પંદરમી લોકસભાની રચના માટે જરૂરી એવી ચૂંટણી પ્રક્રિયામાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું છે તો બીજા તબક્કાના મતદાન માટે ત્રણ દિવસની વાર છે. આ બે તબક્કાની વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર નીદામંગલમ્ (એન) ગોપાલસ્વામી આજે નિવૃત્ત થાય છે. સામાન્ય ચૂંટણીઓના કાર્યક્રમ વચ્ચે ચૂંટણી કમિશનર નિવૃત્ત થતા હોય તેવી ઘટના પહેલીવારની છે. એમ તો તેમના કાર્યકાળમાં ઘણું બધું પહેલીવારનું થયું છે. ત્રણ કમિશનરોના બનેલા પંચના મુખિયા એવા કમિશનર સાથી ચૂંટણી કમિશનર અંગે રાષ્ટ્રપતિને ફરિયાદ કરે તેવી ઘટના પણ પહેલી જ વાર બની હતી.
મિત્રો જેમને લાડમાં 'ગોપુ' કહે છે તેવા ગોપાલસ્વામી ગુજરાત સાથે નાતો ધરાવે છે. તેઓ ૧૯૬૬ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. સેન્ટ સ્ટીફન્સ કોલેજના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂકેલા તેઓ સનદી અધિકારીઓ માટે ફરજિઆત ગણાતી અન્ય ભાષાની પરીક્ષામાં ગુજરાતી ભાષાની પરીક્ષામાં બીજા સ્થાને આવ્યા હતા. આઈએએસ અધિકારી રૂપે તેમને પહેલું પોસ્ટિંગ સુરતમાં મળ્યું હતું. ઉદ્યોગોથી ધમધમતા સુરત શહેરને સારામાં સારી નાગરિક સુવિધાઓ મળે તે દિશામાં કામગીરી કરીને તેઓ એટલા લોકપ્રિય થયા હતા કે સ્થાનિક રાજકીય નેતાઓ તેમને એમ કહેતા કે તેઓ ચૂંટણીમાં ઉમેદવારી કરે તો સહેલાઈથી ચૂંટણી જીતી જાય. નેતાઓ જેમને ચૂંટણી લડવાની સલાહ આપતા હતા તે ગોપાલસ્વામી સમય જતાં દેશના મુખ્ય ચૂંટણી કમિશનર પદે આવ્યા અને આજે નિવૃત્ત પણ થાય છે. કપાળે તિલક કરતા અને વેદ-ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ ધરાવતા ગોપાલસ્વામીની પ્રમાણિકતા વિશે સહેજ પણ શંકા હોય તો આ કિસ્સો પણ યાદ રાખવા જેવો છે. એક સ્થાનિક નેતા તેમને લાંચ આપવા માટે પાંચ હજાર રૂપિયા રોકડા લઈને ગયા તો પોલીસને બોલાવતાં પહેલાં તેમણે એ સમયના મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈને ફોન કરીને જાણ કરી હતી.