રાષ્ટ્રવ્યાપી અર્થઘટન : રોજી માટે મહાનગરોમાં આવતાં, દયનીય સ્થિતિ ભોગવતાં ભારતીય વંચિતોની છેલ્લી ચેતવણી સમી ચૂંટણી !
દિલ્હીની ઐતિહાસિક ચૂંટણીના પરિણામ આવી ગયા છે. કુલ 70 બેઠકોમાંથી દેશ પર એકચક્રી રાજ કરવાનો મનસૂબો લઈને નીકળેલા ભા.જ.પ.ને માંડ 3 અને કેજરીવાલની ‘આપ પાર્ટી’ને 67 બેઠકો મળી છે. દેશના બધા એકઝીટ પોલે, કેજરીવાલને બહુમતી આપવાની આગાહી કરેલી, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકઝીટ પોલને બજારૂ ગણાવી દિલ્હીમાં ભા.જ.પ. સરકાર બનાવશે એવી આગાહી કરી હતી.
ચૂંટણી લડી રહેલા બે રાજકીય પક્ષો, વિજયી ભા.જ.પ. અને સતત પરાજયને વરેલી કોંગ્રેસની તુલનામાં ‘આપ’ નવો અને નાનો પક્ષ છે. એક અર્થમાં અસમાન મુકાબલો હતો. બીજી તરફ વિજેતા વડાપ્રધાન અને બધી કરામતોના ખેલાડી અમિત શાહની જોડીએ દિલ્હીની ચૂંટણીને પ્રતિષ્ઠાનો સવાલ બનાવી ભા.જ.પ.ના 50 હજાર કાર્યકરોને ચોક્કસ બૂથોની જવાબદારી સોંપી હતી. કેન્દ્રના 100થી વધુ મંત્રીઓ અને સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા. રાષ્ટૃીય સ્વયંસેવક સંઘના હજારો કાર્યકરો પણ જોડાયા હતા. ખુદ વડાપ્રધાને મોટી ચાર રેલી સંબોધી હતી. ચૂંટણીની સંધ્યાએ કેટલી ય ગેરકાયદે વસાહતને નિયમિત કરવાની જાહેરાત કરી હતી. ચૂંટણી પ્રચારમાં અમેરિકાના પ્રમુખ બરાકની મુલાકાતનો પણ ઉપયોગ કરાયો હતો.
તો ય આવું કંગાળ પરિણામ અનેક અર્થમાં અનન્ય સાબિત થવાનું છે. ‘આપ’ને 54 ટકા મત મળ્યા છે. 15 વર્ષ દિલ્હી પર રાજ કરનાર કોંગ્રેસની સ્લેટ સાવ કોરી થઈ ગઈ છે. ચૂંટણીના મતદાનનું પૃથ્થકરણ કરનાર નિષ્ણાતોએ વેપારી, સુખી મધ્યમ વર્ગ, ગરીબ મધ્યમ વર્ગ અને ગરીબ એવા વિભાગો કે બ્રાહ્મણ, વૈશ્ય, લઘુમતી, ખ્રિસ્તી, પછાત વર્ગ એવા વિભાગો કે પછી બિહારી, ઉત્તરાંચલ જેવા વિભાગો પાડી પૃથ્થકરણ કરી જોયું હતું. પણ પરિણામ બતાવે છે કે, આ વખતના ‘આપ’ની તરફેણમાં થયેલું મતદાન મોજા જેવું કદાચ ‘આપ’ની ધારણા બહારનું સાબિત થયું છે. ભા.જ.પ.ના આગેવાનો અને કાર્યકરો મિથ્યાભિમાનમાં ગળાડૂબ હતા કે આખી ઝૂંબેશ, ‘કિરણ સામે કેજરીવાલ’ થવા દેવાને બદલે, પરાજયથી ગભરાઈ, ‘મોદી વિરુદ્ધ કેજરીવાલ’ બનાવી દીધી. પરાજયની જરા સરખી ગંધ આવતાં ભા.જ.પ.ના આગેવાનો બધો દોષ, કિરણ બેદીને છેલ્લી ઘડીએ મુખ્યપ્રધાન તરીકે ઉતારવાની વાત પર ઢોળી દેવા માંડ્યા હતા.
પણ સત્ય એ છે કે, થોડા સમયથી ખાસ કરીને દસ વર્ષથી ભારતમાં સામાજિક, સાંસ્કૃિતક, સાંસ્કારિક, નૈતિક અને રાજકીય મૂલ્યોમાં જબરો ઘસારો જોવા મળ્યો છે. વિશેષ કરીને નૈતિક અને રાજકીય મૂલ્યોની જાળવણીમાં રાજનેતાઓ અને સામાજિક આગેવાનો એ વાત ભૂલી ગયા છે કે, સ્વાતંત્ર્ય આંદોલનની જવાબદારી સંભાળવા છતાં ગાંધીએ હજારો કાર્યકરોમાં નૈતિક અને સામાજિક મૂલ્યોનું જે સિંચન કર્યું હતું એને જાળવી રાખવામાં અને જતન કરવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. એક તરફ આ ધોવાણ અને બીજી તરફ ભૌતિક વિકાસની ભૂખમાં ભારતના કરોડો લોકોની મૂળભૂત જરૂરિયાતો સંતોષવાને બદલે વિદેશોના વિકાસના આંધળા અનુકરણમાં પડી ગયા છીએ. દિલ્હીની ચૂંટણી ઝૂંબેશ દરમિયાન એન.ડી. ટીવીના એન્કર રવિશકુમારે દિલ્હીમાં રોજી માટે છેક ઉત્તરાંચલ અને બીજા રાજ્યોમાંથી દિલ્હી આવી વસેલા ભારતીઓના જીવનની જે દયનીય સ્થિતિ ટીવી પર બતાવી, એ જોઈએ ત્યારે લાગે છે કે, ગરીબ નિરાધાર લોકો રોજી માટે રાજધાનીમાં આવી વસે છે તો સરકારો ઘર, વીજળી, પાણી જેવી પ્રાથમિક સગવડ આપવામાં કેવી બેદરકારી સેવે છે.
આવી જમીન પરની હકીકતોથી દૂર થઈ, બુલેટ ટ્રેન, સ્માર્ટ શહેરો કે ઈ-ગ્રામ જેવી વાતો કરી એનું આયોજન કરી એને માટે કરોડો રૂપિયા ફાળવવાનો શું અર્થ સમજવો? લાખો કુટુંબોને આવી હાલતમાં છોડી કોમનવેલ્થ રમતોત્સવની જરૂરિયાત સંતોષવા ફ્લાય ઓવર કે સ્ટેિડયમ બાંધવાનો કોઈ અર્થ ખરો! સુપ્રીમ કોર્ટે સામાજિક સભ્યતા જાળવવા મોટરગાડીના કાળા કાચ દૂર કરવા કે વી.આઈ.પી. વાપરે છે એ લાલબત્તીઓનો ઉપયોગ મર્યાદિત કરવા હુકમ કર્યો તો શિક્ષિતવર્ગ એને પાળવાનું ટાળે એ શું બતાવે છે કે, સુપ્રીમ કોર્ટના આદેશને પાળવાની વૃત્તિ ઘસાઈ ગઈ છે. ચર્ચિલે ગાંધીને ‘નગ્ન ફકીર’ કહી મશ્કરી કરી તો ય ગાંધીએ સાદગી કદી ય ન છોડી. એ જ દેશમાં વડાપ્રધાન 10 લાખ રૂપિયાનો સ્યૂટ પહેરી ઓબામાને મળવામાં જરા સરખો ય સંકોચ ન અનુભવે એ કેવું જાહેરજીવન ? બીજી તરફ રોજી વગરનો વિકાસ અને દેશમાં જેટ ઝડપે વધતી કરોડપતિઓની સંખ્યા ધનિક રાષ્ટ્રો કરતા ભારતમાં વધે એવી અસમાનતા આપણને ન ખૂંચે એવી કેવી મનોવૃત્તિ?
ભારતનું સૌભાગ્ય છે કે, આવી વિસંવાદી સ્થિતિ છતાં, વિશ્વમાં સૌથી વધુ ગરીબોની સંખ્યા ધરાવતા ભારતની જનતાનો રોષ મત મારફત જ પ્રગટ થાય છે. હિંસક માર્ગે નહીં. પણ, આ હવે આખરી ચેતવણી સમજી જાહેરજીવનનાં મૂલ્યો પુન: સ્થાપિત નહીં કરીએ તો પરિસ્થિતિ હજુ બગડશે. ચૂંટણીમાં ખેલની પુનરાવૃત્તિ થઈ. કોંગ્રેસ જેવી જૂની સંસ્થાને એની ભૂલોના કારણે જેમ ભા.જ.પ.ને હાથે ધોવાણ સહેવાનો વારો આવ્યો, બરાબર એમ જ ભા.જ.પ.ના હવાઈ વચનોમાં વિશ્વાસ ગુમાવી અને ‘આપ’ જેવા નવા અને નાના પક્ષે ધોઈ નાખ્યો. અહંકાર ઓગાળી નાખે એવા પરાજય ભોગવવાનો વારો આવ્યો. 200 દિવસનું શાસન; ચાર મોટી રેલી અહંકારી પ્રચારના બદલામાં રાજધાનીએ ભા.જ.પ.ને એક, બે અને ત્રણ બેઠક અાપી. આ લાલબત્તીની ચેતવણી રાજનેતાઓ સમજશે ખરા.!
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 12 ફેબ્રુઆરી 2015
![]()

