બેસતાં અને સંકેલાતાં વિક્રમ વરસોના સંધિદિવસોમાં હરિયાણા અને મહારાષ્ટ્રનાં વિધાનસભા પરિણામોને કઈ રીતે જોશું વારુ ? હરિયાણા અને મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં મળેલા મતોને મુકાબલે ભા.જ.પ.ના મતો ઓછા છે એ જો એક વાસ્તવકથન છે તો તેથી સહેજ પણ ઓછું નહીં એવું વાસ્તવકથન એ પણ છે કે અખિલ હિંદ મુખ્ય પક્ષ બનવા તરફની ભા.જ.પ.ની ગતિ અનિરૂદ્ધ છે, અને ક્યારેક કૉંગ્રેસની હતી એવી પ્રભાવક ઉપસ્થિતિ માટેનો એનો પથ એક અર્થમાં પ્રશસ્ત વરતાય છે. મહારાષ્ટ્રમાં એને ધાર્યું પરિણામ (એટલે કે સુવાંગ પોત્તીકી સાદી બહુમતી) હાંસલ ન હોય તો પણ સૌથી મોટા પક્ષ તરીકેનું એનું ઉભરવું, એ પેલી અખિલ હિંદ અનિરુદ્ધતાના મનોવૈજ્ઞાનિક સમર્થનને બેલાશક દૃઢાવે છે.
આ ઘટનાક્રમમાં કૉંગ્રેસનું ઉત્તરોત્તર સંકોચન જો સ્પષ્ટ દેખાય છે તો એટલું જ સ્પષ્ટ એ પણ દેખાય છે કે ભા.જ.પે .આગેકૂચની આ પ્રક્રિયામાં પોતાના પ્રાદેશિક ભેરુઓ અને ભિલ્લુઓની બાલાશ જાણવાની દરકાર લગભગ છોડી દીધી છે. મહારાષ્ટ્રમાં જેમ ભા.જ.પ.ની તેમ શિવસેનાની બેઠકો પણ વધી છે તે સાચું; પણ રાજકીય પ્રભાવમાં શિવસેનાની સરસાઈ ઓજપાઈ ગઈ છે એ પણ એટલું જ સાચું છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એન.સી.પી.)એ ભા.જ.પ.ને અંગે સમર્થનનો ભાવ પ્રગટ કર્યો કે શિવ સેના અને ભા.જ.પ. વિચારધારાકીય જોડકાં હોવા છતાં અલગથલગ જેવાં જણાયાં એનો એક અર્થ એવો પણ થઈ શકે કે આ પરિણામો રાજકીય નવજોડાણની સંભાવના પ્રગટ કરનારાં છે.
ક્યારેક કૉંગ્રેસની બી ટીમ રહેલી શિવ સેના એના યુતિ વર્ચસ્ પછી હવે જે તબક્કામાં છે એને પણ સમજવાની જરૂર છે. હિંદુત્વ અને મરાઠી માણૂસ એની બુનિયાદ રહેલી છે. તે સાથે ક્યારેક દક્ષિણ ભારતીય કે કવચિત્ ગુજરાતી અને લગભગ બધો વખત મુસ્લિમ એવું ધિક્કાર – નિશાન શિવસેનાની ખાસિયત રહી છે. પોતાને ‘પોઝિટિવ સેક્યુલરિઝમ’ના ખાનામાં ખતવતા હિંદુત્વવાદી ભા.જ.પે. શિવસેનાની કોમી તાસીરને પ્રાદેશિક ઓળખ ધરાવતા પક્ષના લેબલ તળે સતત ક્લીન ચિટ પણ હમણાં સુધી આપેલી છે. ગમે તેમ પણ, શિવ સેનાની ‘મરાઠી માણૂસ’ અપીલ હવે પૂર્વવત્ નથી. એનું સીધું કારણ કદાચ એ છે કે નવી પેઢીને – ખાસ કરીને ‘એસ્પિરેશનલ મિડલ ક્લાસ’ને – આ બધા જૂનાપુરાણા બોજ અને લપસીંદરને મુકાબલે નવી વિકાસ અપીલ ખપે છે જેનું સપનું મોદી ભા.જ.પે. ઠીક વેચી જાણ્યું છે.
કૉંગ્રેસનું સતત સંકોચન, પ્રાદેશિક પક્ષોને સ્થાને (અગર તેમના છતાં) નવી એક પક્ષ પ્રભાવ પ્રક્રિયા, આ બધું પોતે કરીને ક્યારેક સૌએ સ્વપ્નેલ સ્વસ્થ દ્વિપક્ષ પ્રથાના ઉદયની સંભાવના વ્યક્ત કરતું વરતાય તો એ સમજી તો શકાય, પરંતુ તે ગ્રાહ્ય જણાતું નથી એવો અધીન મત પણ અહીં નિઃસંકોચ દોહરાવવો જોઈએ.
કૉંગ્રેસ(અગર તેને હસ્તક એક પક્ષ પ્રભાવ પ્રથા)ની વિકલ્પભૂખ પૂર્વે અપેક્ષિત અને અભિમત કોઈ બે વિશેષણ અને વિશેષતા રહ્યાં હોય તો તે ‘સ્વચ્છ’ અને ‘સ્વસ્થ’ દ્વિપક્ષપ્રથાનાં છે. કૉંગ્રેસ કાળક્રમે જે રીતના ‘ઇંદિરા કલ્ટ’માં દેખીતી રાજકીય લબ્ધિ છતાં અધોગતિ પામી, છેલ્લા ગાળામાં ભા.જ.પ.ની મોદીગતિ બહુ ઝડપથી એ જ પ્રતિમાન અને પરિમાણ ધારણ કરી રહી છે. મની પાવર અને મસલ્સ પાવરના ઉપયોગમાં હવે કૉંગ્રેસના વિક્રમો ભા.જ.પ. સન્મુખ હાંફતા બલકે અસ્તંગમિતમહિમા વરતાય છે. કાળાં નાણાં વિષયક વીરવાણીમાં બહાદૂરીપૂર્વક પીઠેહઠ ભા.જ.પ.ના રાજકીય ચારિત્ર્યનું દુર્દૈવ વાસ્તવ પ્રગટ કરે છે; અને આપણી પ્રજાસૂય પછડાટનો સિલસિલો બરકરાર રાખે છે.
આ સંજોગોમાં ભા.જ.પ.ની લાયકાત અહીં પૂર્વે પણ કહેવાનું બન્યું છે તેમ સબ્સ્ટિટ્યૂટ(બદલીબંધુ)ની હોય તો પણ યથાર્થ-યથાર્હ વિકલ્પ(ઑલ્ટરનેટિવ)ની નથી. સફાઈ ગાંધી અને ચાચા નેહરુ આદિને ઉપરછલ્લા કો-ઓપ્ટ કરીને ભા.જ.પ. રંગરોગાનની ફિરાકમાં હોય તો પણ સ્વરાજઆંદોલનમાં ગાંધીનેહરુપટેલ આદિએ જે વિશ્વદર્શન વિકસાવ્યું અને સ્વાતંત્ર્યોત્તર તબક્કામાં રોય, આંબેડકર, લોહિયા, જયપ્રકાશ આદિએ એને જે રીતે ઉર્જિત, સંમાર્જિત, સંસ્કૃત કર્યું તેની સામે હિંદુત્વ રાજનીતિનો હાલનો મુકામ વસ્તુતઃ જનમનરંજન અને સ્વપ્નવંચનથી વિશેષ નથી.
હમણાં કહ્યું કે બેઉ એક જ વિચારધારાનાં છતાં શિવ સેના અને ભા.જ.પ. વચ્ચેનો ફરક સેનાને નહીં પકડાયેલા એવા વિકાસમુદ્દાનો છે. એસ્પિરેશનલ મિડલ કલાસ – અભીપ્સુ યુવા મધ્યમ વર્ગ પરત્વે ‘જાદુનગરીસે આયા કોઈ જાદુગર’ (જે જરૂર પડ્યે ‘ઝાડુનગરી’ અને ‘ઝાડુગર’નો પણ ખેલ પાડી શકે) તરેહનો મોદી દોર ચાલુ છે. ‘વિકાસ’ પરત્વે વાસ્તવબોધ કમ અને પ્રચારભૂરકી ઝાઝી એવો ઘાટ છે. સંપોષિત અને સહભાગી વિકાસની વિભાવના આ મોદી વિમર્શ ઉર્ફે પ્રચારઝુંબેશમાં અક્ષરશઃ અગરાજ છે.
મહારાષ્ટ્રમાં હિંદુત્વ રાજનીતિના વિકાસવેશી વિસ્તરણ સાથે દેશના સ્વરાજવિમર્શ વિષયક એ બુનિયાદી પ્રશ્નો ઊભા થાય છે જે એક સૈકાથી પણ વધુ વર્ષો પૂર્વે ગાંધી-સાવરકર લંડનમાં એકમંચ થયા ત્યારે નાટ્યાત્મક રીતે, કહો કે જગતતખતે આવ્યા હતા.
‘હિંદ સ્વરાજ’ની વિચારણા અક્ષરબદ્ધ કરવા તરફ જઈ રહેલા સત્યાગ્રહી ગાંધી અને હિંદુત્વને પરિભાષિત કરવા તરફ જઈ રહેલા ક્રાંતિવીર સાવરકર બેઉ કને પોતપોતાનો ઇતિહાસબોધ હતો અને પોતપોતાની રીતે ઇતિહાસકર્તવ્યની સમજ પણ હતી. આ સંદર્ભમાં અહીં પૂરી ચર્ચામાં નહીં જતાં એટલું જ કહેવું બસ થશે કે એક અભિગમ ભારતીય સંસ્કૃિત અને પશ્ચિમની વૈકલ્પિક વિચારણાઓના સંમિલનમાંથી વિશ્વમાનવતાની ભૂમિકાએ નવી દુનિયા ભણીનો હતો તો બીજો રાષ્ટ્ર-રાજ્યની યુરોપિયન અવધારણા સ્વીકારી (માનસિક સંસ્થાનવાદપૂર્વક), એમાં સાંકડા રાષ્ટ્રવાદને સંભરનારો હતો. ગાંધી આજે એલ.પી.જી. રેજિમ સામે પડકાર બનીને ઊભો છે, સાવરકર પરંપરામાં મોદી રાજ અંધ વિકાસવાદ ભણી ધસી રહ્યું છે.
સાંકડા રાષ્ટ્રવાદમાં નહીં બંધાયેલા અને વિશ્વમાનવતાના સંસ્પર્શે ઝંકૃત નેહરુને મિશ્ર અર્થતંત્રરૂપે લોકશાહી સમાજવાદની અપીલ અવશ્ય હતી, પણ વિકાસની એમની અવધારણા ઔદ્યોગિક ક્રાંતિ, ઔદ્યોગિકીકરણની અને યંત્રવાદ આદિમાં નિબદ્ધ હતી. સ્વરાજપૂર્વ વરસોમાં ગાંધીએ આ મુદ્દે પોતાના ‘વારસ’ને જાહેરમાં પડકારતાં સંકોચ કર્યો નહોતો. ૧૯૬૨-૬૩માં એક તબક્કે નેહરુએ ગૃહમાં કહ્યું પણ હતું કે ગાંધીનો રસ્તો વિચારણીય હતો. ગાંધી-કલમે વિકસત-વિલસંત લોકશાહી સમાજવાદ કે પછી લોકશાહી સમાજવાદના પાસ સાથેનો ગાંધીમાર્ગ એ વૈશ્વિકીકરણની દુર્નિવાર ગતિમાં કદાચ એક એવું સંબલ છે જે ‘વિકાસ’ થકી વધતા વંચિતોની હાલની અનવસ્થાને સ્થાને માનવીય વ્યવસ્થા શક્ય બનાવે.
સૈકાથી વધુ વરસો પૂર્વે લંડનમાં ગાંધી-સાવરકર એકમંચ થયા ત્યાંથી લઈને આટલે લાંબે પને ચર્ચા વિસ્તારવાનો આ અભિગમ ખાસ તો વિકલ્પવાંછના મોદી ભા.જ.પ.માં ગંઠાઈ જાય તે કોઈ જવાબ નથી એ સમજાવવા સારુ લીધો છે. આર્થિક ચર્ચાને જગદીશ ભગવતી જ નહીં અમર્ત્ય સેન સ્કૂલથી પણ આગળ લઈ જવાની જરૂરત જ્યારે સમજાશે ત્યારે એ મુદ્દો પણ સ્પષ્ટ થઈને રહેશે કે આજે જે ભૂખ ભાંગતું જણાય છે તેનાથી ભાવઠ ભાંગવાની નથી.
ગમે તેમ પણ, વાતથી શરૂઆત આપણે ચૂંટણીથી કરી હતી તો તે સમેટીએ પણ સહેજસાજ ચૂંટણીચર્ચા સાથે જ : બિહાર અને ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણીનાં પરિણામો મોદી ભા.જ.પ. સામે ઠપકાની દરખાસ્ત રૂપ હતાં, પણ કેટલાક પક્ષોએ મળીને બેઠકોમાં અંકગણિતની દૃષ્ટિએ આણેલો એ ફેરફાર કોઈ રાસાયણિક પ્રક્રિયા તો બનતાં બનશે. જ્યાં સુધી સત્તાપક્ષ(ભા.જ.પ.)નો સવાલ છે, આપણે એના દિલ્હીદાવને આતુરતાથી જોઈશું. જોઈએ, એ નવેસર લોકચુકાદા ભણી જવાનું ઔચિત્ય પ્રમાણે છે કે પછી રઘુકુલરીતિ છાંડીને આયારામ ગયારામ વ્યાયામમાં સલામતી શોધે છે.
દરમ્યાન, ભૂખ અને ભાવઠ વચ્ચે, બદલી દાવ અને વિકલ્પ વચ્ચે વિવેક કરી શકતી જ્યોતિ નવે વરસે ઓર ઝગો !
ઑક્ટોબર ૧૯, ૨૦૧૪
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2014
![]()

