Opinion Magazine
Number of visits: 9564328
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યોગેન્દ્ર માંકડ : કદીયે નહીં ભુલાય આ બૌદ્ધિક વ્યક્તિત્વ

મેહુલ ત્રિવેદી|Opinion - Opinion|6 October 2014

૧૯૯૮માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં S.U.C.I.(C.) પાર્ટીના ઉમેદવાર તરીકે એલિસબ્રિજ મતવિસ્તારમાંથી દામિનીબહેન શાહ ચૂંટણી લડી રહ્યાં હતાં. આ પાર્ટીના સભ્ય તરીકે અન્ય કાર્યકરમિત્રો સાથે હું પણ તે વખતે સવારસાંજ પત્રિકાઓ લઈને અનેક દિવસો સુધી અનેક ઠેકાણે એમના ચૂંટણીપ્રચારમાં સક્રિય હતો. એક સવારે સાડાનવ-દસ વાગે ઝેવિયર્સ કૉલેજ પાસેની કેટલીક સોસાયટીઓ, ઍપાર્ટમેન્ટ્સમાં અમે ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા. હું પુષ્પમ્ ફ્લૅટ્સનાં અમુક ફ્લૅટોમાં પ્રચાર પૂરો કર્યા પછી એક ફ્લૅટમાં પ્રવેશ્યો. માથા પર ટાલ, પાછળના ભાગે સફેદ વાળ, આંખ પર ચશ્માં, ગોરો ઊજળો વાન, કૉફી કલરનો ઝભ્ભો – સફેદ લેંઘો પહેરેલા એક વડીલે ડોરબેલનો રણકાર સાંભળ્યા પછી તરત જ બારણું ખોલીને મને કહ્યું. ‘હા, બોલો’ પત્રિકા આપીને એમને  S.U.C.I.(C.) પક્ષ અને એલિસબ્રિજ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલાં દામિનીબહેનનાં સેવાકાર્યોનો થોડો પરિચય આપવાનું શરૂ કર્યું. ત્યાં જ મને અટકાવીને ક હ્યુંઃ ‘હા … હા … હું દામિનીને અને આ પાર્ટીની રાજનૈતિક પ્રવૃત્તિઓને બરાબર જાણું છું. બે વોટ મારા છે ! થૅંક્યુ. પ્રયત્ન ચાલુ રાખો !’

‘બે વોટ મારા છે !’ તે પાછળનો ગર્ભિતાર્થ એમનો અને એમનાં પત્નીનો, એમ સૂચિત થતાં જ મારો પ્રચારુત્સાહ વધ્યો. લાગ્યું કે આ વડીલ અન્ય નાગરિકો કરતાં તદ્દન નોખી માટીના, વિચારશીલ, સુશિક્ષિત અને મૂલ્યનિષ્ઠ રાજનીતિના હિમાયતી હોવા જોઈએ, જેમને સમજીને એમનાં પત્ની ચાલતાં હોય.

આ ઘટનાને લગભગ ત્રણચાર વર્ષ વીત્યાં હશે. નર્મદ-મેઘાણી લાઇબ્રેરી-મીઠાખળીમાં દર ગુરુવારે સાંજે ૬-૦૦ વાગે મળતી M.S.D.ની મિટિંગમાં એક વખત તે આવ્યા. ચર્ચામાં જવલ્લે જ સહભાગી થતા. મિટિંગ પત્યા પછી સાંપ્રત રાજકીય પ્રવાહો અને રાજનૈતિક સિદ્ધાંતો અંગે કેટલાક વડીલો સાથેની હળવી ચર્ચામાં એમના રમૂજી કટાક્ષો સાથેનું લાક્ષણિક એવું ચહેરા પરનું હાસ્ય મને આનંદિત કરતું. આવાં જ કેટલાંક નિમિત્તિઓએ એમ.એસ.ડી.ની મિટિંગમાં એમની સાથેની અવારનવાર વાતચીત દરમિયાન અમારા બંનેનો પરસ્પર સાથે પરિચય થતાં જ મને ખ્યાલ આવ્યો કે તે ગુજરાત યુનિવર્સિટીમાં સમાજવિદ્યાભવનના રાજ્યશાસ્ત્રના પ્રોફેસર ડૉ. યોગેન્દ્ર માંકડ છે. તે પછી જ્યારે તેઓ મિટિંગમાં આવ્યા, ત્યારે એમને ’૯૮ની વિધાનસભાની ચૂંટણીના પ્રચારવાળા પેલા પ્રસંગની યાદ તાજી કરાવીને એમના તરફથી મળેલા પ્રોત્સાહન અંગે જણાવ્યું. એમણે તરત જ કહ્યું. ‘હા’ મને યાદ છે. તમે આવ્યા હતા. મેં કહ્યું હતું બે વૉટ મારા છે’. પછી તો અવારનવાર મળવાથી અમારો પરિચય વધતો ગયો.

*   *   *

૧૯૬૯માં મુંબઈથી સારા માર્કે એમ.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી અમદાવાદમાં એલ.ડી.આર્ટ્સ કૉલેજમાં યોગેન્દ્રભાઈએ અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરી. આ કૉલેજમાં સમાજશાસ્ત્ર વિષયનાં યુવાન અધ્યાપિકા ગિરાબહેન સાથે એમને પરિચય થયો, જે ક્રમશઃ વધતો ગયો. છેવટે લગ્ન અંગેના નિર્ણાયક વળાંકે પહોંચ્યો. તે જમાનાનું આ આંતરજ્ઞાતીય લગ્ન હોવાથી માંકડ સાહેબના નાગર કુટુંબમાં તો વણિક જ્ઞાતિની યુવતી સાથેનાં લગ્નનો ઉગ્ર વિરોધ ઊઠ્યો. પરંતુ માંકડસાહેબનાં પ્રેમ અને નવસંક્રાન્તિકાળના સુધારાવાદી મૂલ્યો વચ્ચે કુટુંબના આ વિરોધને જરા ય મચક ન મળી.

પ્રેમના મૂલ્યની જેમ જ મૈત્રીનાં મૂલ્યના તથા વિદ્યાપ્રીતિને પોષનારી પ્રવૃત્તિને પણ માંકડસાહેબ સાચા અર્થમાં જીવતા હતા. આને કારણે તે સમયના અનેક વિદ્વાન અગ્રણીઓ અને એમના સમકાલીન સહકર્મચારી અધ્યાપકો બૌદ્ધિક મિત્રો સાથે એમનો ઘનિષ્ઠ સંબંધ હતો. ’૯૩માં રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યાભવનમાં જોડાયા. તે પછી ડૉ. દિનેશભાઈ શુક્લના તે સાથી અધ્યાપક બન્યા. ફિલોસૉફીના અધ્યાપક મધુસૂદન બક્ષીનો એમની ઉપર સારો એવો પ્રભાવ હતો. ફિલોસૉફી વિશે જે કાંઈ જાણવું હોય, ત્યારે તે એમની પાસે જતા. એમ.એસ.ડી.ની મિટિંગ પૂરી થાય તે પછી દિનેશભાઈ, પ્રકાશભાઈ, રથભાઈ, દિલીપ ચંદુલાલની સાથે હું, જયેશ, મિનાક્ષીબહેન વગેરે કેટલાંક યુવાન મિત્રો બેસતાં, રાજકારણ, અર્થકારણ, ફિલોસૉફી જેવા વિષયો પર આ બધાની હળવાશભરી વાતોથી આખાયે ખંડમાં હર્ષોલ્લાસના હિલ્લોળા ઊઠતા. આવી જ પળોમાં એક ગુરુવારે મધુસૂદન બક્ષીના પ્રતાપી વિદ્વાન વ્યક્તિત્વ અંગેના પોતાનાં ભૂતકાળનાં સ્મરણો તાજાં કરતાં માંકડસાહેબે કહ્યું હતું :

‘બક્ષીસાહેબનો તાપ જ એવો કે અમારા જેવા જ્ઞાનપિપાસુ વિદ્યાર્થીઓ, તેઓ જ્યારે ફિલોસૉફીના અગત્યના ટૉપિક્સની ચર્ચા કરતા ત્યારે તેને અમે અમારી ગરજે શાંતિથી એકચિત્તે સાંભળતા. માર્ક્સ ઉપર એમના સ્વાધ્યાયનું ભારે પ્રભુત્વ, પરંતુ સવિશેષ પ્રાધાન્ય તે Theory of enlightenmentને આપતા. યુરોપમાં નવજાગૃતિ, રેશનાલિઝમ, ધર્મનિરપેક્ષતા જેવા અનેક ઉમદા વિચારોના મૂળમાં આ Theory of enlightenment છે. બક્ષીસાહેબે આ વિશે અનેક વાર ચર્ચા કરીને અમારાં બધાંની આંખો ઉઘાડી દીધી હતી. કુલીનચંદ્ર યાજ્ઞિક ઉપરાંત ફિલોસૉફી, રાજ્યશાસ્ત્ર વગેરેના અધ્યાપકોની માંકડસાહેબ એમના ઘરે મિટિંગો યોજતા. જમાડવાના તે શોખીન હતા. તેથી કેટલાક મિત્રોને કોઈકોઈ વાર તે ઘરે જમવા પણ બોલાવતા. આમ, આ પ્રકારની મિટિંગો ભોજનના કાર્યક્રમના બહાને ફિલોસૉફીના જુદા-જુદા મુદ્દાઓ વિશે જે કાંઈ ચર્ચાઓ થતી એનો લાભ ઘણા-બધા મિત્રોને મળતો. તે પણ દિનેશભાઈ શુક્લ, પ્રવીણભાઈ શાહ, કુલીનચંદ્ર યાજ્ઞિક જેવા મિત્રોના ઘરે અવારનવાર જતા. મિત્રો પ્રત્યે એમનું હૃદય અત્યંત પ્રેમાળ હતું, ક્યારેક કોઈને ખરાબ લાગે એવું બોલતા નહીં, કોઈની ઉપર નારાજ પણ થતા નહીં.

વિદ્વાન તરીકે માંકડસાહેબના વ્યક્તિત્વનું ધ્યાન ખેંચે એવું અન્ય પાસું એ હતું કે પોતે અંતર્મુખી હતા. યોગ્ય લાગે તો જ અને ત્યારે જ તે ચર્ચામાં ભાગ લેતા. જે કાંઈ જે વિશે બોલવાનું હોય તે લખીને તૈયાર કરીને લાવતા.

*   *   *

માંકડસાહેબે અધ્યાપક તરીકે રાજ્યશાસ્ત્રની એક મુખ્ય અંગભૂત શાખા રૂપે રાજકીય સિદ્ધાંત (Political Theory)ને અધ્યાપનકાર્યના ક્ષેત્ર તરીકે પસંદ કર્યું. ૧૮મી અને ૧૯મી સદીના રાજકીય ચિંતકો કાર્લ માર્ક્સ, મેક્સ વેબર ઉપરાંત આધુનિક રાજકીય ચિંતકો હેબર માસ, દેરિદા, ફૂકો, એડોર્નો વગેરેનો એમણે ઊંડાણથી તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. તેમના વિશે એમણે ગુજરાતીમાં સરળ ભાષામાં લેખો લખ્યા છે. જે કેટલાંક મુખપત્રો, વિચારપત્રો જેવાં કે ‘કુમાર’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘અર્થાત્’, ‘નિરીક્ષક’, ‘નયામાર્ગ’ વગેરેમાં પ્રસિદ્ધ થયા છે. એમણે મુંબઈમાં અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ લીધું હોવાને કારણે અંગ્રેજી પર સારું પ્રભુત્વ ધરાવતા હતા. અંગ્રેજી શબ્દોના એમનાં ઉચ્ચારણો પણ સ્પષ્ટ અને અર્થના ભાવનું માધુર્ય રેલાવે એવા અવાજમાં વ્યક્ત થતાં.

પૉલિટિકલ સાયન્સ લેનારા વિદ્યાર્થીઓની ઘણી ઓછી સંખ્યા રહેતી હોવાથી માંકડસાહેબ એમની કૅબિનમાં જ લેક્ચર લેતા ! એક ધાર્યું સતત લેક્ચર આપવાના બદલે તે વિદ્યાર્થીઓ સાથે વિષય અંગેની ચર્ચાઓ ઊભી થાય એ માટે પ્રશ્નો પૂછતા. આ પ્રકારની અધ્યાપનપદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓ વિષયમાં interactive થાય, એવું એમનું વલણ હોવાને કારણે એમના મોટા ભાગના વિદ્યાર્થીઓ એમનો ઘણો જ આદર કરતા. આધુનિકતા અને અનુઆધુનિકતાનો એમને ઘણો ઊંડો અભ્યાસ હતો. રાજ્યશાસ્ત્રના અભ્યાસમાં જે વર્તનલક્ષી behavioural approach આવ્યો, એમાં એમને અત્યંત દિલચસ્પી હતી.

રાજ્યશાસ્ત્રમાં મનુષ્યના વર્તનનો અભ્યાસ થવો જોઈએ જેથી કરીને પૉલિટિકલ સાયન્સનું આખું સ્વરૂપ બદલાઈ જાય છે, એમ તેઓ માનતા. અભ્યાસ ક્ષેત્રે એમનું વિશેષ યોગદાન – Renaissance reformation – Age of enlightenment પ્રચુરતાનો યુગ)માં છે. જે એમનો અત્યંત રુચિકર વિષય હતો.

વિષયના અંતઃસ્તલમાં પ્રવેશી એને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોવા-તપાસવાની, સમયના પ્રત્યેક તબક્કામાં એની ગતિના સ્વરૂપને અને સ્થિતિને પોતે કેળવેલા Liberal Point of viewથી જોવા-સમજવાની, એનું પૂરા નીરક્ષરવિવેકથી વિશ્લેષણ કરીને મૂલવવાની, આ રીતે ભારેખમ ગણાતા વિષયને સરળ બનાવી ન્યાયપુરઃ સર – મુદ્દાસર શિષ્ટ છતાં ય સરળ ભાષામાં રજૂ કરવાની એમની વિશિષ્ટ પદ્ધતિ એમના લેખોમાંથી પસાર થતાં અનુભવાય છે.

*  *   * 

એમ.એસ.ડી.ની એક ગુરુવારની મિટિંગ સમાપ્ત થયા પછી હળવાશની પળોમાં વડીલો અને કેટલાક મિત્રો સાથેની ‘Age of enlightenment’ અંગેની ચર્ચા દરમિયાન માંકડસાહેબે મને કહ્યું હતું, ‘લોકશાહી, માનવહક્કો, સેક્યુલારિઝમ, રેશનાલિઝમ, જેવાં માનવમૂલ્યોનો જો કોઈ ઉદ્ગમસ્રોત હોય, તો તે Age of enlightenment છે. મેં સૂચન કર્યું ‘માંકડસાહેબ, આ વિશે તમારો અભ્યાસ છે, તો તે અંગે લખીને ક્યાંક મોકલવું જોઈએ.’ એમણે કહ્યું, ‘કુમાર’ના અંકોમાં આ વિશે મારા દસેક લેખોની લેખમાળા પ્રસિદ્ધ થઈ ચૂકી છે.’

મેં કહ્યું ‘આ તો સાહિત્યરસિકો અને સાહિત્યના અભ્યાસીઓ તરીકે, અમારા જેવાઓ માટે પણ ગરજનો વિષય છે. કારણ કે સમાજસુધારાની ચળવળનો સાહિત્ય ક્ષેત્રે સુધારાયુગ અમે ભણી ચૂક્યા છીએ, તેથી આ લેખોનું પુસ્તક પ્રસિદ્ધ થાય તો ઘણા માટે ઉપયોગી નીવડે.’ ‘મેહુલ ! તારી લાગણી અને એની અગત્યતા સમજી શકાય એમ છે, પરંતુ તે છાપે કોણ ?’ એમની આ શાબ્દિક પ્રતિક્રિયા સાથે સંકળાઈને ઊપસતા એમના ચહેરાના હાવભાવોમાંથી સંચારક્રાંતિ અને ટી.વી. મીડિયા તરફના અંધઆકર્ષણને કારણે નવી પેઢીમાં તથા પ્રજામાં ઘટી ગયેલી વાચન-અભ્યાસવૃત્તિ એના કારણે સારી ગુણવત્તાવાળાં પુસ્તકોના મુદ્રણ – પ્રકાશન બાબતે પ્રકાશકોની સ્વાભાવિક ઉદાસીનતા મને વંચાતી. એમાં પણ એમના આનંદી સ્વભાવ પ્રમાણે હળવાશનો રણકો તો હોય જ.

કથળતી જતી સાંપ્રત રાજકીય, સામાજિક સાંસ્કૃિતક પરિસ્થિતિઓ, જાહેર વ્યવસ્થામાં પ્રવર્તતી ઘોર સંકીર્ણતા, શૈક્ષણિક ક્ષેત્રે બગડવા માંડેલું વાતાવરણ વગેરે બાબતોએ એમની અંદર પડેલી નિરાશાનો પણ હળવાશભરી રમૂજમાં તે અવારનવાર વ્યક્ત કરતા. થોડાંક વર્ષો પહેલાં વાહનચાલકો માટે ફરજિયાત હેલમેટનો નિયમ અમલી બનનાર હતો. એનાથી પબ્લિકને થનારી પરેશાની અને આ નિયમની અયોગ્યતા અંગે અમારા બધાની વચ્ચે ચર્ચા થઈ. તે વખતે એમણે માથા પર હાથ ફેરવી રમૂજમાં કહ્યું, ‘મને ક્યાંક ટ્રાફિકપોલીસ હેલમેટ વિના પકડશે, તો હું કહીશ આ રહી હેલમેટ. મારા માથામાં જે ટાલ પડી છે, એનો આકાર હેલમેટ જેવો છે.’

ઉંમરને કારણે કોઈ ને કોઈ શારીરિક નબળાઈ અંગે અમુક વાર એમ.એસ.ડી.ની બેઠક પૂરી થયા પછી વાતચીત વખતે તે પોતાની શારીરિક સ્થિતિ વિશે હળવાશમાં કહેતા : મનમાં જરા ય કશા યનો ભાર રાખ્યા વિના જ જીવવું જોઈએ. આ વર્ષે મેં ડાયાબિટીસની ૧૪મી વર્ષગાંઠ ઊજવી છે.

માંકડસાહેબની બીજી વિશેષ ઓળખ તે સંગીતના કલાકાર અને મર્મજ્ઞ તરીકેની સપ્તક સ્કૂલ ઑફ મ્યુિઝકના સંસ્થાપક નંદન મહેતા પાસે એમણે સંગીતની તાલીમ લીધી હતી. સરોદ અને તબલાવાદન બંને ય તે ત્યાં શીખ્યા હતા. નંદન મહેતા સાથે સારા સંબંધો હોવાથી એક સમયે તે રોજ રાત્રે સંગીતના કાર્યક્રમમાં સહયોગ આપવા ‘સપ્તક’માં જતા. અવારનવાર એમણે મોટા ગજાના સંગીતકારો સાથે તબલા પર સંગત આપી હતી. એક સંગીત-કાર્યક્રમમાં લાબા સમય સુધી તબલાવાદન કરવાને કારણે એમના હાથે કંપનની નબળાઈ આવવાને લીધે પછીથી એમણે તબલાંવાદન બિલકુલ છોડી દીધું હતું. ૨૦૦૪માં પહેલી ટર્મ પૂરી થયા પછી માંકડસાહેબ અધ્યાપક તરીકે સમાજવિદ્યાભવનમાંથી નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી પણ પોતાના મનગમતા વિષય અંગેનો સ્વાધ્યાય ચાલુ રહ્યો. આંગળીઓની તકલીફ હોવાથી તે લખી શકતા નહીં. પરંતુ અભ્યાસપેપર કમ્પ્યૂટર પર કંપોઝ કરીને રજૂ કરતા. લગભગ ૨૦૦૯-૧૦માં  એમણે એમ.એસ.ડી. બેઠકમાં પોતાનું ‘અમેરિકા સંપૂર્ણ સલામતી માટેની ખોજ’ વિશે પોતાનું અભ્યાસપેપર રજૂ કર્યું, જે એમ.એસ.ડી. તરફથી યોજાયેલું એમનું અંતિમ અભ્યાસપેપર હતું. પછીથી તે ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રસિદ્ધ થયું હતું. પછીના વર્ષથી એમ.એસ.ડી.માં આવવાનું એમનું ઓછું થઈ ગયું. લાગતાવળગતા મિત્રો-વડીલો પાસેથી તબિયત અવારનવાર બગડતી હોવાના સમાચાર મળતા.

કૅન્સરની બીમારી અને તેના ઑપરેશન વખતે લિવરનો કેટલોક ભાગ કાપી નંખાયો હોવાના સમાચાર મળતાં હું ચોંકી ઉઠ્યો. ‘માંકડસાહેબ આપણી વચ્ચે નથી’ સાંભળીને મને ભારે આંચકો લાગ્યો. મને ક્યાં કલ્પના હતી કે એમની તબિયત અંગે જ્યારે દિનેશભાઈ મને જણાવતા હતા (૧૦-૭) ત્યારે એમના જીવનના થોડાક દિવસો જ નહીં, થોડાક કલાકો જ બાકી હતા. કદાચ કોઈને પણ કલ્પના નહીં હોય. ગુજરાતની વિચારશીલ સૃષ્ટિમાં enlightnementનો અવારનવાર અવનવો ઉજાસ ફેલાવનાર એક તેજોમય દીપક હંમેશ માટે બુઝાઈ ગયો, જેની પ્રભાવક જ્યોત અનેકોના સંવિત્ માં ચિરંજીવ રહેશે. જેણે જીવનના સૂરતાલ સાથે સંગીતના સૂરતાલની ભાવોત્કટ સંગતિ રચીને કલાના માધ્યમ દ્વારા જીવનનાં અર્થઘટનો પામવા અને સૌને પમાડવાના પ્રયાસો કર્યા. તો બીજી તરફ રાજકીય સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં સતત ગળાડૂબ રહી જીવન અને જગત નવા વિચારોની દૃષ્ટિથી જોવા-સમજવાની અધ્યાપક તરીકે નવી પેઢીને શીખ પૂરી પાડી.

આ બંને ક્ષેત્રોનો ભારે બોજ ઉપાડતા રહીને પણ એની સિદ્ધિઓનો કશો ભાર રાખ્યા વિના મિત્રભાવે હળવાશથી સૌની સાથે ભળતા સૌને મળતા મૈત્રી ભૂખ્યા વિચારશીલ મૂલ્યનિષ્ઠ એવા બૌદ્ધિક વિદ્વાન મારા-આપણા જેવા સૌને માટે હંમેશાં ચિર-સ્મરણીય રહેશે.

૧૪૮૮, મહાદેવનો ખાંચો, મામુનાયકની પોળ, કાલુપુર, અમદાવાદ – 380 001

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2014, પૃ.15-16

Loading

6 October 2014 admin
← કિવિસ બ્રિટાનિક્સ સુમ : ભાંગ્યું ભાંગ્યું તો ય બ્રિટન
હાઈકુ →

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved