
રવીન્દ્ર પારેખ
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિક અરાજકતાનું ઉત્તમ ઉદાહરણ છે. એવો એક દિવસ નથી જતો જેમાં ટ્રમ્પે ટેરિફ અને ધમકીની વાતો ના ઉચ્ચારી હોય. તેઓ ન બોલે તો વૈશ્વિક શાંતિ વહેલી સ્થપાય, પણ કમનસીબે તેવું થતું નથી. બોલવાનો, તોછડાઈનો રોગ હોય તે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ વર્તે છે. ભારતને મિત્ર ગણીને ટેરિફની ધમકી આપવાનું પણ તેઓ ચૂકતા નથી. ભારત-પાકિસ્તાન યુદ્ધ વિરામ ટ્રમ્પ વગર શક્ય જ ન હતો એવો પ્રલાપ તેઓ એકથી વધુ વખત કરી ચૂક્યા છે. બાકી, હતું તે ગઈ કાલના સમાચારમાં જ ટ્રમ્પે કહ્યુ કે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરાવીને તેમણે લાખો લોકોના જીવ બચાવ્યા છે. એ સાથે જ એમ પણ ઉમેર્યું કે અમે એક વર્ષ કરતાં ઓછા સમયમાં 8 શાંતિ સમજૂતી કરાવી છે. એ પણ ગણાવ્યું કે ઉત્તર કોરિયા સાથેના સંવાદ, મધ્યપૂર્વમાં અબ્રાહમ એકોર્ડ્સ અને આતંકવાદ વિરોધી પગલાં માટે પોતાને નોબેલ શાંતિ પુરસ્કાર એકથી વધુ વખત મળવો જોઈએ, એવો દાવો અને પ્રચાર ખુદ ટ્રમ્પે કરવામાં કોઈ કસર રાખી નથી. દાવો તો ઠીક, પણ નોબેલની તેમણે રીતસરની ઉઘરાણી જ કાઢી હતી. જો કે, તેમના દુર્ભાગ્યે, ટ્રમ્પને 2025નું નોબેલ પીસ પ્રાઈઝ ન મળ્યું ને તે વેનેઝુએલાના વિપક્ષના નેતા મારિયા કોરિના મચાડોને મળ્યું. ટ્રમ્પ નોબેલ કમિટી પર ગિન્નાયા પણ ખરા, તે કમિટી પક્ષપાતી છે, એવો આરોપ મૂકવાથી પણ ન ચૂક્યા.
આ સાથે જ તેમનો ઉપદ્રવ તો ચાલુ જ છે. 8 યુરોપિયન દેશોને 10 ટકા ટેરિફની ધમકી આપતાં તેમણે રોકડું પરખાવ્યું કે સમજૂતી નહીં થાય તો 1 જૂનથી ટેરિફ 25 ટકા થશે. ગ્રીનલેન્ડ ખરીદીને કબજે લેવાની ધમકીને કારણે ભયંકર ઠંડી વચ્ચે લોકોએ રેલી કાઢી ને સ્પષ્ટ કર્યું કે ગ્રીનલેન્ડ વેચવા માટે નથી. ડેન્માર્કમાં પણ અનેક રેલીઓ નીકળી. ટ્રમ્પના 8 વખત શાંતિ પ્રયાસોની વાત સાચી માનીએ તો પણ, કોઈ દેશની ખરીદ-વેચાણની વાતે કે ટેરિફની ધમકીઓથી શાંતિ ડહોળાય છે, એવું નહીં? સુપ્રીમ લીડર ખોમેનેઈએ કહ્યું કે ટ્રમ્પના હાથ લોહીથી રંગાયેલા છે, તો, ટ્રમ્પ જવાબમાં કહે છે કે ઈરાન સરકાર થોડા દિવસની જ મહેમાન છે. ઈરાની પ્રદર્શનકારીઓનું માનવું છે કે ટ્રમ્પે અમને દગો કર્યો છે. સૌથી વધુ જરૂર હતી ત્યારે જ ટ્રમ્પે સમર્થન પાછું ખેંચ્યું ને તેનું પરિણામ 5,000 લોકોનાં મોતમાં આવ્યું છે. આ બધી વાતો અને શાંતિ સમજૂતી વચ્ચે કેવળ માનસિક અસ્થિરતા જ કેન્દ્રમાં આવી રહે છે.
આની સમાંતરે ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું ચૂપચાપ અપહરણ કરી વેનેઝુએલામાંથી સરમુખત્યારશાહી ખતમ કરવાનો પ્રયત્ન કર્યો. આ માન્યતા મારિયા મચાડોની છે. એ જે હોય તે, નિકોલસ માદુરો સરમુખત્યાર જ કેમ ન હોય, ટ્રમ્પને કોઈ હક નથી કે તેઓ માદુરોને તેમના દેશમાંથી ઉપાડીને અમેરિકા ખેંચી જાય. એ ખરું કે મચાડો વિપક્ષી નેતા છે. તેમણે જોયું કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું અપહરણ થયું છે ને ટ્રમ્પને વહાલા થવાથી વેનેઝુએલામાં સત્તા મળે એમ છે, તો તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર ભેટ(કે દાન?)માં આપી દીધો. ‘TO PRESIDENT DONALD J. TRUMP’ લાઈન સાથે મચાડોએ નોબેલ પુરસ્કાર અર્પણ કર્યો. ટ્રમ્પ તો નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટાંપીને બેઠા જ હતા, ત્યાં ભાવતું હતું ને વૈદે કહ્યા જેવું થયું. મચાડોને પુરસ્કાર જાહેર થયો ત્યારે ટ્રમ્પ તેમનાથી નારાજ હતા, એ પછી નોબેલ પુરસ્કાર સામેથી પોતાને આંગણે આવે તો ના કેમ પાડે?
જરા પણ સંકોચ વગર રાષ્ટ્રપતિ ટ્રમ્પે પુરસ્કાર સ્વીકારતો ફોટો મચાડો સાથે પડાવી લીધો. મચાડોએ એમ પણ કહ્યું કે આજનો દિવસ વેનેઝુએલાના લોકો માટે ઐતિહાસિક છે. આપણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર વિશ્વાસ કરી શકીએ. કોઈનું ઇનામ પોતે સ્વીકારી લેવું કોઈ રીતે યોગ્ય નથી. તેમાં આ તો નોબેલ પુરસ્કાર ! દુનિયા જાણે છે કે 2025નો શાંતિ પુરસ્કાર મચાડોને મળ્યો છે. તે પોતાને નામે ચડાવવાનો રાષ્ટ્રપતિ જેવાને સંકોચ ન થાય એ બેશરમીની પરાકાષ્ટા છે. ઉપરથી ટ્રમ્પ ખુશ થઈને મચાડો માટે સોશિયલ મીડિયા પર લખે છે કે મચાડો એક હિંમતવાન અને અદ્દભુત મહિલા છે. મચાડોને નોબેલ પુરસ્કાર મળ્યો, ત્યારે તે હિંમતવાન અને અદ્દભુત મહિલા લાગ્યાં ન હતાં. તેઓ તો મચાડોને પુરસ્કાર મળ્યો, એ વાતે નારાજ હતા, પણ જેવું મચાડોએ ઇનામ ટ્રમ્પને પધરાવ્યું કે મચાડો અદ્દભુત ને હિંમતવાન મહિલા થઈ ગયાં ! માત્ર રાજકીય લાભ ખાટવા મચાડો જેવાં વિપક્ષી નેતા નોબેલ પુરસ્કારનું ગૌરવ જાળવવાને બદલે તેની લહાણી કરવા નીકળે એ પણ એટલી જ શરમજનક ઘટના છે.
હવે નોબેલ પારિતોષિક આપતી કમિટીને પણ થતું હશે કે તેણે કેવાં સન્નારીને નોબેલ શાંતિ પુરસ્કાર માટે પસંદ કર્યાં છે ! મચાડો બધી શંકાથી પર, વેનેઝુએલામાં લોકશાહીની જ્યોત પ્રગટાવી રાખવા માટે જે જોખમો વચ્ચે ટકી રહ્યાં છે, તે કાબિલે દાદ છે. એ રીતે નોબેલ પુરસ્કાર માટે તેમની પસંદગી બધી રીતે ઉચિત છે, પણ તેમણે જે હરકત નોબેલનું દાન કરવાની કરી છે, તે અક્ષમ્ય છે. એમ નોબેલ પુરસ્કાર ટ્રમ્પને આપવાથી એ સિદ્ધ થઈ શકશે કે નોબેલ પુરસ્કાર મચાડોને અપાયો નથી? ન તો આ પુરસ્કાર અર્પણવિધિથી દુનિયા એમ માનશે કે પુરસ્કાર મચાડોને નહીં, પણ ટ્રમ્પને મળ્યો છે? જો એ શક્ય જ નથી તો પારિતોષિક અર્પણવિધિનો આ આખો વેપલો રાજકીય સ્ટંટથી વિશેષ કંઇ નથી. અલબત્ત ! ટ્રમ્પે મારિયા મચાડોને રાજકીય નેતા તરીકેનું સમર્થન આપ્યું નથી, પણ મચાડો નિસ્વાર્થ ભાવે નોબેલની લ્હાણી કરીને ચૂપચાપ બેસી રહે એવાં સન્નારી તો નથી જ !
વેનેઝુએલાની અત્યારની પરિસ્થિતિમાં સૌથી વધુ રાજકીય લાભ ખાટવાની તકો મચાડો પાસે છે ને એ નોબેલ દાન કરવાથી હાથવગી હોય તો મચાડો એ ન જ ગુમાવે એ સમજી લેવાનું રહે. આમાં સૌથી વધુ ચલણી તત્ત્વ દાખલ પડી જાય એવું કંઇ હોય તો તે નોબેલની ગરિમા ન જળવાવાનું. નોબેલમાં મોટી રકમ મેડલની સાથે અપાય છે. એથી વધુ રકમ ઘણાં ધરાવતા હોય એ શક્ય છે. એવી સાધન સંપન્ન કોઈ વ્યક્તિ વધુ રકમ આપીને નોબેલ ખરીદવા નીકળે કે વધુ રકમની લાલચે કોઈ નોબેલ વેચવા નીકળે તો તેને રોકવાનું મુશ્કેલ બને. ટ્રમ્પને નોબેલ અર્પણ વિધિની મચાડોની ચેષ્ટાથી આવો નવો ધારો પડે તે મોટું ભયસ્થાન આ ઘટના/દુર્ઘટનાનું છે.
બહુ યોગ્ય રીતે જ આ ભયસ્થાન પારખીને નોબેલ કમિટીએ કેટલીક સ્પષ્ટતાઓ કરવી પડી છે. મેડલના માલિક બદલાઈ શકે છે, પરંતુ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાનું બિરુદ બદલી શકાતું નથી. ટૂંકમાં, નોબેલ પુરસ્કાર કોઈને ટ્રાન્સફર કરી શકાતો નથી, વહેંચી શકાતો નથી કે રદ્દ કરી શકાતો નથી, એટલે આ પુરસ્કાર મચાડો પાસે જ રહેશે. નોબેલ કમિટીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે નોબેલ વિજેતાની પસંદગી સંપૂર્ણપણે સ્વતંત્ર છે ને તે કોઈ રાજકીય દબાણને વશ નથી. ટ્રમ્પે નોબેલ સ્વીકારતો ફોટો તો પડાવ્યો છે, પણ મચાડો પાસે જોઈએ તેટલાં પ્રમાણમાં સમર્થન નથી, એટલે મચાડો વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ હોવાની કલ્પના કરી બેઠાં હોય તો તેમાં છક્કડ ખાવાની તૈયારી પણ રાખવાની રહે.
કોઈ રાજકીય દાવપેચમાં ન પડીએ, તો પણ વૈશ્વિક કક્ષાનો નોબેલ શાંતિ પુરસ્કાર તેની ગરિમા ગુમાવે એ રીતનું વર્તન મારિયા મચાડોએ કરવા જેવું ન હતું. એવી પણ ચર્ચા છે કે મારિયા મચાડોને આ પુરસ્કાર અમેરિકાને, એટલે કે ટ્રમ્પને ઈશારે મળ્યો છે, જેથી વાયા મચાડો તે ટ્રમ્પ સુધી પહોંચે. આ સેટિંગ હોય તો તે નોબેલ કમિટીની નિષ્પક્ષતા પર પણ પ્રશ્નાર્થચિહ્ન લગાવે છે. જો કે, અત્યારે તો આ પુરસ્કારને દુનિયાએ નોબેલ કમિટીની નિષ્પક્ષતા સંદર્ભે જ જોવાનો રહે, એટલે નોબેલ કમિટીને ટ્રમ્પ વધુ યોગ્ય જણાયા હોત, તો એ પુરસ્કાર તેમને જ અપાયો હોત, પણ તેમ ન થતાં મચાડો વધુ લાયક ઉમેદવાર લાગ્યા ને પુરસ્કાર તેમને અપાયો. હવે નોબેલની નિર્ણાયક કમિટીની ઉપરવટ જઈને મારિયા મચાડો એ પુરસ્કાર ટ્રમ્પને એનાયત કરે એમાં પારિતોષિકની અવમાનના છે, એટલું જ નહીં, નોબેલ કમિટીનું પણ એમાં અપમાન છે ને એ નોબેલ પારિતોષિક વિજેતાને હાથે થાય એ તો વધુ ગંભીર ઘટના છે.
કમ સે કમ નોબલ પુરસ્કાર આટલો સસ્તો તો તેના વિજેતા દ્વારા ન જ થવો જોઈએ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 જાન્યુઆરી 2026
![]()

