Opinion Magazine
Number of visits: 9446991
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નેહરુ અને આધુનિક ભારત : ઐતિહાસિક વિશ્લેષણ

મકરન્દ મહેતા|Opinion - Opinion|27 January 2015

છેલ્લાં કેટલાંક વર્ષોથી હિંદુત્વવાદી રાજકારણીઓ અને બૌદ્ધિકો ‘સરદાર પટેલ વિરુદ્ધ નેહરુ’ તો ખરું જ, પણ ‘સરદાર વિરુદ્ધ ગાંધી’નો ભારે માત્રામાં પ્રચાર કરી રહ્યા છે. પણ બીજી તરફ જો ભારતના સ્વાતંત્ર્યસંગ્રામને (૧૮૫૭-૧૯૪૭) સમગ્ર ‘વિશ્વના અમૂલ્ય વારસા’ તરીકે જોઈએ તો ‘સરદાર-ગાંધી-નેહરુ’ એમ એકબીજાનાં પૂરક તરીકે જોવા જોઈએ. આજની અને આવતી કાલની પેઢી માટે ‘વિરુદ્ધ’વાળો ચડતો-ઊતરતો ક્રમ ખતરનાક સાબિત થશે.

‘રાષ્ટૃીય વિકાસ સમિતિ’[National Development Council]ની એક બેઠકનો સંસદ ભવન ખાતે 06 જાન્યુઆરી 1956ના દિવસે આરંભ કરતા પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ. “ધ હિન્દુ” દૈનિકના સૌજન્યથી મેળવાઈ આ છબિમાં ગોવિંદવલ્લભ પંત, જગજીવન રામ, રાજકુમારી અમૃત કૌર, લાલબહાદુર શાસ્ત્રી, સરદાર સવર્ણસિંહ તેમ જ ખંડુભાઈ દેસાઈ જોવાં સાંપડે છે.

ત્રણેયનાં વ્યક્તિત્વ જુદાં હતાં. જવાહરનું વૈચારિક વ્યક્તિત્વ પશ્ચિમ યુરોપનાં ‘રેનેસાં, એનલાઇટનમૅન્ટ, ઔદ્યોગિક ક્રાંતિ અને યુરોપિયન સામ્રાજ્યવાદ’ના કાર્યકારણરૂપી મૉડેલ દ્વારા ઘડાયું હતું. તેના પાયામાં તર્ક, વિવેકબુદ્ધિ, નિરીક્ષણ અને ચીવટભરી તપાસની પદ્ધતિ તેમ જ વૈજ્ઞાનિક અભિગમ (સાયન્ટિફિક ટેમ્પર) હતો. બીજી તરફ જોઈએ તો જે ગાંધીએ ગુલામ હિંદને મુક્ત કરવાના તેમ જ આર્થિક રીતે આત્મનિર્ભર કરવાના (તકલી, રેંટિયો, ખાદી, ગ્રામસ્વરાજ વગેરે) ભગીરથ પ્રયાસો કર્યા અને મોટાં જનઆંદોલન કર્યાં તે જ ગાંધીજી ઉપર્યુક્ત યુરોપિયન મૂલ્યોના ભારે વિરોધી હતા. આમ છતાં જેવી રીતે નેહરુનાં મૂલ્યો યુરોપિયન ટ્રૅડિશન દ્વારા ઘડાયાં હતાં. તેવી રીતે ગાંધીનાં બૌદ્ધિક અને નૈતિક મૂલ્યો ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરા દ્વારા ઘડાયાં હતાં. આ મૂલ્યોને નવપલ્લવિત કરીને તેમ જ તેનું પુનર્ગઠન કરીને ગાંધીએ અહિંસક ક્રાંતિનું સર્જન કર્યું હતું. ગાંધી અને નેહરુની બૌદ્ધિક અને નૈતિક ઐતિહાસિક ટ્રૅડિશન છે. સરદાર પટેલ મહામાનવ હોવા છતાં તેમની આ પ્રકારની ઐતિહાસિક ટ્રૅડિશન નથી. આમ છતાં સરદાર પટેલનું પ્રદાન ગાંધી અને નેહરુ કરતાં જરા પણ કમ નથી. ત્રણે જણ એકબીજાનાં પૂરક હતાં, ત્રણેય ભારતની માટીમાંથી પેદા થયા હતા.

જવાહરલાલ નેહરુનું મૂલ્યાંકન કરવા માટે બીજી એક વાત ખાસ યાદ રાખવાની છે કે ૧૯૪૭માં જ્યારે ભારતે આઝાદી હાંસલ કરી, ત્યારે આ દેશ આર્થિક દૃષ્ટિએ બેહદ દરિદ્ર હતો; તાતા, બિરલા અને કસ્તૂરભાઈ પણ ઘણા નાના પ્રયોજકો (entrepreneurs) હતા. મોટા ભાગના લોકો નિરક્ષર, અંધશ્રદ્ધાળુ, વહેમી અને બિનપરિવર્તનશીલ હતા. લોકશાહી તંત્રને અનુરૂપ થવા માટે જે રાજકીય અને સામાજિક જાગૃતિની જરૂર પડે, તેનાથી જનસમુદાય વંચિત હતો. સાચું પૂછો તો ‘ઍન્ટિ-ઇમ્પિરિયાલિસ્ટ માસ સ્ટ્રગલ’ સફળ થતાં આઝાદી તો મળી પણ બ્રિટિશ શાસનની એક પણ પ્રગતિશીલ અસર બહુજનસમાજે ઝીલી નહીં. ઊલટાનું લઘુમતી ધરાવતા બૌદ્ધિક જો બ્રિટિશ શાસનની રચનાત્મક, વૈચારિક તથા ભૌતિક અસરોની વાત કરે, તો તેની અવગણના થતી. આજે પણ થાય છે. આ પ્રકારની ઐતિહાસિક હકીકતનો અસ્વીકાર થઈ શકે તેમ નથી. નેહરુનું મૂલ્યાંકન કરવા માટે આટલી પાયાની વાત અગત્યની છે.

નેહરુ યુરોપિયન રેનેસાંના બાળક હતા. ઇંગ્લૅન્ડમાં રહીને બૅરિસ્ટર તો ઘણા હિંદીઓ થતા પણ નેહરુ તેની સાથે વિજ્ઞાન ભણીને સ્વદેશ પાછા ફર્યા હતા. તેઓ એટલું તો શીખીને જરૂર પાછા ફર્યા હતા કે આધુનિક ટેક્‌નોલૉજીની મદદથી ઔદ્યોગિક તથા કૃષિ ક્રાંતિ કર્યા વગર છૂટકો જ નથી. વળી વિદ્યાર્થી અવસ્થા દરમિયાન નેહરુ ફેબિયન સમાજવાદીઓના સંપર્કમાં આવ્યા હતા. નેહરુનું સ્વપ્ન ભારતમાં યુરોપિયન રેનેસાં મૉડેલ દાખલ કરવાનું હતું. પણ ભારતમાં આવ્યા પછી જ્યારે નેહરુને અંગ્રેજી હકૂમત દ્વારા બેહદ સીતમો અને શોષણોનો અનુભવ થયો ત્યારે તેમને વિશ્વઇતિહાસની આંટીઘૂંટીઓ સમજાવા લાગી હતી. પહેલા ‘વિશ્વયુદ્ધ’(ખરેખર તો યુરોપિયન યુદ્ધ)નો અનુભવ થયો અને તેની સાથે ૧૯૧૭ની રશિયન ક્રાંતિથી પણ પ્રભાવિત થયા. ૧૯૨૭માં પીડિત દેશોને વાચા આપવા માટે બ્રસેલ્સમાં ભરાયેલી કૉંગ્રેસમાં ભાગ લીધો અને ત્યાર બાદ એ જ વર્ષમાં રશિયન ક્રાંતિની દસમી વર્ષગાંઠમાં ભાગ લેવા રશિયા ગયા. નેહરુએ તે દરમિયાન કાર્લ માર્ક્સ વાંચ્યો, પણ ગાંધીજીની અહિંસાની ફિલોસોફીથી પણ તેઓ એટલા જ પ્રભાવિત થયા હતા. તેથી નેહરુ ‘ડેમોક્રિટિક સોશિયાલિસ્ટ’ તરીકે ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસમાં ઊભરવા લાગ્યા. ચીલાચાલુ જમણેરી કૉંગ્રેસને ડાબેરી દિશા તરફ સિફ્તથી વાળનાર નેહરુ હતા. ૧૯૩૪માં જ્યારે પીડિત લોકોના (subalterns) ન્યાય માટે કૉંગ્રેસમાંથી છૂટા પડીને બૌદ્ધિકોએ કૉંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી સ્થાપી તે સમયે નેહરુ ભલે કૉંગ્રેસમાં રહ્યા, આમ છતાં પણ તેમની તમામ લાગણીઓ સમાજવાદીઓ સાથે હતી. આવા સંજોગોમાં જ્યારે ૨૯-૧૨-૧૯૨૯ના રોજ કૉંગ્રેસની બેઠક લાહોરમાં મળી, ત્યારે તેના પ્રમુખ તરીકે જવાહરલાલે નીચેનો યાદગાર ઠરાવ રજૂ કર્યો હતો. અમેરિકન ક્રાંતિનાં સ્પંદનો આ ઠરાવમાં ડોકિયાં કરે છે :

‘We believe that it is the inalienable right of the Indian people, as of any other people, to have freedom and to enjoy the fruits of their toil and full opportunities of growth. We believe also that if any government deprives a people of its rights and oppresses them, the people have a further right to alter it or abolish it. The British Government in India has not only deprived the Indian people of their freedom but has based itself on the exploitation of the masses, and has ruined India economically, politically, culturally and spiritually. We believe, moreover, that India must severe the British connection and attain Purna Swaraj or complete Independence.’

આ મહત્ત્વના અને ‘માઇલસ્ટોન’ જેવા ઐતિહાસિક દસ્તાવેજ ઉપર આપણું ખાસ ધ્યાન ગયું નથી. ધ્યાનથી વાંચવાથી પ્રતીતિ થશે કે આ દસ્તાવેજનાં સૈદ્ધાંતિક અનુમાનો (theoretical assumptions) વૈશ્વિક વારસાનાં સ્પંદનોરૂપ છે અને તેની સાથે-સાથે પૂર્ણ સ્વરાજ માટેની ‘નેહરુવિયન દાવેદારી અને માંગણી’ વણાઈ છે. તે સમયે તો કોઈને પણ ખબર નહોતી કે ૧૯૪૭માં આપણને આઝાદી મળવાની છે. તેથી મારું સૂચન છે કે ‘પૂર્ણ સ્વરાજ’ વાતની સાથે નેહરુના આઝાદી દિનના પ્રવચનને સાંકળવામાં આવે. બંને પ્રવચનો વિશ્વનો સાહિત્યક વારસો ગણાય છે.

‘Long years ago we made a tryst with destiny and now the time comes when we shall redeem our pledge, not wholly or in full measure, but very substantially. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. A moment comes but rarely in history, when we step out from the old to the new, when the age ends, and when the soul of a nation long suppressed, finds utterance. It is fitting that at this solemn moment we take the pledge of dedication to the service of India and her people and to the still larger cause of humanity.’

૧૯૨૯માં પૂર્ણ સ્વરાજની ઘોષણા કરતા નેહરુ અને ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના સ્વાતંત્ર્યદિવસે પ્રજાજોગ પ્રવચન કરતા નહેરુને સાંકળવાથી ખ્યાલ આવશે કે નહેરુએ તેમનું નૂતન ભારતનું સ્વપ્ન કઈ રીતે જોયું હતું. ‘Half idealist’ (‘ધાર્મિક નહીં, ‘આઇડિયાલિસ્ટ’ !) and half materialist, but self-confident and ever-expanding young India – આ વિધાનમાં પ્રસ્તુત લેખના શીર્ષકનું હાર્દ આવી જાય છે.

નેહરુના જીવનનો બીજો અને વધારે પડકારરૂપ તબક્કો સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન (૧૯૪૭-૧૯૬૪) તરીકેનો હતો. ‘સ્વરાજ્ય તો મળ્યું, હવે શું કરવાનું છે ?’ આ એક મોટો પ્રશ્ન હતો. નેહરુએ બૌદ્ધિક અને ભાવાત્મક રીતે એકી સાથે ત્રણ આદર્શો સ્વીકાર્યા હતા. લોકશાહી, ઔદ્યોગિકીકરણ અને સમાજવાદ. નેહરુને મન આ ત્રણે બાબતો સુગ્રથિત હતી. તેમની પ્રવૃત્તિઓમાં તે integrated sequence of events તરીકે જોવી જોઈએ. પરંપરાગત હિંદને લોકશાહી-લોકતંત્રનો અનુભવ નહોતો, અને પાકિસ્તાન મિલિટરી ડિક્ટેટરશિપ તરીકે આગળ ધપી રહ્યું હતું. તેથી સ્વરાજ પૂર્વે એક તબક્કે નેહરુએ ઉપનામથી ભારતની પ્રજાને ચેતવણી આપતાં લખ્યું હતું : ‘જોજો, નેહરુથી ચેતજો. એ ઘણો લોકપ્રિય છે અને રોમન સમ્રાટ જેવું બળ ધરાવે છે. આ નેહરુ હિંદમાં સરમુખત્યારશાહી લાદે નહીં તેને માટે તૈયાર રહેજો.’ આ રીતે દેશના વડાપ્રધાન તરીકે જવાહરે એક તરફ લોકતંત્રનાં મૂળિયાંને મજબૂત કર્યાં તો બીજી તરફ ભારતીય સંસ્કૃિતના પાયારૂપ સહિષ્ણુતાના પાયા રૂઢ બનાવ્યા. સેંકડો વર્ષોથી ભારતમાં હિંદુ, જૈન, મુસલમાન, શીખ, ખ્રિસ્તી અને પારસીઓ રહેતા આવ્યા છે. નેહરુએ પ્રસિદ્ધ કરેલ ગ્રંથ ‘Discovery of India’ વાંચવાથી આ મુદ્દો વધારે સારી રીતે સમજાશે. મુદ્દો એ છે કે ડેમોક્રેટિક પોલિટીના ભાગરૂપે નેહરુએ મલ્ટિકલ્ચરલ, મલ્ટિ-એથનિક અને મલ્ટિલિંગ્વલ સોસાયટીનાં, સિવિલ સોસાયટીનાં મૂલ્યોને વિકસાવવાના ભગીરથ પ્રયાસો કર્યા હતા અને તે હિંદુ-ભારતીય પરંપરામાંથી પાંગરેલા ગાંધીનાં ભાતીગળ મૂલ્યો સાથે બરાબર બંધબેસતાં હતા. પ્રોફેસર ભીખુ પારેખનો ગ્રંથ ‘The Future of Multi-cultural Britain’ (પારેખ રિપોર્ટ) જોવાથી ખ્યાલ આવશે કે નેહરુનું વિઝન પરંપરાગત ભારતને કઈ દિશામાં દોરી રહ્યું હતું. ભારતને આધુનિક શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્‌નોલૉજીની મદદથી નેહરુ ઝડપથી આગળ ધપાવવા માગતા હતા. આ બાબતમાં નેહરુ એકલા નહોતા. ભારતની કોન્સ્ટિટ્યૂયન્ટ ઍસેમ્બ્લીના ચૂંટાયેલા દલિત નેતા બાબાસાહેબ આંબેડકર નેહરુ જેટલા જ સજ્જ હતા. વળી, દલિતોના ન્યાય માટે તેમણે ગાંધીજી સામે મોટી ઝીક ઝીલી હતી. નેહરુ નસીબદાર હતા કે તેમને આંબેડકર મળ્યા. ૨૬ જાન્યુઆરી-૧૯૫૦ના રોજ અસ્તિત્વમાં આવેલ ‘સાર્વભૌમ પ્રજાસત્તાક રાજ્ય’ના આદર્શોમાં ન્યાય, સામાજિક, આર્થિક અને રાજકીય સમાનતા અને ભ્રાતૃભાવનો સમાવેશ થાય છે.

આજના વૈશ્વિકીકરણ અને ખાનગીકરણના માહોલમાં નેહરુની સમાજવાદી નીતિની સખત ટીકા થઈ રહી છે અને તેમ કરવામાં પહેલાંના કેટલાક ‘બિરાદરો’એ પણ ટોપી બદલી છે ! બીજી તરફ પ્રગતિશીલ ગુજરાતી સામયિકોમાં લખતા કેટલાક doctrinaire (સિદ્ધાંતના પ્રતિપાદનમાં પાંડિત્ય દર્શાવનારા બૌદ્ધિકો) લેખકો રોજબરોજ બનતી જતી ઝીણામાં ઝીણી વિગતોને ભેગી કરીને અને તેને તેમના સમાજવાદી મૉડેલમાં બંધબેસતી કરીને ‘ફાસીસ્ટ નરેન્દ્ર મોદી’ અને તેમની સરકારની ઘોર ટીકા કરે છે. નેહરુ, ગાંધી અને સરદાર તો ક્યારનાયે વિરમી ગયા. આજના માહોલમાં નેહરુ અંગે આ ડિબેટ કે ચર્ચાગોષ્ઠિ ચાલી રહી છે. તેની વાત હું થોડી જ વારમાં કરીશ. પણ અત્યારે મહત્ત્વનો મુદ્દો એ છે કે ગરીબી, બેહદ અસમાનતા, બેકારી, નિરક્ષરતા તથા ધર્ધાંધતાને ડામવા નેહરુએ કૉંગ્રેસ પક્ષને મશીનરી તરીકે ગણીને વહીવટી મશીનરી સાથે બરાબર જોડ્યો હતો. ટૂંકમાં કહીએ તો આ રીતે નેહરુએ પંચવર્ષીય યોજનાઓ દ્વારા જબરદસ્ત ઔદ્યોગિક ક્રાંતિ કરી. રાજ્ય હસ્તક ભારે ઉદ્યોગોને ઉત્તેજન આપવું ‘ખાનગી’ સાહસોને સ્થાન ખરું, પણ ઓરમાયું વર્તન કર્યું. ‘Mixed Economy’ના પણ પ્રયોગો થયા. ભારે ઉદ્યોગોની સાથે વૈજ્ઞાનિક અને મૅનેજમેન્ટ સંસ્થાઓ, ઍટોમિક ઍનર્જી કમિશન જેવા નવાચારી પરિબળો નેહરુએ વિકસાવ્યાં. નેહરુએ સંસ્થાકીય માળખાનો ઉપયોગ કરીને ઝડપથી રાષ્ટ્રનું નવનિર્માણ કર્યું. આજે નહેરુની સમાજવાદી નીતિની ભારે ટીકા થાય છે. પણ નેહરુની નીતિ સ્વાભાવિક હતી. સામ્રાજ્યવાદની પકડમાંથી આઝાદ થયેલા એશિયા અને આફ્રિકાના દેશો માટે પણ રશિયન ક્રાંતિ દ્વારા પ્રગટ થયેલા ઔદ્યોગિકીકરણ અને આર્થિક સમાનતાના પ્રવાહો માનસિક અને ભાવાત્મક સ્વરૂપના પ્રેરણાદાયક હતા. બ્રિટિશ શાહીવાદીઓ / મૂડીવાદીઓએ ભારતને બરાબરનો લૂંટીને દરિદ્ર બનાવી દીધો હતો. આમ છતાં પણ બ્રિટિશ શાસનનો આપણે આજે ખૂબ આભાર માનવાનો છે કે તેણે આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત દેશને મૉડર્ન બનાવ્યો હતો. જો મેકોલે ના હોત, તો દેશની દશા કેવી હોત તે પ્રશ્ન વાચકે વિચારવાનો છે. ખુદ નેહરુએ બ્રિટિશ સામ્રાજ્યવાદ દ્વારા થયેલા ભારતના આર્થિક શોષણની ભારે ટીકા કરતાં તેનાં આધુનિક દિશા તરફ લઈ જતા શૈક્ષણિક અને સામાજિક પ્રદાનની પ્રશંસા કરી છે.

નેહરુએ તેમનાં જીવનકાળ દરમિયાન અભૂતપૂર્વ રીતે મોટા ગજાનો ‘ડેમોક્રેટિક પ્રયોગ’ કર્યો. પણ સવાલ આ છે : નેહરુએ ૧૭ વર્ષ સુધી સમાજવાદી પદ્ધતિ અપનાવીને ઔદ્યોગિકીકરણ અને કૃષિનું આધુનિકીકરણ કર્યું હોવા છતાં ગરીબી, નિરક્ષરતા અને અસમાનતા કેમ દૂર ના થયાં ? ઐતિહાસિક દૃષ્ટિએ(hindsight)થી જોઈએ તો એમ લાગે છે કે નેહરુમાં સરદાર પટેલ જેવી સંસ્થા ઉપર પકડ નહોતી. નેહરુ જાણતા હતા કે તેમના કેટલાક વગદાર કૅબિનેટ મંત્રીઓ સમાજવાદી રીતરસમોના વિરોધી હતા. નેહરુએ આંખ આડા કાન ધર્યા. ખુશામતખોરો / ચમચાઓ ઘણી વખત સંવેદનશીલ નેહરુનું દિલ એવું તો બહેલાવતા કે વિશ્વવિખ્યાત કાર્ટૂનિસ્ટ શંકરે નેહરુ અને તેમનાં હજુરિયાઓનું ઠઠ્ઠાચિત્ર દોર્યું તેમાં વડાપ્રધાનને નેહરુ મ્યુિઝક કોન્સર્ટના ડાઈરેક્ટર તરીકે હાથમાં ઇશારા કરે છે અને તે મુજબ તેમનાં પ્રધાનો તબલાં, મંજીરા, સીતાર, હાર્મોનિયમ અને દિલરૂબા વગાડે છે ! દલીલ એ છે કે નેહરુમાં લોકશાહી અને સમાજવાદ અંગેનું વિઝન જબરું હતું. તેમણે આઝાદ ભારતને સ્વાવલંબી, આત્મવિશ્વાસુ અને ઝડપથી આગેકદમ કરતો દેશ જરૂર બનાવ્યો. આમ છતાં જવાહરલાલ ‘નેહરુવિયન સોશ્યાલિઝમ’ને ધારેલા લક્ષ્ય મુજબ પહોંચાડવામાં નિષ્ફળ ગયા હતા. આમ છતાં પણ તેમનું મૂલ્યાંકન કરતાં એક વાત સ્પષ્ટ છે કે નેહરુ આધુનિક નેશન સ્ટેટ અને સિવિલ સોસાયટીના સહુથી વધારે શક્તિશાળી પ્રણેતા હતા. તેઓ નૂતન ભારતના પ્રતિનિધિ અને અને ઘડવૈયા હતા.

આજે ‘ગાંધીયુગ’ અને ‘નેહરુ યુગ’ને આથમી ગયે વર્ષો વીતી ગયાં છે. આજે નવો, નવી આશાઓ સાથેનો ‘નરેન્દ્ર મોદી યુગ’ તપી રહ્યો છે. મોદીએ ‘હિંદુત્વ’ને જરા બાજુએ ખસેડીને સમાજવાદી નેહરુની જેમ ઝડપી ઔદ્યોગિકીકરણ શરૂ કર્યું છે. નેહરુની જેમ નરેન્દ્ર મોદી પણ પક્ષ અને સરકારના ‘બૉસ’ છે. આ દેશમાં ‘બૉસ’ વગર કામ થઈ શકે તેમ નથી. નેહરુની જેમ મોદીનો આદર્શ પણ વિકાસનો લાભ ગરીબો સુધી પહોંચાડવાનો છે. જો નેહરુએ ૧૭ વર્ષ સુધી સમાજવાદનો પ્રયોગ કર્યો તો મોદીને પણ તેમના વિઝન મુજબ થોડાંક વર્ષ કામ કરવાનો અધિકાર છે. કદાચ મોદીનું વિઝન ગરીબી અને અસમાનતા દૂર કરવામાં ઉપયોગી થઈ પણ પડે, પણ ઉપર કહ્યું છે તે પ્રમાણે કેટલાક doctrinaire સમાજવાદી બૌદ્ધિકો નાની, રોજબરોજની વાતોને તેમના ફ્રેમવર્કમાં ગોઠવીને મોદીની આડેધડ ટીકા કરે છે. થોડા બ્રોડ પ્રોફેશનલ અભિગમની જરૂર છે. પ્રોફેસર ભીખુ પારેખ અને પ્રોફેસર ઇન્દિરા હીરવે પણ મોદીના ભારે ટીકાકારો છે, પણ તેઓ પ્રમાણમાં નિષ્પક્ષ રહીને પ્રોફેશનલ ઍંગલથી મોદી ફિનોમીનાને તપાસે છે. આજે વિતંડાવાદની નહીં પણ ડિસ્કોર્સ અને ડાયલોગ થઈ શકે તેવા થિયોરેટિકલ પરસ્પેિક્ટવ અને પ્રૅક્ટિસની જરૂર છે.

એફ-૨, આયોજન નગર, શ્રેયસ રેલવે ક્રોસિંગ પાસે, અમદાવાદ – 380 007

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2014, પાન 09 – 11

Loading

27 January 2015 admin
← બહુમુખી પ્રતિભા ધરાવતા યુગપુરુષ
આંદોલનજીવી ચુનીભાઈ વૈદ્ય →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved