જેમની સામાન્ય અને પ્રચલિત ઓળખ ‘બંધારણના ઘડવૈયા’ તરીકેની છે, તે ડૉ.આંબેડકર આઝાદી પહેલાંના ભારતના સૌથી તેજસ્વી નેતાઓમાંના એક હતા. ‘પંડિત’નું વિશેષણ બ્રાહ્મણો માટે અનામત ન હોત તો બાબાસાહેબ અવશ્ય ‘પંડિત આંબેડકર’ તરીકે ઓળખાયા હોત.
શિક્ષિત બન્યા પછીનો સંઘર્ષ
ભારતના ઘણા રાજનેતાઓના આરંભિક જીવનમાં સંઘર્ષ જોવા મળે છે, પણ ૧૪ એપ્રિલ, ૧૮૯૧ના રોજ જન્મેલા ભીમરાવ સકપાળ તરીકે જન્મેલા ડૉ.આંબેડકરે વેઠેલાં કષ્ટ જુદાં પ્રકારનાં હતાં. બીજા કોઇ નેતાને અસ્પૃશ્યતા જેવા સ્વમાન હણનારા, અમાનવીય દૂષણનો સામનો કરવો પડ્યો ન હતો. આંબેડકર બંધારણના ઘડવૈયા અને ‘આઘુનિક મનુ’ તરીકે ઓળખાયા ત્યાર પછી પણ તેમના પ્રત્યેનો ભેદભાવપૂર્ણ વ્યવહાર ઓછાવત્તા અંશે ચાલુ રહ્યો. ‘એક દલિત ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરે તો પણ સરેરાશ બિનદલિતોની નજરે એ દલિત જ રહે છે’ એ કડવું સત્ય ડૉ.આંબેડકરને સતત પીડતું રહ્યું.
હવે રૂઢિચુસ્તોનાં દેખાવ-ભાષા-બોલચાલ બદલાયાં છે, પણ દલિતો પ્રત્યે ફક્ત તેમની જ્ઞાતિને કારણે હૃદયથી તુચ્છકાર સેવનારા હજુ આંગણવાડીથી આઇઆઇએમ-આઇઆઇટી સુધી મોટી સંખ્યામાં છે. તેમના અસ્તિત્ત્વનો ઇન્કાર કરીને, ‘ભણો એટલે બઘું સમુંસૂતરૂં થઇ જશે’ એવા ઉપદેશો આપનારા ભોળા છે કે ભોળવી રહ્યા છે. કાયદો, ભણતર અને સામાજિક જાગૃતિ- આ ત્રણ બાબતોના સમન્વય વિના દલિતોના મૂળભૂત અધિકારો સુનિશ્ચિત કરવા અઘરા છે- ‘દલિતોદ્ધાર’ તો બહુ દૂરની વાત છે. કુલ વસ્તીમાંથી મુઠ્ઠીભર દલિતોને ગાડી-બંગલામાં રહેતા કે અત્યાચાર પ્રતિબંધક ધારાનો દુરૂપયોગ જોઇને અનામત પ્રથાને ગાળો દેનારા- ‘અન્યાય’ની બૂમો પાડનારા ન્યાયપ્રેમીઓને એક નિયમલેખે ગામના છેવાડે અથવા શહેરોમાં અલગ સોસાયટીમાં વસતા દલિતો દેખાતા નથી. ડૉ.આંબેડકરના સમયના બીજા અન્યાયોની લાંબી યાદીમાં પણ હજુ ખાસ ઘટાડો થયો નથી.
ડૉ.આંબેડકરને સમજાઇ ચૂક્યું હતું કે દલિતોને ચૂંટાવા માટે બિનદલિતોના શરણે જવાનું થાય, તો ‘પક્ષની શિસ્ત’ના નામે સમાજનાં હિત ગિરવે મુકવાં પડશે. એ માટે તેમણે અલગ મતદારમંડળની માગણી કરી હતી, જેમાં દલિત ઉમેદવારોને ફક્ત દલિત મતદારો ચૂંટે એવી જોગવાઇ હતી. ગાંધીજીના ઉપવાસ અને પૂના કરારને કારણે એ માગણી
ડૉ.આંબેડકરને પડતી મુકવી પડી. તેની લાંબા ગાળાની અસર તરીકે, અનામત બેઠકની જોગવાઇથી દલિત ઉમેદવારો ચૂંટાય છે તો ખરા, પણ તેમની વફાદારી સમાજ પ્રત્યે નહીં, રાજકીય પક્ષો પ્રત્યે રહે છે.
માયાવતી જેવાં દલિત નેતા એક તરફ પોતાની જાતને વડાપ્રધાનપદ માટેનાં ઉમેદવાર ગણાવે છે, પણ એમનું શાસન ધરાવતા ઉત્તર પ્રદેશમાં પોલીસને એવી સૂચના આપવામાં આવી છે કે દલિતો દ્વારા થતી બળાત્કાર અને ખૂન સિવાયની બીજી ફરિયાદો નોંધવી નહીં. ભારતની રાજકીય પરંપરા પ્રમાણેના બેફામ ભ્રષ્ટાચારમાં માયાવતી પાછળ નથી, પણ તેમના ભ્રષ્ટાચાર સામે આંગળી ચીંધવામાં આવે ત્યારે ‘બીજા જેટલો જ તેમને ભ્રષ્ટાચાર કરવાનો અધિકાર છે’ એવો બચાવ કરવામાં આવે છે. ડૉ.આંબેડકરે આવો બચાવ માન્ય રાખ્યો હોત? એ સવાલ ગૌણ બની ગયો છે.
પહેલી ચૂંટણીમાં જુસ્સાભરી જીત
ગાંધીજી ભારતમાં ભલે એક પણ રાજકીય ચૂંટણી ન લડ્યા હોય, ડૉ.આંબેડકરે આઝાદી પહેલાં અને પછી સક્રિય રીતે ચૂંટણીઓમાં ઝંપલાવ્યું, જીત્યા, હાર્યા, સૈદ્ધાંતિક સમાધાનો કર્યાં, પછડાટો ખાધી અને લોકશાહી પદ્ધતિની મર્યાદાઓનો જાતઅનુભવ લીધો.
તેમના માટે ચૂંટણીનો પહેલવહેલો પ્રસંગ ૧૯૩૭માં આવ્યો. અંગ્રેજી સરકારે એ વર્ષે પહેલી વાર પ્રાંતોની ધારાસભાની ચૂંટણી યોજી. નવાઇ લાગે એવી વાત એ છે કે ડૉ.આંબેડકરે ૧૯૩૬માં, ચૂંટણીના થોડા સમય પહેલાં સ્થાપેલા રાજકીય પક્ષનું નામ ‘સ્વતંત્ર મજૂર પક્ષ’ હતું. એ સમયના રાજકારણમાં મજૂર વર્ગનો ‘ઇજારો’ સામ્યવાદીઓ અને સમાજવાદીઓનો હતો, પણ ડૉ.આંબેડકરે રાજકીય પક્ષના માઘ્યમથી ફક્ત દલિતોની વાત કરવાને બદલે ‘ભૂમિહીન, ગરીબ ગણોતિયા, ખેડૂતો અને ઔદ્યોગિક કામદારો’ની સમસ્યાઓ આવરી લીધી.
‘સ્વતંત્ર મજૂર પક્ષ’ના સૂચિત કાર્યક્રમોની યાદીમાં ગણોતિયાના હકો, સરકારની માલિકી હેઠળ ચાલતા ઉદ્યોગો, ઔદ્યોગિક કામદારોને મળતી સુવિધાઓ અને ધર્માદા સંસ્થાઓમાં પડી (સડી) રહેલાં વધારાનાં નાણાંનો ઉપયોગ શિક્ષણ માટે કરવા જેવી યોજનાઓ હતી. મજૂરહિતના બહાને સામ્યવાદીઓ મજૂરોમાં અસંતોષ ભડકાવીને પોતાની રાજકીય ખીચડી પકાવી રહ્યા છે, એવી ડૉ.આંબેડકર સહિત ઘણા નેતાઓની માન્યતા હતી. એટલે ડૉ.આંબેડકરનો પક્ષ સામ્યવાદીઓ માટે પડકારરૂપ હોય એવું પણ કેટલાકને લાગ્યું.
ડૉ.આંબેડકરના ચરિત્રકાર ડૉ.ધનંજય કીરે આપેલી પક્ષના કાર્યક્રમોની યાદીમાં દલિત સમાજ વિશેનાં પગલાંનો ખાસ ઉલ્લેખ જોવા મળતો નથી, પણ કામદારહિતનાં અનેક આઘુનિક કહેવાય એવાં પગલાં તેમાં સૂચવાયાં છે. ‘સ્વતંત્ર કામદાર પક્ષ’નો વ્યાપ અખિલ ભારતીય નહીં, પણ મુંબઇ રાજ્ય પૂરતો મર્યાદિત હતો. મુંબઇ ધારાસભાની ૧૭૫ બેઠકોમાંથી ૧૫ બેઠકો દલિતો માટે અનામત હતી. મુંબઇ રાજ્યની તમામ અનામત બેઠકો ઉપરાંત ડૉ. આંબેડકરે સામાન્ય બેઠકો પરથી પણ સમાનતાના સંઘર્ષમાં સાથી એવા કેટલાક બિનદલિત ઉમેદવારોને ઉભા રાખ્યા. ચૂંટણી માટે કરવાં પડતાં સમાધાનનો એક નમૂનો એ હતો કે ડૉ.આંબેડકરે સનાતની અને રૂઢિચુસ્ત એવા ‘લોકશાહી સ્વરાજ્ય પક્ષ’ના નેતા ભોપટકર સાથે સહયોગ સાઘ્યો. ભોપટકર અને કેળકર જેવા નેતાઓ ડૉ. આંબેડકરની જેમ, ૧૯૩૫માં રચાયેલા નવા બંધારણનો બને એટલો ઉપયોગ કરી લેવાના મતના હતા, જ્યારે કોંગ્રેસ એ બંધારણની તરફેણમાં ન હતી.
બંધારણ બાબતે એકમત છતાં, રૂઢિચુસ્તોના ગઢ પૂનાનો સનાતની બ્રાહ્મણ આક્રમક દલિત નેતા તરીકે જાણીતા ડૉ.આંબેડકરને ટેકો આપે અને તેમનો ટેકો મેળવે, એ ચૂંટણીકારણની તાસીર હતી. માયાવતીએ વર્ષો પછી ભલે તેને ‘સોશ્યલ એન્જિનિયરિંગ’ જેવું નામ આપ્યું હોય. આખરે તો એ જીતેલી બેઠકોનો આંકડો વધારવાની વ્યૂહરચના કે મજબૂરી હતી. તેની મશ્કરી કરતાં મજૂર નેતા એન.એમ.જોશીએ ડૉ.આંબેડકરને એક ગામઠી બોધકથા ટાંકીને કહ્યું હતું,‘અહો, હયા યુતિમુળે તુમચે ગાઢવ હી ગેલે આણિ બ્રહ્મચર્ય હી ગેલે.’ (આ ગઠબંધનથી તમે ગધેડો ખોયો ને બ્રહ્મચર્ય પણ ખોયું!) ચૂંટણીના રાજકારણનો તકાદો સમજી ચૂકેલા ડૉ.આંબેડકરનો ક્ષોભ વગરનો જવાબ હતો,‘ગેલે તર ગેલે, પણ કામ તર ઝાલે.’ (ગયું તે ગયું, પણ કામ તો થયું!)
ડૉ.ધનંજય કીરે નોંધેલા અન્ય એક પ્રસંગથી પણ ચૂંટણીની તાસીરનો ખ્યાલ આવશેઃ હિંદુમાંથી મુસ્લિમ બનેલા સિંધ પ્રાંતના એક ઉમેદવારે મુસ્લિમોમાં એવો પ્રચાર શરૂ કર્યો કે ‘તમે મને- હિંદુમાંથી મુસ્લિમ બનેલાને- મત આપશો, તો ડૉ.આંબેડકર ધર્મપરિવર્તન માટે ઇસ્લામની પસંદગી કરશે.’ આ ઉમેદવારના હરીફ બેનઝીર ભુત્તોના દાદા- અને ચૂંટણીનાં થોડાં વર્ષ પછી જૂનાગઢ રાજ્યના દિવાન બનેલા શાહનવાઝ ભુત્તો હતા. તેમણે ડૉ.આંબેડકરને તાર કરીને ખુલાસો પણ પૂછાવ્યો હતો. ડૉ.આંબેડકરના ઇનકાર પછી ભુત્તોને હાશ થઇ.
૧૭ ફેબુઆરી, ૧૯૩૭ના રોજ યોજાયેલી આ ચૂંટણીનું પરિણામ પણ વિશિષ્ટ આવ્યું. મુંબઇમાં ડૉ.આંબેડકર જીતી ગયા, પણ પૂણેમાં રૂઢિચુસ્ત પક્ષના ભોપટકર કોંગ્રેસી ઉમેદવાર સામે હારી ગયા. ડૉ.આંબેડકરના પક્ષના ૧૭માંથી ૧૫ ઉમેદવાર જીત્યા અને તેમણે પહેલી વાર, ગીતાના સોગંદ લેવાનો ઇન્કાર કરીને, ધારાસભામાં પ્રવેશ કર્યો. આ ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો કેવો હશે તેનો ખ્યાલ આપતી એક વાતઃ જવાહરલાલ નેહરૂએ તેમના એક દલિત નોકરને ચૂંટણીમાં ઉભો રાખ્યો હતો અને એ જીતી પણ ગયો!
પરાજયની પરંપરા
દેશની આઝાદીનાં બે વર્ષ પહેલાં અંગ્રેજ સરકારે સામાન્ય ચૂંટણી યોજવાની જાહેરાત કરી, ત્યારે આંબેડકરનો રાજકીય પક્ષ હતોઃ ‘શીડ્યૂલ્ડ કાસ્ટ ફેડરેશન’. તેના પ્રચાર માટે ડૉ.આંબેડકર અમદાવાદ પણ આવ્યા હતા, જ્યાં માનવવાદના પ્રણેતા એમ.એન.રોય સાથે તેમની મુલાકાત થઇ. ૩૦ નવેમ્બર, ૧૯૪૫ના રોજ અમદાવાદની નગરપાલિકાએ ‘ડૉ.આંબેડકર, એમ.એ.,પીએચ.ડી, ડી.એસસી., બાર-એટ-લૉ’ ને એક સમારંભ યોજીને માનપત્ર આપ્યું.
‘શેડ્યૂલ્ડ કાસ્ટ ફેડરેશન’ની માગણીઓ હતીઃ ‘વિધાનસભામાં અનામત બેઠકો, શાસનવ્યવસ્થામાં સ્થાન, શિક્ષણ માટે પૂરતા પ્રમાણમાં અનુદાન અને ગામડામાં જમીનની ફાળવણી.’ ચૂંટણીપ્રચારની અતિશયોક્તિપૂર્ણ શૈલીમાં ડૉ. આંબેડકરે સોલાપુરની એક સભામાં જાહેરાત કરી કે ‘શેડ્યૂલ્ડ કાસ્ટ ફેડરેશનના ઉમેદવારો નહીં ચૂંટાય તો હું કોંગ્રેસના શરણે જઇને ધોળી ટોપી પહેરી લઇશ અને કોંગ્રેસમાં જોડાઇ જઇશ.’ પરંતુ દેશના સ્વાતંત્ર્ય પહેલાંની આ મહત્ત્વની ચૂંટણીમાં ડૉ.આંબેડકરના પક્ષનો આકરો પરાજય થયો.
સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંડળમાં વડાપ્રધાન નેહરૂના આમંત્રણથી કોંગ્રેસના કટ્ટર ટીકાકાર એવા ડૉ.આંબેડકર કાયદાપ્રધાન બન્યા અને બંધારણ ઘડનારી સમિતિના પ્રમુખ તરીકે પણ નીમાયા. હિંદુ કોડ બિલના મુદ્દે સરકારની ઢીલી નીતિ સહિત બીજા વાંધાને કારણે તેમણે ૯૫૨ની પહેલી લોકસભા ચૂંટણી પહેલાં રાજીનામું આપ્યું. પહેલી લોકસભા ચૂંટણીમાં ડૉ.આંબેડકરના પક્ષ શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન સહિત બીજા બધા પક્ષો કોંગ્રેસતરફી મોજામાં ધોવાઇ ગયા. ડૉ.આંબેડકર પણ નારાયણરાવ કાજરોળકર નામના કોઇ સ્થાનિક કોંગ્રેસી સામે હારી ગયા. કારણ કે એ સમય એવો હતો, જ્યારે કોંગ્રેસના પ્રતીક પર થાંભલો પણ ઊભો રહે તો એ ચૂંટાઇ આવે. મતદારોએ દેશની આઝાદી માટે લડત આપનાર પક્ષ તરીકે કોંગ્રેસને ખોબલે ને ખોબલે મત આપ્યા હતા.
સક્રિય રાજકારણથી દૂર ન રહી શકતા ડૉ.આંબેડકર એ જ વર્ષે રાજ્યસભાની ચૂંટણીમાં ચૂંટાઇને સંસદમાં પહોંચ્યા. ૧૯૫૪માં તે લોકસભાની સમાજવાદી નેતા અશોક મહેતાના સહકારથી પેટાચૂંટણી લડ્યા. તેમાં અશોક મહેતા જીત્યા, પણ કોંગ્રેસી નેતા સામે ડૉ.આંબેડકરનો પરાજય થયો. આમ, ભારતના બંધારણના ઘડવૈયા અને પહેલા કાયદાપ્રધાન એવા ડૉ.આંબેડકર સ્વતંત્ર ભારતમાં કદી ચૂંટાઇને લોકસભામાં સાંસદ તરીકે બિરાજી શક્યા નહીં. તેમણે રાજ્યસભાના સભ્યપદથી સંતોષ માનવો પડ્યો. ચૂંટણીમાં વ્યક્તિની પ્રતિભાનું મહત્ત્વ કેટલું ઓછું ને પક્ષનું મહત્ત્વ કેટલું વધારે છે, તેનો સ્વતંત્ર ભારત માટે એ પહેલો પાઠ હતો.