Opinion Magazine
Number of visits: 9449227
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવભારત સારુ મથામણ, વાયા ૨૦૧૮

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 January 2018

ઈસવી ૨૦૧૮ના ઉંબર કલાકોમાં ક્યાં ઊભા છીએ આપણે? લાંબે નજર શું કામ કરીએ, ઘરઆંગણે ગુજરાતમાં જ ‘વિજય’પથનાં ઉજવણાં જે રીતે ચાલ્યાં એ પોતે એક અર્થમાં નકો નકો નહીં તો પણ માંડમાંડ લબ્ધિના પ્રમાણમાં લગભગ ‘વલ્ગર’ નહીં તોયે કેવળ ને કેવળ અરુચિકર લાગે છે. જેમ ફુદ્દી નાની તેમ પૂંછડી લાંબી કે પછી ચકલી નાની ને ફૈડકો મોટો, જે કહો તે. બાલ બાલ બચ્યા પછી ‘ઍન્ટિ-ઇન્કમ્બન્સી છતાં’ની તરજ પરનું ગાણું વખત છે ને સૌને ગ્રાહ્ય ન રહે એ સંજોગોમાં છાકો પાડી દેવાની ગણતરીએ પ્રજાને ખર્ચે આ ઉજવણાં થયાં, અને રાજ્ય રાજ્યના મુખ્યમંત્રીઓથી માંડીને નવા ભાજપબંધુ નીતીશકુમારની મુંહદેખાઈ પૂર્વક નાનામોટા નેતાઓ વડાપ્રધાન અને પક્ષપ્રમુખની હાજરી ભરવાનો રસમી રાબેતો કથિત ‘વિજય’-ઉત્સવ નિમિત્તે નભાવી ગયા. રવરવતી આ રુશનાઈ દશેરા-દિવાળી પછી વળી પાછી ક્રિસમસ લગી લંબાતી રહી. સરકારી તિજોરી અને લોકપાલ-લોક આયુક્ત કઈ બલાનું નામ છે, દઇ જાણે.

છતાં આનંદો, એટલા માટે નહીં કે અશ્વમેધ યજ્ઞના અશ્વને ક્યારેક ઇન્દ્રપ્રસ્થે ‘આપ’ થકી રોક્યો હતો એવું કાંક, લગરીક કમતરીન છતાં કમસીન બની આવ્યું છે. આનંદો, એટલા માટે નહીં કે ભા.જ.પ. બે ભલા ગૃહસ્થોની સેવાભાવી ઉલટથી એકસો એકે પહોંચવા કરતો હોય તો પણ વાસ્તવમાં સોની અંદર સમેટાઈ ગયો છે. આનંદો, એટલા માટે નહીં કે રાહુલ ગાંધી પહેલી વાર ‘કેમિયો’ગ્રસ્ત પેશ નથી આવ્યા અને કૉંગ્રેસ પણ કંઈક વાજિકૃત માલૂમ પડે છે.

કૉંગ્રેસ-ભા.જ.પ. ઘડભાંજ તો ઠીક છે મારા ભૈ – નહીં કે એનુંયે સત્તાપક્ષ અને વિપક્ષની લોકશાહી રમઝટ લેખે મહત્ત્વ નથી – પણ આનંદનું ખરું કારણ તો નાગરિક છેડેથી છે. અને તે એ કે નાગરિકને એક પ્રકારની રાહત અને કંઈક ગૌરવ, અનુભવાય છે કે આપણે કોઈ એક ‘મોનોલિથ’ને આધીન નથી. અઘોષિત કટોકટી (ઘણાબધા અધિકારભંગ અને સ્વાતંત્ર્યભંગ શાસન અને શાસક પરિવાર યદૃચ્છ કરતો હોય તેમ જ લોકોને પણ આ ભંગ તે ‘ભંગ’ન લાગે એ હદે અબખે પડી ગયેલ હોય, એની) વચ્ચે પણ પડકાર વાસ્તે તસુ ભોંયનો અહેસાસ એ સામાન્ય વાત નથી.

આનંદો, એટલા માટે કે એક વાર તસુ ભોંય અંકે થાય, ઊભવા ઠેકાણું બને પછી તો નાગરિક છે અને ઉચ્ચાલનના નિયમો છે. રૂપાણીએ જેને અંગે ‘આઉટ સોર્સિંગ’ કહીને કૉંગ્રેસની ફિરકી લેવાનો બાળવિનોદ કીધો તે હાર્દિક-અલ્પેશ-જિજ્ઞેશ ફિનોમિનન તમને એક વાર ચાલુ પ્રથાની બહાર તસુ ભોંય મળે એટલે એક નાગરિકને નાતે પ્રથા આખીને તેમ એમાં પથરાઈને ચપ્પટ બેસી ગયેલી મંડળીને ઉચ્ચાલનના નિયમો મુજબ કેવી પરિસ્થિતિમાં લીલયા મૂકી શકો છો એ નવેમ્બર-ડિસેમ્બરમાં આપણે સારુ ચક્ષુપ્રત્યક્ષ ઉભરી રહ્યું છે. નાગરિકે નજરોનજર નિહાળ્યું કે પ્રથાને આંતરબાહ્ય સુવાંગ પોતાને હસ્તક કરનાર નેતૃત્વને, હજુ ચૂંટણી લડવાની વયનો નહીં એવો લબરદાઢી હાર્દિક કેવી રીતે પડકારી શકે છે. આસમાની જળવિહાર જેવી બાયોસ્કોપિક જાત્રા જોવાને બદલે લોક હાર્દિકની રેલીમાં ઉમટ્યું હોય એવા આ દિવસો અને કલાકો હતા.

નાગરિક છેડેથી આ ઘટનાક્રમનો અર્થ અને અર્થઘટન એ થાય કે તમે હવે કથિત ગુજરાત મોડેલના વરખ ને બખિયા કાઢી નાખીને એની અસલિયત ભારતમોઝાર ઉજાગર કરી છે એટલું જ નહીં પણ એને એક મોડેલ તરીકે નવેસર પરિભાષિત અને વ્યાખ્યાયિત કરવાની સ્થિતિમાં છો : અનામત ફોર્મ્યુલા અને બંધારણીય પરિસ્થિતિ આ ક્ષણે માનો કે કપિલ સિબલ અને હાર્દિક પટેલ પર છોડી દઈએ, પણ ગુજરાતમાં (અને દેશમાં) પાટીદાર સહિત જનસમસ્તમાં વંચિતો અને વંચિતતા વધ્યાં છે એ એક તથ્ય તો પ્રત્યક્ષ સમજાય છે. આ હકીકતનું શું કરશો, કહો જોઉં : મનમોહન-વાજપેયી-મોદી ત્રણે જે આર્થિક વિશ્વવહેણમાં છે એમાં તો ‘જૉબલેસ ગ્રોથ’ થકી વંચિતતા અને વિષમતાનું વિવર્ધન કેમ જાણે પેકેજનો જ હિસ્સો છે. બાકી, ગાંધીલોહિયાકુમારપ્પા સંગમભૂમિએ નાના એકમો અને ‘છોટી મશીનેં’ અભિગમ આડે અણસમજ કે વૈચારિક ગ્રંથિ શા માટે આવે, એ સમજ્યું સમજાતું નથી.

કૉંગ્રેસને માનો કે આ વિગત સદ્યગ્રાહ્ય ન હોય, પણ એને જે વાનું પકડાવું જોઈએ તે તો એ છે કે ગુજરાતમાં કર્મશીલ બૌદ્ધિકોની ભલે સંમિશ્ર, કવચિત્‌ સપ્રાણ, કંઈક સુમંદ તોયે પ્રણાલિકા છે. સત્તા-પ્રતિષ્ઠાનને આ પ્રણાલિકા સોરવાતી નથી. (કૉંગ્રેસ સત્તામાં હોય ત્યારે એને ય આ પ્રણાલિકા સોરવાતી હોય એ જરૂરી નથી.) ઇંદિરા ગાંધીએ ‘કહ્યાગરા’ પાળ્યા હતા, કેટલાક આપમેળે કહ્યાગરા થયા હતા – કટોકટીકાળમાં; અજ્ઞેયે ‘બૌદ્ધિક બુલાયે ગયે’ એ રચનામાં એનું અચ્છું ચિત્ર આપ્યું છે. અહીં આપણે જે વાત કરીએ છીએ તે સ્વતંત્રચેતા બૌદ્ધિકો અને બિનપક્ષીય કર્મશીલોની. ૧૯૭૪-૧૯૭૯માં, જેમ કે, પુરુષોત્તમ માવળંકર ગુજરાતના જાહેર જીવનમાં આવું એક વ્યક્તિત્વ હતા. એમને પણ (જેમ દરેક ‘ક્યારેક્ટર’ને હોઈ શકે તેમ) પોતાના ખૂણા હતા, પરંતુ જનતા મોરચાના એ દિવસોમાં બાબુભાઈ જશભાઈ પટેલ અને ઈશ્વર પેટલીકર આદિ સૌ વચ્ચે પાટીદારલાયક સમજ પ્રવર્તતી હતી કે દૂઝણી ગાયનું પાટું ખમી ખાવું ઘટે. એક જાહેર, રાજકીય નાગરિક સક્રિયકને સારુ એ સદ્‌ભાગ્ય ક્યાંથી કે દૂઝણી ગાયનું પાટું આવી મળે !

આજકાલ થતા પ્રયોગ જો કે કાર્યકર નહીં પણ ‘કર્મશીલ’ અને ‘નાગરિક સમાજ’ની ઘાટીએ છે. વડગામથી ચુંટાઈ આવેલા જિજ્ઞેશ મેવાણીને માર્ક્સવાદી હિલચાલનો મુકુલ સિંહા-ગત મહાવરો છે, ચુનીભાઈ વૈદ્ય સાથે ભૂમિહીનોને સાંથણીની જમીનવગા કરવાનોયે એનો પૂર્વરંગ છે, એનું સંધાન નાગરિક સમાજની સંસ્થાઓ સાથે સવિશેષ છે. ગુજરાતમાં ૨૦૦૨થી કૉંગ્રેસે નાગરિક સમાજની સંસ્થાઓ પાસેથી ખાસી સહાય મેળવી છે. (બાય ધ વે, આ ૨૦૦૨માં એવું તે શું છે કે નમોની ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ સ્કૂલ અને કૉંગ્રેસનું કથિત સૉફ્ટ હિંદુત્વ બેઉ ૨૦૧૭ની ઝુંબેશમાં એ વિશે મૂંગામંતર રહ્યાં ?) અલબત્ત, ૨૦૦૨થી નાગરિક કર્મશીલો વિશે કૉંગ્રેસની માનસિક ભૂમિકા તે કેમ જાણે પોતાની બી ટીમ તરીકે કે પછી સહાયક હોય એ પ્રકારની રહી છે. એને એ બાબતે ચામડીથી ઊંડે ખરી કદરબૂજ ભાગ્યે જ હશે કે લગભગ પોતાની ગરજે ને હૈયાઉલટે ચાલુ પક્ષબાજીથી ઉફરાટે આ લોકો વ્યાપક હિતમાં કામ કરી રહ્યા છે.

નમોએ અને અમિત શાહે કૉંગ્રેસ-પાક સંતલસ, અહેમદ પટેલ, ઓરંગઝેબ જેવા બેબુનિયાદ ઘોંઘાટ અને ગર્ભિત ઇશારાથી કામ લેવાની કોશિશ કરી એમાં એમને વિકાસના વાસ્તવનું બ્રહ્મજ્ઞાન થઈ ગયાના ખયાલે જો કે સારું પણ લાગે; પરંતુ કોમી સ્પિન આપી એ ગોપુચ્છને સહારે ચૂંટણીની વૈતરણી પાર કરી શકીશું એવી એમની આશ્વસ્તતા આપણને એક નાગરિક સમાજ તરીકે ભાગ્યે જ આશ્વસ્ત રાખી શકે.

વડાપ્રધાને ગુજરાતમાં ચૂંટણીના આખરી દોરમાં ગુજરાતના મુખ્યમંત્રીપદ બાબત કૉંગ્રેસ-પાક સંતલસનો સ્પિન ભા.જ.પ. તરફે ધ્રુવીકરણની ગણતરીએ ઉછાળ્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અનસારી માટે એમને આદર છે અને બંનેની નિષ્ઠા શંકાથી પર છે એવું ગૃહમાં સત્તાવાર કહેવડાવી વડાપ્રધાને છૂટકારો મેળવ્યો ન મેળવ્યો ત્યાં કેન્દ્ર સરકારના એક મંત્રી હેગડેએ સેક્યુલરિઝમની જિકર કરનારાઓનાં માબાપનું ઠેકાણું નથી એવી પ્રાકૃત ટિપ્પણી કરી! પાછળથી, સરકારે એ ટિપ્પણીથી અલબત્ત કિનારો કર્યો. પણ કૉંગ્રેસ-પાક સંતલસના સ્પિનથી મતદાનીય રૂખમાં જે ગરબડગોટાળો થવાનો હતો એ તો થઈ જ ગયો હતો. સેક્યુલરિઝમમાં માનનારાઓ અંગેનાં ટીકાવચનોથી સરકાર વિધિવત્‌ અંતર જાહેર કરે ત્યાં સુધીમાં પેલી પ્રાકૃત ટિપ્પણીએ તો જે ખેલ પાડવાનો હતો તે પાડી દીધો ને. સત્તાવાર ધોરણે અંતર જાહેર કરતા રહેવું અને પોતાના જ વળનાં વર્તુળો તરફથી ભળતીસળતી ટિપ્પણીઓનાં ઉંબાડિયાં ચાલવા દેવાં એ કથિત ગુજરાત મોડેલની પરંપરા રહી છે, અને હવે એ મોડેલ રાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે.

તો, વાત આમ છે સાહેબો. અશ્વમેધ યજ્ઞના અશ્વને છતે વિજયે બ્રેક લાગ્યા જેવો પરચો નાગરિક સમાજે જરૂર આપી જાણ્યો, પણ નાગરિક તરીકે સમાજે હિસાબ ધાર્યો અચ્છો તો આપવાનો બાકી રહ્યો. એ આટલી સરળતાથી કોમી ધ્રુવીકરણના કળણમાં ખૂંપી શકશે, એવી સમજ જો કૉંગ્રેસ અને ભા.જ.પ.ની હોય તો એમાં જેમ એમના મનોગણિતની કુત્સિત ગતિનાં તેમ સમાજને છેડે આપણી ભ્રાન્ત થઈ શકતી મતિનાં દર્શન થાય છે.

મતદાર, તું ક્યાં છો એવો સવાલ લોકશાહીના વ્યાસે હાથ ઊંચા કરી આરડી આરડીને પૂછવાપણું છે. વડોદરાના સયાજીગંજ મતવિસ્તારમાં તમે જુઓઃ કૉંગ્રેસે અપવાદરૂપ રૂડંુ કામ કીધું કે નરેન્દ્ર રાવતને અનામત નહીં પણ સામાન્ય બેઠક પર લડાવ્યા. પણ કૉંગ્રેસને આ દિવસોમાં સામાન્યપણે મળી શક્યા હોત એના કરતાં ઘણા ઓછા મત રાવતને મળ્યા. કૉંગ્રેસ ને ભા.જ.પ. મત માગતાં ભલે ન થાકતાં હોય, એમને મત ઘડવાની પડી નથી, એમ જ માનવું રહ્યું ને.

૨૦૧૭નો આ રવૈયો ૨૦૧૮માં જારી નહીં રહે એવું માનવાને કારણ નથી. જાગ્રત લોકમતની જેટલી જરૂર વીતી રહેલા વરસમાં રહી, નવા વરસમાં કદાચ એથી વધુ હોવાની છે. પ્રશ્ન એ પણ છે કે ગુજરાતમાં અગાઉની આગંતુકતાથી હટીને સળંગ સક્રિયતા દાખવી જાણનાર રાહુલ ગાંધી હવેના દિવસોમાં પણ એક નરવાનક્કુર ગેરભાજપી અવાજ તરીકે નિરંતર પેશ આવવાનું જારી રાખી શકશે કે કેમ. એમની પ્રોઍક્ટિવ તાસીર, વંશવાદના વણછા સામે અસરકારકપણે બહાર આવી છે એ સાચું; પણ સહજ હોઈ શકતી ધર્મભાવનાનો ‘જનોઈ’વઢ ધજાગરો એ કોઈ રાજપથ કે જનપથ નથી એટલું એમને અને એમના સલાહકારોને કોણ સમજાવશે. પક્ષનો સ્થાપનાદિવસ, નવી ઊર્જા ને પ્રેરણાનો અવસર, ન તો કથિત નેતાગણને – ન તો કથિત કાર્યકરવૃંદને ધોરણસર હાજરીપાત્ર લાગે, એ સ્વરાજની વડી પાર્ટીના વેતા નથી તે નથી.

તો, એક તો, ૨૦૧૭નું વરસ જતે જતે ૨૦૧૮ જોગ જનસમસ્તને કેમ જાણે જાસાની પેઠે જે ખો આપી ગયું છે તે વિકાસને તળે ઉપર તપાસી નવયોજવા વાસ્તે વિચારણા અને કારવાઈ સારુ છે. મોડું થાય તે પૂર્વે આ કામ લોકછેડે હાથ ધરાવું જોઈશે; કેમ કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પૂર્વે ચાલુ વરસમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ વગેરે રાજ્ય વિધાનસભાઓ માટે નવેસરથી જનાદેશ મેળવવાનો રહેશે. જો લોક અહીં ધોરણસરના ‘સવાલ’દાર રૂપે મતપેટી લગી નહીં પહોંચે તો જે પણ સરકાર આવશે એ પોતાને ‘જવાબ’દાર ગણીને ચાલવું જરૂરી નહીં માને તે નહીં જ માને.

૨૦૧૮ને જે એક આશ્વસ્તકારી એટલી જ આશાભરી નવાજેશ ૨૦૧૭ના વરસે કરી છે તે રાહુલ ગાંધીની નવજાગ્રત સક્રિયતા ઉપરાંત, સવિશેષ તો, હાર્દિક પટેલ-અલ્પેશ ઠાકોર-જિજ્ઞેશ મેવાણીની યુવા ત્રિપુટીરૂપે આપણી સામે આવી છે. આ યુવા ત્રિપુટીએ વધુ મોડું થાય તે પહેલાં રાજકીય પક્ષો પર પ્રભાવકારી નાગરિક મુદ્રા અંકિત કરવાપણું છે. હિંદુત્વ રાજનીતિએ જે સૌને ગોળબંદ કર્યા એની અધુરપ અને મર્યાદા પાટીદાર ઉઠાવ, ઓ.બી.સી. સક્રિયતા અને ઉના આંદોલન મારફતે બહાર આવ્યાં છે. પ્રશ્ન આ છે : જાતિગત હોઈ શકતી આ બધી હિલચાલો મળીને પૂરા કદનું નાગરિક પોત બાંધવા માટેનાં કસબ ને કૌવત કેવાંક દાખવી શકશે. ભા.જ.પે. આ બધા ઉઠાવને જાતિવાદ વિ. રાષ્ટ્રવાદની લડાઈમાં ખતવીને હિંદુત્વ રાજનીતિનો કક્કો ને સિક્કો ખરો કરવાની કોશિશ કરી છે. વળી હિંદુત્વ રાજનીતિ અને સૉફ્ટ હિંદુત્વ જો મુસ્લિમોને  પ્રથાબહાર કરી મેલવાનાં હોય તો એક રાષ્ટ્ર તરીકે, રાષ્ટ્રરાજ્ય તરીકે, આપણી મજબૂતીનું શું, એ એક પાયાનો પ્રશ્ન છે. આપણી યુવા ત્રિપુટીએ અને કર્મશીલ મંડળીએ પોતાની લડતને નાગરિક સંક્રાન્તિરૂપે વિકસાવવાનો આ પડકાર ઝીલવાપણું છે.

યાદી લંબાવી તો શકાય પણ ૨૦૧૯ના અખિલ હિંદ જનાદેશ ભણી જતાં ૨૦૧૭એ ૨૦૧૮ જોગ ભળાવેલી વચગાળાની જવાબદારીનો સૂત્રરૂપ ખયાલ આપી હમણાં તો અહીં જ અટકીએ.

ડિસેમ્બર ૨૯, ૨૦૧૭

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2018; પૃ. 01 – 02 અને 14

Loading

8 January 2018 admin
← દશ કાવ્યો
ભારતના નાગરિક સમાજે બે મુદ્દે આંદોલિત થવાની આજે જરૂર છે : નો ફાંસી, નો EVM →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved