Opinion Magazine
Number of visits: 9507674
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નયન હ. દેસાઈ એટલે નયન હ. દેસાઈ જ !

Opinion - Literature, Opinion - Opinion|16 October 2023

રવીન્દ્ર પારેખ

હા, નયન એક અને એક જ છે. ગઝલ ગુજરાતી થઈ એમાં ઘણા ગઝલકારોનો ફાળો છે, પણ ગઝલને તળપદો સંસ્પર્શ તો નયને જ આપ્યો. એ રજૂઆતનો રાજા હતો. કદ નીચું, પણ કવિતા ઊંચી. જીવનના ખૂણે ખૂણે એ એવી ફેરવી લાવ્યો કે ગઝલને રળિયાત થયા સિવાય છૂટકો જ ન થયો. એ મારા કરતાં થોડો વહેલો ગઝલમાં પ્રવેશેલો. ‘રાનેરી બોર’ કરીને એણે કદાચ પહેલી વાર્તા લખેલી અને એ, તે વખતના શ્રેષ્ઠ વાર્તામાસિક ‘આરામ’માં પ્રગટ થયેલી. એ પછી તો ‘ઈશાની દલાલ’ના નામથી ‘ગુજરાતમિત્ર’માં ઢગલો છાપાળવી વાર્તાઓ પણ લખી. નાટકો લખ્યાં. એમાં બહુ ફાવ્યો નહીં, પણ ગઝલમાં નાટક એણે સફળતાપૂર્વક ઉતાર્યું. નાટકમાં આવતી સૂચનાઓ ને ક્રિયાઓ એણે કૌંસમાં, ગઝલને અકબંધ રાખીને ઉતારી.

આમ તો એ શીર્ષકોનો કવિ રહ્યો છે. ‘એબસર્ડ ગઝલ’, ’એક ભૌમિતિક ગઝલ’, ‘સંભોગ-સિમ્ફની ગઝલ’ જેવી અરૂઢ શીર્ષકોની ગઝલથી અટકી ન જતાં, ‘ઊર્ફે’, ‘નયન દેસાઈ એસ.એસ.સી’, ’ચાલ, નયન એક ચા મંગાવ’, ‘લ્યો, ટેબલને તાળું મારો’ જેવી અરૂઢ રદીફો તેણે ગઝલ લખવા માટે પસંદ કરી અને તેને તંતોતંત નિભાવી. ગઝલનાં શીર્ષકો કેટલાંક આગંતુક હશે, પણ રદીફ-કાફિયા નયને એટલા સહજ રીતે નિભાવ્યા છે કે ગઝલ પાળેલી હોય તેમ તેને વશ વર્તતી. કવિ સંમેલનો કે મુશાયરાઓમાં તે સંચાલન કરતો હોય કે ગઝલ રજૂ કરતો હોય તો આખાય મંચને તે સંમોહિત કરી શકતો. તેની અભિવ્યક્તિ સહજ હોવા ઉપરાંત નાટ્યાત્મક પણ રહેતી. ગુજરાતના નામી ગઝલકારોની હરોળમાં તે રજૂઆતને જોરે સાધિકાર પોતાનું સ્થાન જમાવીને ઢગલો દાદ મેળવી શકતો.

નયન હ. દેસાઈ

ભગવતીકુમાર શર્માને અને મનહરલાલ ચોક્સીને તે પોતાનાં ગુરુ ગણતો, પણ ગઝલ શીખવાની શરૂઆત તેણે ડૉ. રફઅત કાવીવાળા નામના ગુજરાતી-ઉર્દૂ શાયર પાસેથી કરી હતી. કાવીવાળા હોમિયોપેથ ડૉક્ટર હતા એટલે મીઠી ગોળીઓ સાથે ગઝલનો ઈલાજ પણ કરતા. પછી તો એ બધા ગુરુઓથી સવાયો થયો. ભગવતીભાઈને હું ઓળખતો ખરો, પણ એમની નજીક જવાનું બહુ બન્યું ન હતું. એવામાં 1974માં મારા ભાઈ દિનકરના લગ્ન લેવાયાં. મારી ઈચ્છા મનહરભાઈ, ભગવતીભાઈ, દિલીપ મોદી જેવા થોડા કવિઓને લગ્નમાં બોલાવવાની હતી, પણ પરિચય ઓછો, એટલે મેં નયનને કહ્યું. અમે ભગવતીભાઈને ત્યાં ઉપડ્યા. નયને મારી ઈચ્છા ભગવતીભાઈને જણાવી. એ ને અન્ય કવિ મિત્રો પ્રેમથી આવ્યા અને લગ્નનાં મરાઠી ભોજનથી બહુ પ્રસન્ન થયા. એ પછી થોડા જ મહિનામાં અમારું ટોળું હજીરા ફરવા ગયું, ત્યાં રાત્રે મીનાકુમારીની ગઝલો સાંભળી, જોક્સ કહ્યા, ગરબા કર્યા ને એમ બધા એટલા નજીક આવ્યા કે અમે કુટુંબ જ થઈ ગયાં. પછી તો અમે ‘રવિમિલન’ નામક એક સંસ્થા અનૌપચારિક રીતે શરૂ કરી. મનહરલાલ ચોક્સીનાં મધુવન સોસાયટીનાં ઘરે દર રવિવારે ભગવતીભાઈ, મનહરભાઈ, નયન, બકુલેશ અને હું એટલા નિયમિત મળતાં. એમાં ગઝલ ઉપરાંત ગીત, વાર્તા વગેરે સ્વરચિત વંચાતાં. ક્યારેક હિન્દી, અંગ્રેજી સાહિત્યની નીવડેલી કૃતિઓ પણ વંચાતી ને ચર્ચા થતી. એ સાથે જ ફિલબદી ગઝલો પણ લખાતી. અમારામાંથી કોઈ ગઝલની પંક્તિ કાઢતું ને પંદરેક મિનિટમાં જ ગઝલ લખાતી ને વંચાતી. સંગ્રહ થાય એટલી ગઝલો તો ફિલબદીમાં જ થઈ હશે.

એક વાર નયન તેનાં ગામ શિકેર માંદો હોવાની વાત આવી. મનહરભાઈ-મનુબહેન, ભગવતીભાઈ-જ્યોતિબહેન, હું એમ ‘રવિમિલન’ શિકેર ઉપડ્યું. ત્યાં નયનનાં માતા ઇંદુમતીબહેન-પિતા હર્ષદરાયને મળવાનું બન્યું. એમણે અમને મન મૂકીને જમાડ્યાં. નયને ગામ બતાવ્યું. પછી બપોરે નયને જ રદીફ આપી, ‘ગામ આવી ગયું’. અમે બધાએ ગઝલ લખી ને બધાની જ ગઝલ નોંધપાત્ર સામયિકોમાં પ્રગટ થઈ.

1975માં અમે ગુજરાતી સાહિત્ય પરિષદનું પોરબંદરમાં ભરાયેલું અધિવેશન એટેન્ડ કરેલું. મારું, નયનનું અને મનહરભાઈનું એ પહેલું અધિવેશન. ગુજરાતનાં નામી સર્જકો સામે પહેલીવાર અમને કવિતા રજૂ કરવાની તક મળેલી. એ અધિવેશનની સાથે જ અમે દ્વારકા, જૂનાગઢ, ગિરનાર, સોમનાથ, ચોરવાડનો પ્રવાસ પણ કરેલો. નયન સ્વભાવે વિચિત્ર પણ ખરો. અમે લડતાં-ઝઘડતાં પણ સાથે રહેતાં. બહારગામ કવિસંમેલનોમાં સાથે જ જતા. સાથે જ જ્યોતિભાભી, મનુબહેન હોય. એ અમારા કાયમી શ્રોતા. ‘75ની આસપાસ જ મઢીમાં એક કવિસંમેલન હતું. બકુલેશ ત્યાંથી અમારી સાથે જોડાયેલો ને પછી સાથે જ રહ્યો. મઢીમાં અમને એક ડૉક્ટરને ત્યાં નાસ્તા માટે જવાનું થયું. નયન ત્યારે ત્રીસેકનો, પણ કદ-કાઠી નાનાં. મનહરભાઈ ત્યારે પણ શ્વેતકેશી. એમની બાજુમાં નયન બેઠેલો. ડૉક્ટર પત્ની નાસ્તો આપતાં આપતાં મનહરભાઈ પાસે આવ્યાં ને એમની બાજુમાં બેઠેલા નયન સંદર્ભે પૂછ્યું, ‘બાબાને થોડું કૈં મૂકું?’ અમે ત્યારે તો કૈં ન બોલ્યા, પણ એ વાતને લઈને પછી અમે નયનને ખૂબ ઉડાવેલો ને એ પણ પછી હસવામાં જોડાયેલો.

‘નયન દેસાઈ એસ.એસ.સી.’ થયો. બહુ ભણ્યો નહીં, પણ ગણ્યો ઘણું. તેને સંઘાડિયાવાડનાં તેનાં જ ઘરમાં હીરાની ઘંટી પર હીરા ઘસતા મેં જોયો છે. તે ઘસતો તો હીરા, પણ પહેલ ગઝલ પર પડતા. ઓછી આવકે ભોંયતળિયે તેનું ઘર મોટું થતું. તેના બંને દીકરાઓને ઉછરતા જોયા છે. મીનાભાભી દીકરાઓ તો ઉછેરતી જ, પણ નયનને ય મોટો કરતી જતી હતી. ભગવતીભાઈએ તેનો 14 વર્ષ ચાલેલો હીરા વ્યવસાય છોડાવીને 1980માં ‘ગુજરાતમિત્ર’માં જોડ્યો. નયન પત્રકાર બન્યો. એ તો પછી સોનીફળિયે ફ્લેટમાં રહેવા આવ્યો, પણ નયનનું નસીબ બે ડગલાં પાછળ જ રહ્યું. મીના ભાભીને હૃદયના વાલ્વની બીમારી વધી ને તે ગુજરી ગયાં. દરમિયાન નયનનું ગઝલ સર્જન તો અવિરત ચાલ્યા જ કરતું હતું. તે એક પ્રાથમિક શિક્ષિકા શશિ વ્યાસ સાથે ફરી પરણ્યો. શશિને કવિતામાં રસ એટલો કે નયન ભૂલે તે પંક્તિઓ એ યાદ કરાવે, પણ, શશિ વ્યાસ હવે પંક્તિ યાદ કરાવી શકે એમ નથી, કારણ નયન જ પોતાને ભૂલી ગયો છે. આ ભૂમિની કવિતા લખનાર નયન આ ભૂમિથી જ અલગ થઈ ગયો છે. 12 ઓકટોબર, 2023 ને રોજ થોડી માંદગી ભોગવીને 77 વર્ષની ઉંમરે તેની કવિતાને તેણે અનંત વૈધવ્ય આપ્યું છે.

નયન દેસાઈ

સુરતના કઠોદરામાં 22 ફેબ્રુઆરી, 1946 ને રોજ જન્મેલ નયન વાલોડના વતની તરીકે ભલે ઓળખાયો હોય, પણ તે જ્યાં જતો ત્યાં ગઝલથી સગપણ ઊભું કરી શકતો. તેનો પહેલો સંગ્રહ ‘માણસ ઊર્ફે રેતી ઊર્ફે દરિયો’ 1979માં પ્રગટ થયો. એનો બીજો સંગ્રહ ’મુકામ પોસ્ટ માણસ’ ત્રણ વર્ષે પ્રગટ થયો. તેને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું પારિતોષિક મળ્યું. એ પછી તો ‘આંગળી વાઢીને અક્ષર મોકલું’, ‘અનુષ્ઠાન’, ‘સમંદરબાજ માણસ’, ‘દરિયાનો આકાર માછલી’, ‘કેર ઓફ નયન દેસાઈ’, જેવા ગીત-ગઝલના સંગ્રહો થયા. 2005માં ‘નયનનાં મોતી’ નામક સમગ્ર કવિતાનો સંગ્રહ પ્રગટ થયો. નયનને ઉર્દૂમાં પણ ફાવટ હતી. ‘ધૂપ કા સાયા’ તેનો ઉર્દૂ સંગ્રહ છે ને તેને ઉર્દૂ સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ મળ્યું છે. 2013માં તેને ગુજરાતી ગઝલમાં નોંધપાત્ર પ્રદાન બદલ આઈ.એન.ટી., મુંબઇનો કલાપી એવોર્ડ મળ્યો. ગુજરાતી કવિતામાં યોગદાન બદલ 2016માં કવીશ્વર દલપતરામ એવોર્ડ પણ મળ્યો. આ ઉપરાંત ‘મેઘાણી એવોર્ડ’, ‘જયંત પાઠક સુવર્ણ ચંદ્રક’ જેવાં સન્માનો પણ તેને નામે બોલે છે.

નયને છપ્પામાં ગઝલ લખી છે.

સાંજ વગરની સાંજ ઢળે ને દિવસ વગરનો તડકો થાય,

આમ કશું પણ કારણ નૈં ને આમ સમયનો ભડકો થાય.

જિંદગી તો હોય, પણ જીવન જેવું જ કૈં લાગતું ન હોય એવી સ્થિતિનું ચિંતન આ શે’રમાં જણાશે.

જગતમાં ક્યાંય ‘ઘેરિયા’ પર શે’ર નહીં થયો હોય, નયને કર્યો છે:

લોહીનો ધસમસતો રથ છે ઘૂઘરિયાળો કે સામળેક મોરચા,

બેઠું છે ભીતરમાં જાણે કોઈ નફકરું હાં રે હાં ભાઈ !

આ પંક્તિઓમાં ઘેરૈયાના સાંગીતિક ઠેકા સંભળાશે.

આજનો સમય સત્યવક્તાનો નથી. કોઈ સાચું કહે તો તેની દશા આવી છે:

જ્યારે જ્યારે હું દુનિયામાં સાચો પડ્યો,

ત્યારે ત્યારે મને એક તમાચો પડ્યો.

એ જ ગઝલનો ઈશ્વર વિશેનો શે’ર પણ નયનનું મોતી જ છે:

સ્વર્ગ બાંધ્યું હશે એણે કોઈ ના નથી,

પણ જગત બાંધવામાં એ કાચો પડ્યો.

એનાં ‘ચકલી કાવ્ય’, ’મંજુકાવ્ય’, ‘મગનમુક્તકો’ ‘પેથાભાઈ’ જેવામાં વિષય વૈવિધ્યની પડછે, હળવો વિરહ પણ પાંપણે બંધાય છે. ‘શ્રુતિસાગર’ નામનો એનો લઘુકાવ્યનો સંગ્રહ છે. એકાદ ઉદાહરણ જોતાં સમજાશે કે બહુ નાની જગ્યામાં એ કેવું વામન પગલું ભરે છે:

હું કવિતા લખતી વખતે

એમાં શિવ મૂકું છું

પછી મઠારતી વખતે

જીવ.

કવિતા મઠારવાની બહુ જરૂર જ આજે જણાતી નથી, ત્યાં નયન મઠારતી વખતે એમાં જીવ મૂકવાની વાત કરે છે. એની ‘પિયર ગયેલી ભરવાડણની ગઝલ’માં આખો સૌરાષ્ટ્રી પરિવેશ સજીવ થાય છે. આમ તો એ વાતાવરણની ગઝલ પણ છે. કવિએ કાફિયા પણ ‘સહિયર’, પાધર’, ‘દિયર’ ‘મહિયર’ જેવા ગામઠી પસંદ કરીને વાતાવરણ સર્જ્યુ છે. કોઈ નાયિકાને પિયર ક્યારે ય અકારું લાગતું નથી, પણ તાણ ‘ભાભુજી’એ કરી એટલે પિયર આવવું પડ્યું, પણ હવે પિયર ગમતું નથી. કેમ? કારણ છે, પતિ:

મા, મને ગમતું નથી આ ગામમાં,

હાલ્ય, બચકું બાંધ, આયર સાંભરે !

ચડ્ડી-બનિયનધારી તો લૂંટવા આવે, પણ એ બધું લૂંટે તેમ ન હોય તો વિકલ્પ આ જ બચે છે:

ક્યાંકથી કોઈ ચડ્ડી-બનિયન ધારીઓનું ટોળું આવે,

તોય નથી પીડા લૂંટવાનું, ચાલ નયન એક ચા મંગાવ !

નયને પોતાનું ઠેકાણું આમ પણ આપ્યું છે:

રહે છે આમ તો તાપી તટે, સૂરતમાં એ કિન્તુ,

મળે શબ્દોના સરનામે નયન દેસાઈ એસ.એસ.સી.

સૂરજ સાત અશ્વોના રથમાં નીકળે છે, પણ આઠમા અશ્વની સવાર આમ પડે છે:

હું સૂરજનો કોઈ આઠમો અશ્વ છું,

આ રસ્તો, આ ચાબુક ને વાંસો ઉઘાડો !

‘હું મારામાં ગુમ થયો છું’ કહેતો નયન આમ પણ કહે છે:

ગામનું ઘર ને ખેતર વેચ્યા,

કોઈ ભાડાની રૂમ થયો છું.

ને કેવા શહેરમાં આવ્યો છે:

હર ગલી નાગનો રાફડો છે અહીં,

કેમ કરતાં આ માણસ બચી જાય છે.

તેણે

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,

શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

જેવી ભૌમિતિક ગઝલ લખી, પણ એટલાથી એ અટક્યો નથી, તેણે ભૂમિતિનો પ્રમેય પણ ગઝલમાં સિદ્ધ કર્યો.

નયનનાં કેટલાંક ગીતોનો ઉલ્લેખ પણ કરવો જ રહ્યો.

‘સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને…’ આખું ગીત રચના રીતિની રીતે પણ નોખું છે. આ બંધ જુઓ:

કાગળ ઉપર હાથનો પંજો ચીતર્યો છાનોમાનો જોને,

નામ અમારું એવું પાડ્યું: નહીં માતર કે કાનો જોને !

સડી ગયેલા શ્વાસો વચ્ચે આવે જાય અભરખા જોને !

લાશ બળે કે લાઇટર સળગે: બંને દૃશ્યો સરખાં જોને !

ફૂટી ગયેલા કાચનું ક્યાંથી થાય નયનભાઈ ઝારણ જોને !

અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને !

આ ગીત જ નથી, નયનની આત્મકથા પણ છે ને એ રીતે એ ઘણા નયનની ગીતકથા પણ છે. ‘જોને !’ જેવું વારંવાર કહીને તેણે, લાશ કે લાઇટર સળગવાની ઘટના સરખી લાગવા માંડે એ હદે મનુષ્યની વિકસતી સંવેદન બધિરતા તરફ અંગુલિ નિર્દેશ કર્યો છે.

નયન ભરવાડણનો પરિવેશ જે સહજતાથી સર્જી શકતો હતો, એ જ સહજતાથી તે મગદલ્લા બંદરની છોકરી પણ સર્જી શકે છે:

નાળિયેરી ઝૂંડનો પડછાયો ઓઢી

ગીત ગાય હઈસો ને હોફા

નામ એનું કાંઇ નહીં

મિલકતમાં મચ્છી ને ટોપલો ભરીને તરોફા…

બગલાની પાંખ જેવો પાથરી પવન

ઝાડ નીચે સૂઈ જાય ત્યારે દરિયો થઈ જાય…

મગદલ્લા બંદરની છોકરી…

વરસાદ તો વરસાદ જ છે, પણ એને એ સુરતનો બનાવી શકે છે:

પતરે ટપાક્ક ટપ છાંટા પડે ને પછી નળિયા ખટાક્ક ખટ્ટ તૂટે

સૂરતનો એવો વરસાદ…

પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ

કાળા આકાશ ભણી જુએ

સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન

પછી જાણે પીંજાય રૂંએ રૂંએ

વાદળાં છલાંગ મારી ઊછળે ને તીર એની સાથે

સટાક્ક સટ્ટ છૂટે… સૂરતનો…

નયને એક વિરહ ગીત આવું લખ્યું છે:

સૂના ઘરમાં ખાલી ખાલી માઢ-મેડિયું ફરશે,

તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે…

નયન નથી ને એ ગીત આપણે ગાવાનું આવ્યું છે. એમ લાગે છે જાણે ગઝલનું ઘર ઢગલો થઈને ઉંબર પર આવી પડ્યું છે …

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 ઑક્ટોબર 2023

Loading

16 October 2023 Vipool Kalyani
← રાત્રિનાં સ્થળાંતરો.
‘જેમ છે.’ – ‘What is.’નું જ દર્શન →

Search by

Opinion

  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’
  • પીયૂષ પાંડેઃ જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved