Opinion Magazine
Number of visits: 9448780
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવો પર્યાવરણ મુસદ્દોઃ બકરું કાઢ્યા વિના ઊંટ પેસે એવી ભીતિ

મહેશ પંડ્યા|Opinion - Opinion|3 September 2020

૨૦૧૪નાં રોજ સ્વાતંત્ર્ય દિને વડાપ્રધાને લાલ કિલ્લાની રાંગેથી “મેઇક ઇન ઈન્ડિયા, મેઈડ ઇન ઇન્ડિયા”નું સૂત્ર આપ્યું હતું. તેની સાથેસાથે “ઝીરો ડિફેક્ટ એન્ડ ઝીરો ઈફેક્ટ“ પણ કહેવાયું હતું. વિદેશોને કહેવામાં આવ્યું કે, “ભારતમાં આવો, મૂડીરોકાણ કરો, તમને અમારા કોઈ કાયદા (ખાસ કરીને પર્યાવરણ અને કામદાર કાયદા) નહીં નડે અને પ્રવર્તમાન કાયદાઓની અડચણ દૂર કરીશું.”

પર્યાવરણ કાયદામાં સુધારા માટે સમિતિ

આ સંદર્ભે ૨૯ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ ભારત સરકારના વન, પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયનો કાર્યાલય હુકમ બહાર પડ્યો હતો, જેમાં ભૂતપૂર્વ કેબિનેટ સેક્રેટરી ટી.એસ.આર. સુબ્રમણ્યમ્‌ના અધ્યક્ષપદે ઉચ્ચ કક્ષાની સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. આ સમિતિએ વિવિધ પર્યાવરણ કાયદાઓની સમીક્ષા કરવાની હતી. ચાર તજ્જ્ઞ સભ્યો અને બે સચિવોની બનેલી આ સમિતિમાં (૧) ટી.એસ.આર. સુબ્રમણ્યયમ્‌ (ચેરમેન) (૨) વિશ્વનાથ આનંદ (ભૂતપૂર્વ સેક્રેટરી), વન અને પર્યાવરણ મંત્રાલય (૩) જસ્ટિસ એ.કે. શ્રીવાસ્તવ (નિવૃત્ત જજ, દિલ્હી હાઈકોર્ટ) અને (૪) સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ કે.એન. ભાટનો સમાવેશ થતો હતો. સમિતિના બે સચિવોમાં વન અને પર્યાવરણ મંત્રાલયના સંયુક્ત સચિવ વિશ્વનાથ સિંહા તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તત્કાલીન સભ્ય સચિવ હાર્દિક શાહનો સમાવેશ કરાયો હતો.

આ ઉચ્ચસ્તરીય સમિતિને એન્વાયરમેન્ટ (પ્રોટેકશન) એકટ, ૧૯૮૬, ફૉરેસ્ટ (કન્સર્વેશન) એકટ, ૧૯૮૦, વાઇલ્ડ લાઇફ (પ્રોટેકશન) એકટ, ૧૯૭૨, ધ વોટર (પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ પોલ્યુશન) એકટ, ૧૯૭૪ અને ધ એર (પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ પોલ્યુશન) એકટ, ૧૯૮૧ — એ પાંચ કાયદાઓનું મૂલ્યાંકન કરીને સુધારા સૂચવવા માટે બે માસની મુદ્દત આપવામાં આવી હતી.

આ સમિતિએ પર્યાવરણ કાયદાઓના હાલના અમલીકરણની સ્થિતિ, જુદી જુદી અદાલતો દ્વારા આપેલા ચુકાદાનું અવલોકન, કાયદાઓના મૂળ ઉદ્દેશોને લક્ષમાં રાખીને કાયદામાં કરવાપાત્ર સુધારા અને સૂચવેલ ભલામણોને પહોચી વળવા સુધારાઓનો કાચો મુસદ્દો તૈયાર કરવાનો હતો. સમિતિની રચના અને ઉદ્દેશ દર્શાવતો સરકારી ઑર્ડર  વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો અને એક મહિના સુધીમાં નાગરિકો પાસે મંતવ્યો મંગાવાયાં હતાં ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સમિતિના કાર્યમાં ઇન્ડિયન ફૉરેસ્ટ એક્ટ ૧૯૨૭નો સમાવેશ કરતો સુધારો, તો ૨૮ ઓક્ટોબર ૨૦૧૪થી સમિતિની મુદ્દતમાં એક મહિનાનો વધારો કરવા આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા અંગે  નીચે મુજબના પ્રશ્નો ઊભા થયા હતા.

સમિતિની કાર્યવાહી અંગે સવાલો

• આટલા મોટા પર્યાવરણના કાયદાઓ સુધારવાના હોય તેમ છતાં કોઈ જાહેર સૂચના અખબારો કે અન્ય માધ્યમો દ્વારા આપવામાં આવી ન હતી. માત્ર વન, પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ મંત્રાલયની વેબસાઇટ દ્વારા જ જાહેરાત કરવામાં આવી.

• વેબસાઇટ પર કેટલાંક શહેરોમાં પબ્લિક કન્સલ્ટેશનની વાત પણ કરવામાં આવી હતી. અલબત્ત, તેમાં હંગામી તારીખો જણાવાઈ હતી અને સ્થળ વિશેની કોઈ જાણકારી ન હતી.

• પર્યાવરણના પ્રશ્ને કામ કરતી અમારી સંસ્થા ‘પર્યાવરણ મિત્ર’એ પત્ર લખીને સરકારને બહોળા પ્રમાણમાં લોકમત ઊભો કરવા માટે વિવિધ અખબારો, ટી.વી. ચેનલો જેવાં માધ્યમોનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. તે પછીના પત્રમાં જણાવ્યું હતું કે હંગામી તારીખો અને શહેરોનાં નામ લોકસંપર્ક બેઠક હેતુ મૂકવામાં આવ્યાં છે. પરંતુ ચોક્કસ સ્થળ અને સમય બતાવાયો નથી. આ પત્ર પછી પણ મંત્રાલયે સમય/સ્થળ જણાવ્યાં ન હતાં. આમ કુલડીમાં ગોળ ભાંગવામાં આવ્યો.

• ઉચ્ચસ્તરીય સમિતિએ તેના અહેવાલમાં સમયની મર્યાદાનું ગાણું ગાયું છે. પરંતુ, અહેવાલ નિયત તારીખ કરતા વહેલો સુપ્રત કરી દીધો.

• આ અહેવાલ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્વાયરમેન્ટ એન્ડ ફૉરેસ્ટ વિભાગની પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીને સોપવામાં આવ્યો. તેના દ્વારા ૧૯ ડિસેમ્બરના રોજ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા વેબસાઇટ પર જાહેરાત મુકાઈ કે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ સુધી લોકોએ પોતાનાં મંતવ્યો સંસદીય સમિતિને આપવાં. પર્યાવરણવાદીઓએ તેની સામે સખત વાંધો લેતાં અશ્વિનીકુમાર(સાંસદ)ના નેતૃત્વ હેઠળની સ્ટેન્ડિંગ કમિટીએ એન્વાયર્નમેન્ટલ લૉ મેનેજમેન્ટ એક્ટને નામંજૂર કર્યો. સરકાર આટલેથી અટકી નહિ અને “મેઇક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા”ને સાકાર કરવા ઔદ્યોગિક ગૃહોને પર્યાવરણની મંજૂરી મેળવવામાં કાયદાઓનું કોઈ બંધન આડે ન આવે તેનું જ માત્ર ધ્યાન રખાયું છે. ‘ઝીરો ઇફેક્ટ’ના રૂપાળા સૂત્રને ઓથે પર્યાવરણની ઐસી કી તૈસી કરીને ભારત સરકાર દ્વારા પર્યાવરણના કાયદાઓને હળવા કરી ઉદ્યોગોને લાવીને પ્રદૂષણ અને પર્યાવરણ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેને માટે EIA નોટિફિકેશનમાં સુધારો લાવવાનું જાહેરનામું તારીખ ૧૦-૦૫-૨૦૧૬ના રોજ વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરાયું હતું.

પર્યાવરણ ભંગની છૂટ આપતો નવો મુસદ્દો

નવા મુસદ્દામાં જોગવાઈ છે કે પર્યાવરણનો ભંગ કરો તો કંઈ વાંધો નહીં. પરંતુ, સરકાર એક તજ્જ્ઞ સમિતિ બનાવે છે. તેના કહેવા મુજબ એન્વાયર્નમેન્ટ સપ્લિમેન્ટ પ્લાન તૈયાર કરો એટલે બધા ગુના માફ. મતલબ કે જો કોઈ પ્રકલ્પે પર્યાવરણની સંમતિ ના લીધી હોય અને ઉદ્યોગ કે કોઈ પ્રકલ્પ ચાલુ કરી દીધો હોય તો તેની મંજૂરી રદ્દ નહીં થાય. તેની કાનૂની કાર્યવાહી નહીં થાય. માત્ર સપ્લિમેન્ટ પ્લાન મંજૂર કરાવી દો. પ્રદૂષણ કરો, પર્યાવરણને નુકસાન કરીને પૈસા ભરી દો એટલે ગુનો માફ.

દેશમાં જ્યારે હરિયાળી અદાલત (નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ) મજબૂત બની છે ત્યારે તેમાંથી મુક્તિ મેળવવા સરકારે આ રસ્તો અપનાવ્યો છે. સરકારની રચના થયાની શરૂઆતમાં છ પર્યાવરણીય કાયદાને એક કાયદામાં રૂપાંતર કરવાની પહેલ કરેલી. પરંતુ, દેશભરમાં થયેલા વિરોધને પગલે સરકારે એન્વાયર્નમેન્ટ લો મેનેજમેન્ટ કાયદાને પડતો મૂકયો હતો. અલબત્ત, તે કાયદાનું એક પ્રતિબિંબ આ મુસદ્દામાં છે. ૧૫ એપ્રિલ, ૨૦૧૯ના રોજ મંત્રાલયનું IA નોટિફિકેશન સરકારી વિભાગોમાં આંતરિક સૂચનો માટે મુકાયું જેનું પણ અમલીકરણ ના થયું.

વડાપ્રધાને  ૧૫ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા કહ્યું હતું કે, આપણો દેશ કુદરતી સંસાધનોથી સમૃદ્ધ છે. કુદરતી સંસાધનોનો વ્યાપક ઉપયોગ કરીને આપણે દેશનો વિકાસ કરવો છે. ખાસ કરીને ઉત્તર પૂર્વીય રાજ્યોનો વિકાસ. આ વરસની ૧૫ ઓગસ્ટના ભાષણમાં કહ્યું કે, દેશ પાસે અઢળક કુદરતી સંપદા છે તેનો ઉપયોગ થકી વિકાસ કરો. હાલના ડ્રાફ્ટ એન્વાયર્નમેન્ટલ ઈમ્પેક્ટ (EIA) નોટિફિકેશન ૨૦૨૦માં વડાપ્રધાનશ્રીના ભાષણોનો અમલ કરવાનો પ્રયાસ કરાયો છે. ૨૩ માર્ચ, ૨૦૨૦ના રોજ ડ્રાફ્ટ એન્વાયર્નમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન-૨૦૨૦ જાહેર કરાયું. પરંતુ, લોકોના સૂચન માટે તે ૧૧ એપ્રિલ, ૨૦૨૦ના રોજ વેબસાઇટ પર મુકવામાં આવ્યું અને ૧૧ જૂન, ૨૦૨૦ સુધીમાં સૂચનો મંગાવવામાં આવ્યા.

આ ગાળામાં સમગ્ર દેશ લૉક ડાઉન હેઠળ હતો જેથી સમગ્ર દેશમાંથી વિરોધ થયો કે આ નોટિફિકેશન પાછું ખેચી લો. અલબત્ત, ભારત સરકારે આ નોટિફિકેશન માટે સૂચનો મંગાવવાની તારીખમાં ૩૦ જૂન, ૨૦૨૦ સુધીનો વધારો કરી આપ્યો. દરમ્યાન, દિલ્હીની વડી અદાલતે ૧૧ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી સૂચનો સ્વીકારવા આદેશ કર્યો.

ડ્રાફ્ટ EIA 2020નો વિરોધ કેમ થઇ રહ્યો છે?

હાલના ૨૦૦૬ના પર્યાવરણ નોટિફેકશનમાં શરતોને આધીન આપેલી પર્યાવરણીય સંમતિનો ભરપાઈ અહેવાલ દર છ મહિને આપવાનો હોય છે, જ્યારે ૨૦૨૦ના ડ્રાફટ નોટિફેકેશનમાં મુદ્દત વધારીને એક વરસની કરી છે. હાલમાં બધા જ પ્રકલ્પોના મૂલ્યાંકનની જોગવાઈને બદલે નવા ડ્રાફટમાં બાંધકામ, નેશનલ હાઈવે, વૉટર વે જેવા કેટલા ય પ્રકલ્પોને મુક્તિ આપી છે. પર્યાવરણીય શરતોના ભંગની ફરિયાદ કોઈ પણ ભારતીય નાગરિક કરી શકે છે, તેવી હાલની જોગવાઈ રદ્દ કરી શરતોના ભંગ બદલ સ્વયંભૂ ઉદ્યોગો અને સરકારી તંત્ર ધ્યાન દોરશે તેવી જોગવાઈ કરી છે. પર્યાવરણીય લોકસુનાવણીનો સૂચના-સમય ૩૦ દિવસથી ઘટાડીને ૨૦ દિવસનો કરી દીધો છે. બાંધકામ પ્રકલ્પ જો ૨૦,૦૦૦ ચો.મી.થી વધારે હોય તો હાલમાં ફરજિયાત પર્યાવરણીય સંમતિની જોગવાઈ છે. તેમાં વધારો કરીને ૧,૫૦,૦૦૦ ચો.મી.ના બાંધકામની જોગવાઈ સૂચવાઈ છે. તેનાથી નાના પ્રકલ્પોને સંમતિની જરૂર નહીં રહે. સ્થળ પર કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાતી હાલની પર્યાવરણીય લોકસુનાવણી હવેથી વીજાણુ માધ્યમ દ્વારા યોજવાની જોગવાઈ કરી છે. હાલના મજબૂત માળખાને નબળું બનાવતા અને લોકોની મહદ્ અંશે બાદબાકી કરતા સુધારા પણ સૂચવાયા છે.

આ ડ્રાફ્ટ નોટિફિકેશનનો ઉદ્દેશ તો ખૂબ જ ઉમદા બતાવ્યો છે. (૧) ઝારખંડ હાઈકોર્ટે પર્યાવરણીય કાયદાઓમાં થઈ રહેલા ભંગ બદલ કેન્દ્ર સરકારની ભારે ટીકા કરી (હિન્દુસ્તાન કોપરના કેસ અંગે, તા. ૨૮ નવેમ્બર, ૨૦૧૪), (૨) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સંદીપ મિત્તલ વિરુદ્ધ ભારત સરકારના કેસમાં જણાવ્યું કે, પર્યાવરણીય સંમતિમાં આપવામાં આવતી શરતોનું પાલન થતું નથી. એટલે તે શરતોનું પાલન કરવા સુદૃઢ વહીવટી માળખાની જરૂરિયાત છે. આ હકીકતોને ધ્યાને લઈને ભારત સરકાર પર્યાવરણીય કાયદાઓના થઈ રહેલા ભંગને બક્ષવા માગતી નથી કે જેનાથી મોટા પ્રમાણમાં પર્યાવરણને નુકસાન થાય છે. પરંતુ, ઉપરોક્ત હેતુઓ અને પ્રસ્તુત ડ્રાફ્ટ EIA Notification 2020 જોતા લાગે છે કે, બકરું કાઢતા ઊંટ પેઠું કહેવત બદલાઈ ગઈ છે અને બકરા અને ઊંટ બંને સાચવવાની વાત જોવા મળે છે. લોકોને બાકાત કરીને ઉદ્યોગો જાતે જ પોતાના નિરીક્ષક બને તેવો અભિગમ અપનાવાયો છે. 

પર્યાવરણને નુકસાન કરતા સુધારા

જો આ ડ્રાફ્ટ નોટિફિકેશનનું અમલીકરણ થશે તો પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થશે તેમ જ કુદરતી સંસાધનો આધારિત જીવતા લોકોની પણ મુશ્કેલીઓ વધી જશે. એટલે ચોમેરથી આ ડ્રાફ્ટ નોટિફિકેશન પાછું ખેંચી લેવાની માગ ઊઠી છે. ઈ.આઈ.એ. ૨૦૦૬ પ્રમાણે ૮ પ્રકારની કેટેગરી માટે પર્યાવરણીય સંમતિ (એન્વાયર્નમેન્ટ ક્લીયરન્સ) લેવાનું હતું. નવા નોટિફિકેશનમાં આ કેટેગરી દૂર કરીને ૪૩ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય સંમતિ લેવાનું નક્કી કર્યું છે. પહેલી નજરે એવું લાગે કે, બહુ બધા પ્રકલ્પને એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ માટે આવરી લેવામાં આવ્યા છે. હકીકતમાં, કેટેગરી બી-૨નો ઉમેરો કરીને મહદ્ અંશે ઉદ્યોગોને એન્વાયર્નમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ અને એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે.

અચરજ એ વાતનું છે કે, ડ્રાફ્ટ ઈ.આઈ.એ. ૨૦૨૦માં બી-૨ કેટેગરીના પ્રકલ્પોને એન્વાયર્નમેન્ટલ પરમિશન લેવાની થાય, જે સામાન્ય રીતે વહીવટી મંજૂરી છે. એન્વાયર્નમેન્ટલ પરમિશનથી પર્યાવરણનું જતન કરવાને સ્થાને ઉદ્યોગો જલદી કાર્યરત થાય તેવો હેતુ છે. આ ડ્રાફ્ટ નોટિફિકેશનમાં ૪૦ જેટલી પ્રવૃત્તિઓને મુક્તિ મળે છે. (૧) જેમાં સોલાર પાવર પ્લાન્ટ્સ, સોલાર થર્મલ પ્લાન્ટ્સ, સોલાર પાર્ક્સ વગેરેને એન્વાયર્નમેન્ટલ પરમિશન પણ લેવાનું નથી થતું. દેશમાં વ્યાપક ફરિયાદો ઊઠી છે કે વિશાળ જમીનમાં પથરાયેલા સોલાર પાર્કોથી સામાજિક આર્થિક અને પર્યાવરણને  વ્યાપક નુકસાન થયું છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં પણ આ બાબતના કેસ નોધાયા છે. (૨) આ ડ્રાફ્ટ નોટિફિકેશન દ્વારા કમર્શિયલ પ્રોજેક્ટ ઉત્પાદન ન હોય તેવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને મુક્તિ આપવામાં આવી છે. સવાલ કમર્શિયલ ઉત્પાદન હોય કે ન હોય તેનો નથી. પરંતુ, પોલ્યુશન પોટેન્શિયલ અને એડવર્સ ઈમ્પેક્ટ (ખરાબ અસરો) કેટલી થાય છે તેને આધારે નક્કી કરવું જોઈએ. (૩) દેશમાં મોટી જગ્યામાં અને વિશાળ સંખ્યામાં પથરાયેલા પવનચક્કી પ્રોજેક્ટ અંગે ડ્રાફ્ટ નોટિફિકેશન ચુપકીદી સેવે છે. પવનચક્કી પ્રકલ્પોને લીધે સામાજિક અને પર્યાવરણને આર્થિક વિપુલ માત્રામાં નુકસાન થવાના બનાવો નોધાયા છે.

આ ડ્રાફ્ટ નોટિફિકેશનમાં એક જ પ્રકારના ઉદ્યોગોનો જો કોમન ટ્રીટમેન્ટ પ્લાન બનાવવાના હોય તો આ પ્રકારના CETPને પર્યાવરણીય સંમતિમાંથી મુક્તિ જાહેર કરી છે. ખરેખર, આ પર્યાવરણીય નુકસાન કરનાર પગલું છે. લીનિયર પ્રોજેક્ટ જેવા કે, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે વગેરેના એક્સપાન્શન માટે એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. લાઈન ઑફ એક્ચ્ચુલ કંટ્રોલથી ૧૦૦ કિ.મી.ના અંતરે બનનાર રોડ રેલવેને પણ મુક્તિ આપવામાં આવી છે.   ડિફેન્સને લઈને કરવામાં આવતા પ્રકલ્પો તેમ જ સરકાર જેને સ્ટ્રેટેજીક પ્રોજેક્ટ તરીકે ઓળખાવે તેવા પ્રકલ્પોને પણ મુક્તિ બક્ષવામાં આવી છે. આ નોટિફિકેશનમાં ૧૦ ટકા જેટલી ક્ષમતા વધારતા પ્રકલ્પો હોય, તેમને વધારાના ઉત્પાદન માટે પર્યાવરણીય સંમતિમાંથી મુક્તિ આપવામાં આવી છે. જે ખૂબ ગંભીર છે. લાર્જ સાઈઝના પ્રોજેક્ટમાં ૧૦ ટકાના વધારાથી પર્યાવરણનું નુકસાન થતું હોય છે

ગુનેગારને સજા નક્કી કરવાની સત્તા

આ ડ્રાફ્ટ નોટિફિકેશનમાં પર્યાવરણીય કાયદાઓનો ભંગ કરતા ઉદ્યોગો સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ, ઉદ્યોગ/પ્રકલ્પ સ્વયંભૂ રીતે સરકારને જાણ કરે કે તેમણે પર્યાવરણના કાયદાનો ભંગ કર્યો છે તો, દંડની રકમમાં અને એન્વાયર્નમેન્ટલ મેનેજમેન્ટ પ્લાન બનાવવામાં મોટી રાહતો જાહેર કરી છે. જેમ કે, ઉદ્યોગ સ્વયંભૂ જાહેર કરે કે તેમણે પર્યાવરણીય કાયદાનો ભંગ કર્યો છે તો, દિવસનો માત્ર રૂ. એક હજારનો દંડ. પરંતુ સરકાર ભંગ કરતા પકડે તો દિવસનો રૂ. બે હજારનો દંડ. જેનાથી સ્પષ્ટ ફલિત થાય છે કે, સરકાર ઉદ્યોગોને પર્યાવરણના ભોગે છાવરવાની અને પર્યાવરણીય કાયદાઓનો ભંગ કરવા પ્રોત્સાહન આપી રહી છે.

આ ડ્રાફ્ટ નોટિફિકેશનમાં જિલ્લા સ્તરે એન્વાયર્નમેન્ટલ એસેસમેન્ટ કે એન્વાયર્નમેન્ટલ  મેનેજમેન્ટ પ્લાનને જમા થયેલા ડિસ્ટ્રીકટ મિનરલ ફંડનો ઉપયોગ કરવા છૂટ આપી છે જે બરાબર નથી. જેના માટે ફંડ એકત્રિત કરવામાં આવ્યું છે તે જ હેતુ માટે ફંડ વપરાવું જોઈએ. આ ડ્રાફ્ટ નોટિફિકેશન દ્વારા ભંગ કરનાર ઉદ્યોગો પાસેથી બૅન્ક ગેરંટી લેવાનું નક્કી કર્યું છે. પરંતુ, જમા થયેલ બૅન્ક ગેરંટીનો ઉપયોગ શું કરવો તે બાબતે ડ્રાફ્ટ નોટિફિકેશન મૌન છે. બૅન્ક ગેરંટી અને નોનકમ્પ્લાયન્સ કરનારા પાસેથી દંડનીય રકમ મેળવવાનો મતલબ આવા ઉદ્યોગોને ન્યાયપ્રક્રિયામાંથી બચાવી લેવાનો અને પર્યાવરણ સુરક્ષા ધારો-૧૯૮૬ને બુઠ્ઠો કરી દેવાનો છે.

પર્યાવરણીય લોકસુનાવણીના માધ્યમથી લોકોને પ્રકલ્પો અંગે પોતાના અભિપ્રાયો/સૂચનો/વાંધા રજૂ કરવાની તક મળતી હતી, તે મહદ્ અંશે છીનવી લેવામાં આવી છે. લગભગ ૧૫ જેટલા પ્રકલ્પો જો નોટિફાઇડ એરિયામાં આવતા હોય ઉપરાંત કેટેગરી-એમાં આવતા હોય તો તેમને પર્યાવરણીય લોકસુનાવણીમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે.

નેશનલ પાર્ક/સેન્ચુરી/ઇકોલોજીકલ સેન્સિટિવ એરિયાના વિસ્તારોમાં કોઈ પણ પ્રકલ્પ આવતો હોય તો તે પ્રકલ્પોને લોક-સુનાવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ખરેખર તો પર્યાવરણીય સંવેદનશીલ પ્રકલ્પો માટે લોકોના વિશેષ અભિપ્રાય લેવા જોઈએ. પર્યાવરણીય લોકસુનાવણી અંગેની જાહેરાત, જે એક મહિના પહેલા કરવામાં આવતી હતી, તે ઘટાડીને ૨૦ દિવસ કરવામાં આવી છે જેનો મતલબ એ થયો કે ઊંડાણના વિસ્તારોમાં લોકોને સમયસર સૂચનાઓ નહીં મળે.

આમ, ડ્રાફ્ટ EIA-૨૦૨૦ દ્વારા પર્યાવરણ અને કુદરતી સંસાધનો પર નભતા લોકોને પારાવાર નુકસાન થશે.

e.mail : paryavaranmitra@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 31 ઑગસ્ટ 2020; પૃ. 11-14

Loading

3 September 2020 admin
← વિપક્ષોએ ભા.જ.પ.ની હિંદુત્વની રાજનીતિની નકલ કરવાનો મોહ છોડવો પડશે
૧૫ ઓગસ્ટે ગાંધીજી ક્યાં હતા અને તેમણે શું સાત વાતો કરી હતી : →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved