હાલમાં દેશને ખુશીનો ખજાનો મળી ગયો છે. આ દેશ વાજતેગાજતે હિંદુ રાષ્ટ્ર બનવા જઈ રહ્યો છે! જે એની આડશે આવે તે બધા જ દેશવિરોધી! જે કોઈ એનો વિરોધ કરે એ રાષ્ટ્રદ્રોહી, પછી ભલે ને એને અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ મળ્યું હોય! સંસદમાં અને સડક પર આ હિંદુરાષ્ટ્રના ઘડવૈયા ગોડસેને દેશભક્ત કહેતાં ય શરમાતા નથી. આવા વાતાવરણમાં જે.એન.યુ.ની યુવાપેઢી, વિદ્યાર્થીઓ ઉચ્ચશિક્ષણમાં વધતી જતી ફી સામે વાજબી આંદોલન કરે ત્યારે કાળાડિબાંગ અંધકારમાં રૂપેરી કોર મારા જેવાને તો દેખાય છે. આ આંદોલનને ખોરવવા શક્યતમ અફવાઓનું બજાર ફેસબુકના જગતમાં ગરમાગરમ છે. એમાં કેટલીકવાર ચતુરાઈથી ઘી હોમવામાં આવી રહ્યું છે.
કનૈયાકુમારે જે.એન.યુ.માં રહીને, બંધારણીય રીતે સરકારને જે રીતે પડકારી હતી એ નિઃશંક અભિનંદનને પાત્ર છે. તેમ છતાં આવા આંદોલનને વગોવતી એક નવલકથા હિંદીમાં લખાઈ. જેનું નામ છે ‘જે.એન.યુ.મેં આકાંક્ષા’ જેના લેખિકા છે અંશુ જોશી. જેમની ફેસબુક તપાસતાં એમને ભા.જ.પ. સાથે દૃઢ નિસબત છે. કોઈ લેખકને આવી નવલકથા લખવાનો અધિકાર છે, લખી શકે. આશ્ચર્યની વાત એ છે કે આ નવલકતાની હિંદી સાહિત્ય કે સમીક્ષાએ નોંધી લીધી જ નથી! આ પ્રકારની નવલકથાને એકાએક ગુજરાત સાહિત્ય અકાદમીને પ્રગટ કરી, જે ગુજરાત સાહિત્ય અકાદમી (સ્વાયત્ત/અર્ધસ્વાયત્ત/આપખુદ) એ ક્યારે ય કોઈ હિંદી નવલકથાનો અનુવાદ પ્રગટ કર્યો નથી!
જો કરવો જ હોય તો પ્રેમચંદજી, રેણુ, ભીષ્મ સહાની, યશપાલ, નિર્મલ વર્મા, રણેન્દ્ર શ્રીલાલ શુક્લ, વિનોદકુમાર શુક્લ કોઈપણને લઈ શકાત. જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથાને લઈ શકાત. કોઈ મોટી કૃતિને આવો લાભ નહીં અને લેખિકાની પ્રથમ કૃતિને આવો લાભ પ્રકાશકના બદઈરાદાને સ્વયં પ્રગટ કરે છે. વળી, કેવળ આર્થિક સહાય અનુવાદને અપાતી હોય છે તે યોજના હેઠળ નહીં પણ આ નવલકથા ખુદ અકાદમીએ જ પ્રગટ કરવાની હોંશ દાખવી છે. અત્યારે આ જે.એન.યુ. આંદોલન ગતિમાં છે ત્યારે જ એની ચર્ચા પણ રાખવામાં આવી. ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ વિષ્ણુભાઈને એમની મિત્ર અંશુ જોશીની આ નવલકથા એટલી પ્રિય છે કે એના પર ‘શબ્દસૃષ્ટિ’માં સંપાદકીય પણ ફટકારી દીધું!
સત્તાની ચાપલુસીનું આ અત્યંત પારદર્શક ઉદાહરણ છે. મને યાદ છે કે વિષ્ણુભાઈએ દક્ષિણની એક નાટ્યલેખિકાનું કટોકટીવાળાએ કસ્ટડીડૅથ થયેલું ત્યારે લખેલું. કટોકટી વખતનો એમનો સત્યાગ્રહ હવે સત્તાગ્રહમાં પલટાઈ ગયેલો લાગે. વળી, આ એકલા વિષ્ણુભાઈનો દોષ કેવી રીતે? ગુજરાત સાહિત્ય અકાદમીમાં માર્ગદર્શકમંડળ જેવું કંઈક બચ્યું છે. શું એ સાહિત્ય વિદ્વાનોને પણ આ કૃતિ અકાદમી દ્વારા પ્રગટ કરવાની અગ્રિમતા લાગી? જો એમ ન હોય તો ગુજરાત સાહિત્ય અકાદમી પ્રમુખની પેઢી બની ગઈ કહેવાય. વળી, આ કૃતિ એવી છે કે સત્તામાં બેઠેલાં પણ રાજી થાય.
હકીકતે, આ સંસ્કૃતિની વાતો કરનારાઓનો સંસ્કૃતિદ્રોહ છે. સ્વાયત્તતા છીનવાઈ જાય પછી સંસ્થાનું ધોવાણ કઈ હદે થાય એનું આ ઉદાહરણ છે. ક્રમશઃ ગુજરાતી સાહિત્ય અકાદમી ‘સરકારી વાજિંત્ર’નાં પરિવર્તિત થઈ ચૂકી છે એનું આ રોકડું ઉદાહરણ છે.
E-mail :bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 16