કૉંગ્રેસના વડપણ હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારને ચૂંટણી વખતે ગોધરા રમખાણોનો મુદ્દો ઉછાળવાની આદત છેઃ ભાજપ પ્રવક્તાની આ ટિપ્પણી વિશે શું કહેવું. સર્વોચ્ચ અદાલતે એસઆઈટી કહેતાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને બીજી ૬૨ વ્યક્તિઓની-જેમાં સાત કેબિનેટ પ્રધાનો અને સંખ્યાબંધ પોલીસ અફસરો તેમજ સરકારી બાબુઓનો સમાવેશ થાય છે, એમની-તે દિવસોની ભૂમિકા તપાસી ત્રણ મહિનામાં એ અંગેનો હેવાલ રજૂ કરવા કહ્યું છે, એમાં કૉંગ્રેસ સરકાર ક્યાં આવી વારું? બલકે, કૉંગ્રેસ ગોધરા-અનુગોધરા મામલે ઘણુંખરું દ્વિધાવિભક્ત જ પેશ આવતી રહે છે. એને પોતાના હિંદુ ટેકા વિશે કંઈક ફાળ ને ફિકર રહેતી હોય તેમ તે બોલે છે અને નથી બોલતી. સર્વૉચ્ચ અદાલતના તાજા નિર્દેશની જ વાત કરીએ તો કૉંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ તત્કાળ પ્રતિભાવ આપતાં આ નિર્દેશને મોદી ભાજપ જોગ ‘બંધારણીય તમાચા’ તરીકે બિરદાવ્યો હતો. સિંઘવીની પ્રતિક્રિયાનું પ્રસારણ થયું ન થયું અને તરત જ અન્ય એક કૉંગ્રેસ મંત્રીએ એના પર ટાઢું પાણી રેડ્યું કે ભાઈ આ તો તપાસની વાત છે. કોઈ ચુકાદો નથી. નહીં કે એમનું આમ કહેવું ખોટું હતું; પણ રાજ્યના મુખ્યમંત્રી આમ વિધિવત્ પહેલી જ વાર તપાસલાયક લેખાય એ બીના સામાન્ય નથી જ નથી.
સર્વૉચ્ચ અદાલતે આ તપાસહુકમ પૂર્વસાંસદ અહેસાન જાફરીનાં પત્ની ઝકિયા જાફરીની અરજીને પગલે કર્યો છે. બનાવનાં સાત વરસ પછી આ હુકમ થઈ શક્યો છે એનો અર્થ એ થયો કે વચલાં વરસોમાં-સર્વોચ્ચ અદાલતની દેવડીએ ધા નાખવાનું થયું તે પૂર્વે -આ સન્નારી એમના પતિ અને બીજા અનેક નિર્દોષોની હત્યા સબબ ન્યાય માટે રાનરાન ન જાણે કેટલું ભટક્યાં હશે. પાદરી સ્ટેઇન્સને ભૂંજી નાખનારાઓ પરત્વે ક્ષમાભાવ દાખવતાં શ્રીમતી સ્ટેઇન્સ કે પોતે અને પોતાના પતિ, બાકી સહુ આશ્રય લેનારાઓને ‘રામભરોસે’ રેઢા મેલીને બચી શક્યાં હોત એને બદલે જટાયુ વૃત્તિથી સૌ રક્ષિતોની સાથે રહી વૈધવ્ય વહોરનાર ઝકિયાએ ન્યાય માટે સાહેલો ઝંડો, એમને એમની આગઆગવી રીતે ધરતીનાં લૂણ લેખે સ્થાપી આવે છે અને એમના સમકાલીન હોવાને નાતે આપણે સૌ એમના ઉજાસમાં પ્રકાશી પણ શકીએ.
ક્ષમા વ્યક્તિગત ગુણ તરીકે નિઃશંક એક ઉમદા વાત છે. પ્રજાકીય સ્તરે પણ વર્ણ, વર્ગ, કોમ એકે ધોરણે સતત વેરઝેર જરૂર ન ઉછેરીએ. ન જ ઉછેરીએ. પણ જે શાસનપ્રથા ઇન્સાફની ખોળાધરી ન આપી શકે અને જે નાગરિક સમાજ એ બાબતે શાસનની નિઃશાસનતા કે દુઃશાસનતા નભાવી લે તે બેઉ અસંદિગ્ધપણે ટીકાને પાત્ર છે. ગુજરાતના ૨૦૦૨ના ઘટનાક્રમમાં કાયદાના શાસનને મુદ્દે શાસકોએ, શાસનતંત્રે અને સત્તાપક્ષે જવાબ આપવો રહે છે.
આ રીતે જોઈએ તો એપ્રિલ ૨૦૦૯ ઊતરતે સર્વોચ્ચ અદાલતે આપેલ તપાસહુકમ ૧ મે ૨૦૦૯થી આરંભાતા સુવર્ણ જયંતી વર્ષે કાયદાના શાસનની દૃષ્ટિએ આશાભર્યાં વધામણાં લઈને આવે છે.
કહે છે કે ઈશ્વરની ઘંટી ધીમું દળે છે. પણ દળે છે જરૂર.