Opinion Magazine
Number of visits: 9508010
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંસ્કૃતિને જીન્સ નડી જાય !?

તેજસ વૈદ્ય|Opinion - Opinion|16 October 2014

'બ્લૂ' આ શબ્દ પડઘાય એટલે કેટલાંકના મનમાં આકાશ ફરી વળે અને કોઈના મનમાં જીન્સ! જેના મનમાં બ્લૂ રંગ સાથે જીન્સની કલ્પના આવે એ નક્કી કોઈ જુવાનિયો કે જુવાનડી હોવાનાં. જગતમાં જીન્સ એકમાત્ર એવી ચીજ હશે જે ફેશનજગતમાંથી ક્યારે ય આઉટ ઓફ ડેટ થતી નથી. ઢગલાબંધ ચીજો ફેશનના ફુલેકે ચઢીને પરવારી ગઈ પણ જીન્સ હજી ય બચ્ચનની જેમ અણનમ છે. જીન્સ જેમ જેમ જૂનું થતું જાય છે એમ એમ જવાન થતું જાય છે. જીન્સને કોઈ ઉંમર હોતી નથી, એટલે જ ઝભ્ભો-લેંઘો પહેરનારા જીન્સ પહેરે ત્યારે થોડા જવાન લાગે છે. ઘેર ઘેર માટીના ચૂલાની જેમ જીન્સ પણ હવે ઘેર ઘેર પહોંચી ગયાં છે.

૯૦ના દાયકામાં ચેનલો પર મ્યુિઝક વીડિયોની બહાર ઊઘડી હતી. દર બીજે દિવસે કોઈ ને કોઈ મ્યુિઝક આલબમ બહાર પડતાં હતાં. તમને કદાચ યાદ હોય તો એમાં પાકિસ્તાની ગાયક અલી હૈદરનું સોંગ 'પુરાની જીન્સ ઔર ગિટાર ..' જબરું હિટ ગયું હતું. લગભગ યુવાહૈયાની એન્થમ બની ગયું હતું. જીન્સની ખરી મજા હોસ્ટેલલાઇફ જીવનારા દોસ્તોને ખબર હોય છે. એક રૂમમાં ચાર દોસ્તો રહેતા હોય અને એક જીન્સ ચારે ય જણા પહેરતાં હોય. એ ચારેય દોસ્તો 'એક જીન્સિયા યાર' કહેવાય.

આમ તો મજૂરો માટે જ બનેલું જીન્સ જ્યારે ફેશન સ્ટેટમેન્ટ બની ગયું ત્યારે એ અમીરોનો ઇજારો બની ગયું હતું. જીન્સના દામ એટલા મોંઘા હતા કે આમ આદમી માટે જીન્સ ખરીદવું એ સપનું હતું. ત્યાર પછી ૮૦ના દાયકામાં થયેલી જીન્સક્રાન્તિના પ્રતાપે એના ભાવ આમ આદમીને પરવડે એવા થયા હતા. એ પછી કોમનમેન જીન્સવાળો કોટનમેન થયો. અલબત્ત, આજે પણ ખિસ્સાના ગાભા કાઢી નાખે એવા મસમોંઘા જીન્સ મળે જ છે, સાથોસાથ ખિસ્સાને ગમે એવા બ્રાન્ડેડ જીન્સ પણ મળે છે. ટૂંકમાં જીન્સ આજે સમાજમાં અમીર-ગરીબના વર્ગભેદ મિટાવતું વસ્ત્ર છે.

સમાજમાં કેટલીક વહુઓ સાસુ સામે બંડ પોકારવા ખાસ જીન્સ પહેરે છે. વહુને સાસુ સાથે ન બનતું હોય અને ખબર પડે કે સાસુનો આગ્રહ છે કે વહુએ જીન્સ ન પહેરવાં અને માત્ર સાડીમાં જ મહાલવું. આ નિયમ કમને નભાવી લેતી વહુઓ સાસુ સાથે વાંકું પડે ત્યારે ક્યારેક જીન્સ-ટી-શર્ટ પહેરીને પોતાનો ઝાંસીની રાણી બ્રાન્ડ મૂડ બતાવે છે.

સ્ત્રી અને પુરુષને તેમના ભેદ મિટાવીને માત્ર 'વ્યક્તિ'ની ફ્રેમમાં એકસરખાં બેસાડી દેવાનું કામ બાહ્યરૂપે જીન્સે કર્યું છે. તેથી સમાજમાં આજે સ્ત્રીને સ્ત્રી તરીકે કે પુરુષને પુરુષ તરીકે ન જોતાં માત્ર 'વ્યક્તિ'ની નજરે જોવાનો જે સમાન દૃષ્ટિકોણ વિકસ્યો છે એમાં જીન્સની પણ પાયારૂપ ભૂમિકા છે. જીન્સ વિશેના આવા પ્રસંગો લખવા બેસીએ તો તાકા ભરાય.

હવે થોડા અલગ ટ્રેક પર …

સુરમઈ અખિયોં મેં …., કા કરું સજની આયે ના બાલમ .., ગોરી તેરા ગાંવ બડા પ્યારા … દક્ષિણના ગાયક યસુદાસનાં ગીતો સાંભળીએ એટલે કાનમાં જાણે મધ ઘોળાય. જો કે, યસુદાસે હમણાં જીન્સ પહેરવાના મામલે જે સ્ટેટમેન્ટ આપ્યું એનાથી તો કાનમાં ઝેર ઘોળાય. યસુદાસે કહ્યું હતું કે, "મહિલાઓએ જીન્સ પહેરીને અન્ય લોકો માટે સમસ્યારૂપ ન બનવું જોઈએ. જીન્સ જેવા પોષાક સામે આપણી સંસ્કૃિતનો વિરોધ રહ્યો છે. આપણી સંસ્કૃિતમાં સાદગી અને સૌમ્યતા મહિલાઓનો મહત્ત્વપૂર્ણ ગુણ છે એવું કહેવામાં આવ્યું છે."

યસુદાસ તમે તો ભારે કરી !

જીન્સ જેટલાં ફેશનમાં બારમાસી છે એટલાં જ ચર્ચા અને વિવાદમાં પણ બારમાસી છે. જીન્સને લઈને હંમેશાં ટીકા-ટિપ્પણી થતાં રહે છે. જીન્સને મુદ્દે વર્ષે બે-ચાર ઘટનાઓ કે વિવાદાસ્પદ નિવેદનો ર્સુિખયોમાં ચમકતાં જ રહે છે. આ વખતે યસુદાસે એને હવા આપી. આ ઓગસ્ટમાં ઉત્તર પ્રદેશની એક ગ્રામપંચાયતે ગામની યુવતીઓને જીન્સ પહેરવા પર પાબંદી મૂકી હતી. પંચાયતનો દાવો હતો કે જીન્સ જેવાં આપત્તિજનક કપડાં પહેરવાથી છેડતીના બનાવ વધે છે.

લખનૌ નજીકના બાગપત જિલ્લાના ધિકોલી ગામમાં તો વળી અજબનો કિસ્સો જોવા મળ્યો હતો. ત્યાંના ભારતીય કિસાન મોર્ચાએ એવો ફતવો જાહેર થયો હતો કે ગામમાં જો જાટ સમાજની યુવતી જીન્સ પહેરેલી જોવા મળશે તો ગામના સરપંચ પાસેથી વીસ હજાર રૂપિયા વસૂલવામાં આવશે. થયું એવું કે મોરચાએ પોતે અગાઉ યુવતીઓ જીન્સ ન પહેરે એ માટે હાકલ કરી હતી, પણ યુવતીઓએ હાકલ ગણકારી જ નહોતી, તેથી મોરચાએ સરપંચને માથે જવાબદારી ઝીંકી દીધી હતી.

ખાપ પંચાયતોને તો જીન્સ સાથે બાપે માર્યાં વેર છે. મુઝફ્ફરનગરની બત્રીસા ખાપ પંચાયતે ત્રણ વર્ષ અગાઉ ગામમાં યુવતીઓ પર જીન્સનો પ્રતિબંધ મૂક્યો હતો. કારણ દર્શાવતાં કહ્યું હતું કે યુવતીઓ જીન્સ પહેરે છે એને લીધે યુવકોના મન વિચલિત થાય છે. ખાપ પંચાયતે તો એવી એક સ્ક્વોડ પણ બનાવી હતી કે જે ગામમાં બાજનજર રાખે કે કોઈ કન્યા જીન્સ પહેરીને નીકળી તો નથી ને. મુઝફ્ફરનગરના જ દુધાહેડી ગામમાં તો જીન્સની હોળી પણ કરવામાં આવી હતી.

આવા સમાચારો વાંચીને હસવું આવે કે આપણે કેવા ભારતમાં જીવી રહ્યા છીએ? જીન્સનો પ્રતિબંધ અને એ પણ પાછો યુવતીઓ માટે જ. આવા ફતવા જાહેર કરનારાઓ હજી પણ પરંપરાયુગમાં જ જીવે છે અને અન્ય લોકોને પણ એમાં એ રીતે જ જીવવા ફરમાન કરે છે. જીન્સના વાંધાવિરોધથી તેમની માનસિકતા છતી થાય છે. આવા લોકોનું એક ટિપિકલ બહાનું હોય છે કે જીન્સને લીધે ભારતીય સંસ્કૃિત જોખમાય છે.

અરે ભાઈ ! ભારતીય સંસ્કૃિત કાંઈ લજામણીનાં ફૂલ જેવી છે જે જીન્સ માત્રથી દુભાઈ જાય? જીન્સથી છોકરાઓનાં મન વિચલિત થતાં હોય તો મંદિરોમાં કંડારાયેલી અપ્સરાઓની મૂર્તિઓ તો વધારે લલચાવનારી હોય છે. આપણાં સાંસ્કૃિતક મંદિરોમાં અપ્સરાની એકેય મૂર્તિ તમને એવી નહીં જડે જેણે નખશિખ કપડાં પહેર્યાં હોય. તમે બુરખા જડેલી અપ્સરાઓ જોઈ છે? આપણી અપ્સરાઓ શૃંગારરસના અંબારથી રસઝરતી હોય છે અને માંડ સમ ખાવા પૂરતાં કપડાં પહેર્યાં હોય છે, સોરી માત્ર આભૂષણ જ વીંટાળ્યાં હોય છે. એ પણ આપણી સંસ્કૃિત જ છે. વળી, જે યુગપુરુષો કે કલાકારોને લીધે સંસ્કૃિતને ઘાટ મળ્યો છે એ લોકોએ ક્યારે ય કોઈ સાંસ્કૃિતક આધિપત્યના દાવા નોંધાવ્યા નથી ત્યારે પંચાયતો ક્યારથી સંસ્કૃિતની ઠેકેદાર બની ગઈ?

ખાપ પંચાયતોને મૂળે વાંધો અલગ હોય છે. તેમને એમ હોય છે કે યુવતીઓ જીન્સ પહેરે એટલે આઝાદ મિજાજની થઈ ગઈ કહેવાય. જીન્સવાળી કન્યા કાબૂમાં કે મર્યાદામાં નથી એમ તેઓ માને છે. જે તેમના અહમને માફક નથી આવતું. જીન્સ તેમના અહમ્ પર ઘા કરે છે. ફતવો ભલે તેઓ સાંસ્કૃિતક ઠેકેદાર થઈને બહાર પાડે, પણ મૂળે ઘવાતો તેમનો પૌરુષિક ઇગો હોય છે. જે તેમને પંપાળવો હોય છે એના માટે તેઓ સંસ્કૃિતના ખભે બંદૂક મૂકે છે. ખાપ પંચાયતવાળાનો મૂળભૂત ઇરાદો એ હોય છે કે કન્યા કાબૂમાં જ રહેવી જોઈએ અને જીન્સ પંચાયતવાળાઓની એ અહમ્ સંતોષી વ્યવસ્થામાં કેમિકલ લોચો ઊભો કરે છે.

