તામિલનાડુ સરકારે તાજેતરમાં નીટ[The National Eligibility cum Entrance Test]નો વિરોધ કરીને ચર્ચા જગાવી છે. એ માટે એમણે એક સમિતિ રચી હતી અને એ સમિતિના અભ્યાસપૂર્ણ આધાર ઉપર તેમણે નીટની પ્રથામાંથી નિકળી જવાનો નિર્ણય કર્યો છે. તબીબી શિક્ષણમાં નીટનો પ્રવેશ પ્રમાણમાં નજીકનો ભૂતકાળ છે. એની વિગતમાં આપણે નહીં જઈએ. પણ એ પૂર્વે જે પ્રથા સમગ્ર દેશમાં ચાલતી હતી એનો ટૂંકમાં પરિચય આપીશું.
નીટની પ્રથા પહેલાં મેડિકલ કૉલેજોમાં ૧૨મા ધોરણના પરિણામને આધારે પ્રવેશ આપવામાં આવતો હતો. એ પૂર્વ પણ ઈન્ટર સાયન્સમાં વિદ્યાર્થીએ મેળવેલા માર્ક્સના આધારે રાજ્યની મેડિકલ કૉલેજોમાં પ્રવેશ આપવામાં આવતો હતો. ટૂંકમાં, ઈન્ટર સાયન્સની અને એ પછી ૧૨મા ધોરણની પરીક્ષા મેડિકલ કૉલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા બની હતી. એની જગ્યાએ નીટની પ્રથામાં હવે રાષ્ટ્રીય ધોરણે પાત્રતા અને પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે છે. એમાં પાસ થનાર વિદ્યાર્થી મેડિકલમાં પ્રવેશ મેળવી શકે છે.
આનું પરિણામ તામિલનાડુની સરકાર નિયુક્ત સમિતિએ દર્શાવ્યું છે. આ માત્ર ૨૦૧૬-૧૭થી ૨૦૨૦-૨૧ વચ્ચેનાં પરિણામ દર્શાવે છે. સમિતિએ આપેલા આંકડા પ્રમાણે તામિલનાડુમાં સી.બી.એસ.સી. શાળાઓનાં વિદ્યાર્થીઓનું પ્રમાણ ૦.૯૭%થી વધી ૩૮.૮૪% થયું છે. રાજ્યના બોર્ડના વિદ્યાર્થીઓનું પ્રમાણ ૯૮.૨૩%થી ઘટીને ૫૯.૪૧% થયું છે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીનું પ્રમાણ ૮૫.૧૨%થી વધીને ૯૮% થયું છે. તેની સામે તમિલ માધ્યમ રાખનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ ૧૪.૮૮%થી ઘટીને ૨% થયું છે. જે વિદ્યાર્થીઓના વાલીઓની વાર્ષિક આવક ૨.૫ લાખથી ઓછી હતી એનું પ્રમાણ ૪૭.૪૨%થી ઘટીને ૪૧.૦૫% થયું છે. એની સામે જે વાલીઓની વાર્ષિક આવક ૨.૫ લાખથી વધારે હતી એનું પ્રમાણ ૫૨.૧૧%થી વધીને ૫૮.૯૫% થયું છે. રાજ્યની સરકારી કૉલેજમાં ગ્રામીણ વિદ્યાર્થીઓનું પ્રમાણ ૬૫.૧૭%થી ઘટીને ૪૯.૯૧% થયું છે. અને શહેરી વિદ્યાર્થીઓનં પ્રમાણ ૩૪.૮૩%થી વધીને ૫૦.૦૯% થયું છે. ખાનગી કૉલેજમાં ગ્રામીણ વિદ્યાર્થીઓનું પ્રમાણ ૬૮.૪૯%થી ઘટીને ૪૭.૧૪% થયું છે અને શહેરી વિદ્યાર્થીઓનું પ્રમાણ ૪૧.૫૧%થી વધીને ૫૨.૮૬% થયું છે.
આ આંકડાઓમાંથી એ સ્પષ્ટ થાય છે કે નીટની પ્રથા ગ્રામીણ વિદ્યાર્થીઓની વિરુદ્ધમાં શહેરી વિદ્યાર્થીઓને પસંદગી આપે છે. અંગ્રેજી માધ્યમને ભારે ઉત્તેજન આપે છે અને પ્રમાણમાં શ્રીમંત કુટુંબના સંતાનોને લાભ આપે છે.
આની સાથે વાત સંકળાયેલી એક વાત નોંધવા જેવી છે. નીટની પરીક્ષા પાસ કરનાર કોઈ વિદ્યાર્થી એવો ન હતો કે જેણે ૨-૩ વર્ષ કોચિંગમાં પરીક્ષાની તાલીમ લીધી ના હોય. આ પ્રકારની પરીક્ષાઓ માટે કોચિંગ ક્લાસમાં શિક્ષણ લેવું અનિવાર્ય થઈ ગયું છે. પણ એ માટે કોચિંગ ક્લાસની તગડી ફી ભરવાની વાલીની તૈયારી હોવી જોઈએ. ગ્રામવિસ્તારોમાં આવા કોચિંગ ક્લાસીસ ન મળવાથી એ વિસ્તારના વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવાની તાલીમ મળતી નથી. આને કારણે આ પરીક્ષાએ રાષ્ટ્રીય ધોરણે મોટી અસમાનતા સર્જી છે.
આપણે શિક્ષણને સંયુક્ત યાદીમાં રાખ્યું છે એનો અર્થ એવો થાય છે કે શિક્ષણનાં સુધારા અને પ્રથા રાજ્યો પોતાનાં આગવાં રાખી શકે છે. પણ સમવાયતંત્રને ભૂલીને આપણે રાષ્ટ્રીય ધોરણની વાત કરવા માંડી છે. આમાં આપણે ભૂલી છીએ કે ભારતનાં રાજ્યો વચ્ચે મોટો તફાવત છે એનો એક જ નિર્દેશ કરીએ. જે પાંચ રાજ્યોમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તેની માથાદીઠ આવક કેટલી છે એ નોંધીએ, તેમાં ગોવાની આવક ૩ લાખ જેટલી છે. પંજાબની આવક ૧.૧૯ લાખ છે. મણિપુરની આવક ૫૪,૦૦૦ અને ઉત્તર પ્રદેશની આવક ૪૫,૦૦૦ છે આ તફાવત રાજ્યોની ક્ષમતાનો નિર્દેશ કરે છે. રાજ્યો કેટલું કરી શકે એમ છે એનો આછો પાતળો ખ્યાલ આ આંકડાઓને આધારે આવે છે. આ વાસ્તવિક્તાને ભૂલી આપણે રાષ્ટ્રીય ધોરણની વાતો કરીએ છીએ તેમાં ગરીબ રાજ્યોના નાગરિકોને પરોક્ષ રીતે અન્યાય થાય છે.
મેડિકલના શિક્ષણમાં રાષ્ટ્રીય ધોરણની વાત કરીએ છીએ પણ નાગરિકોને દેશમાં એક સરખા ધોરણે તબીબી સારવાર મળવી જોઈએ એ વાત ભૂલી જઈએ છીએ. દેશના ગ્રામીણ વિસ્તારમાં લોકોને ઊંટવૈદાથી ચલાવવું પડે છે અથવા તો કોઈ તબીબી સારવાર વિના જ મરવું પડે છે. આ અસમાનતા આપણને ખૂંચતી નથી. જરૂરિયાત તો રાજ્યના ધોરણે એની ક્ષમતા પ્રમાણે તબીબી શિક્ષણની યોગ્ય પ્રથા ગોઠવવાની છે જેથી નાગરિકોને સદૈવ તબીબી સારવાર મળી શકે.
શિક્ષણ સમાનતાની દિશામાં મોટું પરિબળ બની શકે છે એ વાત ભૂલાઈ ગઈ છે અને શિક્ષણ અસમાનતાને વધારનાર પરિબળ બની ગયું છે. સ્વર્નિભર કૉલેજોની પ્રથા દાખલ કરીને આપણે શિક્ષણને અસમાનતાનું સાધન બનાવી દીધું છે. હવે મેરિટ બજારથી ખરીદવાની વસ્તુ બની ગઈ છે. કોચિંગ ક્લાસના આધારે વિદ્યાર્થીઓ નીટની પ્રવેશ પરીક્ષા કેવી રીતે પાસ કરવી એ શીખી લે છે પણ એ માટે પૈસા હોવા જોઈએ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 10