
રાજ ગોસ્વામી
ગઈ છઠ્ઠી નવેમ્બરે, કમલ હાસન અભિનીત અને મણિરત્નમ્ નિર્દેશિત તમિલ ફિલ્મ ‘નાયકન’(નાયક)ને સિનેમા થિયેટરોમાં ફરીથી રિલીઝ કરવામાં આવી. 38 વર્ષ થઇ ગયાં. 1987માં દર્શકોએ ‘નાયકન’ને થિયેટરમાં જોઈ હતી. ફિલ્મ એટલી જબરદસ્ત હિટ થઇ કે બીજા જ વર્ષે, 1988માં, ફિરોઝ ખાને તેને ‘દયાવાન’ નામથી હિન્દીમાં બનાવી હતી. ફિલ્મે તે વખતે ખૂબ ઉત્કંઠા અને અપેક્ષા જગાવી હતી, પરંતુ ‘નાયકન’ના મનોવૈજ્ઞાનિક પાસાને નબળું પાડી દઈને. તેને મસાલાથી ભરપુર અન્ડરવર્લ્ડની માફિયા કહાની બનાવવા જતાં ‘દયાવાન’ ‘નાયકન’ની એક નબળી કોપી બનીને રહી ગઈ હતી.
આજે આ બંને ફિલ્મોના દર્શકો એક પેઢી આગળ જતા રહ્યા છે. તેમના સ્થાને ફિલ્મ ચાહકોની એક નવી પેઢી મોટી થઇ ગઈ છે. તેને ન તો ‘નાયકન’ વિશે ખબર હશે, ન તો ‘દયાવાન’ વિશે. કદાચ એટલે જ ‘નાયકન’ને આજના દર્શકો માટે રિલીઝ કરવામાં આવી છે. એમ તો ‘દયાવાન’ને ભૂલી જઈને કોઈએ ‘નાયકન’ને નવેસરથી અને આજના સમયને અનુરૂપ હિન્દીમાં બનાવવી જોઈએ. આમ પણ, સારી ફિલ્મોનો દુકાળ પડ્યો છે એટલે તો જૂની ફિલ્મો ફરીથી રિલીઝ કરવામાં આવી રહી છે.
21 ઓક્ટોબર 1987ના રોજ જ્યારે તમિલમાં ‘નાયકન’ રિલીઝ થઈ, ત્યારે દક્ષિણ ભારતીય સિનેમામાં નવી લહેર ઊઠી હતી. આ ફિલ્મ મુંબઈના પ્રસિદ્ધ તમિલિયન ડોન વર્દરાજન મુદ્દલિયાર ઉર્ફે વર્દાભાઈના જીવન પર આધારિત હતી. એ કોઈ આમ ટપોરી છાપ ગુંડો નહોતો. ફિલ્મમાં તેને અત્યંત માનવીય રીતે અને ઊંડાણથી રજૂ કરવામાં આવ્યો હતો.
કમલ હાસને તેને પૂરો ન્યાય આપ્યો હતો. ચાર દાયકાઓ પછી આજે પણ ‘નાયકન’ને ભારતીય અપરાધ સિનેમાની સૌથી મહત્ત્વપૂર્ણ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. આ ફિલ્મે કમલ હાસનને રાષ્ટ્રીય પુરસ્કાર અપાવ્યો હતો. આ ફિલ્મના કારણે જ રામ ગોપાલ વર્માની ‘સત્યા’ અને ‘કંપની’ જેવી માફિયા ફિલ્મોની જમીન તૈયાર થઇ હતી.

‘નાયકન’ની સૌથી મોટી વિશેષતા એ છે કે તેણે અપરાધ જગતને માત્ર સનસનાટીપૂર્ણ દેખાડ્યું નહોતું, પરંતુ તેની અંદરની એકલતા, સામાજિક સંઘર્ષ અને નૈતિક મૂંઝવણો ઉજાગર કરી હતી. ફિલ્મની વાર્તા એક લાઈનમાં એટલી જ હતી કે વેલુ નાઈકર નામનો છોકરો પોલીસના હાથે તેના પિતાની હત્યા થતી જુવે છે અને તે ઇન્સ્પેકટરનું ખૂન કરીને મુંબઈ ભાગી જાય છે અને ત્યાં ડોન બની જાય છે.
મુંબઈના ધારાવીમાં તમિલ બસ્તી વચ્ચે મોટા થયેલા વેલુનો અપરાધી બનવાનો માર્ગ કોઈ સુંવાળી યાત્રા નહોતો, પરંતુ પરિસ્થિતિઓથી ઘડાયેલી ઉબડ-ખાબડ સફર હતી. મણિરત્નમે આ વાર્તાને હોલિવૂડની ફિલ્મ ‘ધ ગોડફાધર’ પરથી પ્રેરણા લઈને બનાવી હતી, પરંતુ તેને સંપૂર્ણ રીતે ભારતીય સામાજિક સંદર્ભમાં ગોઠવી હતી. આ સંવેદનશીલતા જ ફિલ્મને અપરાધ-આધારિત સિનેમાની ઘીસી-પીટી ફોર્મ્યુલાઓથી અલગ બનાવે છે.
વેલુ નાયકરની ભૂમિકામાં કમલ હાસનની અભિનય શક્તિને આજે પણ એક આદર્શ ઉદાહરણ માનવામાં આવે છે કે કેવી રીતે એક કલાકાર પોતાની ઉંમર, સમય અને અનુભવને તેના શરીર અને અવાજની ભાષામાં ઢાળી શકે છે. ફિલ્મમાં વેલુ યુવાવયથી વૃદ્ધાવસ્થા સુધીની મુસાફરી કરે છે, અને તે માટે હાસને મેકઅપનો લગભગ ઉપયોગ કર્યો નહોતો. ઉમર વધવાનો અનુભવ તેના ધીમે-ધીમે ચાલવામાં, ઓછુ બોલવામાં અને ચહેરાના ભાવોથી રજૂ થાય છે.
કમલ હાસને આ ભૂમિકાની તૈયારી માટે મુંબઈના તમિલ વિસ્તારોમાં જઈને સમય વિતાવ્યો હતો અને ઘરડા થઇ ગયેલા ચોર લોકોની આદતો, ચાલ-ચલન અને વાતચીત કરવાની રીતમાંથી વેલુનું વ્યક્તિત્વ બનાવ્યું હતું. એમ તો તેમના પરફોર્મન્સમાં ‘ધ ગોડફાધર’ના અલ પચિનોના શાંત અને કાબૂવાળા માઇકલ કૉર્લિઓનની ઝલક મળે છે, પરંતુ વેલુ પ્રમાણમાં વધુ ભાવુક અને દયાળુ છે, જે તેને એક વિશિષ્ટ ડોન બનાવે છે.
કથાના કેન્દ્રમાં વેલુનો સંઘર્ષ છે – સામાજિક અન્યાય સામે લડતાં-લડતાં તે સ્વયં એ જ હિંસા અને ભ્રષ્ટ ધોરણનો હિસ્સો બની જાય છે. તે ‘બહારવાળા’ની ઓળખ સાથે ઊભો છે, રાજ્યની નીતિઓથી પીડિત છે, પોતાના બાળકોથી દૂર જતો જાય છે, અને અંતે હિંસાના એ જ પ્રવાહમાં વહી જાય છે જેને તે રોકવા માંગતો હતો. ફિલ્મના અંતિમ દૃશ્યમાં એક નાનો છોકરો વેલુની હત્યા કરે છે તે સૂચવે છે કે હિંસાનું ચક્ર કદી નથી સમાપ્ત થતું નથી.
ફિરોઝ ખાન ‘દયાવાન’માં આ મનોવૈજ્ઞાનિક અને ફિલોસોફીકલ દૃષ્ટિકોણ લાવી ન શક્યા. વાર્તા એ જ હતી, પરંતુ તેમણે એક માણસના માનસિક સંઘર્ષ પર ફોકસ કરવાને બદલે, અપરાધ-જગતની સનસનાટી અને નાટ્યાત્મકતા પર વધુ ધ્યાન આપ્યું હતું. એમાં ફિલ્મનો આત્મા બદલાઈ ગયો. તેમાં પિતા-પુત્રીના તનાવથી ભરપુર સંબંધને એ ગહેરાઈ ન મળી જે ‘નાયકન’માં હતી.
વેલુ તરીકે વિનોદ ખન્નાનો અભિનય પ્રભાવશાળી હતો, પરંતુ તેમાં તે માનસિક સૂક્ષ્મતા નહોતી જે કમલ હાસન લાવ્યા હતા. હિન્દીનો વેલુ નાઈકર વધુ સ્ટાઇલિશ અને ઓછો અંતર્મુખી હતો. કદાચ બીજું કારણ એ પણ હતું કે વેલુના લંગોટિયા દોસ્ત તરીકે ફિરોઝ ખાને પોતાને ફિલ્મમાં લેવાની જરૂર નથી. તેનાથી દર્શકો બે હીરો વચ્ચે ગૂંચવાઈ ગયા હતા.
ફિલ્મની એકમાત્ર મોટી ચર્ચા યુવા માધુરી દિક્ષિત અને વિનોદ ખન્નાનો સાહસિક રોમેન્ટિક સીન હતો. પાછળથી માધુરીએ અફસોસ પણ વ્યક્ત કર્યો કે કેરિયરના શરૂઆતના દોરમાં તે એ નિર્ણયને લઇને સંપૂર્ણ રીતે આશ્વસ્ત નહોતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર ઠીકઠીક વેપાર કર્યો, પરંતુ તે કદી ‘કલ્ટ’નો દરજો મેળવી શકી નહોતી. હિન્દી દર્શકોનો એક મોટો વર્ગ ‘નાયકન’ને ઓળખતો નહોતો, તેથી તુલનાનો આધાર ઓછો રહ્યો. છતાં, સિનેમાના ઇતિહાસમાં એ બંને ફિલ્મો વિશે એક સાથે વાંચવું રસપ્રદ છે – એ સમજવા માટે કે કોઈ મહાન કૃતિની રીમેક કેમ એટલી ઊંચાઈ સુધી પહોંચી શકતી નથી.
આજે ‘નાયકન’ કલ્ટ ફિલ્મ ગણાય છે કારણ કે તે અપરાધની કહાની નથી, પણ એક ઘાયલ માણસની જીવનયાત્રાનું બયાન છે. તે વ્યવસ્થા સામે લડે છે, પોતાના લોકોની રક્ષા કરે છે, પરંતુ આખરે પોતે જ બનાવેલા રસ્તામાં અટવાઈ જાય છે. એક સમયે વેલુ જેને મળે તેને પૂછતો હતો – ‘તમે સારા માણસ છો કે ખરાબ?’ કહાનીના અંતે, તેનો પૌત્રને પણ નાનાએ લઈને પ્રશ્ન થાય છે – ‘તમે સારા હતા કે ખરાબ?’ આ પ્રશ્ન ‘નાયકન’ ફિલ્મનો આત્મા છે. જીવન અને નૈતિકતાને કોઈ સરળ નામમાં બાંધવી કઠિન હોય છે. ‘નાયકન’નું આ જ સ્થાયી સત્ય છે.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 10 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