આવાં છૂટક બનાવો કે નિવેદનોને લીધે ન તો જીન્સ પહેરાતાં ઓછાં થયાં છે કે ન તો સંસ્કૃિતને ઊની આંચ આવી છે. જીન્સ પહેરો અને જલસા કરો. બાય ધ વે, તમે છેલ્લે ક્યારે તમારું જીન્સ ધોયું હતું!?

e.mail : tejas.vd@gmail.com

ગુજરાત એટલે જીન્સનું ગુરુત્વકેન્દ્ર

ઉદ્યોગ સાહસિકતાને લીધે ગુજરાત કેટલા ય અર્થમાં કેડી કંડારનાર રહ્યું છે. ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ માત્ર દોઢેક દાયકામાં નથી થયો કે ન તો કોઈ ચોક્કસ રાજકીય માહોલને કારણે થયો છે. ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત હંમેશાં પ્રગતિકારક રહ્યું છે એનું શ્રેય રાજ્યના ઉદ્યોગસાહસિકોને જાય છે. ગુજરાતની દૂધક્રાંતિ તો જાણીતી છે, પણ ગુજરાતની જીન્સક્રાંતિ એટલી નથી જાણીતી. અમદાવાદ, રાજકોટ, અમેરિકા, લંડન, કરાંચી, લાહોર, કોલંબો કે કલકત્તામાં કોઈ સ્ટોરમાંથી તમે ઇન્ટરનેશનલ બ્રાન્ડનું જીન્સ ખરીદશો તો એ જીન્સ પર માર્કો ભલે વિદેશી બ્રાન્ડનો હોય, પણ એનું કાપડ તો અમદાવાદમાં જ તૈયાર થયું હશે. દુનિયાની મોટાભાગની ટોચની બ્રાન્ડ્સથી લઈને દેશમાં જીન્સની વિવિધ પહેરવેશ પ્રોડક્ટ બનાવતી અલગ અલગ કંપની પાસે ડેનિમ અમદાવાદમાંથી જાય છે, તેથી જીન્સનો જે દેશ-વિદેશમાં વ્યાપ છે કે જીન્સ આમ આદમીનો પહેરવેશ બની શક્યું છે. એમાં ગુજરાતનું અને ખાસ કરીને અમદાવાદનું સિંહપ્રદાન છે.

જીન્સ – એક ઇતિહાસિક કવિતા

દઇ પલાંઠી, આંખ મીચીને વાહ વાહ કરતાં
લ્યો ભણોજી જીનિયોલૉજી

પાઠ્યક્રમમાં બ્લૂ જીન્સનો સાર
Pre-requisive માણસનો અવતાર
 
પ્રસ્તાવના એ કે
જન્મ્યા એટલે shrink થવાનાં
Wrinkle ઢગલાબંધ પડવાની
અને અંતમાં fade થવાનું
 
આજ સુધી આખી દુનિયામાં કુલ બનેલાં
સવ્વા ત્રણ અબજ
જીન્સ પહેરતી Texan blondes
કલકત્તાની કામિનીઓ
કાઉબૉયઝ ને કંઇક દેશના પ્રેસિડન્ટો
હિપ્પીઓ ને હીરોલોગ
સોશ્યલાઈટ્સ અને સાક્ષર સારસ્વતો
 
હિસ્ટોરિકલ વાતોમાં લો મિક્સ કરો ભૈ કાવ્યોલૉજી
લ્યો ભણોજી જીનિયોલૉજી
 
જીનનો ઉદ્દભવ ક્યાંથી કેમ અને એની આ વાત
બ્લૂ જીન્સ પણ પશુપ્રાણીઓ માણસ જેવી અન્ય જીન્સની જાત

નિમ્સ નામના નાનકડા એક ફ્રેંચ ગામનું કપડું
કહેવાયું એ fabric de nims
de nimsમાંથી બની ગયું ડેનિમ !
 
ગામલોક પરસેવો પાડી જે પણ ગૂંથે કાંતે વણે
શહેરી લોકો પુસ્તકરૂપે ક્લાસરૂમમાં ભણે
 
ડેનિમ કપડું બદલી નાખતું ભલભલાની સાયકોલૉજી
લ્યો ભણોજી જીનિયોલૉજી
 
દુનિયા આખી જેને એના ફર્સ્ટ નામથી જાણે
કથા એ વીરની તમે સાંભળો હવે પરાણે
 
1829માં
લિવાઇ સ્ટ્રોસનાં જીન જન્મ્યાં ત્યાંથી બોલો શ્રી ૧ા
૧૮૫૩માં
૨૪ વરસે
બાપુ સાનફ્રાંસિસ્કો આવ્યા
સોનાની ખાણોને વેચ્યું
Contestoga wagons અને તંબુઓ માટે
કૅન્વાસનું કપડું
 
Should – a brought pants'
ખાણિયાઓએ કહ્યું,
‘Pants don't wear worth a hoot in the diggins’
ખાણિયાઓએ કહ્યામાં જ ઉમેર્યું.
 
કડકડતું કૅન્વાસ લઈ
દોડયો લિવાઈ દરજીની દુકાને
એમ બન્યું પહેલવહેલું જીન્સ પહેરવાને
ફ્રિસ્કોના એ ખાણગામમાં
'Those pants of Levi'sના
પડી રહ્યા હાકલા
બોલી રહ્યો દેકારો
લિવાઈના નામના થ્યા જયકારો
 
આ કાવ્યમાં નહીં ચાલે કોઇ ફેંકોલૉજી
લ્યો ભણોજી જીનિયોલૉજી
 
જીન માત્ર માણસનાં ગાત્ર
માણસ માત્ર જીનને પાત્ર
 
જન્મી ઉછરી રંગ બદલતાં બની જાય જેમ હૂબહૂ
કોપી ટુ કોપી એમ
માણસની જેમ
જીન જન્મ્યાંતાં brown, પણ બની ગયાં બ્લૂ
 
ક્વૅશ્ચન – બેસ્ચન હોય કાંઈ તો લ્યો લગાવો પૂછોલૉજી
લ્યો ભણોજી જીનિયોલૉજી
 
છોકરીઓની જેમ બને છે જીન્સ
અલગ અલગ બસ્સોને ચોવીસ સાઈઝોમાં
છોકરાઓની માફક
ગણીને ડેનિમની છે છવ્વીસ જાત
 
જીન્સ પહેરવામાં છોકરાઓ ટૉપ
છોકરીઓ બધી બેલ-બૉટમ
 
૧૮૫૦માં ઝિપર આવ્યાં
૧૮૭૩માં જીન્સ પર રિવેટ્સ
 
છોકરાઓને એક પૅર ઝિપર-ડાઉન જીન્સથી જ થાય ધરો
છોકરીને enough
એક જીન્સ અને એક જીન્સભેર તોફાની છોકરો 
આ પાઠ અહીં થાય પૂરો
ટૂંક સાર એટલો કે જીન્સ વિના માણસ અધૂરો
 
ઊઠો, કરો ખંખેરોલૉજી
લ્યો ભણી ર્યા જીનિયોલૉજી

(કવિ ચંદ્રકાંત શાહના કાવ્યસંગ્રહ 'બ્લૂ જીન્સ'માંથી સાભાર. પૃ. 09-13. આ આખા કાવ્યસંગ્રહમાં ચંદ્રકાંત શાહે જીન્સ કાવ્યો જ આપ્યાં છે. )

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામક લેખકની કટાર, “સંદેશ”, 15 અૉક્ટોબર 2014

http://www.sandesh.com/article.aspx?newsid=2998654

Loading

16 October 2014 admin
← ચાર ગાંધી કાવ્યો
ગંભીર અને અગંભીરની રાજરમત ! →

Search by

Opinion

  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’
  • પીયૂષ પાંડેઃ જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved