Opinion Magazine
Number of visits: 9504794
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નેહરુ અને ભારતીય અર્થકારણ

રોહિત શુક્લ|Opinion - Opinion|27 January 2015

પ્રાસ્તાવિક

નેહરુના આર્થિક વિકાસના પ્રયાસોને અનેક લોકોએ વિવિધ દૃષ્ટિકોણ અને વૈચારિક આગ્રહો દ્વારા મૂલવવા પ્રયાસ કર્યો છે. ૧૯૯૧થી શરૂ કરાયેલી નવી આર્થિક નીતિના સંદર્ભમાં તો નેહરુને ભારે અન્યાય થયો છે. ‘સમાજવાદ’ શબ્દ સામે પણ સૂગ ધરાવતા હોય તે રીતે પણ ટીકાઓ થઈ છે. આથી, ભારત અને વિશ્વની તે સમયની પરિસ્થિતિ અને તેના સંદર્ભમાં ભારતને નેહરુના નેતૃત્વના ઉપકારક તત્ત્વો વિશે વિચાર કરવાનો અવસર છે.

આઝાદી સમયનું ભારત અને વિશ્વ

ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા તેની ભયાનકતાની કલ્પના પણ થઈ ન શકે. બે દેશો વચ્ચે લગભગ એક કરોડ લોકોનું સ્થળાંતર થયું. લાખો નિરાશ્રિત બન્યા. લગભગ દસેક લાખ લોકોની હત્યા થઈ. આઝાદીનાં પાંચેક વર્ષ પહેલાં, ૧૯૪૨માં બંગાળના દુકાળમાં પાંચ-છ લાખ માણસો ભૂખે મરી ગયા હતા. ભાગલા પડ્યા તે પણ એવી રીતે કે પશ્ચિમ પંજાબનો ‘ઘઉંનો કટોરો’ પાકિસ્તાનમાં ગયો. પૂર્વ બંગાળમાં શણનાં ખેતરો ગયાં અને શણની મિલો પશ્ચિમ બંગાળમાં રહી ગઈ.

આઝાદી સમયે દેશમાં અનાજની માપબંધી હતી, એટલે સુધી કે છત્રી પણ રેશનિંગમાં મળતી. દેશમાં ટાંકણી પણ બનતી નહીં. પેન, બૉલપેન, ઘડિયાળ વગેરે ભાગ્યે જ સાંપડતાં. નિશાળોમાં બરુના કિત્તાને સહીના ખડિયામાં બોળીને લખવામાં આવતું.

વિશ્વની હાલત પણ સાવ ખસ્તા હતી. બીજા વિશ્વયુદ્ધમાં દુનિયા તારાજ થઈ ગઈ હતી. જાપાન ઉપર બે અણુબૉંબ ઝીંકાયા હતા. યુરોપના દેશોએ એકબીજા ઉપર હવાઈ બૉંબવર્ષા કરીને વિનાશ વેર્યો હતો. લાખો યુવાનો લશ્કરી કામગીરીમાં મરણ પામ્યા હતા.

વિશ્વની વૈચારિક ગડમથલ

આ સમયે વિશ્વભરમાં વૈચારિક ગડમથલ અને સંક્રમણ ચાલતાં હતાં. ૧૯૧૭થી ૧૯૪૭નાં ત્રીસ જ વર્ષનો ગાળો એવો હતો કે જેમાં જગતે અનેક ઘટનાઓ અનુભવી. આ ઘટનાઓના કારણે વૈચારિક આંદોલનો જન્મ્યાં. આ ત્રણેક દાયકા દરમિયાન ભારતમાં પણ અનેક મહત્ત્વના બનાવો બન્યા. ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા. ૧૯૩૦માં દાંડીયાત્રા થઈ, ૧૯૪૨માં ભારત છોડો આંદોલન શરૂ થયું, તે દરમિયાન પ્રાંતિક સરકારો દ્વારા સ્વતંત્રતા આપવા માટેના વૈધાનિક રસ્તા વગેરેનો પણ વિચાર થતો રહ્યો.

૧૯૧૭-૪૭ના ગાળામાં વૈશ્વિક સ્તરે ત્રણ મુખ્ય બનાવો બન્યા, જેના વૈચારિક સ્તરે મોટા પ્રભાવો પડ્યા :

(ક) ૧૯૧૭ની બૉલ્શેવિક ક્રાંતિ થવાથી માર્ક્સના વિચારોનું સામર્થ્ય પ્રગટ્યું. તે સમયે કેટલાક બૌદ્ધિકોને લાગ્યું કે આ તો ‘નવા ઈશ્વરનો જન્મ થયો’ કહેવાય ! માર્ક્સનો સામ્યવાદ માત્ર પુસ્તકોમાં રહેલો ઍકૅડેમિક વિચાર જ નથી, પણ તેનો વ્યવહારમાં પ્રયોગ થઈ શકે છે, તે ખ્યાલ ઊભો થયો.

(ખ) ૧૯૨૯-૩૩ની વિશ્વમંદીએ મૂડીવાદી સમાજો અને અર્થતંત્રોની સામે અનેક પ્રકારના પ્રશ્નાર્થ ઊભા કર્યા. મૂડીવાદી અર્થતંત્રો મૂળભૂત રીતે જ અસ્થિર હોય છે અને તેમાં તેજી-મંદી, ભરતી અને ઓટ સતત ચાલતાં જ રહે છે, તેવી ધારણા પ્રબળ બની. મંદીની હાલાકીને કારણે વ્યાપક બેકારી અને ગરીબીની સમસ્યાઓ અમેરિકા જેવા ધનિક દેશમાં પણ ઊભી થઈ. આવી મંદીમાંથી બહાર નીકળવા વાસ્તે કેઇન્સે બતાવેલ ઉપાયોમાં રાજ્યની આર્થિક કામગીરી મોખરાના સ્થાને હતી. જો મૂડીવાદમાં શોષણ ઉપરાંત અસ્થિરતા પણ આંતરરાષ્ટ્રીય તત્ત્વ હોય અને તેના નિવારણ માટે રાજ્યની કામગીરી જરૂરી હોય, તો વિકાસશીલ દેશોમાં પણ રાજ્યનો આર્થિક હસ્તક્ષેપ જરૂરી ખરો કે નહીં, તેવો સવાલ થયો. સરકાર જો અર્થતંત્રને મંદીમાંથી ઉગારવા વાસ્તે ‘ખાડા ખોદો અને પૂરો’ની નીતિ સ્વીકારે, તો ગરીબી-નિવારણ વાસ્તે પણ સરકાર પ્રત્યક્ષ કામગીરી બજાવે તે ઉચિત જ હતું.

(ગ) ૧૯૪૫માં બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું, ત્યારે દુનિયામાંથી શાહીવાદ લગભગ ખતમ થઈ ગયો. અનેક દેશો આઝાદ થયા અને પોતે જ પોતાના ભાગ્યવિધાતા બનવા માંડ્યા. આખું પૂર્વ યુરોપ સામ્યવાદી શાસન હેઠળ આવી ગયું. જગત સામ્યવાદ અને મૂડીવાદ એવી-લગભગ-ગણાય, તેવી-વિભાવનાઓમાં વહેંચાઈ ગયું.

ભારતના સ્વાતંત્ર્યની લડતના વિચારકો કોઈ સંકીર્ણ મતના કે મિથ્યાભિમાની ન હતા. તે આ તમામ વિચારયાત્રાઓ તથા બનાવોને ખૂબ બારીકાઈથી જોતા-સમજતા હતા. તેમાં ય પંડિત નેહરુ તો ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ અને ‘ભારત એક ખોજ’ જેવી વૈચારિક યાત્રાઓમાંથી પસાર થઈ ચૂક્યા હતા. વધારામાં ઇંગ્લૅન્ડમાં પસાર થયેલા તેમના ફૉર્મેટિવ યર્સ દરમિયાન સિડની અને બ્રિએટ્રીસ વેબ અને બર્નાર્ડ શોના ફેબિયન સોશિયાલિઝમનો પણ તેમને પરિચય થયો હતો. ઇંગ્લૅન્ડ જતાં પહેલાં એની બેસન્ટની પ્રેરણાથી થિયોસૉફીમાં થોડોક રસ લીધેલો અને બૌદ્ધ તથા જૈન ધર્મોનો પણ અભ્યાસ કરેલો, પણ ઇંગ્લૅન્ડમાં તેમનો ‘સાયન્ટિફિક ટેમ્પર’ વિકસેલો. આ ઉપરાંત નેહરુ કલાના પણ મર્મજ્ઞ હતા. આ બધાં તત્ત્વો તેમના ઉછેર સાથે વણાઈ ગયેલાં તેમાંથી એક સંવેદનશીલ અને વૈજ્ઞાનિક ઢબે વિચાર કરનાર તથા પ્રગતિશીલતામાં પ્રતિબદ્ધતા ધરાવનાર ‘વ્યક્તિત્વ’ ખીલ્યું હતું.

આર્થિક આયોજન

નેહરુના આર્થિક આયોજનમાં સમાજવાદનું સ્થાન મોખરાનું હતું. ખરેખર તો ભારતમાં ગરીબીની સમસ્યા જ એટલી વિકરાળ હતી કે તેના તરફ આગવું લક્ષ આપ્યા વગર ચાલે તેમ જ ન હતું. આ દિશામાં ઝડપથી આગળ વધ્યા વગર પણ છૂટકો ન હતો. આ માટે ઝડપથી ઔદ્યોગિકીકરણનો માર્ગ ઉપર્યુક્ત હતો. પરંતુ ભારતમાં ઝડપી ઔદ્યોગિકીકરણ માટે ખાનગી ઉદ્યોગસાહસિકોની ક્ષમતા ન હતી. અલબત્ત, ૧૯૧૪ પહેલાં અંગ્રેજ સરકારની નીતિ ભારતને કાચા માલ માટેનું ખેતર અને તૈયાર માલ માટેનું બજાર જ બનાવી રાખવાની હતી. પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ થયું, ત્યારે ભારતમાં પણ થોડાક ઉદ્યોગો હોય તે અંગ્રેજોના હિતને પોષક જણાયું, તેથી તો ૧૯૧૭માં તાતાને જમશેદપુરમાં લોખંડનું કારખાનું સફળતાપૂર્વક ચલાવવાની સહુલિયત મળી. બીજા વિશ્વયુદ્ધમાં પણ ભારતના ઔદ્યોગિકીકરણને ઉપયોગી માનવામાં આવ્યું હતું. પરંતુ ભારતના ઉદ્યોગ સાહસિકો આધુનિક અને મોટા ઉદ્યોગો સ્થાપે કે સફળતાપૂર્વક ચલાવી જાણે તેવું ખાસ બન્યું નહીં. કારણ મોટા ઉદ્યોગો વાસ્તે મૂડી, ટેક્‌નોલૉજી અને જોખમ ખેડવાની સવિશેષ આવડત જરૂરી હતી.

આ સંજોગોમાં ભારતની જરૂરિયાતોની પૂર્તિ માટે માંગપ્રેરિત વિકાસનો માર્ગ વધુ મુશ્કેલ હતો. એ માર્ગે જવામાં વિદેશી મૂડીની સવિશેષ જરૂર પડે તેમ હતું. જો માંગને પહોંચી વળવા આયાતોના દરવાજા ખોલી નંખાય, તો દેશમાં વિદેશી હૂંડિયામણની કટોકટી સર્જાય તેમ હતું. ૧૯૫૩માં વધુ પડતા આયાત-પરવાના આપવામાં આવ્યા હતા, અને તેથી હૂંડિયામણની કટોકટી એવી ગંભીર બની હતી કે વિશ્વ બેંકે ભારતમાં કરાતાં વિદેશી રોકાણો સામે લાલબત્તી ધરી હતી. વિશ્વબૅંકે વિદેશી રોકાણકારોને ચેતવ્યા હતા અને ભારતના રોકાણો ‘અસલામત’ છે, તેમ કહ્યું હતું. અલબત્ત, નાણાભંડોળનો મત આનાથી જુદો હતો. પણ આયાતોનો માર્ગ ખોલવાથી વિદેશી રોકાણકારો આવી પહોંચશે, તેવી ધારણાને તે સમયે સમર્થન મળ્યું ન હતું.

આથી નેહરુએ સરકાર દ્વારા જ અને સુનિયોજિત રીતે આર્થિક વિકાસનાં કદમ ઉઠાવ્યાં. નેહરુના મનમાં દેશના આર્થિક વિકાસ માટે આયોજનનો વિચાર છેક ૧૯૩૮થી હતો. ૧૯૩૮માં નેતાજી સુભાષચંદ્ર બોઝ કૉંગ્રેસપ્રમુખ બન્યા, ત્યારે આર્થિક વિકાસનું આયોજન કરવા વાસ્તે જે સમિતિ બનાવાઈ હતી તેના અધ્યક્ષ નેહરુ હતા.

આમ છતાં, પ્રથમ પંચવર્ષીય યોજના તો ‘યોજના જ ન હતી.’ ‘ફર્સ્ટ પ્લાન વોઝ નો પ્લાન’ કુલ ૪૦ કરોડની માનવવસતીને પાંચ વર્ષ માટે માત્ર રૂ. ૧,૯૬૦ કરોડ મળ્યા હતા. રાજ્ય પાસે જ આવક ન હોય, મૂડી કે બચતો અતિ અલ્પ હોય, ત્યાં રોકાણ શેનું કરે. વળી, આ યોજનાના સમયગાળા (૧૯૫૦-૫૧થી ૧૯૫૫-૫૬) દરમિયાન ૧૯૫૩માં હૂંડિયામણની કટોકટી ઊભી થઈ.

આયોજિત વિકાસનો પદ્ધતિસરનો પ્રારંભ બીજી યોજનાથી થયો. આ યોજના ઘડનાર પ્રોફેસર પી.સી. મહાલનોબિસ હતા. યોજનાનું વિચારબીજ એ હતું કે હાલમાં જે કાંઈ રોકાણ થઈ શકે તેમ હોય તે મૂડી, ઉદ્યોગો(કૅપિટલ ગુડ્‌ઝ ઇન્ડસ્ટ્રિઝ)માં કરવું. તે પછીના તબક્કે ભારે અને મોટાં મશીનો બનાવવા. તે પછી યંત્ર બનાવનાર યંત્રો અને તે પછી વપરાશી માલ બનાવનાર યંત્રો બનાવવાં. સોવિયત સંઘમાં ‘ગોસ-પ્લાન’ અંતર્ગત આવા વિચારો ફેલ્ડમાને રજૂ કરેલા. આથી ઘણાને આપણું આયોજન રશિયન અને તેથી સામ્યવાદી અને તેથી બિનઉપયોગી કે વિરોધપાત્ર જણાયેલું.

મહાલનોબિસ અને ફેલ્ડમાનની કે અર્થશાસ્ત્ર અને આયોજનની પદ્ધતિ કે પ્રક્રિયાની ઊંડી છણાવટમાં ઊતર્યા વગર નેહરુએ જે કર્યું અને તેથી જે પરિણામો મળ્યાં તેનો વિચાર કરીએ. વિચાર, કાર્ય અને ફળ એમ એક સાથે ત્રણે બાબતોને લક્ષમાં લેવાથી નેહરુ વિશે ફેલાવાયેલા અનેક ભ્રમોનું પણ નિરસન થશે.

ભાખરા-નાંગલ, હીરાકુંડ, દામોદર વેલી અને નાગાર્જુન સાગર જેવી વિશાળ સિંચાઈયોજનાઓ નેહરુની દેન છે. તે જ રીતે ભિલાઈ, દુર્ગાપુર અને રૂરકેલા પણ બીજી યોજના દરમિયાન બન્યાં છે. સૌ પ્રથમ આટલા પ્રોજેક્ટ્‌સનો વિચાર કરીએ તો જણાશે કે નહેરુએ ભારતના એક સારા એવા મોટા હિસ્સાની ખેતીને દુકાળની મોસમી અસરોથી મુક્ત કરી દીધી હતી. ૧૯૫૬માં ભારતમાં અન્નસમસ્યા ઊભી થઈ હતી. પણ ૧૯૬૭માં દેશમાં હરિયાળી ક્રાંતિ થઈ અને દેશ, આટલી બધી વસ્તી હોવા છતાં, ખાદ્ય પદાર્થોમાં સ્વાવલંબી બની શક્યો. બીજી તરફ ૧૯૫૭માં ચીનમાં પણ દુકાળ પડ્યો અને ત્યારે ત્રણ કરોડ નાગરિકોનાં મરણ થયાં. આ ઘટનાનું મૂલ્ય સમજવું જોઈએ.

ભારતની હરિયાળી ક્રાંતિનો પાયો

ભારતની હરિત ક્રાંતિનો પાયો માત્ર વિશાળ જળયોજનાઓનો જ છે ? અલબત્ત, સિંચાઈ એક અગત્યની આવશ્યકતા ખરી જ. પણ હરિત ક્રાંતિ માત્ર તે જ કારણે થઈ ન ગણાય. હરિત ક્રાંતિના બિયારણના પ્રયોગો જ્યાં થયા, તે કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના પણ નેહરુના દર્શનને આભારી છે. મૅક્સિકોના ઘઉં અને ફિલિપાઇન્સના ચોખાના મિશ્ર જાતના સંવર્ધનના પ્રયોગો કરવામાં આ યુનિવર્સિટીઓનું પ્રદાન છે.

આ અંગે એક મહત્ત્વનો સવાલ ઊઠે છે. જ્યારે ભાગલા પડ્યા ત્યારે પશ્ચિમ પંજાબ પાસે વધુ સિંચાઈ અને મોટાં ખેતરો હતાં છતાં, હરિયાળી ક્રાંતિ ત્યાં કેમ ન થઈ ? ઘણા અભ્યાસીઓનું માનવું છે કે ભારતમાં હરિયાળી ક્રાંતિ થવા માટે જમીનસુધારા પણ ઉપયોગી બન્યા છે. પાકિસ્તાનના પંજાબમાં જમીનદારી સાથેની એ જ જૂની સામંતશાહી ચાલુ રહી, જ્યારે ભારતમાં સમાજવાદી સંકલ્પના સાથેના જમીનસુધારા થયા તેથી લોકશાહી પણ મજબૂત બની અને કૃષિ યુનિવર્સિટીઓનું વિજ્ઞાન, મુક્ત લોકોની ઉપક્રમશીલતા તથા સિંચાઈ વગેરેની ટેક્‌નોલૉજીગત સગવડો એકઠી થવાથી આ ક્રાંતિ શક્ય બની. નેહરુની દૃષ્ટિનું આ પરિણામ હતું, તે સ્પષ્ટ છે.

વિકાસ અને શાંતિલક્ષી રાજકારણ

નેહરુનું આંતરિક તેમ જ આંતરરાષ્ટ્રીય રાજકારણ વિકાસ અને શાંતિને પોષક હતું. બિનજોડાણવાદની નીતિનો પ્રાદુર્ભાવ તેનું એક મહત્ત્વનું ઉદાહરણ છે. નાસર અને ટીટો સાથેની નેહરુની ત્રિમૂર્તિ વિશ્વના રાજકારણમાં પ્રભાવક નીવડે તેવું કાંઈ હતું જ નહીં, છતાં તેમનું સામર્થ્ય તેમની નૈતિકતામાં હતું. આથી જ કદાચ ૧૯૫૬ની અન્નસમસ્યા વખતે અને તે પછી લાંબા સમય સુધી ભારતને અન્ન તથા દૂધનો પાઉડર અને મૂડી રોકાણની સહાયો મળતી રહી. આવી પ્રભાવકતા ન હોત તો ૧૯૫૭માં ચીનમાં ત્રણ કરોડ લોકોને ભરખી જતા દુકાળથી જે બન્યું, તે ભારતમાં પણ બની શક્યું હોત.

વિકાસનો અનુભવ

લોકશાહી અને સમાજવાદને એકઠાં કરીને સારી રીતે ચલાવવાનો અખતરો ખરેખર તો વ્યક્તિસ્વાતંત્ર્ય અને સમાજલક્ષિતાને એકઠાં કરવા એવો થાય છે. દુનિયામાં વ્યક્તિસ્વાતંત્ર્ય અને સામાજિક ન્યાયની વિભાવનાઓ ભાગ્યે જ એકઠી મળીને ચાલી છે. નેહરુએ આ વાસ્તે બંધારણીય લોકશાહીની વ્યવસ્થામાં રહીને જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનું બનેલું મિશ્ર અર્થતંત્ર રચ્યું. તેનાં પરિણામો ચમત્કારિક હતાં. થોડીક વિગતો જોઈએ.

કોઠો ૧ : આર્થિક વૃદ્ધિનાં વલણો (૧૯૪૮-૪૮/૪૯ ભાવોએ)

__________________________________________________
આર્થિક ક્ષેત્ર      ૧૯૦૧         ૧૯૪૭-૪૮થી          ૧૯૫૦-૫૧થી
                  – ’૪૬-’૪૭     ૧૯૯૯-૨૦૦૦          ૧૯૬૪-’૬૫

__________________________________________________
પ્રાથમિક              ૦.૪                ૨.૫                     ૨.૬
ઉદ્યોગ / મૅન્યુ.       ૧.૫                ૫.૫                     ૬.૮
સેવા                  ૧.૭                ૫.૦                     ૪.૫
જીડીપી               ૦.૯                ૪.૧                     ૪.૦
માથાદીઠ જીડીપી    ૦.૧                ૧.૯                     ૧.૯
વસતી                 ૦.૮                ૨.૦                     ૨.૦
___________________________________________________

સ્રોત : શિવા સુબ્રમણ્યમ (૨૦૦૦) : વીસમી સદીમાં ભારતની રાષ્ટ્રીય આવક.

ઉપરના આંકડાને તપાસતાં જે મુખ્ય મુદ્દા ઊપસી આવે છે, તે નીચે પ્રમાણે છે :

* ૧૯૦૧-૧૯૪૭ના લગભગ પાંચ દાયકા સુધી ભારતીય અર્થતંત્ર સુષુપ્ત દશામાં હતું. માથાદીઠ આવકોમાં એક ટકાના દસમા ભાગ જેટલો વાર્ષિક સરાસરી વધારો થતો. જી.ડી.પી. પણ માંડ એક ટકાના દરે વધતી. કૃષિમાં માંડ અડધા ટકાના દરે વધારો થતો. ઉદ્યોગો અને સેવાનાં ક્ષેત્રો પણ સ્થગિત જેવાં હતાં.

* નેહરુના સમયમાં, એટલે કે ૧૯૫૦-’૬૪ના ગાળામાં તમામ ક્ષેત્રે ઝડપી – વેગવાન – વધારો થયો. અડધા ટકાના દરે વધતી ખેતી ૨.૬ ટકાના દરે વધી. સાથોસાથ, ઉદ્યોગ અને સેવાનાં ક્ષેત્રોમાં પણ ચમત્કારિક વધારો નોંધાયો. આ ત્રણે ક્ષેત્રોના વધારાને લીધે જી.ડી.પી. અને માથાદીઠ આવકોમાં પણ ઝડપી વધારો થયો. જો બે સમયગાળાના ટકાવારી વધારાને ગણીએ, તો આ વેગ વધુ સ્પષ્ટતાથી છતો થાય છે. દા.ત. ખેતીના ૦.૪ ટકાની સાપેક્ષમાં ૨.૬ ટકાનો વધારો થયો એટલે કે વધારાનો દર લગભગ છ ગણો થવાથી છસો ટકાનો વધારે ગણાશે. માથાદીઠ આવક પણ ૦.૧ ટકાને બદલે ૧.૯ ટકાનો વધારો દર્શાવતા બે ટકાવારી વચ્ચેનો ફરક ૧૯૦૦ ટકાનો થશે.

* ત્રીજી નોંધપાત્ર બાબત એ છે કે ૧૯૫૦-’૬૪ અને ૧૯૪૭-૨૦૦૦ વચ્ચેના ટકાવારી વધારા વચ્ચે ખાસ ફરક નથી.

* સૌથી નોંધપાત્ર બાબત માનવવિકાસને લગતી છે. તે સમયે માનવવિકાસના સૂચકાંક અને માપનની ઢબો વિકસી ન હતી. તેથી તેની ચોક્કસ ગણતરી ઉપલબ્ધ નથી. આમ છતાં એક પરોક્ષ નિર્દેશક દ્વારા તર્કને આધારે અંદાજ મૂકી શકાય તેમ છે.

ઉપરના કોઠામાં વસતીવૃદ્ધિનો દર આપેલો છે. ૧૯૦૧-’૪૭ વચ્ચે આ દર ૦.૮ ટકા હતો જે પછીથી ૨.૦ ટકા થયો. આ વધારા માટે જન્મદરના વધારા કરતાં મૃત્યુદરના ઘટાડાને કારણરૂપ માનવામાં આવે છે. આઝાદી પહેલાં મૅલેરિયા, ફ્‌લુ અને ક્ષયરોગને કારણે ઘણાં મૃત્યુ થતાં. આઝાદી પછી સ્વાસ્થ્યસેવાઓમાં સુધારા, વધુ પોષણ અને વધતા શિક્ષણ સાથે સુધરતી સમજને કારણે મરણદરમાં ઘટાડો થયો. લોકોના સરાસરી આયુષ્યમાં પણ વધારો થયો. ૧૯૪૦માં સરાસરી આયુષ્ય ૩૨ હતું, તે ૧૯૫૦માં ૩૭ થયું હતું. ૧૯૬૦માં તે વધીને ૪૩ વર્ષ થયું.

આમ નેહરુના સમયમાં માત્ર આર્થિક વૃદ્ધિ જ નહીં, વિકાસની પણ ચિંતા સેવાઈ હતી. નેહરુના મોડલમાંથી આવો કોઈ પ્રભાવ નીપજે તે કોઈક આકસ્મિક ઘટના હતી કે વૈચારિક આધાર સાથેની ગણતરીપૂર્વકની રચના હતી ? નહેરુએ ‘દેશનું કાંઈ ભલુ કર્યું જ નથી’ એવું માનવા અને પ્રચારવા અતિ ઉત્સુક અને ઉત્સાહી વર્ગના લોકોએ બે-ત્રણ બાબતો વિશે – જો શક્ય હોય તો – વિચારવું ઘટે.

(૧) છેક ૧૯૪૩માં રોઝનસ્ટાઇન રોડન અને ૧૯૭૬માં વાસિલી લિઓન્ટિફ એક સાદી સમજને વૈજ્ઞાનિક રૂપે રજૂ કરે છે. રોડન કહે છે તેમ, અર્થતંત્રમાં ઉદ્યોગોનું અસ્તિત્વ અને વિસ્તાર પરસ્પર સંકલિત ઢબે થાય છે. લિઑન્ટિફ તેને ઇનપુટ-આઉટપુટ કે ઇન્ટર ઇન્ડસ્ટ્રીના માળખામાં જુએ છે. તેનું તાત્પર્ય એ છે કે કોઈ પણ એક ઉદ્યોગ અન્ય અનેક ઉદ્યોગોનાં ઉત્પાદનોને પોતાના ઇનપુટ-નિક્ષેપ-તરીકે વાપરે છે. દા.ત. રસોડામાં વપરાતા મિક્સ્ચર-ગ્રાઇન્ડરમાં તાંબાના વાયર, પ્લાસ્ટિક અને સ્ટીલ વપરાયાં છે. પણ આ ત્રણે ઉદ્યોગો અન્ય અનેક ઉદ્યોગોની પેદાશો વાપરે છે. આખરે લોખંડ, સ્ટીલ, ખનિજ, વીજળી, રસ્તા, ટ્રક, રબર, ડીઝલ, પ્લાસ્ટિક વગેરે અનેક ઉદ્યોગો પરસ્પરના સંકલનમાં ચાલે, તો જ અડચણો કે અવરોધો વગરનો વિકાસ થાય. નેહરુએ જાહેર ક્ષેત્ર દ્વારા પ્રારંભના સમયમાં આ કામ કરી બતાવ્યું.

(૨) નેહરુએ પોતાના ‘વૈજ્ઞાનિક ટેમ્પર’ને એક પછાત અને સંકીર્ણ મનોદશાથી પીડાતા દેશમાં બરાબર સજાવીને ફેલાવ્યો. ચંડીગઢ અને ગાંધીનગર જેવાં શહેરો તેમના સમયમાં વિકસ્યાં. ૧૯૬૧માં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્‌નોલૉજી ધારો ઘડ્યો. મુંબઈ (૧૯૫૮), મદ્રાસ (૧૯૫૯), કાનપુર (૧૯૫૯), દિલ્હી (૧૯૬૧) જેવી ટેક્‌નોલૉજીની ઇન્સ્ટિટ્યૂટ્‌સ અને અમદાવાદ જેવી આઈ.આઈ.એમ. નહેરુના દૂરદર્શીપણા અને વૈજ્ઞાનિકતાની સમજના પરિપાક રૂપે વિકસી. ભારતની પુરાતન ભવ્યતાને પાછી સજીવન કરવા દેશને પાછો પુરાતનવાદી બનાવવાને બદલે તેમણે વિજ્ઞાનનો સાથ લીધો. ટેક્‌નોલૉજી અને વિજ્ઞાનની સંસ્થાઓને કારણે આજે દેશ મંગળ યાન મોકલી શક્યો છે.

(૩) જોએલ મોકીર નામના ઔદ્યોગિકીકરણ અને ઇતિહાસના સંશોધક જણાવે છે તેમ, ઔદ્યોગિક ક્રાંતિને માત્ર જી.ડી.પી.ના વધારા કે આંકડા રૂપે મૂલવી ન શકાય. તે તો બે સમાજો વચ્ચેનો ગુણાત્મક ફેર બતાવે છે. નેહરુજીની સિદ્ધિઓ પણ આ રીતે માત્ર આર્થિક સ્તરની રહેતી નથી. તેમના ૧૭ વર્ષના શાસનકાળમાં ભારતીય સમાજ ઘણો બદલાઈ ગયો. તેમના જ સમયમાં ભરાયેલાં પગલાં શરૂઆતમાં બીજ રૂપે હતાં પણ પછીથી વટવૃક્ષ બન્યાં. દા.ત., સ્વાસ્થ્ય બાબતે તેમના સમયની કામગીરીને લીધે વસ્તીવૃદ્ધિનો દર બે ટકા થયો. આજના ડેમોગ્રાફિક ડિવિડંડ – યુવા ભારતની પાછળ આ પેઢી ઊભી છે.

નેહરુએ લીધેલાં પગલાંનું આજે પુનરાવર્તન કરવાની કોઈ જરૂર ન જ હોય. પરંતુ તેમનું સુનિશ્ચિત ચિંતન અને ભારતના ભાવિ વિશેના ‘ટ્રીસ્ટ વીથ ડેસ્ટિની’નાં સ્વપ્ન અને કલ્પન તે સમયના ત્રસ્ત અને દાઝેલા તથા પીડિત ભારત માટે દિલાસો અને સાંત્વનરૂપ હતાં. તેમણે લોકોને છેતર્યા નથી, ખોટાં વચનોમાં ભરમાવ્યા નથી પણ દુઃખમાં સહારો અને નિરાશામાં ઉત્સાહ પૂરાં પાડ્યાં છે. તે સમયના અને ત્યાર પછીના વિશ્વમાં ભાગ્યે જ કોઈ નેતાએ આ કામ કરી બતાવ્યું છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2014, પાન 06 – 09

Loading

27 January 2015 admin
← બહુમુખી પ્રતિભા ધરાવતા યુગપુરુષ
આંદોલનજીવી ચુનીભાઈ વૈદ્ય →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved