છેવટે, કૈં નહીં તો કેશુભાઈ પટેલના વારાથી – ખાસ કરીને એમની ફેરતાજપોશી અને ફેરહકાલપટ્ટી વખતથી – 'પટેલ પાવર' સુરખીઓમાં છે. એમ તો, જોકે, ચિમનભાઈ પટેલ આસપાસ પણ 'ધરતીપુત્ર' કહેતાં પાટીદાર પ્રભામંડળ ક્યાં કામ નહોતું કરતું ! ખરું જોતાં, માધવસિંહ સોલંકી અને બાબુભાઈ જશભાઈ પટેલનું વારાફરતી ગાદીએ આવવું એમાં પણ ક્ષત્રિય અને પટેલના વારાફેરા વાંચી તો શકાય. આમ પણ, ભાઈકાકાએ ધીંગી કોઠાસૂઝને સહારે ગુજરાતમાં 'પક્ષ'ની સરળસટ્ વ્યાખ્યા ક્યાં નહોતી કરી કે પટેલનો 'પ' અને ક્ષત્રિયનો 'ક્ષ' મળે એટલે પક્ષ. ભલા ભાઈ, તમારે મમ્મમ્ થી કામ છે કે ટપટપથી.
આ વ્યાપક નિરીક્ષણ (જેમાં તબક્કે તબક્કે છાયાભેદ અને ઝોકફેરને અવશ્ય અવકાશ છે) કરવા પાછળનો તત્કાળ ધક્કો ગાંધીનગર મતવિસ્તારમાં કૉંગ્રેસે વડાપ્રધાન ઈન વેઇટિંગ એવા લાલકૃષ્ણ અડવાણી સામે ઉમેદવારપસંદગીમાં પટેલ કાર્ડ રમવાનો જે ખેલ પાડ્યો તેનાથી લાગેલો છે. ઘવાયેલી પટેલ લાગણી એમ તો, ભાવનગર મતવિસ્તારમાંથી ગોરધન ઝડફિયાની કૉંગ્રેસ – ભાજપ બેઉને બાજુએ મૂકી શકતી, વિજયક્ષમ ઉમેદવારી રૂપેય આ દિવસોમાં પ્રગટ થવા કરે છે. થોડાં વરસ પર સુરતમાં એનસીપીના પ્રફુલ્લ પટેલ, કૉંગ્રેસના દિનશા પટેલ, વિહિપના પ્રવીણ તોગડિયા અને તે વખતના ભાજપ માંહેલા ગજેરા વગેરેની સામેલગીરી સાથે મોટું રાવણું ભેળું મળેલું તે મોદી ભાજપને હટાવી ભલે ન શક્યું હોય ; પણ એનો કંઈક ને કંઈક ફૉલ આઉટ કેશુભાઈ પટેલની દુર્નિવાર રાજકીય નિવૃત્તિ પછી હાલની ચૂંટણીમાંયે જોવા મળે છે.
ઉલટ પક્ષે, રાજકીય વિજનવાસ જેવા આ દિવસોમાં માધવસિંહ સંતોષનો શ્વાસ લઈ શકે કે ક્યારેક મેં જેમ ક્ષત્રિયવિસ્તરણ શો ઓબીસી-ખામ વ્યૂહ અજમાવેલો, કંઈક એવી જ બી ટીમ ઓણ મોદીએ ઉતારી છે. સોલંકીએ સવિશેષ સંતોષ બલકે ગૌરવ લેવા જેવી વિગત જોકે એ પણ છે કે વરસોવરસ સૌથી સફળ, સૌથી લોકપ્રિય, સૌથી કાબેલ મુખ્યમંત્રી તરેહની તરજ પર હોર્ડિંગ – હાહાકાર મચવતા મોદી હજુ મત અને બેઠકોનો મારો (સોલંકીનો) વિક્રમ તોડી શક્યા નથી. (માત્ર, જેમ એમને યાદ હશે તેમ મોદીને પણ યાદ હોવું જોઈશે કે વિક્રમ બેઠકો અને વિક્રમ મતો છતાં જવાનીયે નોબત આવતી હોય છે.)
આ જે પટેલ પરિબળ, ક્યારેક ભાજપને બહુધા ફળેલું તો હાલ કૉંગ્રેસે પોતાની તરફેણમાં લેવા ચાહેલું, એનાં મૂળકૂળ આખરે છે શું. કેશુભાઈ પટેલનો જ દાખલો લો ને. આમ તો એ ખેડા પંથકના કેશુભાઈ દેસાઈ હોત, કુટુંબપરંપરાએ. પણ રોજગાર કે બીજા તકાજા એમને સૌરાષ્ટ્રમાં લઈ ગયા – એ સૌરાષ્ટ્રમાં, જે કાઠિયાવાડ કે ગોહિલવાડ અગર તો સોરઠ મટીને નવરૂપ લઈ રહ્યું હતું. ઢેબરભાઈની પ્રગતિશીલ સરકારે ગરાસદારી નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય લીધો અને તે સામંતી પકડ જતાં એક નવો કણબી, નવો ખેડૂત, નવો પટેલ પડમાં આવ્યો. તેથી આ નવા પ્રભાવશાળી વર્ગને (કેશુભાઈના હિંદુત્વને જે વર્ગના હોવું ફળ્યું તે વર્ગને) સામંતશાહી એટલે શું અને એમાં પાછા ફરવાપણું કેમ ન હોવું જોઈએ એની કશીક તો ખબર અને કંઈકે અહેસાસ હોવાં ઘટે છે.
અને હવે ખેડામાં, કહો કે ચરોતરમાં ને મધ્ય ગુજરાતમાં જઈએ. રોકડિયો પાક અને ગાયકવાડી ગામો પૂરતી કેળવણી બેઉ ફળ્યાં. તમે જુઓ, ખેડાની લડત હોય – જેમ કે રાસ અને બોરસદની – બધામાં પટેલો જાનમાલના જોખમે સામેલ થયા. પેટલીકર સાથે વાત કરતાં આ ઘટનાક્રમને ઠીક સમજવાનું બન્યું છે. જમીનમાલિકને નાતે પટેલને, પોતે કોઈના ઓશિયાળા નથી એવી જે ખુમારી હતી એમાં એને સ્વાતંત્ર્યસૈનિક બનાવતું ટિમ્બર પડેલું હતું. પણ આ કહ્યા પછી પેટલીકર માંહેલો સમાજસુધારક ને સમાજહિતચિંતક એ કહેવાસમજાવવાનું ચૂકતો નહીં કે અમે પાટીદારો (જમીનમાલિકો) જમીન વગરનાને – ઈતર કોમને વહવાયું કહેતા. ભલભલા સ્વાતંત્ર્યસૈનિકોને, આ ઈતર કોમને સમકક્ષ નાગરિક તરીકે સ્વીકારતાં મુશ્કેલી પણ પડી હશે. નાતનો વરો કરવાનો જે પાટીદારનો ગુણ, તે ગાંધીયુગના રાજકારણ (ખરું જોતાં સ્વરાજકારણ)ને પ્રતાપે ગામ આખાની સંભાળ લેતી નવી નેતાગીરી રૂપે ઠીક ઠીક વિકસ્યો પણ હશે. બાબુભાઈ જશભાઈનો કટોકટી પ્રતિકાર કાળ એનું અચ્છું નિદર્શન પૂરું પાડે છે.
ગમે તેમ પણ, આ પિછવાઈ પર એક સવાલ ગુજરાતના પાટીદાર સમાજની ખિદમતમાં પ્રસ્તુત છે : તમે સામંતશાહીમાંથી છૂટનાર તરીકે તેમ સ્વાતંત્ર્યસૈનિકને નાતે રાજકીય પ્રભાવ અને પકડતી નવી સામંતશાહી ઇચ્છો છો કે પછી સમાજના બાકી તબકાઓની બાલાશ જાણતા વર્ગ તરીકેની કાર્યભૂમિકા વિકસાવવા ઇચ્છો છો. માધવસિંહ સોલંકીથી માંડીને વિશ્વનાથ પ્રતાપ સિંહને પરિણામે જે બધાં ઓબીસી – ખામ પરિબળોને રાજકીય પ્રવેશ મળ્યો એમાં ઓબીસી – ખાસ (મુસ્લિમના 'મ'ને બદલે સવર્ણનો 'સ')ને ધોરણે મોદી પણ વડા લાભાર્થીઓ પૈકી છે. આ સૌ જૂનાનવા લાભાર્થીઓએ જાતને, બાકી જમાતને અને જમાનાને જે વાતે જવાબ આપવાનો છે તે એ છે કે તમે અત્યારે જે મુકામ પર છો ત્યાં બેસીને નાતજાતને ધોરણે ડંખીલી-એકસૂરીલી જમાવટ કરવી છે કે એના આગલા પડાવ એટલે કે નાગરિક સમજ લગી પહોંચવું છે.
સુરેશ પટેલનું 'પટેલ' હોવું અડવાણીને હંફાવી શકે, જેમ અડવાણીનું 'હિંદુ' હોવું એ બીજાને હંફાવી શકે : પટેલ – હિંદુની આ બબાલમાં નાગરિક બચાડો ક્યાં. કૉંગ્રેસ શ્રેષ્ઠીઓ અને ભાજપ શ્રેષ્ઠીઓ હાલ જે ધોરણે હટાણું કરવા (મતમૃગયાએ) નીકળી પડ્યા છે એમાં એમને આ કોણ પૂછે.
ગ્રામસમાજમાં જેમ ભૂમિહીન અને હરિજન (વર્ગ અને વર્ણ) લગભગ પર્યાયવત્ છે તે જ રીતે જમીનો એનએ કરતેકરાવતે અસ્તિત્વમાં આવેલો નવો સુખી મધ્યમવર્ગ અને ઉજળિયાતો બહુધા પર્યાયવત્ છે. સવાલ, આ નવસુખિયાએ (જેમ ઉજળિયાતે) બાકીનાને સમાવતું, પ્રચકારતું, આગે બઢાવતું રાજકારણ ખીલવવાનો છે. કૉંગ્રેસ અને ભાજપ, પોતપોતાના ટેકેદાર વર્ગમાં આવું કોઈક વલણ કે રુઝાન કેળવી શકે ખરા !
૧૬ મે નાં પરિણામો સાથે પહેલાબીજાત્રીજાચોથા મોરચાનાં જે સમીકરણો ચાલશે એમાં જો આવા કોઈ વલણ ને રુઝાન માટેની અભિમુખતા હશે તો તે ટૂંકજીવી સરકારોની શક્યતા છતાં એક નવા ઉઘાડની આશા સંપડાવશે.