Opinion Magazine
Number of visits: 9448936
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મેરે સપનોં કો જાનને કા હક રે …

આશા બૂચ|Opinion - Opinion|17 February 2015

ચારુલ ભરવાડા અને વિનય મહાજનનાં કાર્યથી “ઓપિનિયન”નાં વાચકો પરિચિત છે. તેમનાં રચેલાં અને ગાયેલાં ગીતોમાં સ્વાનુભવથી નીપજેલી નિસ્બત અને હકીકતોથી રસાયેલ દર્દઅનુભાય. આ ફકરા જ હેઠળ આ ગીતની કડી આપી છે. તે કડી પર ‘ક્લિક’ કરી, જોવાસાંભળવા અનુરોધ. ગીત ખૂબ હૃદયસ્પર્શી લાગ્યું અને દરેક પ્રશ્ન જાણે કે ‘શા માટે, શા માટે’ એમ પૂછાયા જ કરે છે, અને તેનો જવાબ જડતો નથી.

https://www.youtube.com/watch?v=iZ1yvrMDUMU

પણ હવે હાંસિયામાં ધકેલાયેલા અને છેવાડાના લોકોને વાચા આવી છે, એમને ઉત્તર જોઈશે, અને આપીશું પણ ખરા. વારુ, મારી સમજ પ્રમાણે ગીતમાંના હર સવાલનો જવાબ કંઈક આવો હોઈ શકે છે :

જેમનાં સ્વપ્નો ફળ્યાં છે તેવા સમાજના સમૃદ્ધ અને અગ્રણી લોકો કહી શકે કે સપનાં જોવાની સહુને છૂટ છે. મફત પણ છે. જો કોઈ પોતાની પહોંચ બહારનાં સપનાં જુએ અને પછી કહે કે કેમ પૂરાં નથી થતાં તો એમાં દોષ તેમણે પોતાની મર્યાદા પહેલેથી સ્વકારીને એના માપે સપનાં જોવાની અણઆવડતનો જ છે. આ ગીત મૂળે તો વંચિત અને છેવાડાના લોકોએ પૂછેલા સવાલો પર રચાયેલું છે. કેટલાક વળી કહેશે, ભારતમાં હવે એવા લોકો ન હોય, મારા ભાઈ. આપણી, એટલે કે ભારતની જનતાની, જી.ડી.પી. (જેનો અર્થ મોટા ભાગના લોકોને ખબર નહીં હોય) લગભગ 1.8 ટ્રીલિયન ડોલર જેટલી છે અને દેશનો વિકાસ દર 10% હતો તેનાથી ઉતરીને 5.4% થયો છે અને તેથી જ તો અમેરિકા તથા બ્રિટન જેવા દેશના નેતાઓ વારંવાર આપણા દેશની મુલાકાત લઈને અનેક વેપાર-ઉદ્યોગના મોટા મસ ‘deal’ (કે દિલ?) પર સહી સિક્કા કરે છે એટલે આપણને સવાલ થાય કે હવે ભારતનો કોઈ બચ્ચો પૈસે ટકે વંચિત હોતો હશે ? વળી ‘છેવાડેના માણસો’ એ તો પેલા નવરા બેઠેલા કર્મશીલ લોકોએ ખોળી કાઢેલા બનાવટી શબ્દ છે જે થોડાઘણા આળસુ લોકો માટે દયા ઉપજે એટલે વાપરવામાં આવે છે.

હા, તો એવા લોકોનાં સપનાં હતાં કે આઝાદી પછી પોતાના લોકોનું રાજ્ય હશે એટલે તેમને પણ રોજગારી મળશે, ગામમાં પાકી સડકો થશે, બસ અને ટ્રૈનથી પોતાનું ગામડું બીજા ગામ-શહેરો સાથે જોડાશે. એટલું જ નહીં, આ એક પછી એક આવતી પંચ વર્ષીય યોજનાઓને પગલે પગલે નદીઓનાં પાણી અને વિચારપૂર્વકની સિંચાઈ યોજનાઓને કારણે તેમના ખેતરો સુધી જીવન-જળ સમાં નદીનાં પાણી નહેરો વાટે પહોંચશે, જંગલોની જાળવણી થશે અને તેની ઉપજથી ગુજારો થતો રહેશે, જેથી પોતાની જીવન પદ્ધતિ પણ સચવાઈ રહેશે એવી આશા બંધાયેલી. દર પાંચ વર્ષે મત માગવા આવનાર ઉમેદવારોનાં ધાડાં ઊતરી આવે અને વચનો આપે કે તેમના રાજમાં ગામે ગામ નિશાળોમાં પૂરેપૂરી તાલીમી લાયકાત ધરાવતા દ્રષ્ટીવાળા શિક્ષકો હશે અને આરોગ્ય તથા સ્વાસ્થ્ય જાળવવા ચોરે ને ચૌટે મંદિરોની માફક દવાખાનાં પણ હશે, એટલે એનાં સ્વપ્ન લોકો જોતાં થાય, તેમાં શી નવાઈ?

જેમ મા બાળકને રાત્રે વાર્તા કહીને સુવડાવે તેવાં સપનાં તેને આવે તેમ ભારતના બંધારણમાં નાગરિકોના મૂળભૂત અધિકારોની ઘોષણા થઈ અને દર પાંચ વર્ષે મતની ઉઘરાણી કરવા આવનાર ઉમેદવારો વચનોનો કોથળો ખાલી કરતા રહ્યા. તેથી પ્રજાના તમામ વર્ગને સ્વપ્ન આવે તે સહજ છે. તેમાં પ્રજાનો કશો દોષ નથી. માત્ર રાજકારણીઓએ પ્રામાણિકપણે પ્રજાને એમ સમજાવવાની જરૂર હતી કે જુઓ, માત્ર રાજ્ય કરનારની ચામડીનો રંગ અને તેમની રાષ્ટ્રીયતા બદલી છે, બાકી અમે તમને બધા અધિકારો અને સવલતો પૂરી પાડીએ તો અમારા તાબામાં રહીને મજદૂરી કોણ કરશે? તમે અંદરો અંદર ઝઘડ્યા નહીં કરો તો અમે સત્તા કોના પર જમાવીશું ? જો આમ થયું હોત તો કોઈનાં ય સપનાં તૂટ્યાં ન હોત.

ખરું કહીએ તો એ લાખો ગરીબનાં સ્વપ્નો તૂટવાનું કારણ ચપટીભર લોકોના હિતને પોષતું વિકાસનું આયોજન અને બાકીના 70% લોકોની જરૂરિયાતની થયેલી અવગણના છે. બેકારી માટે બેહિસાબ વધતી વસતી, મશીનોનો અવિચારી ઉપયોગ, ખેતી અને ઉદ્યોગોનું કેન્દ્રીકારણ અને જીવનની જરૂરિયાતોથી વેગળી એવી શિક્ષણ અને અર્થ વ્યવસ્થા જવાબદાર ગણાવી શકાય. જો માત્ર મોટાં મશીનોને ચાલુ રાખવાના પ્રયોજનથી નહીં પણ મજૂર-કારીગરોની મહેનત હળવી કરવાના હેતુસર નાનાં મશીનો તેમના હાથમાં મુક્યાં હોત તો ઉત્પાદનનું પ્રમાણ અને ગુણવત્તા સુધર્યાં હોત અને છતાં એ મજૂરો-કારીગરોની આજીવિકા પણ અખંડ રહી હોત. જો ગૃહોદ્યોગને જાળવીને વિકેન્દ્રિત અર્થ વ્યવસ્થા ઊભી કરી હોત તો નાના પાયા પરના ઉત્પાદનના સંકુલો પાકો માલ પેદા કર્યા બાદ ઉપજતા કચરાનો સલામતીથી નિકાલ કરી શક્યા હોત અને આ મોટાં મોટાં કારખાનાંઓને પોતાનો કચરો નદી-નાળાંમાં ઠલવીને ઝેર ફેલાવવાની ઘડી ન આવી હોત. એક તો ભારતમાં કોઈ પણ સાહસ કરવામાં આવે, કોઈ ફેક્ટરી-કારખાનું ઊભું કરવામાં આવે તો તેની સાથે જ તે માટેની પાણી પૂરવઠા અને ગંદા પાણી તથા અન્ય કચરાનો સલામત નિકાલ કરવાની કે તે માટેના કાચા માલની હેરાફેરી કરવા રસ્તાઓ અને પાકા માલનો સંગ્રહ કરવાની યોજના થયાનું ભૂતકાળમાં ક્યારે ય જોયું નથી. કદાચ એ પ્રકારના સંયોજિત આયોજન કરવાની દ્રષ્ટી ભરતીયોના શરીર કે મનના બંધારણમાં જ નથી. અને જ્યાં પ્રદૂષણને અટકાવવા અમુક નિયમો ઘડવામાં આવ્યા છે ત્યાં એનો છડે ચોક ભંગ પણ થાય છે અને એટલે જ તો બધી નદીઓને જીવનદાયિનીને બદલે જીવન હારિણી બનાવી દેવામાં આવી છે. એ માટે કારખાનાના માલિકો ઝેર ઓકવા માટે, સરકારી કર્મચારીઓ તે તરફ આંખ આડા કાન કરવા માટે અને પ્રજા નદીઓનો વિનાશ થતો મૂંગે મોઢે જોઈ રહેવા માટે સરખા જ જવાબદાર છે.

ઔદ્યોગિક વિકાસને પગલે પગલે વાહન વ્યવહારની સુવિધાઓ પણ વધતી જાય છે એ નિ:શંક છે અને તેમાં ગુજરાત જેવાં રાજ્યો વધુ પ્રગતિ કરી શક્યા છે. પરંતુ છતાં આજે એકવીસમી સદીમાં પણ કેટલા ય ગ્રામ્ય વિસ્તારો બસ કે ટ્રૈનથી બહારની દુનિયા સાથે જોડાયા નથી, વીજળીની રોશની તેમના ઘરને અજવાળતી નથી, પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા થઈ નથી કે અનાજ વિતરણ કરતી દુકાનો ખૂલી નથી તેનું કારણ સમગ્ર દેશની વિકાસ યોજનાઓ શહેરો અને મોટાં મોટાં વેપારી તથા ઔદ્યોગિક કેન્દ્રોના વિકાસને ધ્યાનમાં રાખીને જ ઘડાઈ છે તે છે. આ જ નિયમ શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓને લાગુ પડેલ જોવા મળે છે. જે ગામડાના રહેવાસીઓ ખેતી અને નાના ઉદ્યોગો દ્વારા થતી પોતાની રોજગારીની તકો અને તેને સંલગ્ન ઉત્પાદન ક્ષમતા ગુમાવી બેઠાં તેમને તો શિક્ષણ મેળવવું હોય, દવા કે સારવાર મેળવવી હોય તો નજીકના શહેર ભણી જ નજર માંડવી પડે. જયારે ભૂખમરાથી બચવા ન છૂટકે તેઓ રોટલો રળવા શહેર ભણી દોટ મૂકે છે ત્યારે ઓટલો ગુમાવે છે અને અન્ય સુવિધાઓ મેળવવા પણ અન્ય સમદુખિયાની લાંબી કતારમાં છેલ્લે જ ઊભા રહેવા પામે છે. એટલે એમને તો ઊલમાંથી ચૂલમાં પાડવા જેવું થાય.

ભારતમાં ઇ.સ.1960ના દાયકામાં, હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ. વિનોબાજીના ભૂદાન યજ્ઞને પરિણામે લાખો એકર જમીન ભૂમિ વિહોણા મજદૂરોને મળી. ભારત હવે અનાજ ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી જાહેર થયું છે. પણ એનો મતલબ એ નથી કે એ અનાજ વિતરણની બાબતમાં પણ સ્વાવલંબી છે. અહીં સરકારની કૃષિ વિષયક નીતિ અને વેપારીઓના ભાવ આંકવાના અબાધિત અધિકારો પરત્વે સરકારની નિષ્ક્રિયતા મહદ્દ અંશે જવાબદાર ગણાવી શકાય. નાણાંની માફક દાણાંની પણ સમાન વહેંચણી થતી ન હોવાને કારણે કરોડાધિપતિઓની છાયામાં ઝૂંપડપટ્ટી નિવાસીઓ રહે છે તેમ જ રોજના હજારો રૂપિયાના હિસાબે અનાજ વપરાય પણ છે અને વપરાયા વિનાનો વ્યય થવા પણ પામે છે. દેશના ગરીબીની રેખાથી નીચે જીવનારા લોકોની અનાજ ખરીદવાની શક્તિ નથી અને જેમની ખરીદ શક્તિ મહા મુશ્કેલીથી વધી રહી છે તેમને ઉત્પાદન અને જરૂરિયાતને લક્ષમાં લઈને ગોઠવેલી ન્યાયી વિતરણ તથા ભાવ પરના અંકુશની વ્યવસ્થાના અભાવના ભોગ બનવું પડે છે જે આજના યુગની સહુથી મોટી કરુણતા છે. જે લોકો ખાવા માટે જીવે છે તેમની લોભ વૃત્તિને કારણે કરોડો લોકોને જીવવા માટે ખાવા ધાન નથી મળતું. આથી જ તો બ્રિટન જેવા સમૃદ્ધ દેશની સરકાર જ્યારે ભારતના અન્નથી ટળવળતા લોકોને સહાય કરે છે ત્યારે એ દેશની પ્રજા પૂછે છે કે જ્યાં આટલી મોટી સંખ્યામાં કરોડાધિપતિઓ છે, જ્યાં શહેરોની જાહોજલાલી ન્યુયોર્ક અને ટોકિયોને ઝાંખી પાડી દે તેવી છે અને જ્યાં સીલિકોન વેલીને શરમાવે તેવી ટેકનોલોજી કૂદકે અને ભૂસકે આગળ વધવા લાગી છે તેવા ભારત દેશમાં આવડી મોટી જનસંખ્યામાં લોકો ભૂખમરો વેઠે તેની જવાબદારી એ દેશની રાજ્ય અને કેન્દ્ર સરકારની હોવી ઘટે કે અન્ય દેશની સરકારની ? આ મુદ્દો તદ્દન વ્યાજબી છે. ગોદામોમાં સડતાં અનાજ અને મુઠ્ઠીભર ધાન માટે ઝોળી ફેલાવનાર વચ્ચે લોભી વેપારીઓ, બેઈમાન વિતરણ કરનારાઓ, ખાઉધરા શાહુકારો, બેદરકાર સરકારી તુમારશાહી તંત્રના વહીવટદારો વગેરેનું મોટું લશ્કર ઊભું છે.

આજે આસપાસ નજર કરતાં જણાશે કે દુનિયા મુખ્યત્વે બે ખંડમાં વહેંચાઇ ગઈ છે. એક ખંડમાં સરમુખત્યારોનું રાજ્ય છે જેમની ચોટલી આતંકવાદીઓના હાથમાં છે તો બીજા ખંડમાં કહેવાતી લોકશાહી શાસન પદ્ધતિથી રાજ્ય ચાલે છે જ્યાં મોટા મોટા મૂડીવાદી ઉદ્યોગપતિઓ અને વેપારીઓના દોરી સંચારથી કઠપૂતળાની જેમ પોતાના સ્વાર્થની પૂર્તિ માટે નચાવાઈ રહેલા દેશના નેતાઓ રાજનીતિઓ ઘડે છે. સરવાળે બંને ખંડમાંની સામાન્ય પ્રજા તો ક્યારે પોતાને અપાયેલ વાયદાઓ પૂરા થશે અને ક્યારે લક્ષ્મી દેવીના હાથમાંના અમૃત કુંભમાંથી ઝમતું ઝમતું અમૃત તેઓના મુખમાં પડશે તેની રાહ જુએ છે. એમ કરતાં કરતાં પાંચ વર્ષ વીતી જાય, બીજી ચૂંટણી આવે, નેતા બદલે પણ પરિસ્થતિમાં કશો ય ફેર ન પડે એવી હાલત છે. આમ વારંવાર વચનભંગનો ભોગ બનેલ લોક છેવટે વિરોધ, તોડ-ફોડ, કોમી રમખાણો અને હિંસા તરફ પ્રયાણ આદરે તેમાં નવાઈ નથી. ગલીઓમાં ખૂન વહેવડાવનાર લોકો આખર ઇન્સાન છે, માત્ર એ બધા રામ અને રહેમાનના લશ્કરના વડાઓ દ્વારા અવગણિત થયેલા અસંતુષ્ટ આત્માઓ છે જેમનો સ્થાપિત હિત ધરાવતા ફિરકાઓ દુરુપયોગ કરીને સુંદર હરિયાળી ધરતીને લાલ રંગથી રંગી દે છે.

આપણે સહુ જાણીએ છીએ કે કોઈ પણ સમાજને સુદ્રઢ કરવા, વિકસાવવા અને વિકાસને ટકાઉ બનાવવા માટે રાજકારણીઓ પાસે પ્રજા કેન્દ્રિત વિકાસ યોજના હોવી જેટલી અનિવાર્ય છે તેટલી જ આવશ્યકતા વૈજ્ઞાનિકો પાસે અધ્યાત્મ સિંચિત પ્રજા કલ્યાણને ધ્યાનમાં રાખીને સંશોધન નીતિ હોવાની છે. શિક્ષકોએ સબળા ઈમાનદાર નાગરિકો પેદા કરવાની આવડત કેળવવાની જરૂર છે, તો ખેડૂતોની રોકડિયા પાકથી રાતોરાત માલેતુજાર બનવાની લાલચ રોકીને માનવ શરીરને પોષક-સંવર્ધક પાક પૂરો પાડવાની ફરજ છે. સાહિત્યકારો અને કલાકારોએ પોતાની કલાકૃતિઓ દ્વારા નીતિમય સમાજ ઘડતરમાં ફાળો આપવાનો રહેશે. કારીગરો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પાસેથી વ્યક્તિગત સ્વાર્થ પોષક ઉત્પાદન અને વેચાણની નીતિને સ્થાને જરૂરિયાત અને માંગને ધ્યાનમાં લઈને પ્રામાણિક ધંધાકીય કુશળતાની અપેક્ષા રહે છે.

ગરીબ અને તવંગર લોકનો ભૂતકાળ ભલે એકબીજાથી તદ્દન ભિન્ન હોય પણ તેમનું ભવિષ્ય એક જ છે – પર્યાવરણની રક્ષા અને પરસ્પરના હિતોની જાળવણી. એકના અધિકારના ભક્ષણથી બીજાની સલામતી જોખમાશે એ હવે સર્વ સ્વીકાર્ય બાબત છે. માટે આપણા પૂર્વજોની માફક પ્રકૃતિ સાથે સંવાદ રચીને જીવવાનો સમય પાકી ગયો છે. પ્રકૃતિ સાથે વાદ, પ્રતિવાદ અને પ્રતિસ્પર્ધાથી ઉપજતી સ્થિતિનાં માઠાં ફળ ભોગવીએ છીએ જેના પ્રત્યે પ્રસ્તુત ગીત ધ્યાન દોરે છે. Indiaના આંગળીને વેઢે ગણાય તેટલાં શહેરોના વિકાસને પોષવા ભારત વર્ષના છ લાખ ગામડાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમે એ તે આપણી પ્રગતિનો કેવો રકાસ ?

ગાંધીજીએ કહેલું : Live Simply 

                     That others may

                     Simply Live

આ સંદેશો વિશ્વના તમામ લોકો માટે છે.

ચારુ-વિનય અને તેમનાં જેવાં અન્ય કર્મશીલ વ્યક્તિઓ જેમને જન્મસિદ્ધ અધિકારોથી વંચિત રાખવામાં આવ્યાં છે તેમને જાગૃત કરશે અને જેઓ એ પરિસ્થિતિ માટે જવાબદાર છે તેવા લોકને પોતાની ફરજ બજાવવા પ્રવૃત્ત કરશે તેવી શ્રદ્ધા છે.

e.mail : 71abuch@gmail.com

Loading

17 February 2015 admin
← ચેત મછંદર, પાંચ સાલ કેજરીવાલ!
મંગલ દિન આજ →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved