001; પૃ. 16+172; કિમ્મત રૂ. 247.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2015, પૂ. 03 અને 04

Loading

2 March 2015 admin
← Muslim Ghettoisation : A tragedy – by Damini Shah is much more than a mere book
દયા કે ન્યાય ? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved