મહેશભાઈ અને રમાબહેનનો સુખી સંસાર હતો. પાંચ વર્ષનો પુત્ર સુશીલ હતો. મહેશભાઈને હોલસેલ કરિયાણાની દુકાન હતી. બિઝનેસ પણ સારો ચાલતો હતો. વર્ષમાં એકવાર કુળદેવીના દર્શને જવાનો નિયમ હતો. મહેશભાઈએ કુળદેવીના દર્શને જવાનો પ્રોગ્રામ કર્યો, દર્શન કરી પાછા વળતી સમયે કારનો એક્સિડેન્ટ થયો. વિધિને કરવું કે મહેશભાઈ અને સુશીલને સામાન્ય ઇજા થઈ પણ રમાબહેનને માથાના ભાગે બહુ વાગ્યું. હોસ્પિટલમાં દાખલ કર્યાં પણ બચાવી ન શકાયાં, મહેશભાઈ અને સુશીલ એકલા થઈ ગયા.
મહેશભાઈ તો પોતાના બિઝનેસમાં વ્યસ્ત થઈ ગયા, પણ સુશીલને મમ્મી બહુ જ યાદ આવતી હતી. ઉંમર પણ પાંચ વર્ષની હતી. કોઈક તો સારસંભાળ લેવાવાળું હોવું જોઈએ, પણ મહેશભાઈ બીજા લગ્ન કરવા તૈયાર નહોતા. તેમને બીક હતી કે બીજા લગ્ન કરું તો સુશીલનું શું થાય. તેને નવી મમ્મી બરોબર ન સાચવે તો સુશીલનું જીવન બગડી જાય. ખૂબ સમજાવટ પછી મહેશભાઈ બીજા લગ્ન ઉમાબહેન સાથે કરવા માટે તૈયાર થયા.
ઉમાબહેન સાથે સાદાઈથી લગ્ન થઈ ગયા. મહેશભાઈએ સુશીલને કહ્યું, “સુશીલ, આ તારી નવી મમ્મી છે.”
“ના, પપ્પા એ મારી નવી મમ્મી નહીં, પણ મારી મમ્મી છે, હું તેને મમ્મી જ કહીશ.” ઉમાબહેને દોડીને સુશીલને ગળે વળગાડી લીધો. મહેશભાઈની આંખો હર્ષથી ભરાઈ આવી અને એવો અહેસાસ થયો કે મેં બીજા લગ્ન કરીને કંઈ ખોટું કર્યું નથી. ઉમા હકીકતમાં સુશીલની “મમ્મી” બની રહેશે. સુશીલ અને ઉમાબહેન વચ્ચે એવો સંબંધ થઈ ગયો કે કોઈને ખબર ન પડે કે ઉમાબહેન સુશીલની નવી મમ્મી છે.
પણ, સમાજમાં વાંકદેખા અને બીજાના ઘરમાં ઝાંખનારા હોય છે. એ એક પણ તક ઉમાબહેનને નીચે દેખાડવા માટેની જતી કરતાં નહોતાં. સુશીલ માંદો પડે તો ઉમાબહેનનો વાંક. ક્યાંયથી પડે આખડે તો ઉમાબહેનનો વાંક. દરેક બાબતને ઉમાબહેન સાથે જોડી સુશીલને નવી મમ્મીનો અહેસાસ કરવાનો પ્રયત્ન કરતા રહેતા. ત્યાં સુધી કે મહેશભાઈને પણ કહેવામાં આવ્યું હતું કે તમે બિઝનેસમાં ગળાડૂબ છો સુશીલ માટે થોડુંક તો ધ્યાન આપો. મહેશભાઈ એક વખત તો ભરમાઈ ગયા હતા, પણ પછી જાત તપાસ કરી સાચી હકીકત જાણી લીધી હતી. સુશીલ પણ ધીમે ધીમે વાત સમજવા લાગ્યો હતો. તેને પોતાની મમ્મી ઉપર પૂરો ભરોસો હતો.
ઉમાબહેન એક સારા ચિત્રકાર હતાં. તેણે પિયરમાં શોખની ખાતર ઘણાં ચિત્રો દોર્યાં હતાં. ઉમાબહેને જોયું કે સુશીલમાં એક સારા ચિત્રકાર બનવાની ક્ષમતા છે. ઉમાબહેને, સુશીલની આ ક્ષમતાને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. પોતાનું બધું જ્ઞાન સુશીલમાં નીચોવી દીધું, પરિણામે સુશીલ એક ખ્યાતનામ ચિત્રકાર બની ગયો. તેના ચિત્રોનું વનમેન પ્રદર્શન થવા લાગ્યું. એક પ્રસિદ્ધ સંસ્થાએ તેનું નામ એવોર્ડ આપવા માટે પસંદ કર્યું અને ફંકશનનું આયોજન કર્યું.
આયોજનના મુખ્ય ટ્રસ્ટીએ સુશીલને સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરવા આમંત્રણ આપ્યું. સુશીલે સ્ટેજ ઉપર જઈ ટ્રસ્ટીને વિનંતી કરી કે સ્ટેજ ઉપર બે વધારાની ખુરશી મારા મમ્મી, પપ્પા માટે મુકવામાં આવે અને સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરવા માટે આમંત્રણ આપવામાં આવે. સુશીલની પ્રસિદ્ધિ જોઈને તેની માગણી માન્ય રાખવામાં આવી.
મુખ્ય ટ્રસ્ટીએ સુશીલને એવોર્ડ સ્વીકારવા માટે કહ્યું. સુશીલે ઊભા થઈને કહ્યું, “આજના મારા આ એવોર્ડની ખરી હકદાર મારી મમ્મી ઉમાબહેન છે. હું, મમ્મીને વિનંતી કરીશ કે મારા વતી એવોર્ડ સ્વીકારે, કારણ કે મને અહીં સુધી પહોંચાડનાર મારી મમ્મી છે. તેણે મારી પાછળ આખી જિંદગી ખર્ચી નાખી છે, ત્યાં સુધી કે મારા હકમાં કોઈ ભાગ ન પડાવે તે માટે તેણે તેના માતૃત્વનું પણ બલિદાન આપી દીધું છે.”
“હું, નાનો હતો ત્યારથી સાંભળતો આવું છું. નવી મમ્મી, નવી મમ્મી પણ મેં ક્યારે ય તેને નવી મમ્મી માની નથી કે કહી નથી. સામે પક્ષે મારી મમ્મીએ ક્યારે ય તેના માતૃત્વમાં ઓટ આવવા દીધી નથી. આ કહેવાતા સામે બેઠેલા સમાજે તેને નવી મમ્મીથી નવાજી છે. હંમેશાં નવી મમ્મી તરીકે જ ઉદ્દેશી છે. હું આ સમાજને પૂછું છું, શું કામ તેને મમ્મીમાંથી નવી મમ્મી બનવા મજબૂર કરો છો. સમાજને ગેરમાર્ગે દોરો છો. મારી આ તમારી કહેવાતી નવી મમ્મી, આજે આ ઊંચાઈએ મને લઈ આવી છે. છે તમારું તેમાં કંઈ યોગદાન? નથી ને? તો તમે જરા વિચારજો કે તમે તો સગી મા છો ને, તો તમારા બાળકો કંઈ ઊંચાઈએ પહોંચ્યા છે. પારકી પંચાત તો સૌને ગમે પણ ઘર બાળીને તીરથ ન કરાય. જો આટલું સમજાઈ જાય તો કોઈ ઘરમાં નવી મમ્મી જ નહીં મળે. બધે મારી મમ્મી જેવી મમ્મી મળશે. મારી વાત આપને ન ગમે, કડવી લાગે પણ મેં અનુભવેલા, મારી મમ્મીએ ભોગવેલી ઘૂંટણ અને સમાજની સત્યતાની વાત છે.”
“ઉમાબહેન, તમે કંઇક કહેશો?”
“હું શું કહું? આજે મારા સુશીલે મારા જીવનની તપસ્યાને સફળ કરી. મારા માતૃત્વને એક એવી ઊંચાઈએ લઈ ગયો કે જ્યાં પહોંચવાની દરેક મા, ઇચ્છા રાખતી હોય છે. હું એટલું ચોક્કસ કહીશ કે કદાચ મને મારા સગા દીકરાએ પણ આટલું માન સન્માન ન અપાવ્યું હોત જે આજે મને અહીયા મળ્યું છે.”
“મારે મારી બહેનોને એટલું જ કહેવું છે, મમ્મી એ મમ્મી હોય છે નવી મમ્મી કદી હોતી નથી, આપણે તેને નામ, ઉપનામ આપીએ છીએ. તેનાથી નવાજીએ છીએ અને મનના આનંદ ખાતર વગોવીએ છીએ.”
સૌએ તાળીઓના ગગડાટ સાથે સુશીલ અને ઉમાબહેનની વાત વધાવી લીધી…
ભાવનગર
e.mail : Nkt7848gmail.com
![]()

