Opinion Magazine
Number of visits: 9449053
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જવાહરનો અર્થ

કુમાર પ્રશાંત|Opinion - Opinion|27 January 2015

લોકશાહીની એક વ્યાખ્યા એવી પણ છે કે અહીં જીભ આઝાદ હોય છે! આઝાદ જીભ અનર્ગળ, આધારહીન અને અશોભનીય ન બોલે, એ વાત પણ આ વ્યાખ્યામાં જ સમાયેલી છે. જીભની આઝાદીની આ મરજાદની પરવા વિના આપણે આટલાં વર્ષોમાં જે લોકશાહી વિકસાવી છે, એ જ ઇતિહાસના આપણા સર્જકોને સરકસના જોકર બનાવી રહી છે. પરંતુ ન તો ઇતિહાસ સરકસ અને ન તેના સર્જક જોકર છે! કાળને નાથીને તેને પોતાની દિશામાં ફેરવવાની હિંમત ધરાવતા લોકોએ જ ઇતિહાસ ઘડ્યો છે અને તેને કેળવ્યો છે. આમાંના એક એવા મહાનાયક જવાહલાલ નેહરુની આજે અનર્ગળ, આધારહીન અને વારંવાર અશોભનીય ચર્ચા થતી રહે છે. જવાહરલાલ આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન હતા, એટલો તેમનો પરિચય અધૂરો જ નહીં, બલકે અન્યાયપૂર્ણ પણ છે. આઝાદીની શોધના જંગમાં તો ખરું જ એ ઉપરાંત મળેલી આઝાદીને જન-જનના સંદર્ભમાં સાર્થક કરવાના જંગમાં પણ જવાહરલાલનું નેતૃત્વ મળ્યું, એ આ દેશનું સદ્દ‌ભાગ્ય જ હતું. ભારત રાષ્ટ્ર અને ભારતીય માનસને ખટખટાવીને અને ખખડાવીને નવીનતા બક્ષવામાં તેઓ અથાકપણે મથતા રહ્યા. તેઓ આખર સુધી હથિયાર હેઠાં ન મૂકનારા નેતા હતા! તેઓ ક્યાંક માર્ગ પણ ભૂલ્યા, વારંવાર વિફળ પણ થતાં રહ્યા, રાજકીય ચાલો પણ ચાલતા રહ્યા, પરંતુ તેમની પ્રાથમિકતાઓમાં દેશ હંમેશાં પ્રથમ રહ્યો. આંદ્રે માલરોએ તેમને પૂછ્યું હતું કે તેમની જિંદગીમાં સૌથી મોટો પડકાર કયો રહ્યો ત્યારે તેમણે કહેલું, સંકુચિત ધાર્મિક વાડાઓમાં બંધ ધર્મભીરુ સમાજને એક સર્વધર્મસમાવેશી સમાજમાં ફેરવવાનો પડકાર!

જવાહરલાલ સંત, સાધક, વિચારક, ક્રાંતિકારી કે કાબેલ પ્રશાસક નહોતા, પરંતુ ઇતિહાસે તેમને એ તમામ ભૂમિકાઓ ભજવવા માટે મજબૂર કરેલા, અને તેઓ એ દોરમાં અન્ય નેતાઓની સરખામણીમાં આ તમામ ભૂમિકાઓ નિભાવવામાં માત્ર બહાદુરીપૂર્વક લડતાં જ ન રહ્યા, બલકે એક રોલ મૉડલ બની ગયા. તેઓ ઇતિહાસની ઊંડી સમજ ધરાવનારા, ઉત્સાહ અને ઊર્જાથી ભરપૂર મોહક વ્યક્તિત્વના સ્વામી હતા. કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરે તેમને ‘ઋતુરાજ’ કે ગાંધીએ ‘હિંદના જવાહર’ અમસ્તાં જ નહોતા કહ્યા! તેઓ ખરેખર એવા જ હતા. આજે દેશ જ્યારે તેમની ૧૨૫મી જન્મ જયંતી મનાવી રહ્યો છે ત્યારે આપણે એ જવાહરથી પરિચિત થવું જોઈએ. વડાપ્રધાન તરીકે આજે ૬૭ વર્ષ પછી પણ એમનું જ રોલ મૉડલ આપણા નેતાઓની સામે હોય છે, જેમાં ખરા ઊતરવાની કોશિશ અટલબિહારી વાજપેયીએ પણ કરી અને આજે નરેન્દ્ર મોદી પણ તેમની જ નકલી નકલ કરતાં જોવા મળે છે.

જવાહરલાલે ભારતીય રાજકારણમાં એવા જ સમયે પ્રવેશ કરેલો જ્યારે ગાંધીનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો. એ અગ્નિપુંજ સમક્ષ ઊભું થવું આસાન નહોતું! પરંતુ, જવાહરલાલ ઊભા જ ન થયા, બલકે પોતાનું અલગ આભામંડળ પણ વિકસિત કર્યું. તેઓ ગાંધી પ્રત્યે એ હદે સમર્પિત હતા જે હદે કોઈ સમર્પિત નહોતું, પરંતુ ગાંધી-વિચાર સાથે અસંમતિમાં તેમનો હાથ હંમેશાં ઊઠતો રહેલો. આજે આપણે સમજીએ પણ છીએ અને કહીએ પણ છીએ કે એમની અસંમતિઓમાં નાદાની બહુ જ હતી, પરંતુ કોઈ એવું નહીં કહી શકે કે તેમાં અપ્રામાણિકતા હતી. તેમનું મન માનતું ન હોય એવી દરેક ગાંધીજીની વાત સાથે તેઓ અસંમત થતા, પરંતુ ગાંધીજીના નેતૃત્વને તેમણે ક્યારે ય પડકાર્યું નહોતું. ઊલટું, પડકારનારા દરેક અવાજનો તેમણે વિરોધ કરેલો.

જવાહરલાલ આઝાદ ભારતને ગાંધીથી સાવ અલગ અને ઊલટી દિશામાં લઈ ગયા, કારણ કે તેઓ પ્રામાણિકપણે એમાં જ દેશનું ભલું જોતા હતા. દેશ આજ સુધી તેમની નાસમજીની કિંમત ચૂકવી રહ્યું છે, પરંતુ આવું કરવામાં તેમને એ તમામ બૌદ્ધિકો, નેતાઓ, કલા-સંસ્કૃિતના લોકો, મંદબુદ્ધિના ડાબેરીઓ અને વેપારી ગૃહોએ સાથ આપેલો, જે લોકો ત્યારે ગાંધીજીની દરેક વાતને રૂઢિચુસ્ત અને આધુનિકતાવિરોધી ગણાવતા હતા અને જવાહરલાલની વાહવાહી કરતા હતા. એટલે આપણે એમ ન કહી શકીએ કે ગાંધીથી દેશને દૂર લઈ જવા માટે તેઓ એકલા જવાબદાર હતા. હા, એ આરોપનો બોજ તો તેમણે જ વેંઢારવો પડશે કે ગાંધીને સમજવા અને સમજાવવાની જેટલી કોશિશ તેમણે કરવી જોઈતી હતી, તે તેમણે નહોતી કરી અને દેશમાં ગાંધીની ઉપેક્ષાનો માહોલ બનાવ્યો અને બનવા દીધો.

જવાહરલાલ જે પારિવારિક પૃષ્ઠભૂમિમાંથી આવતા હતા, જે માહોલમાં અને બ્રિટિશ જીવનશૈલીમાં ઉછર્યા હતા, તેનાથી તેઓ સ્વાભાવિકપણે જ છોટે મોતીલાલ નેહરુ બનત, ઐશ્વર્યમાં ડૂબેલા અને અત્યંત આત્મકેન્દ્રિત સત્તાધીશ! જો એવું બન્યું હોત તો આઝાદ હિંદુસ્તાન ટૂંકા ગાળામાં જ પાકિસ્તાન બની ગયું હોત! પરંતુ પોતાના તમામ તેવરો અને મિજાજબાજી પછી પણ તેઓ સંસદીય લોકશાહી પ્રત્યે જેવી પ્રતિબદ્ધતા નિભાવી ગયા, તેનું બીજું કોઈ ઉદાહરણ આજ સુધી મળ્યું નથી. મહાત્મા ગાંધીની હત્યા અને સરદાર પટેલના મૃત્યુ પછી તો ભારતીય રાજનેતાઓમાં તેમની બરાબરી કરી શકે એ કદનો કોઈ નેતા જ નહોતો બચ્યો. પરંતુ જવાહરલાલે પોતે જ પોતાના પર કાબૂ મેળવ્યો અને આપણા દેશમાં સંસદીય લોકશાહીનાં મૂળ મજબૂત કરવાની દિશામાં તેમણે એ બધું જ કર્યું, જે અપેક્ષિત હતું.

આંતરરાષ્ટ્રીય મંચો પર તેઓ ગાંધીને લઈને એ હદ સુધી ગયા, જે હદ સુધી તેમની પ્રતિબદ્ધતા હતી. પંચશીલ અને બિનજોડાણવાદી રાષ્ટ્રોની આખી સંકલ્પના, રાષ્ટ્રકુળ (કૉમનવેલ્થ) અને સંયુક્ત રાષ્ટ્ર (યુએન) પ્રત્યે પ્રતિબદ્ધતા વગેરેનું તત્ત્વ તેમને ગાંધી પાસેથી જ મળ્યું હતું. ભારતીય લોકશાહીનો પાયો ગ્રામીણ ભારતમાં હશે અને ગ્રામોદ્યોગનો વિકાસ જ ભારતીય વિકાસની કસોટી હશે, એવું તેમણે ન કદી માન્યું હતું અને ન સમજ્યું હતું. અને પોતાની આ માન્યતા તેમણે ક્યારે ય છુપાવી પણ નહોતી. ગાંધીએ તેમને પોતાના રાજકીય વારસ જાહેર તો કર્યા હતા, પરંતુ સાથે જ શરૂ કરી દીધી હતી તેમની આકરી કસોટી! એટલી કડક પરીક્ષા કરી કે વ્યક્તિગત સત્યાગ્રહનો કાર્યક્રમ આપ્યો ત્યારે જવાહરલાલની જાહેર ઇચ્છા છતાં પહેલા સત્યાગ્રહી તેમને નહીં, વિનોબા ભાવેને બનાવ્યા હતા. આ ખાઈ આગળ જતાં વધારે પહોળી બનેલી, જેને જવાહરલાલ બહુ જાહેર થવા દેવા નહોતા માગતા, પરંતુ ગાંધીએ લખી મોકલ્યું કે ભારતના ભાવિ અંગે મારા અને મારા રાજકીય ઉત્તરાધિકારી વચ્ચે જે ભેદ છે, તે દુનિયાએ જાણી લેવા જોઈએ. અને તેના માટે જરૂરી છે કે તમે સમય કાઢીને મારી સાથે વાત કરો. ભાવિ ભારતની તસવીર અને તેમની રણનીતિના સંદર્ભમાં તેઓએ પોતાના પુસ્તક ‘હિંદ સ્વરાજ’ની યાદ અપાવેલી. બહુ નાજુક પ્રસંગ હતો, આઝાદી આવવામાં જ હતી અને દેશનું નેતૃત્વ હાંસલ કરવા માટે ગાંધીનું સમર્થન કેટલું જરૂરી છે, એ જવાહરલાલ કરતાં વધુ સારી રીતે કોણ જાણતું હતું! છતાં પણ જવાહરલાલે પૂરેપૂરી પ્રામાણિકતાપૂર્વક જવાબ આપ્યો હતો કે આપની એવી કોઈ પુસ્તિકા છે, એ તો યાદ આવે છે, પરંતુ ન મેં અને ન કૉંગ્રેસે ક્યારે ય તેને ગંભીરતાથી લીધી છે. અજ્ઞાન અને બાળબુદ્ધિભરી એ પ્રામાણિકતા તેમનામાં હતી. એટલે આપણે એમના પર એવો આરોપ ન લગાવી શકીએ કે તેમણે ગાંધીને છોડી દીધા! તેમણે ગાંધીનો અસ્વીકાર કર્યો. જિંદગીના એકદમ આખરી દિવસોમાં તેમને આનો પેટ ભરીને પસ્તાવો પણ થયેલો અને લોકસભામાં જ તેમણે કબૂલ્યું હતું કે ગાંધીનો માર્ગ છોડીને આપણે ભૂલ કરી હતી કદાચ! પરંતુ ત્યાં સુધી ભૂલો હિમાલય જેવડી થઈ ચૂકી હતી અને નવા પર્વતારોહણનું તેમનું સામર્થ્ય રાઈ જેટલું પણ નહોતું બચ્યું. વિનોબાએ જરૂર એક માર્મિક ટિપ્પણી કરી હતી કે આ લોકોને જો એવો અહેસાસ થઈ રહ્યો હોય તો આપણે સમજી લઈશું કે અત્યાર સુધી આપણા દેશનો જેટલો પણ ખર્ચ થયો છે, તે આ લોકોના શિક્ષણ પર થયો!

જવાહરલાલે આઝાદ ભારતનું નેતૃત્વ સંભાળતાંની સાથે જ બે લક્ષ્ય પોતાની સામે રાખ્યાં હતાં – ભારતીય લોકશાહીને સુદૃઢ બનાવવી અને ભારતીય અર્થતંત્રને સ્વાવલંબી બનાવવું. ગાંધી તેમને કબૂલ નહોતા અને તેમનાથી અલગ સમાજનું કોઈ નવું માળખું રચવાની બૌદ્ધિક ક્ષમતા તેમના પણ નહોતી. એટલે તેમણે બીજો એક સરળ માર્ગ શોધ્યો! તેમની સામે અમેરિકી અને રશિયન, બે મૉડલ હતાં અને એ બન્નેનાં સારાં તત્ત્વોને તેઓ આપણા ભારત માટે ખપમાં લેવા માગતા હતા. જો કે, તેઓ પાયાની વાત સમજી ન શક્યા કે ક્યાંકથી ઈંટ અને ક્યાંકથી પથ્થર લાવીને રસ્તાઓ કે મકાનો તો કદાચ બની પણ જાય, દેશ નથી બનતો! એટલે નેહરુના નેતૃત્વમાં ભારતીય સમાજના વિકાસની કહાની ઘણી ખરી અડધી-અધૂરી અને જયપ્રકાશ નારાયણના શબ્દોમાં તદ્દન નકલી બની. પરંતુ આપણે એ સમજવું જ પડશે કે આપણી સાથે જ આઝાદ થયેલું ચીન કે પછી આપણા તમામે તમામ પાડોશી દેશો લોકશાહીને ક્યાં સંભાળી શક્યા છે? તેમણે લોકશાહીને સૌથી પહેલાં જ ગંદાં વસ્ત્રોની જેમ ઉતારીને ફેંકી દીધી! લોકશાહીને સાથે લઈને જવાહરલાલે ભારતને જ્યાં પહોંચાડ્યું, ત્યાં તો બીજો કોઈ દેશ પહોંચ્યો નહીં! મિશ્ર અર્થતંત્રના તેમના ઉદ્યમમાંથી આર્થિક સમતા અને સામાજિક સમાનતા પેદા થવાની જ નહોતી, પરંતુ સ્વાવલંબનનો જેટલો પણ આધાર આજે આપણી પાસે છે, તે નેહરુની જ દેન છે. વિશ્વ અર્થતંત્રના દબાણમાં મોદી આજે ભલે ‘મેક ઇન ઇન્ડિયા’નું સૂત્ર ઉછાળી રહ્યા હોય, પરંતુ આ સૂત્ર નેહરુના ભારતને લૂંટવાથી વધારે કંઈ પણ બનાવી કે કમાઈ નહીં શકે, જ્યારે નેહરુએ ‘મેડ ઇન ઇન્ડિયા’ની જીદ એવી પકડી રાખેલી કે આજે આપણે ટાંકણી પેદા કરવાથી માંડીને ચાંદ અને મંગળ સુધી જવાની ક્ષમતા વિકસાવી શક્યા છીએ.

ઇતિહાસની પોતાની ઊંડી સમજને લીધે નેહરુને અંદાજ હતો કે રાજકીય આઝાદીને માનસિક આઝાદીનો ટેકો નહીં મળે તો તે ડગમગવા માંડશે. એટલે રાજકારણના તમામ ગોરખધંધાની વચ્ચે તેઓ સ્વતંત્ર ભારતમાં કલા, સાહિત્ય, સંસ્કૃિત, વિજ્ઞાન, રમતગમત, પત્રકારત્વ, સુઆયોજિત આયોજનો વગેરેનાં બીજ વાવતાં રહ્યાં. તેઓ તમામ પ્રકારની રૂઢિગત વાતો, પ્રથાઓ, માન્યતાઓ પર હુમલા કરતા અને જાહેરજીવનમાં સહૃદયતા અને ઉદારતાનો માહોલ બનાવતા રહ્યા. તેમના પ્રયાસો અને વિચારોમાંથી પેદા થયેલી આ સંસ્થાઓ જ છે, જેમાં આપણે આજે આપણા દેશને વિકસતા-આગળ વધતા અને ઊભો થતો જોઈ શકીએ છીએ. એક કરુણ સત્ય એ પણ છે કે પોતાના જીવનકાળમાં જ જવાહરલાલ આ બધાનું થઈ રહેલું પતન પણ જોઈ રહ્યા હતા અને કંઈ કરી શકતા નહોતા. અલબત્ત, એ જો તેમની વ્યક્તિગત વિફળતા હતી તો દેશ તરીકે આપણી સામૂહિક વિફળતા પણ હતી. આ વિફળતા છતાં પણ પ્રયાસનું મહત્ત્વ ઓછું થતું નથી, એ અકાટ્ય સત્ય પણ અચળ છે.

ચીન-ભારત સંબંધોને તેઓ જ્યાં પહોંચાડીને સ્થિરતા બક્ષવાની કોશિશ કરી રહ્યા હતા, તેમાં તેઓ જો સફળ થઈ ગયા હોત તો વિશ્વનાં સત્તાનાં સમીકરણોનાં રૂપ અને રંગ, બન્ને બદલાઈ ગયાં હોત. પછી તેમાંથી જ આપણને તિબેટની આઝાદી પણ જોવા મળી હોત અને ચીની સામ્યવાદની કૂખમાંથી પેદા થયેલા સામ્રાજ્યવાદનું પણ બાળમરણ જ થયું હોત. પંચશીલ કરાર અને બિનજોડાણવાદી દેશોનો મજબૂત ભાઈચારો એશિયાને કેન્દ્રમાં લાવી મૂકત અને એ તમામ ગતિવિધિ ભારતકેન્દ્રિત હોત. આ સંભાવનાની ભવ્યતા આજે પણ મોહિત કરે છે. કાશ્મીરનો દૂઝતો જખમ માત્ર એટલે નથી બન્યો કે જવાહરલાલ તેને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયા અને પરિણામે સામ્રાજ્યવાદી તાકાતોને તેમાં મોકળા થઈને ખેલ ખેલવાની તક મળી. આ તેમની કૂટનીતિક ભૂલ હતી, એ કબૂલ છતાં આવું કરવા પાછળ તેમનો એવો ભાવ પણ હતો કે આંતરરાષ્ટ્રીય મામલાઓમાં મધ્યસ્થતા માટે આવી સંસ્થાની વકીલાત કરનારા જો તેની ઉપયોગિતા સિદ્ધ કરવાની તક જ ન આપત તો તેના પાયા અને પ્રતિષ્ઠા કઈ રીતે મજબૂત થાત? અને આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે કાશ્મીરનો કેસ બગાડવામાં આપણા વિપક્ષી અને કોમવાદી રાજકારણની ભૂમિકા પણ ઓછી ઝેરીલી નથી રહી.

આપણી આઝાદીના જંગના નાયકોમાંથી તેઓ જ સૌથી વધારે જીવ્યા, એટલે તેમને જ આઝાદીનો માહોલ ઊભો કરવાની સૌથી વધારે તક પણ મળી. તેમણે આ જવાબદારી માત્ર સ્વીકારી જ નહીં, બલકે પોતાના મન-પ્રાણની પૂરેપૂરી તાકાત લગાવીને તેને સાકાર કરવાની કોશિશ પણ કરી. એટલે કહેવા માટે આપણે કંઈ પણ કહીએ, જવાહરલાલ જ આધુનિક ભારતના શિલ્પી હતા. હવે એ વાત અલગ છે કે તેમની આધુનિકતાની સમજ એટલી જ ગરબડવાળી હતી, જેટલી વિકાસની આપણી આજની સમજ છે. આજે ૧૨૫ વર્ષ પછી જ્યારે આપણે તેમને યાદ કરી રહ્યા છીએ ત્યારે આપણને શું એ વાતનો ખ્યાલ આવે છે કે ભારતને તેની અમર્યાદિત સંભાવનાઓ સુધી પહોંચાડવાનું કોઈ એક વ્યક્તિ માટે સંભવ જ નથી, જવાહરલાલ જેવા મહામાનવ માટે પણ નહોતું. સામૂહિક સંકલ્પ અને સામૂહિક પ્રયાસમાં જ ભારતની સિદ્ધિ રહેલી છે. આટલું સમજીને, ઊંડી પ્રતિબદ્ધતા સાથે આપણે જ્યારે પણ સક્રિય થઈશું ત્યારે જ આપણને જવાહરલાલનો અર્થ અને તેમની કિંમત પણ સમજમાં આવી જશે.

અનુવાદક :  દિવ્યેશ વ્યાસ

e.mail : k.prashantji@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2014, પાન 12 – 13

Loading

27 January 2015 admin
← બહુમુખી પ્રતિભા ધરાવતા યુગપુરુષ
આંદોલનજીવી ચુનીભાઈ વૈદ્ય →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved