સબૂર … ક્યાં જઈ રહ્યા છીએ આપણે?
જયપ્રકાશ 2014. સાંકડા રાષ્ટ્રવાદ અને અંધ વિકાસવાદના રાજસૂય ઉધામા વચ્ચે ક્યાં છે ક્રાંતિની પ્રજાસૂય ખોજ, કોઈક તો બોલો
આજે, 1977ના બીજા સ્વરાજની પિતૃમૂર્તિ શા લોકનાયક જયપ્રકાશ નારાયણનું જયંતી પર્વ અમદાવાદ અનોખી રીતે ઉજવશે : નારાયણ દેસાઈએ જયપ્રકાશના જીવનકાર્યને ઉપસાવતું જે એક નાટક લખ્યું છે એનું પ્રકાશન થશે, અને એના કેટલાક અંશોનું મંચન પણ થશે. જયપ્રકાશ અલબત્ત એક મોટું નામ છે, અને હાલની કેન્દ્ર સરકાર પણ એમના જયંતી પર્વ સાથે કોઈક ને કોઈક રીતે જોડાશે. દેશના એકોએક લોકસભા મતવિસ્તારમાં પ્રાયોગિક ધોરણે થોડાં થોડાં ગામોમાં આદર્શ ગ્રામ યોજનાની સાથે જયપ્રકાશનું નામ જોડવાની સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે.
તો, આવા એક રાજસૂય આયોજનના માહોલમાં પ્રજાસૂય મંચનનો જેપી જોગાનુજોગ અનાયાસ જ એક વૈકલ્પિક વિચારખીલો ખોડી રહે એવું પણ બને. વાત એમ છે કે બેઠકોની સુવાંગ બહુમતિ સાથે (જો કે એકત્રીસ ટકે અટકેલ) ગાદીનશીન થયેલ પ્રતિભા, પક્ષ અને વિચારધારા વ્યાપક સ્વીકૃતિની શોધમાં છે. સાંકડી ઓળખનું ઝનૂની રાજકારણ ખેલી સત્તાપાયરીએ પહોંચી શકાતું હોય તો પણ છતી બહુમતીએ સ્વીકૃતિ કહેતાં લેજિટિમસી સુધીનું અંતર કાપવું રહે છે : આજનું જેપી જયંતી પર્વ હો કે આવતીકાલનું લોહિયા સ્મૃિત પર્વ – વર્તમાન શાસન કોઈક ને કોઈક રીતે જેપી-લોહિયા સાથે સંકળાઈને આ અંતર કાપવાનો મનોવૈજ્ઞાનિક વ્યાયામ કરી રહ્યું છે એમ પણ તમે કહી શકો.
ભાઈ, જયપ્રકાશ અને લોહિયા કોઈની માલિકી બેલાશક નહોતા અને નથી. રાષ્ટ્રીય ચળવળમાં, 1947 પહેલાં અને પછી એમ બેઉ તબક્કે એમનું જે યોગદાન રહ્યું છે એ જોતાં કોંગ્રેસ શાસનને પણ એમના સત્તાદર સુમિરનનો સંકોચ હોવાને કારણ નથી. આખરે હતા તો બેઉ કોંગ્રેસ સોશલિસ્ટ પાર્ટીના જ નેતાઓ – અને 1942 બાદ તો નેહરુપટેલ અને એમની હેડીના નેતાઓ પછી તરતની નવી હરોળનાં આ બેઉ અગ્રનામો હતાં. બલકે, 1947ના અરસામાં નેહરુ અને પટેલ સાથે દિલી સંબંધ છતાં ગાંધી જે રીતે અંતર અનુભવતા હતા ત્યારે કોઈક તબક્કે ભાવાત્મક રીતે જેપી અને લોહિયા ગાંધીની વધુ નજીક પણ હોઈ શકતા હતા.
જો કે, ઇતિહાસે કંઈક એવો વળાંક લીધો કે જેપી લોહિયાને હિસ્સે સ્વરાજલડાઈનો સ્વાતંત્ર્યોત્તર તબક્કો કોંગ્રેસની સામે લડવાનો આવ્યો. વિગતોમાં નહીં જતાં અહીં એટલું જ કહેવું બસ થશે કે 1977માં સંયુક્ત વિધાયક દળની સરકારો સાથે તેમ 1975માં ગુજરાતની મોરચા સરકાર અને 1977માં કેન્દ્રની જનતા સરકાર સાથે અનુક્રમે લોહિયા અને જેપી િબનકોંગ્રેસવાદ વાટે લોકશાહી પ્રક્રિયા પ્રવહમાન રાખવામાં ઇતિહાસનિમિત્ત બની રહ્યા. જયપ્રકાશ અને લોહિયા હતા તો રાષ્ટ્રીય ચળવળથી પરિચાલતિ અને બેસતે સ્વરાજે જવાહરલાલે વિધાતા સાથે જે કોલકરારની અનુભૂતિ કરી હતી, કંઈક એવો જ ભાવાત્મક નાતો એમનો પણ હતો. છતાં, એમની સ્વાતંત્ર્યોત્તર ઓળખ ભલે જાડી રીતે પણ બિનકોંગ્રેસવાદના અધ્વર્યુ તરીકેની ઉપસી રહી.
જયપ્રકાશની આ જાડી ઓળખનો લાભ સંસ્થા કોંગ્રેસને, સમાજવાદી પક્ષને અને સવિશેષ તો જનસંઘને સૂંડલા મોઢે મળી રહ્યો એ નોંધવું જોઈશે. સંસ્થા કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ પાસે તો પોતીકી તરેહનું રાષ્ટ્રીય સંગ્રામનું સંધાન પણ હતું; જનસંઘ કને એ નહોતું તે સંજોગોમાં જયપ્રકાશ એને વિશેષ ઉપયોગી થઈ પડે. એ દેખીતું હતું. હમણેના ભૂતકાળમાં જેમ ગુજરાતમાં સરદારને વિશેષ આગળ કરવાની ગરજ એને વર્તાય જ છે ને. સરદારની સંઘ આવૃત્તિની ચર્ચા અહીં પૂર્વે કરેલી છે અને યથાપ્રસંગ કરીશું.
પણ જયપ્રકાશ અને લોહિયા સબબ એક વાત સાફ કરી દેવી જોઈએ કે બિનકોંગ્રેસવાદ તો એમનાં સમૃદધ ચિંતન અને અપૂર્વ યોગદાનનો છેક જ નાનો હિસ્સો હતો. રોજમર્રાના નવી અને પેજપવિત્રાથી ઊંચે જ ઊઠી નવી અને ન્યાયી દુનિયા વાસ્તે લડનાર જોદ્ધા એ હતા. એકે સંપૂર્ણ ક્રાંન્તિને ધોરણે વાત કરી, બીજાએ સાત ક્રાંતિને ધોરણે. બિનકોંગ્રેસવાદ એ તો તે માટેની મથામણમાં આવી પડેલો એક ચાલચલાઉ વ્યૂહ હતો, એટલું જ. લોહિયા અને જેપીના ક્રાંતિચિંતનની કસોટીએ ભાજપનો સાંકડો રાષ્ટ્રવાદ અને અંધ વિકાસવાદ બેઉ મુદ્દલ ટકી શકે એમ નથી. જેમ ‘સફાઈ’, ‘સફાઈ’ના શોરથી સમગ્ર ગાંધીને પામી શકાતો નથી તેમ લોહિયા-જેપીને નામે કોઈ યોજના ખતવ્યાથી એમને પામી શકાતા નથી.
આ સંજોગોમાં ગાંધી કથાકાર નારાયણ દેસાઈનું ‘જયપ્રકાશ’ વિષયક લઈને આવવું એ અધિકૃત જેપી શોધ માટેની ઓઝોન ઘટનાથી ઓછું નથી. સ્વરાજ અને પરવર્તિનની એમની વ્યાખ્યા, લોકશાહી અને સમાજવાદની એમની સમજ, હાલના વિષમતાવર્ય વૈશ્વિકીકરણથી જોજનો દૂર હતી. ક્યારેક એની વિગતે ચર્ચા કરીશું, પણ અત્યારે એટલું જ કહેવું બસ થશે કે સહભાગી અને સમતામૂલક વિકાસ એ ભાજપના વશની વાત નથી.
જોગનુજોગ, એમ તો દર્શકની ‘સોક્રેટીસ’ નવલકથા આધારતિ નાટકના મંચનનો પણ ક્યાં નથી? એથેન્સનું નમૂનેદાર લેખાતું નગરરાજ્ય (લોકશાહી ગણતંત્ર) કેટલાક બેફામ ભાષણખોરો – ડેમેગોગ્ઝ-થી ખેંચાઈ કેવું ન કરવાનું કરી બેઠું એનું એ ચિત્ર છે. આ જ તરજ ઉપર ગાંધી, જેપી, લોહિયા વસ્તુત: ડેમેગોગી થકી આહત અને અપહૃત લોકશાહી બાબત લાલબત્તી લઈને આવે છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 11 અૉક્ટોબર 2014