Opinion Magazine
Number of visits: 9462828
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બ્રિટનનો ગુજરાતી ડાયસ્પોરા

ક્ષમા કટારિયા|Diaspora - Culture|1 December 2012

વિદેશમાં વસતા ગુજરાતીઓની હલચલ-પ્રવૃત્તિઓ-પ્રયાસોના ખબરઅંતર આપણા સુધી કોઈક ને કોઈક પ્રકારે પહોંચતા રહે છે. તેમાં પણ "ઓપિનિયન" અને ‘ગુજરાતી લેક્સિકોન ડૉટ કૉમ’ જેવા મહાપ્રયાસો તેમના બુલંદ યોગદાનથી ગુજરાતી ડાયસ્પોરાની હાજરી વર્તાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ ગુજરાતી ડાયસ્પોરા પોતાની વાત લઈને આપણી પાસે આવી રહ્યો છે. એના જ ભાગરૂપે આ વર્ષે બ્રિટનસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’, "ઓપિનિયન" અને ‘ગુજરાતી લેક્સિકોન ડૉટ કૉમ’ના સંયુક્ત ઉપક્રમે, અમદાવાદમાં, તારીખ ૧૦ જાન્યુઆરીએ, ગૂજરાત વિદ્યાપીઠના નવા સભાગૃહમાં, ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : દિશા અને દશા’ વિષય પર અડધા દિવસનો પરિસંવાદ ગોઠવવામાં આવ્યો હતો. વળી, ડાયસ્પોરાની પ્રવૃત્તિને વાંચતી કરવાના હેતુ વિષયને અનુરૂપ એવાં બે પુસ્તકોના વિમોચનનો કાર્યક્રમ પણ સાથે વણી લેવામાં આવ્યો હતો.

આ પ્રસંગે બ્રિટનના ગુજરાતી ડાયસ્પોરાના પ્રતિનિધિઓ કહેવાય તેવા વિપુલ કલ્યાણી ("ઓપિનિયન" તથા ગુજરાતી સાહિત્ય અકાદમી), રતિલાલ ચંદરયા (ચંદરયા ફાઉન્ડેશન), ભદ્રા વડગામા (પ્રમુખ – ગુજરાતી સાહિત્ય અકાદમી), દાઉદભાઈ ઘાંચી તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગર, વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કૃષ્ણકાન્ત વખારિયા, ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ મંગુભાઈ ર. પટેલ,સમાજસેવિકા ઈલાબહેન પાઠક, ઇતિહાસવિદ્દ દંપતી શીરીન મહેતા અને મકરન્દ મહેતા તથા રઘુવીર ચૌધરી મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતાં. શ્રોતા તરીકે બ્રિટન અમેરિકાથી પચાસેક ડાયસ્પોરિકો તથા બીજા અનેક સ્થાનિક લોકો સાથે નારાયણભાઈ દેસાઈ પણ સહભાગી બન્યા હતા. કાર્યૐમના સંચાલનનો દોર વિપુલ કલ્યાણીએ સંભાળ્યો હતો.

ગૂજરાત વિદ્યાપીઠના જાણે કે ગણવેશમાં સજ્જ વિપુલભાઈએ બ્રિટનસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની વાતથી વિષયની માંડણી કરી હતી. ‘૧૨ ફેબ્રુઆરી, ૧૯૭૭ના સ્થપાયેલી અકાદમી ચોથા દસકામાં પ્રવેશી ચૂકી છે. સૈકાઓથી ગુજરાતી પ્રજા જાણે તેનો લાંબો દરિયાકિનારો તેને પડકારતો હોય તેમ દરિયાગમન કરતી રહી છે. અને આ દરિયાપાર વસેલા ડાયસ્પોરાના મિત્રોએ વારસાના વતન માટે કોઈ પણ એમ.ઓ.યુ. (મેમોરેન્ડમ ઑવ્ અન્ડરસ્ટેન્ડીંગ શ સમજૌતા એક્સપ્રેસ) વગર ઘણું ઘણું કર્યું છે – તેમના આ પ્રયાસોની ઇતિહાસમાં કોઈ નોંધ નથી લેવાઈ, જે લેવાવી ઘટે.’

તેમની ટૂંકી પૂર્વ ભૂમિકા પછી, પરિસંવાદની અધિકૃત શરૂઆત કરતાં  પહેલાં જાણીતા સાહિત્યકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ રઘુવીર ચૌધરીના હસ્તે બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું.   પ્રથમ પુસ્તક હતું ઇતિહાસવિદ્દ દંપતી શીરીન મહેતા અને મકરન્દ મહેતા કૃત  ‘બ્રિટનમાં  ગુજરાતી  ડાયસ્પોરા : ઐતિહાસિક  અને  સાંપ્રત પ્રવાહો’.    (પ્રકાશક : વિશ્વ ગુજરાતી સમાજ, મણિપ્રભુ, નવરંગ સ્કૂલ છ રસ્તા પાસે, અમદાવાદ – ૩૮૦ ૦૧૪, વિક્રતા : રંગવાર, યુનિવર્સિટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦ ૦૦૯; પૃષ્ટ : ૧૬ + ૩૪૨; કિંમત : રૂ. ૨૨૦) આ પુસ્તક અંગે માહિતી સંશોધન માટે શીરીનબહેન અને મકરન્દભાઈએ લગભગ ત્રણેક મહિના લંડનમાં રહીને મહેનત કરી હતી અને તેમને તમામ પ્રકારનો ટેકો આપ્યો હતો "ઓપિનિયને", ‘ચંદરયા ફાઉન્ડેશને’ તથા ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ. બંને લેખકોએ પોતે તો માત્ર નિમિત્ત હોવાનું અને ખરેખરા ઇતિહાસના રચયિતાઓ તો અત્યારે અહીં મંચ પર અને શ્રોતાગણમાં બેઠેલા હોવાનું કહી આભાર વ્યક્ત કર્યો હતો. નાત-જાત-ધર્મ-કોમથી નિરપેક્ષ રહી, ગુજરાતી મુસ્લિમો સુદ્ધાંનાં કેસ સ્ટડી વણી લેતું આ પ્રકારનું આ કદાચ પહેલું પુસ્તક હશે.

આ પ્રસંગે બીજા જે પુસ્તકનું વિમોચન થયું તે હતું ‘વાર્તાની છાજલી’. "ઓપિનિયન"ના આંરભિક દાયકાના અંકોમાં છપાયેલી વાર્તાઓમાંથી ચૂંટેલી ૩૨ વાર્તાઓનો સંગ્રહ. વલ્લભભાઈ નાંઢા, રમણભાઈ પટેલ અને ઉપેન્દ્રભાઈ ગોરે તેનું સંપાદન કર્યું છે. (પ્રકાશક :  નવભારત સાહિત્ય મંદિર, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ – ૪૦૦ ૦૦૨; પૃષ્ટ : ૧૬ + ૨૩૩; કિંમત રૂ. ૧૭૫).

આ અવસરે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગરે ગુજરાતી ડાયસ્પોરાના જૂના સભ્ય ગણાય એવા મોહનદાસ ગાંધીને યાદ કરીને તેમણે મૂકેલી સ્વસ્થ અને જીવનદર્શક મૂડીને અનુસરવા – અપનાવવાની વાત મૂકી હતી. ‘ભવિષ્યની પેઢી પાસે ફક્ત ગૌરવવંતો ઇતિહાસ નહીં, પૂરતી છણાવટ આપતો હોય તેવો ઐતિહાસિક દસ્તાવેજ હોવો ઘટે’, એવું કહીને તેમણે ડાયસ્પોરાના ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહોના લેખનને બિરદાવ્યું હતું અને શુભકામનાઓ પાઠવી હતી. વળી સૌની સ્વાગતવિધિ જેમણે કરી તે વિપુલ કલ્યાણીનું સ્વાગત કરવું રહી ન જાય તે ધ્યાનમાં રાખી સુદર્શનભાઈએ વિપુલભાઈનું પણ નાના ગુચ્છથી સ્વાગત કર્યું હતું.

ત્યાર બાદ, પોતાના વ્યવસાયને લઈને લાંબું વક્તવ્ય માત્ર અંગ્રેજીમાં (હાઈકોર્ટમાં માત્ર અંગ્રેજી ભાષા જ માન્ય હોવાથી) અને તે પણ સવેતન જ કરવા ટેવાયેલા જાણીતા ધારાશાસ્ત્રી તથા ‘વિશ્વ ગુજરાતી સમાજ’ના પ્રમુખ કૃષ્ણકાન્ત વખારિયાએ નવા પરિવર્તનની ગતિ સાથે ઊભા થનારા પ્રશ્નો માટે – ભાષાની તેમ જ સમાજજીવનની દૃષ્ટિએ – ડાયસ્પોરાએ તેમ જ સ્થાનિક ગુજરાતવાસીઓએ તૈયાર થવાની બાબત વિશે ચર્ચા કરી. ‘માતૃભાષા પર પ્રેમ હોવો જોઈએ તે ખશં, પરંતુ છેવટે ભાષાની ઉપયોગિતા પર જ પૂરો આધાર રહે છે. ભાષા કેટલું જીવશે તેનો માપદંડ માત્ર તેની ઉપયોગિતા જ છે. આપણા ન હોય તેવા બીજા કેટલા ય ઉત્સવો આપણે ઉજવતા થઈ ગયા છીએ ત્યારે ભાષાની દૃષ્ટિએ – સમાજજીવનની દૃષ્ટિએ નવા નવા પ્રશ્નો ઊભા થશે જ અને એના માટે આપણે આ બધાનો સમન્વય કરીને જ આગળ વધવું પડશે.’

સમગ્ર વિશ્વમાં બેથી અઢી કરોડ ભારતીયો જુદે જુદે ઠેકાણે જઈને વસ્યા છે, તેમાંથી ૩૦થી ૪૦ લાખ જેટલા તો માત્ર ગુજરાતીઓ જ છે. આટલી મોટી સંખ્યા જ આ વિષયને અગત્યનો બનાવે છે. સહકારની ભાવના વધે તો બ્રિટનની જેમ ફિજીમાં ગુજરાતી ડાયસ્પોરા, કેનેડામાં ગુજરાતી ડાયસ્પોરા – એમ કેટલા ય ડાયસ્પોરા અભ્યાસો થઈ શકે, એવો મત મકરન્દ મહેતાએ રજૂ કર્યો હતો.

ત્યાર બાદ, વિપુલભાઈએ ૮૪ વર્ષના યુવાન રતિલાલ ચંદરયાને પોતાનું વક્તવ્ય રજૂ કરવા આમંશયા હતા. રતિલાલભાઈએ ખૂબ નિખાલસતાપૂર્વક પોતાની વાત કરી – ‘હું આફ્રિકામાં જન્મ્યો. ઇતિહાસકારોએ અમને ‘કુલી’ તરીકે ઓળખાણ આપી. જ્યાં જઈએ ત્યાં અમને ‘કુલી’ – ‘મજૂર’ – ‘બ્લડી ઇન્ડિયન્સ’ – ‘બ્લેક’ તરીકે સંબોધન થતું. મેં આ જાતે અનુભવ્યું છે. પછીથી, એક વાર મને વિપુલભાઈએ ‘ગુજરાતીપણાની શોધમાં’ નામનું પુસ્તક આપ્યું. એ પુસ્તક વાંચ્યા પછી પહેલીવાર મને થયું કે શાબાશ, તું ગુજરાતી છે !’ રતિલાલભાઈએ પોતાની માન્યતા પણ મક્કમપણે કહી – ‘અહીં ક્યાંક બોલાયું કે ગુજરાતી ભૂલાઈ ગઈ છે – એ હકીકત નથી. વીસ લાખ લોકોએ ‘ગુજરાતી લેક્સિકોન’ની સાઈટ જોઈ છે. એ પુરાવો છે કે લોકોને ભાષા માટે લગની છે, પ્રેમ છે.’ રતિલાલભાઈએ વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તેમના માટે આવું પુસ્તક લખાય તેવી શુભેચ્છા પ્રગટ કરી હતી.

આટલું વાતાવરણ બંધાયા પછી, વિપુલભાઈએ વિધિવત્ ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા – દિશા અને દશા’ પરિસંવાદની શરૂઆત કરી હતી.  પરિસંવાદના સૌથી પહેલાં વક્તા હતાં ભદ્રાબહેન વડગામા. તેઓ ઊંડા અભ્યાસુ છે, બ્રિટન સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ છે તથા વ્યવસાયે ગ્રંથપાલનું કાર્ય કરે છે. તેમણે વિગતવાર ઐતિહાસિક વિગતો ટાંકીને જુદા જુદા ક્ષેત્રે બ્રિટનમાં ગુજરાતીઓએ મેળવેલી સિદ્ધિઓની વાત કરી – રમતગમત સિવાય બીજું એક પણ એવું ક્ષેત્ર નથી જ્યાં ગુજરાતીઓએ કોઈ નોંધનીય ન કર્યું હોય ! તેમણે ગુજરાતીઓએ કરેલા સંઘર્ષની વાત પણ કરી અને છેલ્લે ‘તળ ગુજરાતી કરતાં અમારો ડાયસ્પોરિક ગુજરાતી લાંબા સમય સુધી ગુજરાતી બોલશે, વાંચશે, લખશે, સાંભળશે અને જીવશે’, તેવો બુલંદ વિશ્વાસ વ્યક્ત કર્યો.

એ પછીનાં વક્તા ‘અવાજ’નાં ઈલાબહેન પાઠકે પોતાની વાંકદેખી નજરનો હવાલો આપતાં પહેલાં જ સ્પષ્ટ કહી દીધું કે અત્યાર સુધી કહેવાયું છે તેનાથી કંઈક અલગ તેઓ કહેવા ધારે છે. તેમણે ડાયસ્પોરાની દશાને બ્રિટનમાં ગુજરાતી બહેનોની સ્થિતિના સંદર્ભે મૂલવી હતી. અલબત્ત, તેમણે ડાયસ્પોરાની સારી અને નરસી બ;ને બાબતોની ચર્ચા કરી હતી. ડાયસ્પોરાની સારી બાબતો ગણાવતાં તેમણે કહ્યું હતું – (૧) પરદેશમાં વસતા ગુજરાતીઓ બાળલગ્નો નથી કરાવતાં. (૨) પરદેશમાં છોકરીઓને ભણાવાય છે. અમુકતમુક કે ગણતરીની સ્ત્રીઓની સિદ્ધિની નહીં પરંતુ મોટા ભાગની સ્ત્રીઓની સ્થિતિ પરથી જ ડાયસ્પોરા સાચી દિશાનો અંદાજ કાઢી શકે. બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરાનો આડો છેદ લેવામાં આવે તો ત્યાં લગ્ન માટે હજી પણ નાત-જાત-ગામ જોવાય છે, બાળક હોય તો જ સ્ત્રીઓ પાસે પોતાના માટે સમય નથી – તેમનું એ માનસ બદલાય તેવું કોઈ વાતાવરણ સમાજ તરફથી પૂશં પડાયું નથી. પોતાની વાતના લંડનની મુલાકાત વખતના દાખલાઓ ટાંકીને ઈલાબહેને તેમાં સંશયને કોઈ સ્થાન રહેવા દીધું નહીં.

ઈલાબહેને સ્ત્રીઓનાં દુ:ખોના સંદર્ભે ડાયસ્પોરાને મૂલવ્યો તો તેમના પછી આવેલા વક્તા અને લેખક દાઉદભાઈ ઘાંચીએ કોઈ મજબૂરીથી નહીં પણ ઈરાદાપૂર્વક ડાયસ્પોરાનો ભાગ બનવા આવી રહેલા યુવાનો વિશે વાત કરી. પહેલાં અર્થોપાર્જન માટે અને આફ્રિકામાંથી તો ઈદી અમીનના ત્રાસના કારણે બ્રિટનમાં આવીને પોતાનો રસ્તો કાઢનારા ગુજરાતી ડાયસ્પોરાની એ પેઢી વિદાય લઈ રહી છે અને નવા જોમ, તરવરાટ અને ત્યાંની સંસ્કૃતિમાં ભળી જવાના ઉત્સાહ સાથે ઇમિગ્રેશન કરી રહેલા નવયુવાનોની પેઢી આવી રહી છે.

‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો’ના લેખક-દંપતીમાંથી શીરીનબહેન મહેતાએ ૧૯૬૦ પછીના વિતીય સ્થળાંતરની વિગતવાર વાત કરી. આફ્રિકામાંથી બ્રિટનમાં સ્થળાંતરિત થયેલા ગુજરાતી પરિવારો અને તેમાં પણ વિશેષપણે સ્ત્રીઓના સંઘર્ષોની સામાન્ય રીતે બહુ નહીં જાણીતી એવી વાત પણ તેમણે ઉદાહરણ સાથે કરી. જેમ કે ત્યારે ખૂબ કડક બનાવી દેવાયેલા બ્રિટિશ કાયદા અનુસાર માત્ર મેઈન પાસપોર્ટ હોલ્ડરને અને તેનાં સોળ વર્ષથી નાનાં બાળકોને જ બ્રિટનમાં પ્રવેશ આપવામાં આવતો. એ અરસામાં યુગાન્ડાથી કેટલી ય સ્ત્રીઓ આ રીતે પોતાનાં બાળકો સાથે બ્રિટનમાં પ્રવેશ મેળવતી પણ પછી સંઘર્ષોનો એક આખો મહાસાગર તેણે પાર કરવાનો રહેતો. જુદી ભાષા, કાયદા વચ્ચે ઘર શોધવાથી માંડીને આજીવિકા રળવા સુધીનો. અલબત્ત, ત્યારે ત્યાં જ રહેતા કેટલા ય ગુજરાતી પરિવારોએ દાખવેલી સજ્જનતા અને મદદની પણ તેમણે વાત કરી.

મકરન્દભાઈ મહેતાએ  લાગણી – સંઘર્ષો – વતન માટે ઝુરાપાથી અલગ હટીને બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરામાંથી ગુજરાતી શીખવા જેવી બાબત તરફ અંગુલિનિર્દેશ કર્યો, ‘જેમ સ્ત્રીઓ સંદર્ભે અલગથી વાત થઈ તેમ દલિતની વાત પણ અલગથી કરવી જોઈએ. આપણા દલિત-કોળી-મોચી વગેરેએ ત્યાં જઈને વ્યાવસાયિક અને અન્ય શિક્ષણ મેળવીને ઘણી સારી સ્થિતિ પ્રાપ્ત કરી છે. આમ જોઈએ તો બ્રિટન એક તરફ સુધારાવાદી છે અને બીજી તરફ ત્યાં પણ ઉગ્ર રંગ/વંશીય ભેદભાવો છે. છતાં ત્યાં કંઈક એવું મલ્ટીકલચર છે જ્યાં આવું શકય બની શક્યું. ગુજરાત આ મલ્ટીકલચરમાંથી શીખે છે.’

આમ આ પરિસંવાદમાં, ‘ડાયસ્પોરા’ શબ્દનો ઉપયોગ કરવા – ન કરવાથી માંડીને જન્મના કારણે મળતા બ્રિટિશ નાગરિક હક સ્પષ્ટપણે ન બંધાતી બ્રિટિશ સરકારને કારણે ઊભી થતી અસલામતી જેવા ગંભીર મુદ્દાઓ, ગુજરાતી ડાયસ્પોરાને અને તમામ ગુજરાતીઓને હરખ થાય તેવી સિદ્ધિઓ – પ્રયાસો અને ક્યાંક ક્યાંક આત્મનિરીક્ષણ કરવાની તક આપતા અનેક મુદ્દાઓ વિશે કવિતાઓ અને ગઝલોની ઉક્તિઓ સંગાથે ચર્ચાઓ થઈ. બ્રિટનના ગુજરાતી ડાયસ્પોરાની વાત ઠીક ઠીક પહોંચી અને ગુજરાતી ડાયસ્પોરાને પણ કંઈક ભાથું મળ્યું.

વિપુલ કલ્યાણીએ શ્રોતાગણથી માંડીને ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક, અને કુલસચિવ, લેક્લિસકોન જૂથ અને ચંદરયા ફાઉન્ડેશન એમ તમામનો આભાર માન્યો અને ‘ગુજરાત ઇતિહાસ પરિષદ’ના પ્રમુખ મંગુભાઈ પટેલે ‘અહીંથી જ્યાં સુધી તમામ સંતો-મહંતો-ઓલિયાઓ બ્રિટનમાં ચાલ્યા નહીં જાય ત્યાં સુધી બ્રિટનના ગુજરાતી ડાયસ્પોરાને કોઈ વાંધો આવવાનો નથી !’ એવા હળવા ગંભીર વ્યંગથી સમાપનવિધિ કરી. તેમણે ટાંકેલી કાવ્યપંક્તિઓ પૈકી એક હતી કવિ ‘ખય્યામે’ રચેલી  પંક્તિઓ :

અમે ગુજરાતનું નામ રોશન કરી લઈશું,

હોઈશું જ્યાં ત્યાં ગુજરાતનું સર્જન કરી લઈશું.

(સદ્દભાવ : "નિરીક્ષક", ૧૬.૦૧.૨૦૦૯; "ઓપિનિયન", ૨૬.૦૨.૨૦૦૯) 

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • સત્યનો અવાજ દબાવવો એટલે લોકશાહીની હત્યા !
  • વાંચનનો વ્યાયામ : પુસ્તકો વાંચતા લોકો બે વર્ષ લાંબુ જીવે છે!
  • લદ્દાખની લડતઃ શાસન સામે સ્વાયત્તતા, ગૌરવ અને રાજકારણનો જંગ
  • ગાંધી અને રાષ્ટૃીય સ્વયંસેવક સંઘનો મેળ બેસે તેમ નથી !
  • ચલ મન મુંબઈ નગરી—308 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • શૂન્ય …
  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved