મારા થોડા નિયમ હતા – મેં નક્કી કર્યું હતું કે ભલે ચીંથરેહાલ હોઉં, ઊંચા માથે ચાલીશ. જિંદગીને પૂર્ણપણે જીવીશ અને જ્યાંથી આશાનું કિરણ મળશે તેને સ્વીકારીશ. હું જે પણ સ્થિતિમાં હોઉં, મેં મારાથી બનતું કરવાનું ચાલુ રાખ્યું છે કેમ કે પોતે માણસ તરીકે શ્રેષ્ઠ આપ્યું તેની પ્રતીતિ એ જ અંતિમ વિજય છે
— દાઇસાકુ ઇકેડા
ગઈકાલે મિર્ઝા ગાલિબનો જન્મદિન હતો. એમણે લખ્યું છે, ‘કૈદ-એ-હયાત ઔર બંદ-ઓ-ગમ અસલ મેં દોનોં એક હૈ, મરને સે પહલે આદમી ગમ સે નિજાત પાયે ક્યોં’ – જીવનની કેદ અને દુ:ખનું બંધન અસલમાં એક જ છે. મરીએ નહીં ત્યાં સુધી એનાથી છુટકારો નથી. આ સત્ય તો જિંદગી આપણને ભૂલવા નહીં દે. પણ નવું વર્ષ ક્ષિતિજ પર ડોકાઈ રહ્યું છે ત્યારે સિક્કાની બીજી બાજુ જેવું બીજું સત્ય યાદ કરવા જેવું છે અને તે એ કે વાસ્તવ જો અફર છે તો આશા અમર છે.
આશા માટે અંગ્રેજીમાં હોપ શબ્દ છે. જૂના અંગ્રેજીમાં હોપા, ડચ ભાષામાં હૂપ અને જર્મનમાં હોફના શબ્દો છે. ઓપ્ટીમિઝ્મ, એસ્પિરેશન જેવાં શબ્દો પણ વપરાય છે. ‘હોપ’નો એક અર્થ આસ્થા પણ છે. ‘હોપ ઈઝ અ ડિસીઝન’ પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે ‘આશા’ શબ્દની ક્ષિતિજોના ખરા વિસ્તારનો ખ્યાલ આવે.
‘હોપ ઈઝ અ ડિસીઝન’ પુસ્તક જાપાનના બૌદ્ધ ચિંતક દાઇસાકુ ઇકેડાએ પ્રસંગોપાત આપેલાં કેટલાક વ્યાખ્યાનોનો સંચય છે. તેઓ કહે છે કે આશા જ આદિ છે અને આશા જ અંત છે. એનાથી જ માણસ જાગે છે, સંકલ્પબદ્ધ થાય છે, આંતરિક શક્તિઓ પર એકાગ્ર થાય છે અને પોતાનામાં વસતા બુદ્ધ સુધી પહોંચી શકે છે. બુદ્ધ કોઈ વ્યક્તિનું નામ નથી. એ એક અવસ્થાનું નામ છે. માણસના મનમાં પશુત્વ પણ છે અને બુદ્ધત્વ પણ છે. એ બેની વચ્ચેની પણ આઠ અવસ્થાઓ છે. પોતાનામાં વસતા પશુત્વને બુદ્ધત્વ સુધી પહોંચાડવું તેને જ ઇકેડાના ગુરુ જોસાઈ તોડા ‘હ્યુમન રિવોલ્યુશન’ કહે છે અને આ હ્યુમન રિવોલ્યુશન એ જ સાકા ગોકાઈ ઇન્ટરનેશનલ નામના જાપાની બૌદ્ધ મહાયાન પંથનો મુદ્રાલેખ છે. દાઇસાકુ ઇકેડા તેના પ્રમુખ છે.
ઇકેડા કહે છે કે અન્યને પ્રોત્સાહિત કરવાથી પોતાને પણ આશા અને આનંદનો અનુભવ થાય છે. યોગ્ય વ્યક્તિ સાથે પીડા અને સમસ્યા વહેંચવાથી એક આધાર મળે છે. કોઈ કોઈની પીડા લઈ શકે નહીં, કોઈ કોઈની સમસ્યા ઉકેલી આપી શકે નહીં – પણ સાથ અને પ્રોત્સાહન માણસને પોતાનામાં જ રહેલી શક્તિ પર એકાગ્ર કરે છે. આ એકાગ્રતા એક તરફ ધ્યેય સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે અને બીજી તરફ આંતરયાત્રાને બુદ્ધત્વપ્રાપ્તિની દિશામાં આગળ વધારે છે.
પણ આશાની વાત લેખક માત્ર સિદ્ધાંત તરીકે નથી કરતા, એ એમની અનુભવવાણી છે. વિશ્વયુદ્ધ, તેમાં ચાર ચાર ભાઈઓનું ઓરાઈ જવું, ગરીબી, તારાજી, પિતાની પથારીવશ સ્થિતિ, માની અસહાયતા, પોતાને થયેલો ટી.બી. – આ બધું તરુણ વયમાં જ ભોગવી લીધા પછી તેમણે કહ્યું છે, ‘આશા બધું બદલી નાખે છે અને એની શરૂઆત પોતાની જિંદગીથી થાય છે. આશા આપણને સક્રિય અને સક્ષમ કરનારું બળ છે. આશામાં શિયાળાને વસંતમાં ને ઉજ્જ્ડને પુષ્પિતમાં પરિવર્તિત કરવાની તાકાત છે. આશા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી. આશાન્વિત વ્યક્તિ દુનિયા કરતાં બે ડગલાં આગળ હોય છે. આશા કુદરતે જ આપણામાં પ્રગટાવેલી જ્યોત છે પણ તેને પ્રજ્વલિત રાખવા માટે સંકલ્પની હવા આપણે આપવાની છે. આશા એટલે પોતાની અને અન્યની અંદર રહેલી અનંત શક્યતાઓમાં આસ્થા રાખવી અને તેના પર એકાગ્ર થવાનો સંકલ્પ કરવો.

દાઇસાકુ ઈકેડા
એમણે મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપ્યું છે : અનેક વિઘ્નો વચ્ચે મહાત્મા ગાંધી સફળ થતા રહ્યા તેનું કારણ તેમનો અદમ્ય આશાવાદ હતો. ગાંધીજી પોતાને ‘ઈરરિપ્રેસિબલ ઓપ્ટીમીસ્ટ’ કહેતા. એમની આશા સંજોગો પર, વ્યક્તિઓ પર, સફળતા-નિષ્ફળતા પર કે ચડઉતર પર નિર્ભર ન હતી. એમની આશા માનવીની સારપ, ક્ષમતા અને પુરુષાર્થ પરની અચળ શ્રદ્ધા પર નિર્ભર હતી. આ શ્રદ્ધાનો એમણે એક પળ માટે પણ ત્યાગ કર્યો ન હતો. અન્યની સારપ પર શ્રદ્ધા અને પોતાની સારપ માટે પુરુષાર્થ એ બે ગાંધીજીની ચાવીઓ હતી.
મહાન માણસોનાં ચરિત્રો આ જ કહે છે – કસોટીઓ તેમને હરાવી ન શકી, આફતો તેમને અટકાવી ન શકી. તેઓ સહન કરતા રહ્યા, પણ તૂટ્યા નહીં કારણ કે તેમની આશા જ્વલંત હતી. અને આ આશા માત્ર પોતાની ઇચ્છાપૂર્તિ કે પોતાના વિકાસ માટે ન હતી, એ સમગ્રના સુખ માટેની હતી. ‘એટલે, સમજો’, ઇકેડા કહે છે, ‘સાચી આશા વિશાળ ધ્યેય માટે માણસને પ્રતિબદ્ધ કરે છે – જેમ કે યુદ્ધ વિનાનું વિશ્વ, સૌને ગરિમાપૂર્વક જીવવા મળે એવું વિશ્વ.’
પણ પરિસ્થિતિ અંધકારમય હોય, અને વધારે અંધકારમય થવાના એંધાણ હોય ત્યારે આશા કેવી રીતે રાખવી? ઇકેડા કહે છે કે એવે વખતે આશા સર્જવી પડે અને તેને માટે પોતાની જાતમાં ઊંડે, વધુ ઊંડે, વધુ ને વધુ ઊંડે ઊતરવું પડે. એમણે ડીગીંગ શબ્દ વાપર્યો છે – ડીગીંગ ડીપર વિધીન. મુશ્કેલ સંજોગોમાં આશા વધુ શક્તિશાળી, વધુ વિસ્તૃત બનતી જાય છે. ખરી કરુણતા શરીરનો અંત નથી; ખરી કરુણતા આશાનો અંત, પોતાની શક્યતાઓ પરના વિશ્વાસનો અંત છે.
અને નિષ્ફળતા – એનાથી કદી ન ડરવું. નિષ્ફળતા માણસને એવા અનુભવ આપે છે જે દસ હજાર પુસ્તકો વાંચવાથી પણ ન મળે. દુઃખ અને પીડાનો પણ એક ઉપકાર હોય છે. એમાંથી પસાર થયા પછી માણસ વધારે નમ્ર, વધારે પરિપક્વ બને છે. જિંદગી એક લાંબી પ્રક્રિયા છે. તમે ગમે તેટલું લાંબુ જીવો, પણ અંતે પરાજય અને દુઃખ અનુભવતા હો તો તેનો કોઈ અર્થ નથી. નિર્ભય બનો, નિષ્ફળતામાંથી શીખો અને જે પણ બને તેની જવાબદારી પોતે જ લો. અન્ય પર દોષ ન નાખો.
ઇકેડા યુવાનોને કહે છે, ‘યુદ્ધ, ગરીબી, તારાજી, બીમારી આ મારી તરુણાવસ્થાનું વર્ણન છે. પણ એ બધાને લીધે ત્યારે પણ મને શરમ કે હતાશાનો અનુભવ નહોતો થતો. હું પોતાને નાટકના એક પાત્ર તરીકે જોતો. એક તરુણ, જે હસતા હસતા લડી રહ્યો છે. મને ગૌરવનો અનુભવ થતો. અત્યારે હું જે છું તેનાં મૂળ ત્યાં છે. પણ મારા થોડાં નિયમ હતા – મેં નક્કી કર્યું હતું કે ભલે ચીંથરેહાલ હોઉં, ઊંચાં માથે ચાલીશ. જિંદગીને પૂર્ણપણે જીવીશ અને જ્યાંથી આશાનું કિરણ મળશે તેને સ્વીકારીશ. હું જે પણ સ્થિતિમાં હોઉં, મેં મારાથી બનતું કરવાનું ચાલુ રાખ્યું છે કેમ કે પોતે માણસ તરીકે શ્રેષ્ઠ આપ્યું તેની પ્રતીતિ એ જ અંતિમ વિજય છે.’
માનવસમાજ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી વિશ્વસનીયતા આદરને પાત્ર રહી છે. વિશ્વાસઘાતી અંતે હાર્યો છે, ફેંકાઇ ગયો છે. કોઈનો વિશ્વાસ જીતવો એ સૌથી મોટી સંપદા છે અને શક્તિ પણ. ભૌતિકવાદ આપણને પરમ ચૈતન્યની વિશાળતા અને ગહનતાથી વિખૂટા પાડે છે. પરમ ચૈતન્ય સાથે જોડાનાર એક વધુ ઊંચાઈ પર, એક વધુ જાગૃતિમાં અને સમસ્ત સૃષ્ટિ સાથેની એક આગવી નિકટતામાં જીવે છે.
એક વ્યક્તિ વધુ સમજદાર, વધુ શક્તિશાળી, વધુ સંવેદનશીલ બને ત્યારે શાંતિમય સહઅસ્તિત્વ તરફની યાત્રાના પૈડાનું પહેલું ચક્ર ફરે. આશાપ્રેરિત માનવી તોફાનો વચ્ચે સ્થિર પ્રકાશતી શાંત જ્યોત જેવો હોય છે. જે બીજા માટે મશાલ હાથમાં લે છે તેનો પોતાનો માર્ગ પણ પ્રકાશિત થતો આવે છે.
કાળના અનંત અખંડ પ્રવાહમાં સંખ્યા કે શરૂઆત-અંત વગેરેની કોઈ હસ્તી નથી, પણ આપણી નાનીસરખી જિંદગી ઠીકઠાક ચાલે એ માટે આપણે ગણતરીઓ, પ્રારંભો, સમાપનો કરવાં પડે છે. વર્ષ 2026 ક્ષિતિજ પર ડોકાઈ રહ્યું છે ત્યારે વીતેલું વર્ષ સરસ ગયું હોય કે કપરું, એનો આદર કરીએ. કરેલી ભૂલોમાંથી પાઠ શીખીને; ધૈર્યવાન, કરુણાવાન, સાદા અને ભલા બનીને નવા વર્ષની શરૂઆત કરીએ.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 ડિસેમ્બર 2025
![]()

