Opinion Magazine
Number of visits: 9478540
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નકો નકો મુદ્દે ચાલતું જુદ્ધ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

દેશની તરુણાઈનો ઉગાર કોઈ સંજયબજરંગ સ્કૂલ થકી શક્ય નથી

કોની અને શેની વાત કરીશું, ઇતિહાસના એક નાજુકનિર્ણાયક મોડની ક્ષણે? ક્યારેક વિશ્વધાની હોઈ શકતી લંડન નગરીમાં, જગત-વખતે જી-૨૦નું જે રાવણું મળ્યું છે એની વાત કરીશું, કે પછી ચૂંટણીપડકાર ઝીલી રહેલા ભારતમાં જૂના ખેલાડીઓથી માંડીને વરુણ અને રાહુલ શા નવા ખેલાડીઓની ભૂમિકાની? બેઉ તરુણોના પિતાઓને, સંજય અને રાજીવને, મળતાં મળે એવા નાનાજી મળ્યા હતા. જવાહરલાલ નેહરુ. એ જ નાનાજી હતા આ, જેમણે 'તવારીખની તેજછાયા' (ગ્લિમ્પ્સિઝ ઑફ વર્લ્ડ હિસ્ટરી')નું આલેખન કર્યું હતું ; અને દેશને સ્વાધીનતાના પ્રથમ પ્રભાતે વિધાતા સાથેના કોલકરાર (ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની) વાસ્તે તૈયાર કર્યો હતો. આ બે તરુણો – અને એમના પક્ષો – કૉંગ્રેસ અને ભાજપ, આજે આપણને કેમ જાણે 'ટ્રિસ્ટ વિથ ડિનેસ્ટી' (વંશવારસાઈ સાથેના કોલ) માટે તૈયાર કરી રહ્યા છે.

આપબળે રાહુલ અને વરુણ, કોઈ પણ આવો. એ બાબતે આપણને શી તકરાર હોય ભલા? પણ 'ડેસ્ટિની' અને 'ડિનેસ્ટી' વચ્ચે સાર્થક શબ્દકૌતુક કરતે છતે કોઈકે તો આ ચૂંટણીજુદ્ધમાં પૂછવું જોઈએ ને કે તમારી સામે દેશ અને દુનિયાનો નકશો શો છે. જી-૨૦માં ઓબામા અને મનમોહન વૈશ્વિક અર્થવ્યવસ્થાના નવજીવનની શક્યતાઓ તલાશે છે; અને પોતાને 'લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ'ના પૂર્વછાત્ર તરીકે ઓળખાવતા વરુણભાઈ હિંદુત્વના હાઈપકારામાં રાચે છે.

પીલીભીતની આ આંધળીભીત સ્કૂલને આપણે તરુણાઈનો વેશનમૂનો કહીશું? આ વરુણની વયના રામમનોહર લોહિયાએ જર્મનીમાં મીઠાની લડતના અર્થકારણ પર ડૉક્ટરેટ માટે કામ કર્યું હતું, અને માર્ક્સના જમાના પછીના આર્થિક પ્રવાહોને નવેસર તપાસવાના મુદ્દાઓ ચીંધ્યા હતા. હજુ ચાળીસેકના હશે અને, ૧૯૫૧માં, અમેરિકાની પહેલી મુલાકાત દરમ્યાન મૂડીવાદના આંતરવિરોધો તેમજ ધૂંધળા ભાવિ વિશે (આજથી પૂરાં અઠ્ઠાવન વરસ ઉપર) ચિંતા અને ચેતવણીનો સૂર કાઢ્યો હતો. માર્ક્સવાદ અને મૂડીવાદના યુરોપીય અને અમેરિકી દાખલાઓ, એશિયા અને આફ્રિકાએ કયો રસ્તો નથી લેવા જેવો તે દર્શાવે છે એવું કહેનારા કદાચ એકમાત્ર એ હતા. તે વખતની દુનિયાની બેઉ છાવણીઓ પરત્વે બિનજોડાણની ભૂમિકાએ નેહરુ અને બેઉની એકસમાન અપ્રસ્તુતતા (ઇક્વલ ઇરેલેવન્સ)ની ભૂમિકાએ લોહિયા જગતજુદેરી ઊંચાઈએ હતા.

એથી ઊલટું, ૧૯૯૨ અને ૨૦૦૨નાં ઔરસ-અનૌરસ સંતાનો જેવાં આ જે બધા વરુણ વધૈયાઓ નીકળી પડ્યા છે, શું કહેવું એમને અંગે ! ભાજપ પ્રવક્તાઓએ પહેલાં તો ડાહી ડાહી વાતો કરી કે વરુણ ગાંધીનાં ભાષણોની સામગ્રી (કે જામગરી ?) બાબતે અમે ન તો એમની સાથે સંમત છીએ, ન તો એમની જોડે છીએ. જોકે 'ટોટલ ડિસ્ એપ્રુવલ' અને 'ડિસ્ એસોસિયેશન'ની એમની વ્યાખ્યા પણ અદ્ભુત જ હોવી જોઈએ ; કેમકે તેઓ એમની ઉમેદવારી બહાલ રાખે છે ! અવળે રવાડે ચડી ગયેલા આ છોકરડાની પૂંઠે, પેલાની પૂંછડીએ લવંગિયાની લૂમ બાંધી હોય અને જોણું જામે ને લોક ભેળું મળે એમ ભીડ પણ પાછી ખાસી જામવા લાગી હોય, પછી કહેવું શું. જોઈ શું રહ્યા છો, જોડાઈ જાઓ – જેમ સૌને થયું, અડવાણીને થયું.

આ અડવાણી, ઉંમર વરસ ૮૨, દેશની ઇતિહાસપરંપરામાં કયા પાત્ર જેવા લાગે છે, એ કહું? યયાતિ. બિલકુલ યયાતિ. અવળે રવાડે ચડેલ વરુણમાં અડવાણીને પોતાનું મતબૅન્કી નવયૌવન દેખાય છે. સત્તાના વાજીકરણની લાયમાં ક્યારેક ઇંદિરાઈએ જેમ સંજય પરિબળ થકી યૌવન ઈચ્છયું હશે; 'શિસ્તબદ્ધ' અને 'સાંસ્કૃતિક' સંગઠન આરએસએસે અને તેની સાથે નાભિનાતો ધરાવતા ભાજપે જેમ વિહિપ બજરંગ જેવાં લુમ્પન પરિબળો થકી બળ મેળવ્યું હશે ; છાયા વડાપ્રધાનને આજે વરુણ સાથે એવી જ કંઈક માયા જણાય છે.

જે કટોકટી સામેની લોકલડત અને જેપીનું નેતૃત્વ ભાજપ (જનસંઘ)ને સૂંડલામોંઢે ફળ્યાં, એમાં એક મહત્ત્વનો વિરોધમુદ્દો ત્યારે દેશની રાજનીતિમાં ઇંદિરા ગાંધીએ સંજયનો પ્રવેશ કરાવ્યો એ હતો. સમાજનાં લુમ્પન તત્ત્વોને, બેરોજગાર ને સત્તાકાંક્ષી નવરા નફરખંડાઓને સારુ એ ઠીક કારકિર્દી હતી. પછીથી, અયોધ્યાજ્વર સાથેનો બજરંગ પ્રવેશ પણ આ જ કુળ અને આ જ ગોત્રનો હતો. વિચારધારાકીય કળણમાં નહીં ખૂંપતાં ધોરણસરના શાસન (ગવર્નન્સ)ને અગ્રતા આપવી જોઈએ એવું મન બનાવી રહેલા અડવાણીને પીલીભીતની આંધળીભીંત સ્કૂલમાં જે બધી સંજયબજરંગ શક્યતાઓ દેખાઈ એથી દિલ્હી વળી ઢૂંકડું લાગવા માંડ્યું હશે? ન જાને.

અને રાહુલ ! યુવરાજની ભારત-ખોજ વિશે પૂર્વે સાશંક-સટીક ટિપ્પણી કરવાનું બનેલું છે. પણ યુવક કૉંગ્રેસમાં નવા સભ્યોની ભરતી અને મુક્ત ચૂંટણી (તોફાનો સંદર્ભે પુન: મતદાન સહિત)ની તૈયારી, કોઈક 'કલાવતી' સુદ્ધાંની બાલાશ જાણવાની વ્યૂહાત્મક તેવડ, અમેરિકા સાથેની પરમાણુ સમજૂતીને દેશની વીજખેંચના પરિપ્રેક્ષ્યમાં (ભલે અતિરંજનપૂર્વક પણ) મૂકી આપવાનો અભિગમ, કૉંગ્રેસના ખાસંખાસ ડિનેસ્ટીવાદ સામેની આપણી ફરિયાદ લાગણી છતાં, રાહુલને વરુણ કરતાં જુદા જરૂર તારવે છે.

જોકે તેથી કૈં હાલના જુદ્ધમાં આપણી ભાવઠ તો ભાંગતી નથી. કારણ, લોકશાહી સમાજવાદની નેહરુ ઢબછબ અને હાલનાં ભાજપ-કૉંગ્રેસ બેઉની નવી આર્થિક નીતિ તેમજ તે જ ઢબછબની જી-૨૦ થાગડથીગડથી કંઈક ઉફરું વિચારવાની નોબત આવેલી છે. 'એફ્લુઅન્ટ સોસાઇટી' અને 'ઇન્ડસ્ટ્રિયલ સ્ટેટ'ના જાણતલ અમેરિકી અર્થશાસ્ત્રી ગાલ્બ્રેથે 'વૈશ્વિકીકરણ' વિશે એક વાર આબાદ ટીકા કરી હતી કે એ બીજું કૈં નથી, પણ આપણે અમેરિકાવાળાઓ દુનિયાના બીજા બધા દેશોના અર્થતંત્રમાં દાખલ થઈ જવાની જે પેરવીમાં પડ્યા છીએ એનું જ એક રૂપાળું નામઝભલું (યુફેમિઝમ) છે.

વીરા મોરા, આની કંઈક ચર્ચા ગાંધી-લોહિયાના ઉજાસમાં કરો તો તમને તરુણ બકું.

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • અર્થપૂર્ણ જીવનનું દર્શન
  • જેન ગુડોલ; જેણે આપણને ચિમ્પાન્ઝીઓમાં માનવતાના ગુણ જોતાં શીખવ્યું
  • માણસ આજે (૩૨) 
  • દેશમાં વડાપ્રધાન કેટલા છે?
  • મુંબઈની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રાંતિઃ એરપોર્ટ અને મેટ્રોનો ઉત્સાહ ખરો પણ વિકાસની વાસ્તવિકતા શું?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના
  • શૂન્ય …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved