આમ તો જસપ્રીતને હજી હમણાં જ આઠમો મહિનો પૂરો થઈને નવમો બેઠો હતો એટલે સુખવીંદર બે દિવસ માટે શહેરમાં પોતાનું કામ પતાવવા જાય તો કંઈ વાંધો આવે એમ નહોતું. મા તો એને ટોણા માર્યા જ કરતી. “કા કરેગા તૂ લુગાઈ કે પાસ બેઠકે ? ઘર પે મૈં હૂં, તેરી દાદી, બુઆ સબ જનાનીયાં હૈ. ને બચ્ચે કો અપને હાથોંમેં સબ સે પહેલે લેનેવાલી ચંપાદાઈ ને તો બોલ કે રખ્ખા હૈ કે જબ ભી જરૂરત પડે મુજે આવાજ દઈઓ. મૈં દોડ કે આ જાઉંગી. તો બહુરિયા કી ફિકર છોડ ઔર અપના કામ કર.” કમને સુખવીંદર શહેરમાં જવા નીકળ્યો ત્યારે એકાંત મેળવીને જસપ્રીતને કહેતો ગયો હતો, “જલદી મતિ કરિયો. મૈં બસ યું ગયા ઔર યું આયા.”
પણ જનમ અને મરણનો સમય ક્યાં કોઈના હાથમાં હોય છે? બીજે દિવસે સવારથી જસપ્રીતને ઠીક નહોતું. વડીલોની મર્યાદા સાચવવા મોઢામાંથી હરફ ન નીકળી જાય એનું ધ્યાન રાખવા છતાં બે ત્રણ વખત એના મોંમાંથી ‘ઊઈ મા, મૈં મર ગઈ …’ એવી ચીસ નીકળી ગઈ ત્યારે ચંપાને બોલાવી. એની પારખુ નજરે તરત જ જોઈ લીધું. “દેખો બાઈજી, મૈં તો બોલું કે અબી ટેમ ગવાના નૈ ચાહિએ. ફિર ઐસા ન હોવે કે જચ્ચા કી જાન કો ખતરા હો જાવે.”
સર્વાનુમતે નિર્ણય લેવાયો કે, ભલે સુખી હાજર ન હોય પણ દાયણને સુવાવડ કરાવવાની હા કહી જ દેવી. પછી તો ચૂલા પર ગરમ પાણીનું તપેલું મુકાયું, ઘરમાંથી જૂના ગાભા કાઢીને ચંપાને અપાયા અને અધ્ધર જીવે સૌ રાહ જોવા લાગ્યાં. બધાંના મનમાં એક જ વાત રમતી હતી, ‘પહેલી બાર મેં તો બેટા હી હોના ચાહિયે. ચંપા બહાર આ કે બધાઈ દેગી તો ઉસે ચાંદી કા છલ્લા દેકર ખુશ કર દેંગે.’ પણ ચંપાએ આવીને જે સમાચાર આપ્યા એ સાંભળીને બધાંયનાં મોં જાણે કાળી સાહી ઢોળાઈ હોય એવાં થઈ ગયાં.
દાદીએ મહાપરાણે આપતાં હોય એમ ચંપાના હાથમાં સો રૂપિયા મૂક્યા ને સાથે સાથે કહી દીધું, “દેખ, છોરી કે આનેપે ઈસ સે જ્યાદા કોઈ નૈ દેતા. જો દેતી હૂં વહી ગનીમત સમજ ઔર નીકલ લે.” ચંપાના ગયા પછી સ્ત્રી વર્ગ એવો ગુમસુમ થઈને બેઠો કે, જાણે કંઈ અજુગતું બની ગયું હોય! સુખીના આવવાનો સમય નજીક આવતો હતો એમ ઘરનું વાતાવરણ ભારે થતું જતું હતું. એને આ દુ:ખદ ખબર કોણ આપશે એની ચર્ચા કર્યા પછી છેવટે નક્કી થયું કે, ઘરની વડીલ સ્ત્રી હોવાને નાતે દાદી વાત કરે એ યોગ્ય છે.
ઘરમાં પગ મૂકતાંની સાથે અધીરા થઈ ગયેલા સુખીએ પૂછ્યું, “કા હુઆ, સબ ખૈરિયત તો હૈ? ઔર જસપ્રીત કહાં ગઈ? વો દિખાઈ નહીં દેતી!”
“સબર કર પુત્તર, ઐસી ભી ક્યા જલ્દી? જરા મુંહ-હાથ તો ધો લે!” પણ સુખી સબર કરી શકે એમ નહોતો.
“મુજે હાથ-મુંહ નૈ ધોણા. પેલ્લા બતાઓ, જચ્ચા-બચ્ચા દોનોં ઠીક તો હૈ ન?”
નાક પર ઊતરી આવેલાં ચશ્માં સરખાં ગોઠવતાં દાદીએ ગળગળા અવાજે કહ્યું, “કા બતાયે પુત્તર, છોરી જનમી હૈ. તૂ શહેર સે ભૂખા-પ્યાસા આયા ઔર તુજે યે મનહૂસ ખબર સૂનાની પડ રહી હૈ.”
સાંભળીને સુખીનો ચહેરો તંગ થઈ ગયો. એના કપાળની નસ ઊપસી આવી. ત્યાં તો અત્યાર સુધી માંડ ચૂપ બેઠેલી બુઆએ પોતાનું દુ:ખ વ્યક્ત કરવા માંડ્યું, “મુજે તો થા કિ, લડકા હોગા તો ભાઈ કે ઘર સે અચ્છા ખાસા નેગ લેકર જાવાંગી પર તેરે સાથ મેરા ભી નસીબ મારા ગયા.” એનો કકળાટ સાંભળીને સુખીનો ચહેરો હતો એનાથી ય વધુ તંગ થઈ ગયો. કશું બોલ્યા વિના એ જસપ્રીતના ઓરડામાં ગયો. નવપ્રસૂતાને સૂતાં સૂતાં બહાર ચાલી રહેલી વાતચીત સંભળાતી હતી. પહેલા ખોળે કુળદીપક ન આપી શકવાને કારણે એ પોતાની જાતને ગુનેગાર તો સમજતી જ હતી એમાં પતિને સામે જોયા પછી એ રડવું ખાળી ન શકી “માફ કર દો, મુજે માફ કર દો” બોલતાં બોલતાં સુખીની નજરનો સામનો ન કરવો પડે એટલે ભીની આંખે પડખું ફરી ગઈ.
સુખીને લાલચોળ ચહેરા સાથે અંદર જતાં જોઈને મા ગભરાઈ ગયેલી. પોતાની સાસુ અને નણંદને ઠપકો આપતાં એ કહેવા લાગી, “ક્યા જરૂરત થી યે સબ બોલને કી? બેચારા ખુદ ભી જાનતા હૈ કે અબ તો જુતિયાં ઘીસ જાયેગી, લડકા ઢૂંઢતે ઢૂંઢતે. કિતને નિકમ્મે લોગોં કે પૈરોં મેં પઘડી રખની પડેગી. પર અબ્બી જ યે સબ સૂનાને કી ક્યા જલદી થી? મૈં ચુપ રહી ન? બોલી કુછ?” મહિલા વર્ગમાં આવી બધી ચર્ચા ચાલી રહી હતી ત્યાં સુખી ધમધમ કરતો ઓરડામાંથી બહાર નીકળ્યો ને કોઈની સામે જોયા વિના બજારના રસ્તા તરફ ચાલવા લાગ્યો.
ડગુમગુ થતાં દાદીમા લાકડીના ટેકે આવ્યાં અને વહુને પૂછ્યું, “કિથ્થે ચલા ગયા સુખી?”
“મૈંનુ કી પતા? બતાકે થોડે હી ગયો હૈ?” થોડી નારાજગી બતાવતાં એણે કહ્યું.
અડધોએક કલાક થયો હશે ત્યાં સંતુ ઢોલીના ઢોલનો અવાજ સંભળાવા લાગ્યો. સૌ વિચારવા લાગ્યા કે, આ ઢોલક ક્યાં વાગે છે? આખા મહોલ્લાના લોકોએ જોયું કે, સૌથી આગળ સુખી જલેબીનો ટોપલો લઈને ચાલી રહ્યો છે. જે મળે એને આગ્રહથી જલેબી ખવડાવી રહ્યો છે અને પાછળ ગળામાં ઢોલ લટકાવીને સંતુ આવી રહ્યો છે.
ઘરે આવીને સુખીએ પોતે લગ્ન પ્રસંગે પહેરતો એ પાઘડી કબાટમાંથી કાઢીને પહેરી. જસપ્રીતના ઓરડામાં જઈને એણે નવજાત દીકરી સામે પ્રેમથી જોઈને સોની નોટ કાઢીને એને માથેથી ઓવારીને એની નજર ઉતારી. ધીમેથી એ બોલ્યો, “મેરી રાજકુમારી.”
બહાર જોરથી ઢોલ વાગી રહ્યો હતો, ‘તીક ધૂમ ધૂમ …’ આ વખતે જસપ્રીતે આંખમાં આવેલાં આંસુ લૂછવાની કોશિશ ન કરી.
(રામેશ્વર કંબોજની હિંદી લઘુકથાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ડિસેમ્બર 2024; પૃ. 24