લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન થયા પછી બાકીના ત્રણ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેની રાહ જોવાઈ રહી છે, ચૂંટણી પંચની સાથે રાજકીય પક્ષો, નેતાઓ, કાર્યકરો સહુ ફુલ સ્વીંગમાં કામે લાગ્યા છે પરંતુ ચૂંટણીનું વાતાવરણ જામતું નથી તે ઉનાળાના તાપનો પ્રતાપ છે.
૧૬મી મે એ યોજાનારી મતગણતરી માટેના દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે પ્રસ્તુત છે ૨૬ આલ્ફાબેટની એબીસીડી યાને – ચૂંટણીના ક્કકો બારાખડી.
એ – એલાઈઝ (ચૂંટણી જોડાણો – સાથી પક્ષો)
કૉંગ્રેસની યુપીએ નામની ઝોળીમાંથી મુલાયમસિંહ ગાયબ છે, મમતા બેનરજી હાજર છે. ભાજપના એનડીએમાંથી નવીન પટનાયક પોબારા ગણી ગયા છે.
બી – બાબરી મસ્જિદ
અયોધ્યામાં મસ્જિદનો વિવાદાસ્પદ ઢાંચો તોડી પડાયાને ૧૬ વર્ષ વીતી ગયા અને એ પછીની આ પાંચમી લોકસભા ચૂંટણી છે છતાં આ મુદ્દો નેતાઓની જીભે છે. એટલે સુધી કે વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ તેને અડવાણીના 'એક માત્ર પ્રદાન' રૂપે ઓળખાવે છે.
સી – કરોડપતિ ઉમેદવારો
સ્વતંત્રતા મળ્યા પછીના કેટલાક વર્ષો સુધી ચૂંટણીના આયોજનનો કુલ ખર્ચ કરોડમાં આવતો. આજે ૨૦૦૯માં ઉમેદવારો જ કરોડપતિ થઈ ગયા છે. સો કરોડ ઉપરાંતની સંપત્તિ ધરાવતા ડઝનબંધ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
ડી – ડીબેટ-ચર્ચા
ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરી શકેલો સંજય દત્ત જે રીતે ભાષણો આપવામાં વટાણા વેરે છે તે જોતાં એવું લાગે છે કે તેને અમરસિંહ કરતાં વધુ સારા સ્ક્રિપ્ટ રાઈટરની જરૂર છે.
ઈ – ઈનફ ઈઝ ઈનફ
વડાપ્રધાનપદે આવવા ઉત્સુક અડવાણીના આક્ષેપોનો જવાબ વાળીને થાકી ગયેલા વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ કહે છે 'બસ હવે બહુ થયું'. ઈનફ ઈઝ ઈનફ.
એફ – ફ્રન્ટસ્ (નાના-મોટા રાજકીય પક્ષોનાં સંગઠન)
કૉંગ્રેસ અને ભાજપ વિરુદ્ધ ત્રીજા મોરચાની રચના થયા પછી લાલુ-મુલાયમ-પાસવાનનો ચોથો મોરચો રચાયો. આ પછી એવું લાગે છે કે જાણે મોરચા – ફ્રન્ટ બનાવવાની ફેશન થઈ પડી છે.
જી – ગુડિયા
નરેન્દ્ર મોદી એક દિવસ સવાસો વર્ષ જૂના પક્ષ કૉંગ્રેસને 'બુઢિયા' કહે તો બીજે દિવસે બેબી પ્રિયંકાની સલાહ માનીને 'ગુડિયા' કહે છે. આવી ઉપમાઓ લાંબી ટકતી નથી તે હકીકત છે. તેનાં બાળમરણ નિશ્ચિત હોય છે.
એચ – હેન્ડલૂમ
ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત નેતાઓ સામાન્ય પણે ખાદી પહેરે છે પણ કાળઝાળ ગરમીએ તેમને હેન્ડલૂમ તરફ વાળ્યા છે. સોનિયા-પ્રિયંકા અને વરુણ ગાંધી તેનું ઉદાહરણ છે.
આઈ – આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ
ક્રિકેટની રમત ભારતમાં લોકપ્રિય છે એ ખરું પણ તેની લોકપ્રિયતા ચૂંટણી કરતાં પણ વધુ હોઈ શકે ખરી ? બેશક નહીં. એટલે તો આઈપીએલ-સેકન્ડ સિઝનનું આયોજન દૂર દેશ દક્ષિણ આફ્રિકામાં ખસેડાયું.
જે – જય હો
'સ્લમડોગ કરોડપતિ' ફિલ્મના આ ગીતે સંગીતકાર એ.આર.રહેમાન અને ગીતકાર ગુલઝારને ઓસ્કર ઍવોર્ડ અપાવ્યો. કૉંગ્રેસે કરોડ રૂપિયા ખર્ચીને આ ગીતના હક્કો ચૂંટણી પ્રચાર પૂરતા મેળવ્યા છે. એ આશાએ કે ગીત તેમને દિલ્હીની ગાદી અપાવશે.
કે – કંદહાર કાંડ
બાબરી મસ્જિદ જેવો જ આ ચર્ચાસ્પદ ચૂંટણી મુદ્દો છે. બન્ને ભાજપને નડી રહ્યા છે. ફરક એટલો જ કે બાબરી મસ્જિદ વિધ્વંસ વખતે ભાજપ સત્તાથી દૂર હતું અને કદંહાર કાંડ વખતે પક્ષ સત્તામાં હતો.
એલ – લેફ્ટ (ડાબેરીઓ-પક્ષો અને રાજકારણીઓ)
ડાબેરીઓનું મન કૉંગ્રેસ પણ કળી શકતી નથી. ૧૯૯૬માં સત્તાનું ભાણું તેમણે દૂર ઠેલ્યું હતું. એ પછી તેમનું મન-વિચાર બદલાયા. ૨૦૦૪માં કેન્દ્ર સરકારના ટેકેદાર બનેલા ડાબેરીઓ હવે પાંચ વર્ષ પછી ૨૦૦૯માં સરકારના ભાગીદાર બનવા પણ તૈયાર છે. અરે, પ્રકાશ કરાત તો વડાપ્રધાન પદ માટે પણ તૈયાર થઈ ગયા છે ને કંઈ !
એમ – મિસ્ટેક (ભૂલ)
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુદ્ધદેવે ભટ્ટાચાર્યજીએ કબૂલ કર્યું કે નંદીગ્રામમાં જે કાંઈ થયું એ તેમની ભૂલ હતી. તેમને એ બાબતનો પસ્તાવો પણ છે. તેમને પસ્તાવો થાય એવું બીજું નામ છે મમતા બેનરજી.
એન – નેવર (કદી નહીં)
પ્રિયંકા ગાંધી ભલે 'ના' 'ના' કહે, પણ કૉંગ્રેસનો કાર્યકર તો એમ જ માને છે કે તેઓ વેહેલા-મોડાં રાજકારણમાં આવશે જ. જો એ સક્રિય રાજકારણમાં આવવાની ના પાડતા હોય તો પછી તે શું કરવા માગે છે તે પણ એક પ્રશ્ન છે.
ઓ – અધર (અન્ય)
પાર્લામેન્ટની પહેલાં પ્રિઝન (જેલ)માં પહોંચેલા 'ગાંધી' અટકધારીનું નામ છે વરુણ ગાંધી. અહીં બે 'ગાંધી'ના ભેદ જુઓ. રાહુલ મતદારોને ભડકામણા ભાષણોથી દૂર રહેવાનું કહે છે તો વરુણ મતદારો સાથે એ ભાષામાં જ વાત કરે છે.
પી – પ્રાઈઝ (કિંમતો – મોંઘવારીના સંદર્ભમાં)
અનાજ અને શાકભાજીના વધતા ભાવો આમ આદમીની રોજિંદી ચિંતા છે પરંતું સરકારના પેટનું પાણીએ હાલતું નથી. યાદ રહે, ડુંગળી-બટાકાના વધેલા ભાવોએ ભૂતકાળમાં સરકારો બરખાસ્ત કરાવી છે. નેતાઓને સત્તાના સિંહાસનનો ત્યાગ કરાવ્યો છે.
ક્યુ – ક્વીટ ઇન્ડિયા (ભારત છોડો)
સ્વતંત્રતાની લડત સામે બ્રિટિશરો માટે વપરાતો આ નારો આઝાદી પછી કેટલાકે 'એનઆરઆઈ' સ્ટેટસ્ મેળવવાના સંદર્ભમાં વાપર્યો. ૨૦૦૮માં સરકારના ટેકેદાર એવા ડાબેરીઓએ 'ન્યુક્લિયર ડીલ'ને જાકારો આપવા માટે પણ આ જ શબ્દપ્રયોગ કર્યો.
આર – રિસેશન (મંદી)
ચારેકોર છવાયેલી મંદીએ આમ આદમીને પરેશાન કરી મૂક્યો છે. નોકરીઓ ચાલી ગઈ તો કમાણી પણ ઓછી થઈ છે. હા, આપણા રાજકારણીઓને કોઈ રીતે મંદી સ્પર્શી નથી.
એસ – શૂઝ (જૂતાં)
જ્યોર્જ બુશને પડેલા જૂતાં પછી તેનું અનુસંધાન ભારતમાં નીકળ્યું છે. ચિદમ્બરમને પડેલું જૂતું જગદીશ ટાઈટલર અને સજ્જન કુમારની ટિકિટ કાપવામાં નિમિત્ત બન્યું તે રાજકારણ-બે હજાર નવની નવાઈ ગણાવવી જોઈએ.
ટી – ટીમ
બે મુખ્ય પ્રતિસ્પર્ધીઓ વચ્ચેની આ લોકસભા ચૂંટણીમાં ટીમ સ્પિરિટનો અભાવ છે. મનમોહન સિંહ, રાહુલ, સોનિયા, પ્રિયંકા ગાંધીની ટીમ છે પણ રમતના મેદાનમાં તેઓ સ્વતંત્રપણે રમ્યા કરે છે. IPLની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ અને મલ્ટીપલ કેપ્ટન્સી એવું કંઈક યાદ આવે છે.
યુ – અન એટેચ્ડ (અપક્ષ ઉમેદવારો)
ચૂંટણીમાં ઉમેદવારી કરતા અપક્ષ ઉમેદવારો માટે તેઓ 'બિનજરૂરી-વણજોઈતા' છે તેવી ટિપ્પણી વડાપ્રધાન કક્ષાએથી થઈ. સામે હકીકત એ છે કે આ ચૂંટણીમાં મલ્લિકા સારાભાઈ, કેપ્ટન ગોપીનાથ કે મીરાં સન્યાલ જેવા ઉમેદવારો છે જેઓ અપક્ષ છે.
વી – વોટર્સ આઈડેન્ટિટી કાર્ડ
ફોટા સાથેનું મતદાર ઓળખપત્ર હોય અને એવી જ યાદી બૂથના રીટર્નીંગ ઓફિસર પાસે હોય તેવી વ્યવસ્થા સાથે પ્રથમવાર દેશમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે. હા આસામ, નાગાલેન્ડ અને જમ્મુ-કાશ્મીરમાં આ વ્યવસ્થાનો અમલ આવતી ચૂંટણીથી થશે.
ડબલ્યુ – વીકેસ્ટ (અત્યંત નબળું)
દેશના વડાપ્રધાન 'નબળા' છે એવી અડવાણીની ટિપ્પણી અને 'લોહપુરુષ' તરીકે ઓળખાવા માંગતા વડાપ્રધાન પદના ભાજપ ઉમેદવાર કેટલા ઢીલા-પોચા છે તેવા ડૉ. મનમોહન સિંહના પ્રમાણપત્ર પછી આ ચર્ચા અચાનક બંધ થઈ ગઈ છે.
એક્સ – એક્સ ફેક્ટર
જેના વિશે કોઈ કશું જાણતું નથી તેવું ફેક્ટર. મતદારરૂપી લોકોની નાડ પારખવી અઘરી છે. જાતિ-જ્ઞાતિના સમીકરણો માંડીને કરેલી ગમે તેવી ગણતરીઓ પણ ખોટી પડે. ગણતરીના કૉમ્પ્યૂટરમાં નહીં કેલક્યુલેટરમાં પણ વાઈરસ ઘૂસી જાય એવું બને.
વાય – યુ (મતદારના સંદર્ભમાં)
લોકશાહીના મહાપર્વ જેવી ચૂંટણીની ગમે તે સંદર્ભમાં ચર્ચા કરો, છેવટે તો એ ચર્ચા મતદારની આસપાસ જ આવીને અટકે છે, બલકે ત્યાં જ પૂરી થાય છે. એ મતદારને ફરી પાંચ વર્ષે યાદ કરવામાં આવે છે.
ઝેડ – ઝૂમ
ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ. મતગણતરી પણ થઈ ગઈ. હાર-જીતના ગણિતો પછી સત્તાનાં સમીકરણો ગોઠવાઈ ગયા હોય તો આગળ શું કરવાનું છે? નસકોરાં બોલાવતાં ઊંઘી જવાનું. આપણા નેતાઓ એ જ કરવાના છે. હા, ૧૬મી મે સુધી તેમની ઊંઘ હરામ છે એ નક્કી.