(આ લેખમાં મૂકેલા વિચારોનો સંદર્ભ છે : ‘નિરીક્ષક’ ૧૬ નવેમ્બર અને ૧ ડિસેમ્બર, ૨૦૧૯)
પ્રકાશભાઈએ ‘સાહિત્યકારોના ઝઘડા’ નામનો મારો પૂર્વપ્રકાશિત લેખ ૧૬ નવેમ્બરના ‘નિરીક્ષક’માં પ્રકાશિત તો કર્યો પણ એ વાતની જાણ એમણે મને પાછળથી ઇ-મેઇલથી કરી, નહીં કે પહેલાં. આ વાતનું વાંકું ન પાડું, કેમ કે અમે વરસોથી મિત્રો છીએ, આઈ મીન, લેખ એમ જ લઈ લેવાનો એમને હક્ક છે.
મારો લેખ ‘નિરીક્ષક’માં પ્રકાશિત કરવા માટેનો એમનો આશય એમના જ શબ્દોમાં આ પ્રમાણે સ્પષ્ટ છે:
‘મિત્ર સુમન શાહે અચ્છો મુખડો બાંધી સૌને કોઠે પડી ગયેલ જે ‘મૂંગારો’ છે, એની જિકર કરી છે; અને એ પૃષ્ઠભૂ ઉપર આપણે ત્યાં સ્વાયત્તતા, અકાદમી અને પરિષદ સંદર્ભે ચર્ચા છેડી છે, જે ઊહ અને અપોહથી પડ જાગતું ને ગાજતું રહેવું જોઈએ, એને માટે એમણે ખોલી આપેલી સંભાવનાના ઉજાસમાં થોડીએક વાત કરવી લાજિમ સમજું છું. સુમનભાઈની રજૂઆતને એક સિંહાવલોકન સારુ મળી રહેલ સુયોગ લેખે જોઉં છું. ’
પછીથી પ્રકાશભાઈએ મને એક ઇ-મેઇલમાં પણ લખ્યું હતું કે ‘ઊહ અને અપોહ ચાલે તે ઇષ્ટ છે … તમારા લેખે સારી તક આપી.’
આમાં ક્યાં ય એમણે એમ નથી સૂચવ્યું અથવા તો કોઈ પ્રકારે એમ નથી સૂચવાતું કે સુમન શાહની ‘ભૂમિકા’ની ચર્ચા કરવી. પરંતુ ‘નિરીક્ષક’-૧ ડિસેમ્બર, ૨૦૧૯ના અંકમાં મારી ‘ભૂમિકા’-ની ચંદ્રકાન્ત ટોપીવાળાએ ચર્ચા કરી છે, એટલે એ ચર્ચાને હું ફાલતું ગણું છું.
તેમ છતાં, ચર્ચા પ્રકાશિત થઈ જ છે તો હું પણ એમની જેમ જ ઇચ્છું છું કે ‘મુદ્દાઓ ખૂલીને પ્રગટ થવા જોઈએ.’ બે મોટી વાત કરું : પહેલી વાત એ કે ‘નિરીક્ષક’માં મારા નામે જે છપાયું છે એ તેઓ કહે છે એમ, મારો કોઈ ‘પત્ર’ નથી. એ મારો ‘લેખ’ છે. તેઓ કહે છે એમ એની પ્રકાશભાઈએ કશી ‘નુક્તેચીની’ નથી કરી. પ્રકાશભાઈ તો એમણે પોતે જણાવ્યું છે એમ મારી ‘રજૂઆતને એક સિંહાવલોકન સારુ મળી રહેલ સુયોગ લેખે’ જુએ છે.
બીજી વાત એ કે એ ‘ભૂમિકા’ નથી, સમયે-સમયે બંધાયેલાં ‘મંતવ્યો’ છે. ભૂમિકા તો સુચિન્તિત અને વ્યાપક હોય, કેમ કે એમાં બહુ સંકેતોનો સમાસ હોય. મેં જાહેર કર્યું હોય કે ‘હું નથી માનતો કે ચૂંટણી હોય તો જ સ્વાયત્ત થવાય’ – કેમ કે એ કાળે એ મારું મંતવ્ય હોય. એ બાબતે આજે પણ મારું મંતવ્ય એ જ છે. મેં જાહેર કર્યું હોય કે ‘સરકાર મનઘડંત કરશે એમ માની લેવું એ પણ દુરાશય કહેવાય’ – કેમ કે ત્યારે મને એમ લાગ્યું હોય. જો કે એ બાબતનું મારું એ મંતવ્ય આજે નથી ટકી શક્યું. કેમ કે સરકાર કાર્યવાહક વગેરે સમિતિઓ વિશેના પોતાના જ નિયમોને ચાતરી ગઈ છે. આ ચોખ્ખાંચટ મંતવ્યો છે અને તદનુસારી મારાં વર્તનો છે. મંતવ્યોની પ્રકૃતિ કે બદલાતાં રહે, એ કહેવાની જરૂર ખરી? વળી એ મારી વૈયક્તિક દૃષ્ટિમતિ છે અને તદનુસારનાં એ મારાં મંતવ્યો છે અને એ મંતવ્યો અનુસારનાં એ મારાં વર્તનો છે.
હંમેશાં હું કોઈ પણ સંસ્થામાં તેના નિમંત્રણથી સાહિત્યિક કામ કરવા જ જતો હોઉં છું. સાથે, મારાં પોતાનાં ધોરણો પણ હોય છે અને એ જ ધોરણો અનુસાર હું નીકળી પણ જતો હોઉં છું. એટલે જવા કે નીકળી જવા અંગે કદી મારે મારો બચાવ કરવાનો તો પ્રશ્ન જ નથી ઊઠતો! જરા પણ નહીં! સાહિત્યપદાર્થને માટેની મારી ખેવના અને તેને સાકાર કરવા માટેનાં મારાં શ્રમ-નિષ્ઠામાં કશી કમી કે ચૂક નથી હોતી.
તેઓ કહે છે એમ મેં અકાદમી પર ‘હલ્લો’ કરાવવા નથી લખ્યું. મારે કોઈ પાસે હલ્લો શું કામ કરાવવો જોઈએ? મેં તો દેખીતી હકીકત છે, તેને જ ચીંધી છે કે અકાદમીમાં હાલ આપખુદી પ્રવર્તે છે, કેમ કે નિર્ણયો બે જ વ્યક્તિથી લેવાય છે. ને તેથી પૂછ્યું છે કે – આમાં કઈ લોકશાહી છે ને કયું બંધારણ? પૂછ્યું છે કે – આ હકીકતની મુખ્યમંત્રીશ્રીને ખબર છે ખરી? પૂછ્યું છે કે – સરકારને પ્રજાજીવનના સેંકડો પ્રશ્નો ઉકેલવામાં રસ છે, તો આ ગંભીર અને અત્યંત સંવેદનશીલ બાબતે તે અક્રિય કેમ છે ? પૂછ્યું છે કે – શું માતૃભાષાના સાહિત્યકારોની વેદનાની કોઈ જ વિસાત નથી?
પરંતુ વિચિત્રતા તો કેવી કે તેઓ આને ‘અત્યંત દુઃખદ’ બાબત કહે છે! એમને એ કેમ નથી સમજાતું કે આ મેં કરેલા એકદમના ગંભીર અને અતિ આવશ્યક પ્રશ્નો છે! ભઈલા મારા, આ બે બાજુથી ‘થાપ’ પણ નથી. ન તો અકાદમી વિશેની કે ન તો પરિષદ વિશેની, પણ વર્તમાન ગુજરાતી સાહિત્યિક પરિદૃશ્ય સમસ્તને વિશેની, મેં, એક સાહિત્યજને, છાપાના જાહેર મેદાનમાં સરકારને કરેલી અને પ્રજા સામે મૂકેલી મૂલ્યવાન પૃચ્છા છે.
મેં જો એક-દોઢ વર્ષ પર લખ્યું હોય કે ‘ફતવો’, તો તેના યૌગિક અર્થમાં – આજ્ઞા કે આદેશના અર્થમાં, છતાં, મારા એ અભિપ્રેતને રદ્દ કરો અને ક્લિષ્ટ પણ રૂપાળા દીસતા એમના શબ્દોમાં ‘સ્વમાની અને સંવેદનશીલ ગુજરાતી લેખકની સહજ પ્રતિક્રિયાનો સંભવિત આલેખ’ કહો; વાસ્તવમાં કશો અર્થ-ફર્ક નથી પડવાનો! ખરી વાત તો એ છે કે એવું કંઈ પણ કહેવું સ્વાયત્તતા તરફીને છાજતું નથી, એમ હું સ્પષ્ટપણે માનું છું. એવુંતેવું કહેવું પાર્ટી / પોલિટિક્સમાં શોભે. સ્વાયત્તતાતરફી તો સમુદાર હોય. સૌને સ્વાયત્ત અને સર્વમુક્ત રાખે. સ્વાયત્તતાતરફી એકદમનો ધૈર્યશાળી હોય ને પોતાના સત્ય પર ખડો રહી બસ ઝઝૂમે. મેં લખ્યું કે ‘લડત ચાલુ રાખો’, ત્યારે બીજી કોઈ પણ ભૂમિકા નહીં પણ સ્વાયત્તતા વિષયક પરિષદની જ ભૂમિકા સ્વીકારીને કહેલું હોયને, ભલા ભાઈ ? એ મારી ભલી લાગણીને ગૂપચાવી જઈને અવળું બોલવું કે મેં ‘સ્વાયત્તતાને હાંસીપાત્ર બનાવી છે’, તો એ શી વસ્તુ થઈ ? એ ક્યાંની તાર્કિકતા છે ? યાદ રહે કે એ બંને વાત મેં અકાદમીની કાર્યવાહક સમિતિના સભ્ય હોવા છતાં, પરિષદના સામાન્ય સભ્ય હોવા છતાં, કહી છે. એમાં પણ વર્તમાન ગુજરાતી સાહિત્યિક પરિદૃશ્ય સમસ્તને વિશેની મેં, એક સાહિત્યજને, સરકાર પ્રતિ વ્યક્ત કરેલી અને પ્રજા સામે મૂકેલી મૂલ્યવાન લાગણી છે.
મેં મારા લેખમાં પરિષદના સ્વાયત્તતા વિષયક પુરુષાર્થની એક બહુ જ નાની સમરી આપી છે; ૬ વાક્યોમાં કહ્યું છે :
૧ : મથામણ ખાસ્સી થઈ પણ નીવેડો ન આવ્યો.
૨ : જો કે એ મુદ્દો હવે મન્દપ્રાણ થઈ ગયો છે.
૩ : એ કાજે કોઈ સાહિત્યકારે ધરણાં ન કર્યાં.
૪ : કેટલાક અંદરનાઓએ જ અસહકારના ફતવાને ફગાવી દીધો.
૫ : પહેલાંના બેયે બે પ્રમુખ સહિતના વર્તમાન પ્રમુખ ચૂપ છે.
૬ : બને કે એમનો હૃદયભાવ કરમાઈ ગયો હોય …
મારાં ૬ વાક્યોને ધ્યાનથી વાંચનારને મારો વક્તવ્યસૂર સંભળાશે કે હું એ પુરુષાર્થ પાછળની મથામણ પ્રત્યે એક હમદર્દીભરી લાગણી વ્યક્ત કરી રહ્યો છું. પરંતુ તેઓ તો, એ પહેલાં પાંચ વાક્યોને ઓળંગી જઈને સીધા પાંચમા અને છઠ્ઠા પર જઈ ઊભા કે ‘પહેલાંના બેયે બે પ્રમુખ સહિતના વર્તમાન પ્રમુખ ચૂપ છે. બને કે એમનો હૃદયભાવ કરમાઈ ગયો હોય …’
કોઈ વ્યક્તિ ‘બને કે એમનો હૃદયભાવ કરમાઈ ગયો હોય’, કહે ત્યારે એ વ્યક્તિ, એવું હોવાની માત્ર સંભાવના વ્યક્ત કરે છે; મતલબ, એવું ન પણ હોય. પણ નોંધપાત્ર વાત તો એ હોય છે કે ત્યારે એ વ્યક્તિ ‘હૃદયભાવ’ શબ્દના ઉલ્લેખથી સહાનુભૂતિભરી લાગણી વ્યક્ત કરતી હોય છે. એ સમરીમાં મેં સઘળી મથામણનો એ રીતે દિલી સ્વીકાર કર્યો છે. પણ તેઓ એ લાગણીની દિલી ભાષાને ઉકેલી શક્યા નથી. એમણે તો લખી નાખ્યું કે હું ‘આક્ષેપ’ કરું છું ! સમજાય એવું છે કે આક્ષેપ જ કરવો હોય, તો ‘હૃદયભાવ કરમાઈ ગયો છે’, જેવા કૂણા પ્રયોગથી ન કરાય. આખો સાહિત્યસમાજ જોઈ શકે છે કે મુદ્દો આજે મન્દપ્રાણ થઈ ગયો છે. એમ કહેવા – સ્વીકારવામાં વાંધો શો છે ? હું આજની એ અવસ્થા વિશે કહું છું. પણ તેઓ તો બસ વીતી ચૂકેલી બાબતોનો ઇતિહાસ જ ચીંધ્યા કરે છે. ‘પરબે’ ‘સ્વાયત્તતા’ અંકમાં ‘પૂરી કામગીરીનો નકશો’ આપ્યો છે, વગેરે સારી વાત, પણ તેથી શું ? નકશો કેટલો આકારિત થયો છે અને બાકીનો નકશો નકશો જ કેમ રહી ગયો છે, તેની તપાસ કરીને આગળનો માર્ગ શોધવો, એ આજનો સવાલ છે અને મુખ્ય સવાલ છે.
મારે એમને જણાવવું જોઈએ કે હું આ બાબતે ‘લોકોને સક્રિય થવાની’ કશી ‘હાકલ’ નથી કરી શક્યો, પણ મેં સ્વાયત્તતાપ્રશ્નને પ્રશ્ન રહેવા દેનારા સરકાર સમેતના સૌ જવાબદારોને સ્પષ્ટપણે પૂછ્યું છે. જાનફિશાની કરાય પણ એ માટે વ્યક્તિનું જોમ જાગે એવું વાતાવરણ પ્રગટવું જોઈએ. તે કેમ નથી પ્રગટ્યું એ વિચારવું તે આ પ્રશ્ન સાથે સંલગ્ન સૌનું આજે મોટું કરણીય છે.
* * *
મારો એ લેખ વિપુલ કલ્યાણીએ એમના ‘ઓપિનિયન’-માં શૅયર કરેલો. ત્યાં એના પ્રતિભાવ રૂપે પ્રકાશભાઈએ મને ‘રી-વિઝિટ’ કરવા કહ્યું, ત્યારે મેં પ્રકાશભાઈને લખેલું કે – “સ્વાયત્તતાની માગણી મૂકનારા, પરિષદ સમેતના સૌ, ભૂતકાળમાં અનેક વાતો કરી ચૂક્યા છે, કોર્ટે જવાના અને સરકારને મળવા સુધીના બનાવો બની ચૂક્યા છે. એમાં રી-વિઝિટ કરવાનો મતલબ શો? એ-ને-એ આર્ગ્યુમૅન્ટ્સ કે કંઈ બીજું? બીજું કંઈ જો હોય તોપણ, મારે શું કામ એ બધામાં રગદોળાવું જોઈએ?
“સરકારે ત્યારે પણ મચક નથી આપી. વિશેષ તો એ કે સરકાર હાલ પણ કાર્યવાહક અને માર્ગદર્શક સમિતિઓ જેવી ખુદની જોગવાઈને પણ ચાતરી ગઈ છે. This is a full-size deadlock ever happended as far as Gujarati literary scenario is concerned! મારી વેદના અંગે છે. મારા લેખનો કેન્દ્રવર્તી સૂર એ છે કે સૌ નિરાશ છે. કોઈ જાનફિશાની માટે તત્પર નથી, એમ ટકોરવાનો મતલબ પણ છેવટે તો એ જ છે કે એને માટેનું જોમ બચ્યું નથી. એ સંજોગો વચ્ચે કશી ચર્ચાચર્ચી મારે શું કામ કરવી?
“મને આ બાબતના શાસ્ત્રાર્થમાં કશી જ દિલચસ્પી નથી; જેની અનિવાર્યપણે જરૂરત છે, એ છે, Action by government yeilding a justified result.”
* * *
એ પછી ૧૬ નવેમ્બર, ૨૦૧૯ના ‘નિરીક્ષક’માં મારો લેખ પ્રકાશિત કરીને પ્રકાશભાઈએ પરિષદે કરેલી લડતનો એક સિંહાવલોકની પણ સિલસિલાબદ્ધ લેખ રજૂ કરી આપ્યો. એ આશયથી કે ચર્ચામાં સગવડ થાય. હું એ લડત પાછળની સચ્ચાઈ અને જહેમતને પ્રશંસનીય લેખું છું. કોર્ટે જવા સુધીનો આગ્રહ પણ નોંધપાત્ર છે. તેમ છતાં, કશું પરિણામ નથી આવ્યું, એ મારા લેખમાં મુકાયેલી એક એકસૂર હકીકત છે.
મારો એ લેખ યાદ રહે કે સાંપ્રતમાં સાહિત્ય બાબતે સાત્ત્વિક-તાત્ત્વિક ચર્ચાઓ નથી થતી – જેને રસપ્રદ ‘સાહિત્યઝઘડા’ કહેવાય – અને તેને માટેની યુયુત્સા કે જાનફિશાની જોવા નથી મળતી, એ વિશે છે, નહીં કે માત્ર અકાદમીની સ્વાયત્તતા બાબતે. હા, અનેક મુદ્દાઓમાં મેં એને પણ એક ઝઘડવાલાયક મુદ્દો જરૂર લેખ્યો છે.
‘પૅરાશૂટ પ્રમુખ પ્રણાલી’ કે ‘પરબારી નિમણૂક’ જેવા પ્રયોગો કરીએ ત્યારે એ સમજી રાખવું જરૂરી છે કે ચૂંટાઈને આવેલા પ્રમુખ કે સરકારનિયુક્ત અધ્યક્ષ જે તે તંત્રના કશા ને કશા નિયમોથી જ સંભવ્યા હોય છે. એટલે મને પ્રમુખ કે અધ્યક્ષની નામ દઈને પ્રશંસા કે ટીકા કરવી અયોગ્ય લાગે છે. મને તો ‘સરકાદમી’ જેવો પ્રયોગ પણ સાહિત્યાનન્દી લાગે છે. ‘મન્દપ્રાણ’ સામે ‘નિષ્પ્રાણ’, ‘નિર્લેપ’, ‘નિર્અસ્તિત્વ’ જેવા પ્રયોગો પણ વાસ્તવિકતાવાચક સુ-તર્ક નથી દીસતા, જો આવું તેવું બોલાતું રહે, તો એથી લડત ‘પાર્ટિઝન’ ભાસે – અમુક ધ્યેયને માટેનો પક્ષિલ પૂર્વગ્રહ. એથી, પ્રકાશભાઈ કહે છે એવા ‘ટ્રિવિયા ભણી લઈ જતા ઍસ્કેપ રૂટ’-ને માટેની ‘સોઈ’ પણ સંભવે.
પ્રકાશ ન. શાહ આપણા સમયના નિત્યજાગૃત ઘણા ઊંડા અને એટલા જ ગંભીર રાજનીતિજ્ઞ અને રાજકાજના સમીક્ષક છે. અને એટલે જ એમની ભાષા પણ રાજનીતિ અને રાજકાજને પહોંચી વળે એવી હોય છે. આઈ મીન, સપાટ અને સરળ નથી હોતી. પણ એનો અર્થ એ નથી કે એ ભાષા સાર્થક નથી. એઓ જો હવે ઊહ અને અપોહ ચાલે એમ ઇચ્છે છે, તો હું કહું કે સામેનું અપોહ હવે ઍક્શન ભણી દોરી જનારા માર્ગદર્શક વિચારો છે. જેમ કે – કેન્દ્રસ્થ અને સર્વ પ્રકારનાં ધ્યાન માગી લેનારી ગૂંચ તો એ છે કે અકાદમીના બંધારણને બાજુએ મૂકવામાં આવ્યું છે. ત્યારે, ચૂંટણી વગેરે જરૂરી બાબતોની બંધારણમાં શી જોગવાઈ છે, એ હકીકતને જ ફોકસમાં રાખવાની અને એને જ વારંવાર જાહેર કર્યા કરવાની જરૂરત છે. લેખકીય કૉન્સ્ટિટ્યૂઅન્સીમાંથી ૯ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પ્રમુખની ચૂંટણી જેવા સમુપકારક ઇલાજનું શું થયું તે મુદ્દાને પણ વારંવાર ટીપવાની જરૂરત છે. સ્વાયત્તતા-ચર્ચા આ જરૂરતથી કેટલી ફંટાઈ ગઈ એનાં લેખાંજોખાં માંડવાની આજે ખાસ જરૂરત છે. એ માટે અકાદમીના વર્તમાન અધ્યક્ષને કે એમની પૂર્વેના અધ્યક્ષને વ્યંગબાણ માર્યાં કરવાનો શો મતલબ છે? એકથી વધુ વાર જઈને સરકારને કહેવાની જરૂરત છે. લડવાની જરૂરત ત્યાં છે.
મારા લેખમાં સ્વાયત્તતાનો મુદ્દો દાખલ કરવા પાછળનો મારો ગર્ભિત આશય પણ એ જ છે કે હવે જે કહેવાનું હોય એ સીધું સરકારને જ કહેવાનું છે. વધુમાં કહું કે ચૂંટાયેલા વિધાનસભ્યોને કે સાંસદોને કહેવાની જરૂરત છે. પ્રશ્નને શિક્ષિત પ્રજાજનોમાં લઈ જવાની જરૂરત છે. શાળા-કૉલેજોના વિદ્યાર્થીઓ સમજી શકે એમ થવું પણ જરૂરી છે. ભણેલું ગુજરાત આખું બોલે કે સમગ્ર વાતમાં સાહિત્યિક બલકે સાંસ્કૃતિક હિત કેટલું તો જોખમાઈ રહ્યું છે, છાપાની કૉલમમાં મુદ્દો લઈ જવા પાછળનો હેતુ જ એ છે કે લોકમત ઊભો થાય.
એક સર્વે અનુસાર, વિશ્વમાં ૧૧માંથી હવે માત્ર બે જ ટોટાલિટેરિયન સ્ટેટ્સ બચ્યાં છે. – Eritrea અને North Korea જ્યારે, ૧૬૭ દેશોમાં લોકશાહી પ્રવર્તે છે. એનો અર્થ એ કે વ્યક્તિની સ્વાયત્તતા જોખમાય, તો એની રક્ષાનો એક જ રસ્તો બચે છે અને તે એ કે લોકમત સર્જવો અને લોકશાહીની રીતભાતથી રાજસત્તા સામે લડી લેવું.
પણ આપણે આ બાબતે લોકમત નથી સર્જી શક્યા. સર્વસામાન્ય હકીકત એ છે કે અમદાવાદમાં ભૂવા કેટલા પડ્યા, કઈ પાર્ટીના – કૉંગ્રેસનો કે ભા.જ.પ.નો કયો માણસ કેમ હાલ્યો કે ચાલ્યો, તેની જનસામાન્યને ખાસ્સી જાણ હોય છે, પણ સાહિત્યકારોની આ તકરાર શેને વિશે છે, તેની ભાગ્યે જ કોઈને કશી પણ ખબર છે. જનસામાન્યને વારંવાર લાગે છે કે આપણા સાહિત્યકારો હંમેશાં ‘ઊંચા’ હોવાની ‘ટણી’ – ઍટિટ્યૂડ દાખવતા હોય છે. એટલે કે વિચારવાની પણ જરૂરત છે કે આ મામલામાં સાહિત્યકારને દશાંગુલ ઊંચો સમજી લેવાની જૂની આદત તો નડતર બનીને ભાગ નથી ભજવી રહીને, એ આત્મનિરીક્ષાની પણ જરૂરત છે. ‘સાહિત્યકાર ઊંચો’ એ એક અતિ વપરાશથી મૃતઃપાય થઈ ગયેલું – વૉર્ન આઉટ – નૅરેટિવ છે.
‘ઓપિનિયન’ અંતર્ગત થયેલી ચર્ચામાં એક મિત્રે દર્શાવેલ કે “વરવું તથ્ય એ પણ ઊપસીને સામે આવ્યું કે પરિષદ અને એના આગેવાનો પણ સ્વાયત્તતા અને લોકતંત્ર કરતાં વ્યક્તિનિષ્ઠા અને વ્યક્તિગત પ્રાપ્તિમાં વધુ આસ્થા ધરાવે છે.” મેં એ મિત્રને જણાવેલું કે “જો એ તથ્ય ચિરંજીવી હશે, તો કશું થવાની શક્યતા નથી. લખેલું કે ખરેખર તો સર્જન અને સાહિત્યિક પ્રવૃત્તિ વચ્ચેના ભેદને સમજવામાં મોડું થયું છે. સર્જન (Creation) ઘરના ખૂણે બેસીને કરવાની વસ્તુ છે, જ્યારે સાહિત્યના હિતને માટેની પ્રવૃત્તિ (Literary activity) એક સ્વરૂપની સામાજિકતામાં લઈ જતી હોય છે ને ત્યારે વ્યક્તિએ વત્તેઓછે અંશે સામાજિકતાનો સ્વીકાર કરવો રહે છે. એમાં કલાના ઉચ્ચાશયોને ઘડીભર બ્રૅકેટમાં મૂકીને એના પ્રસરણના તરીકાઓ માટે તત્પર અને સજ્જન થવું પડે છે. સાહિત્યકલાના પ્રસરણનો એ જ એક ઉપાય છે.”
એ માટે આઇવરી ટાવરેથી નીચે ઊતરવું પડે, પરંતુ આ વાત સિદ્ધાન્તો પાસે બલકે સંસ્થાકીય ઠરાવ ફાઇલોમાં અટકી પડેલી છે. સૂચવાયેલા ભલા ઇલાજો માટે દર્શકને કે નારાયણ દેસાઈને વારંવાર યાદ કર્યા કરવાથી શું વળે? એ એમનો ઉપકાર, બાકી શું ? એમ તો મેં પોતે ઉમાશંકરની, એ શરૂઆતની જેહાદ સંદર્ભે જાહેરમાં સમર્થનાત્મક લખેલું, ‘શબ્દસૃષ્ટિ’નો માનાર્હ તંત્રી હતો તે છતાં! એ જ અન્વયે, તંત્રીપદ છોડ્યું હતું. પણ એ બધું કર્યુંકારવ્યું સંભારી-સંભારીને બીજાઓને સંભળાવ્યા કરવાનું તે શેને માટે? આપણે સત્તા છીએ એવું આપણને લાગ્યા કરે તે સ્વાભાવિક છે પણ એથી કશું નીપજ્યું ન હોય, ત્યારે એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવાનું પણ સ્વાભાવિક લાગવું જોઈએ. મેં લખેલું કે ટીપેલું ટીપ્યા કરવાનો મતલબ શો છે? જરૂરત છે, actionની, ચર્ચાઓની નહીં.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2019; પૃ. 10 – 12