“રોહિણી, સત્યકામ, હેમંત, બેરિસ્ટર, ગોપાળબાપા, અચ્યુત, રેખા, એ છે મારું આવતી કાલનું ગુજરાત. તેને સાવ ભૂંસી નાખવાં શક્ય નથી.”
હા, આત્મશ્રદ્ધા અને આત્મશ્લાઘા વચ્ચેની ભેદરેખા બહુ પાતળી હોય છે. પણ મનુભાઈ પંચોળી ‘દર્શક’ના આ શબ્દોમાં એક સાચા સર્જકની આત્મશ્રદ્ધા ભરી પડી છે, તેમાં આત્મશ્લાઘાનો અંશ પણ નથી. આ, અને બીજાં અનેક પાત્રોને સજીવ કરીને વાચકના મનમાં કાયમી સ્થાન મેળવનાર નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ની ગણના આપણી ભાષાની થોડી ઉત્તમોત્તમ નવલકથાઓમાં કરવી પડે.
ત્રણ ભાગમાં વિસ્તરેલી આ નવલકથા માત્ર સુદીર્ઘ જ નથી, તેના કથાપટમાં જેટલી વિશાળતા છે તેટલી જ ગહનતા પણ છે. તેનો પહેલો ભાગ બહાર પડ્યો ૧૯૫૨માં. દેશમાં આઝાદી આવી હતી, પણ દેશના ભાગલા અને ગાંધીજીની હત્યાને કારણે એનો આનંદ ઝાઝો નહોતો. બીજો ભાગ પ્રગટ થયો ૧૯૫૮માં. આઝાદ ભારતના તંતુઓ વિદેશો સાથે, ત્યાંની ઘટનાઓ સાથે જોડાતા થયા હતા અને વિશ્વના દેશોની સભામાં પોતાનું સ્થાન મેળવવા ભારત મથી રહ્યું હતું. પણ તે પછી વર્ષો વીતતાં ગયાં. ત્રીજા ભાગ માટેની આતુરતા ધીમે ધીમે સંદેહમાં બદલાવા લાગી. દર્શક પાસેથી ત્રીજો ભાગ મળશે? નહિ મળે? મળશે તો ક્યારે?
અને છેવટે ૧૯૮૫માં ત્રીજો અને છેલ્લો ભાગ પ્રગટ થયો. હા, એવા વાચકો અને વિવેચકો ત્યારે પણ હતા અને આજે પણ છે જે ત્રીજા ભાગ કરતાં બીજા ભાગ વિષે અને બીજા ભાગ કરતાં પહેલા ભાગ વિષે વધુ ઉમળકાથી વાત કરતા હોય. રોહિણી અને સત્યકામ વચ્ચેનો પ્રેમ એ આ કથાનું સળંગસૂત્ર છે એ સાચું. પણ દર્શકને માત્ર પ્રણયની વાત કરવામાં જેમ ‘દીપનિર્વાણ’માં રસ નહોતો તેમ આ નવલકથામાં પણ નહોતો. તેમની નેમ કથાને ઘણા વ્યાપક ફલક પર મૂકી આપવાની રહી છે. રઘુવીર ચૌધરીએ કહ્યું છે તેમ ‘ગુજરાતી વાચકને વૈશ્વિક અનુભવોમાં ભાગીદાર બનાવવામાં એમનો ફાળો બીજા કોઈ ગુજરાતી લેખક કરતાં વધારે છે.’
વખત પહેલાં એક કન્નડ લેખક વિષે લખતાં આપણા એક આવા વિવેચકે લખ્યું કે “એના નાયકે ‘મોટા’ અને ‘ઐતિહાસિક’ બનવા દર્શકના સત્યકામ જેમ યુદ્ધ કાળના જર્મનીમાં કે કશે જવું પડતું નથી.” અરે ભઇલા, દુનિયાની કેટલીયે ઉત્તમોત્તમ નવલકથાનાં પાત્રોને તેના લેખકોએ ઠેર ઠેર ફેરવ્યાં છે. નામ ગણાવવા બેસીએ તો પાર ન આવે. દર્શક ખોટા, એ બધા ખોટા, સાચા એક પેલા કન્નડ લેખક જ? આવા વિવેચકોને જવાબ આપવા માટે જ કદાચ વર્ષો પહેલાં દર્શકે લખ્યું હતું : “સર્જન કોઈને માટે થતું નથી; કોઈને ઉપયોગી અવશ્ય થાય છે. વિવેચક ને વાચકે કરેલી કદર સહાયભૂત થાય છે. પણ સર્જનનાં ફૂલો તો ચડે છે અંતરદેવતાને.”
આ નવલકથા અંગેની એક સાચી વાત યશવંત શુક્લે કહે હતી : “ઝેર તો પીધાં છે જાણી જાણી ગુજરાતી ભાષા સાહિત્યક્ષેત્રની એક અપૂર્વ ઘટના છે. આ પૂર્વે વિશાળકાય નવલકથાઓ આપણને મળી છે. સરસ્વતીચંદ્રના ચાર ખંડોને તો ભૂલાય જ કેમ? કથાત્રયીઓ પણ ગુજરાતીમાં દર્શાવી શકાશે. પણ તુલનાની તરખડમાં પડ્યા વિના ઝેર તો પીધાં છે જાણી જાણીને હું અપૂર્વ ઘટના એટલા માટે કહું છું કે ગુજરાતના જ નહિ, ભારતના સીમાડા સુધ્ધાં ઓળંગીને, આ બૃહદ નવલકથાએ જાગતિક સંદર્ભ પ્રયોજ્યો છે. ગુજરાતી ભાષામાં અવતરેલી વૈશ્વભાવ નિરૂપતી આ એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય કથા છે.” આ નવલકથાનું નાટ્ય રૂપાંતર ૧૯૬૨-૬૩માં અત્યંત સફળતાથી ભજવાયું હતું. તેનો સૌથી પહેલો પ્રયોગ સુરતના રંગ ઉપવનમાં ૧૯૬૨ના ઓક્ટોબરની બાવીસમી તારીખે રજૂ થયો હતો. રોહિણીની ભૂમિકામાં વર્ષા આચાર્ય (જે પછીથી વર્ષા અડાલજા બન્યાં), સત્યકામની ભૂમિકામાં ઉપેન્દ્ર ત્રિવેદી, અને ગોપાળબાપાની ભૂમિકામાં વિષ્ણુકુમાર વ્યાસને રજૂ કરતું આ નાટક ગુજરાતી રંગભૂમિનું એક સીમાચિહ્ન બની રહ્યું.
આપણી ભાષામાં નવલકથાઓને બે ખાનાંમાં વહેંચી નાખવાનો ચાલ છે. નવલકથા આજની વાત કરે છે? તો નાખો એને સામાજિક નવલકથાના ખાનામાં. નવલકથા ગઈ કાલની વાત કરે છે? તો નાખો એને ઐતિહાસિક નવલકથાના ખાનામાં. ચણે તો ચકલું, નહિતર મોર, એ ન્યાયે. અને વળી ઐતિહાસિક નવલકથાના લેખકને માથે એક બિન-સાહિત્યિક જવાબદારી નાખવામાં આવે છે : ‘ઇતિહાસ’ને વફાદાર રહેવાની. કોઈ પાત્ર, કોઈ પ્રસંગ, જરા આઘું પાછું થયું કે બૂમ પડે, ઇતિહાસના દ્રોહની. આપણા કેટલાક વિવેચકોએ આવાં કારણો આગળ કરીને કનૈયાલાલ મુનશીને માથે માછલાં ધોયાં હતાં. પણ એ વિવેચકોનાં આજે નામ પણ ભૂલાઈ ગયાં છે, જ્યારે જય સોમનાથ, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ હજી આજે ય વંચાતી રહી છે. આપણી પહેલી નવલકથા કરણઘેલો લખનાર નંદશંકર મહેતા ઇતિહાસ પ્રત્યેની અને અંગ્રેજ સરકાર પ્રત્યેની વફાદારી સાચવી શક્યા તેટલી નવલકથા પ્રત્યેની વફાદારી સાચવી ન શક્યા. દર્શક નવલકથાકાર તરીકે નંદશંકરના નહિ, મુનશીના અનુગામી છે. આથી જ તેમણે કહ્યું છે : “ઝેર તો પીધાં છે જાણી જાણી વર્તમાન કાળની ઐતિહાસિક કથા છે. તેમાં કેટલાંક પાત્રો યથાવત છે, કેટલાંક ઐતિહાસિક કલ્પનામાંથી પ્રગટ્યાં છે, પણ ઇતિહાસના સારને લાગેવળગે છે ત્યાં સુધી તે ઐતિહાસિક ગણાય. અહીં ઇતિહાસ એટલે ઇતિહાસનું પાઠ્યપુસ્તક લક્ષમાં નથી. ઝેર તો પીધાં છે જાણી જાણી તેમ જ મારી બીજી નવલકથાઓમાં ઇતિહાસને તેના પ્રદીપ રૂપે પ્રગટ કરવા મેં કોશિશ કરી છે, કારણ કે ઇતિહાસનું પ્રત્યક્ષીકરણ જ લોકસ્ય ચક્ષુઃ છે.”
કથાના આરંભે મહારાજા સયાજીરાવ દૂર દેખાતી ટેકરીઓ દૂરબીન માંડીને જોતા હતા. ત્યાં કોતરોમાંથી આવેલો એક ખેડુ માણસ પ્રણામ કરીને શ્રીમંત સયાજીરાવને ફળ ભેટ ધરે છે. હાથમાંનું દૂરબીન બાજુએ મૂકીને મહારાજ પૂછે છે, ‘શું છે?’ ‘બોર.’ કાગદી લીંબુ જેવડાં બોરને જોઈને રાજવીએ પૂછ્યું. ‘બોર! આવડાં મોટાં? ક્યાંથી લાવ્યા?’ ‘અહીંની મારી બોરડી પરથી. મેં એ જાતે ઉછેરી છે.’ આપણા કેટલાક વિવેચકો પણ સતત દૂરબીન માંડીને દૂરની ટેકરીઓ જોતા રહે છે. દર્શક જેવો કોઈ લેખક ઝેર તો પીધાં છે જાણી જાણી જેવી નવલકથા લઈને આવે ત્યારે પૂછે છે : ‘આ શું છે?’ કારણ તેઓ તો દૂર દેશની ટેકરીઓ પરની નાનકડી ચણોઠીને દૂરબીનથી જોઈને શ્રીફળમાં ખપાવતા હોય છે. એટલે સત્તાવાહી સ્વરે પૂછે : ‘ક્યાંથી લાવ્યા?’ ગોપાળબાપા મહારાજને જે જવાબ આપે છે તે જ જવાબ આવા વિવેચકોને દર્શક પણ કદાચ આપે : ‘અહીંની મારી બોરડી પરથી. મેં એ જાતે ઉછેરી છે.’
લગભગ ૬૦૦ પાનાંમાં વિસ્તરેલી આ નવલકથાનો સાર થોડા શબ્દોમાં આપવાનું શક્ય નથી. પણ સપાટી પરથી જોતાં આ રોહિણી અને સત્યકામ વચ્ચેના યોગ, વિયોગ, અને સંયોગની કથા છે. યશવંતભાઈ દોશી આપણા એક અત્યંત સ્વસ્થ, તટસ્થ, અને સમતોલ સમીક્ષક હતા. તેમણે આ નવલકથા વિષે લખ્યું છે : “ગુજરાતીમાં રસપ્રદ અને કલામય નવલકથાઓ ઘણી છે, પણ મહાન નવલકથાઓના વર્ગમાં મૂકી શકાય એવી કૃતિઓ ત્રણ નજરે ચડે છે : સરસ્વતીચંદ્ર, માનવીની ભવાઈ, અને ઝેર તો પીધાં છે જાણી જાણી. આ નવલકથાના લેખકની વિશેષતા એ છે કે તેમણે જેમ મુલાયમ પાત્રોથી ભરપૂર એક માધુર્યસભર કલાસૃષ્ટિ સર્જી આપી છે, તેમ કોઈ એક મર્યાદિત દેશ-પરદેશના જ નહિ, પણ જગત ભરના માનવસમાજની એક મહાસમસ્યાનું ગુજરાતીમાં તો અનન્ય એવું દર્શન કરાવ્યું છે. વિશ્વ સાહિત્યમાં મહાન લેખકોએ જ આવી કૃતિઓનું નિર્માણ કર્યું છે.”
XXX XXX XXX
સૌજન્ય : ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 12 ઓક્ટોબર 2014