Opinion Magazine
Number of visits: 9482664
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નર્મદા યોજના – ડુંગરા દૂરથી રળિયામણા?!

દ્વારિકાનાથ રથ|Opinion - Opinion|1 October 2019

૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯. એ કોઈ ઐતિહાસિક દિવસ છે? કોઈ સ્વાતંત્ર્યસેનાની, સમાજસુધારકની જન્મજયંતી કે જન્મદિવસ છે? તો પછી આખા દેશમાં અને ગુજરાતમાં તેના ઝાકઝમાળભેર ઉજવણી શેની થઈ! ગાંધીબાપુની ૧૫૦મી જયંતીને તો હજુ વાર હતી. હા, દેશના વડાપ્રધાનનો જન્મદિવસ હતો એ દિવસે. જે આવી રીતે દેશના ઇતિહાસમાં કદાચ  પહેલીવાર ઉજવાયો હશે. કપડાંની પેટીમાં આ પ્રસંગ માટે જ કેદ કરાયેલાં પતંગિયા ઉડાડવામાં આવ્યાં.

હા, કહેવામાં તો એમ આવ્યું કે નર્મદા તેની ગુરુત્તમ ઊંચાઈએથી વહી રહી છે તેનો આ જશ્ન છે. એ વાતમાં કોઈ શંકા નથી કે નર્મદા તરસ્યા ગુજરાતની જીવાદોરી છે. પરંતુ વડાપ્રધાનના જન્મદિવસનો આ જશ્ન મનાવાઈ રહ્યો હતો, ત્યારે મધ્યપ્રદેશનાં ૧૧૭ ગામ, મહારાષ્ટ્રનાં ૧૩ અને ગુજરાતનાં ૭૦ ગામ અને ભરૂચ શહેર સહિત પાણીમાં ડૂબી રહ્યાં હતાં અને બચાવો બચાવોના પોકાર કરી રહ્યાં હતાં.

ગુજરાતમાં હું જ્યારે આવ્યો ત્યારે અહીંની એ પરંપરાને સમજ્યો હતો કે પડોશમાં પણ જો મૃત્યુ થયું હોય, તો લોકો દિવાળી કે સપરમો દિવસ ઉજવતા નથી. અહીંયા નર્મદાના સરદાર સરોવર ડેમ પર વડાપ્રધાનના જન્મદિવસનો જશ્ન ચાલતો હતો અને સામે કાંઠે ઘાટીના લોકો એને ‘અધિકાર દિવસ’ કે ‘મૃત્યુ દિવસ’ તરીકે ઓળખી રહ્યા હતા. મેઘાબહેનની આગેવાનીમાં લોકો ભૂખ હડતાળ કરીને પોતાના ‘જીવનના અધિકાર’ની માંગણી કરી રહ્યા હતા. આ નર્મદા યોજનાના ઇતિહાસ પર એક અછડતી નજર નાંખી લઈએ.

• ૧૯૪૬માં નર્મદા ઘાટીનાં પાણી સિંચાઈ અને વીજળી ઉત્પાદન માટે વાપરવાનું આયોજન થયું. તેને માટે તપાસ કામગીરી શરૂ થઈ. જે પૂરી થયે ૪૯.૮ મીટરનો (૧૬૧ ફીટ) ડેમ ગુજરાતમાં બનાવવાનું નક્કી થયું. જેનો ખર્ચ રૂ. ૯૩ કરોડ અંદાજવામાં આવ્યો હતો. જેનો શિલાન્યાસ એપ્રિલ ૫, ૧૯૬૧ના રોજ તત્કાલીન વડાપ્રધાન નેહરુના હસ્તે થયો. જેનો પહેલો તબક્કો ૧૯૮૬માં પૂરો થવાનો અંદાજ હતો.

• ૧૯૬૪માં, મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે નર્મદાનાં પાણીની વહેંચણી માટે ભારત સરકારે ખોસલા કમિટી બેસાડી, જેણે ૧૯૬૫માં ડેમની ઊંચાઈ ૧૫૨.૪૪ મીટર(૫૦૦ ફીટ)ની ભલામણ કરી. પરંતુ, મધ્યપ્રદેશ સરકાર ખોસલા કમિટીના અહેવાલ સાથે અસહમત થતાં, આંતરરાજ્ય નદી જળ વિવાદ કાયદા-૧૯૫૬ હેઠળ નર્મદા જળ વિવાદ (સત્તામંડળ) પ્રાધિકરણ(NWDT)ની રચના ભારત સરકાર દ્વારા ઑક્ટોબર ૧૯૬૯માં થઈ. નર્મદા જળવિવાદ પ્રાધિકરણે, ૧૯૭૨માં જાહેર કર્યું કે રાજસ્થાનને નર્મદા જળમાં હિસ્સો મળી શકે નહીં. તેની સામે, મધ્યપ્રદેશ અને રાજસ્થાને સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી.

• ૧૯૭૯ના ડિસેમ્બરમાં નર્મદા જળ વિવાદ પ્રાધિકરણે જસ્ટિસ વી. રામાસ્વામીના પ્રમુખપદે પોતાનો ચૂકાદો આપ્યો અને ડેમની ઊંચાઈ ૧૩૮.૬૮ મીટર નક્કી કરી અને ડેમનું બાંધકામ શરૂ થયું.

• ૧૯૮૫માં ડેમના બાંધકામ ખર્ચ પેટે વિશ્વ બૅંક ૪૫૦ મિલિયન ડૉલર આપવા સંમત થઈ જે હવે સરદાર સરોવર પ્રોજેક્ટ તરીકે ઓળખાવા માંડ્યો.

• ૧૯૮૬માં વિશ્વ બૅંકે, અમેરિકન પર્યાવરણ નિષ્ણાત ટી. સ્કડરની પુનઃ સ્થાપન કામગીરીની દેખરેખ માટે નિમણૂંક કરી. મેઘાબહેને નર્મદા બચાવો આંદોલન (NWDT) હેઠળ ડેમ બાંધકામની પ્રતિકૂળ અસરો વિશે જાગૃતિ અભિયાન શરૂ કર્યું.

• ૧૯૮૯માં નર્મદા બચોવો આંદોલન તીવ્ર બન્યું.

• ૧૯૯૨માં યુનાઈટેડ નૅશન્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભૂતપૂર્વ વહીવટકારો બ્રાડફોર્ડ મોરસેની વિશ્વબૅંકે, સરદાર પ્રોજેક્ટની સમીક્ષા માટે નિમણૂંક કરી.

• ૧૯૯૩માં ભારત વિશ્વ બૅંકની લોન વગર કામ ચલાવવાનું નક્કી કર્યું અને લોનના છેલ્લા હપ્તોનો અસ્વીકાર કર્યો.

• ૧૯૯૫માં સર્વોચ્ચ અદાલતે, ૮૦ મીટરે બાંધકામ અટકાવી દીધું.

• ૧૯૯૯માં ગુજરાતની સર્વોચ્ચ અદાલતમાં અપીલને કારણે ૮૫ મીટર સુધી ઊંચાઈની મંજૂરી આપી.

• ૨૦૦૦માં, સર્વોચ્ચ અદાલતે ૧૩૮ મીટર સુધી બાંધકામની, પુનઃસ્થાપન, પુનર્વસનની સુધારણાની શરતે મંજૂરી આપી.

• ૨૦૦૨માં ૯૫ મીટરની ઊંચાઈ માટે મંજૂરી આપી. વરસાદમાં પૂરને કારણે ખેતીનો પાક અને લોકોનાં ઘરોનો નાશ થયો.

• ૨૦૦૩માં નર્મદાનાં પાણી કચ્છ પહોંચ્યાં અને ડેમની ઊંચાઈ ૧૦૦ મીટર સુધી વધારાઈ.

• ૨૦૦૪માં ૧૧૦ મીટર સુધી ઊંચાઈ વધારવાની મંજૂરી આપી. ગુજરાતે મહારાષ્ટ્રને પુનર્વસનનો બધો જ ખર્ચ આપવાની ખાતરી આપી.

• ૨૦૦૬માં નર્મદા જળ કન્ટ્રોલ ઓથોરિટી(NCA)ના વડા તરીકે, વડાપ્રધાને ૧૩૮.૬૮ મીટરની ઊંચાઈ માટે મંજૂરી આપી, અને ડેમ ઉપર દરવાજા મૂકવાની પણ મંજૂરી મળી.

• ૨૦૧૬માં ડેમ ઉપરના ૩૦ દરવાજા મૂકવાની કામગીરી પૂરી થઈ પરંતુ તે ખુલ્લા રખાયા.

• ૨૦૧૭માં સર્વોચ્ચ અદાલતે નર્મદા અસરગ્રસ્તોનું પુનર્વસન ત્રણ મહિનામાં પૂરું કરવાનો અને બે એકર જમીનના બદલામાં રૂ. ૬૦ લાખ ચૂકવવાનો આદેશ આપ્યો.

• પુનઃ સ્થાપન અને પુનર્વસનના સબ ગ્રુપે અને નર્મદા કંટ્રોલ ઑથોરિટી(NCA)એ ૩૦ દરવાજા બંધ કરવા મંજૂરી આપી.

• ૨૦૧૯ના મે મહિનામાં, ગુજરાત સરકારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી(NCA)ને પત્ર લખીને નર્મદા જળાશયને ૧૩૮.૬૮ મીટર સુધી ભરવાની મંજૂરી માંગી.

તો, આ લાંબા ઇતિહાસનો અંત શું છે?

નર્મદા બંધ બની ગયો, પાણીથી છલકાઈ રહ્યો છે, વીજળી પેદા થઈ રહી છે પણ તેનું પાણી સૌરાષ્ટ્ર-કચ્છનાં તરસ્યાં ગામડાંને અને ખેતરોને નથી મળી રહ્યું. કારણ, નર્મદાની મુખ્ય કેનાલ પછીની બધા જ પ્રકારની નહેરોનું બાંધકામ અધૂરું છે અને તે પૂરું કરવાને બદલે પાઈપલાઈનથી પાણી પહોંચાડવાની વાતો થાય છે. એટલે વધારાનો ખર્ચ લટકામાં. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં નર્મદાનાં પાણી છે અને તેમાં ‘સી-પ્લેન’નું ઉતરાણ છે. વળી, વસ્ત્રાપુર તળાવમાં તેનાથી બોટિંગ થાય છે. તો, કેગના અહેવાલ પ્રમાણે, બજેટના ખર્ચના ૧૦૫ ટકા વપરાયા પછી પણ નર્મદા પ્રોજેક્ટ પૂરો થયો નથી. વળી. ભરૂચની આસપાસનાં ૩૦,૦૦૦ માછીમાર કુટુંબોએ રોજીરોટી ગુમાવી છે. નર્મદા પ્રોજેક્ટના કારણે ગુજરાતે ૧૩,૫૦૦ હૅક્ટર જંગલની જમીન ગુમાવી છે અને જ્યારે સારું ચોમાસું ના હોય ત્યારે તે ઔદ્યોગિક કચરાનું ગંદુ નાળું બની જાય છે. તો, દરિયાના ખારા પાણી ઘૂસી જવાને કારણે ૧૦,૦૦૦ હૅક્ટર ખેતીની જમીનનો નાશ થયો છે. ડેમ સાઈટ ટુરિઝમ-પ્રવાસન જગ્યા જરૂર બની છે પણ તેનો હેતુ તે નહોતો. રાજ્યમાં નર્મદા યોજનાને નામે બધા જ માનવઅધિકારો અને નાગરિક સ્વાતંત્ર્યનો ભંગ વારંવાર થયો છે એ કટોકટી રાજની યાદ અપાવે તેવો છે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના શાસનકાળથી આજ સુધી નર્મદા યોજના વિશે અલગ મત ધરાવનારને ‘ગુજરાત વિરોધી’ ગણાવીને, એ વ્યક્તિઓ માટે ગુજરાતમાં અઘોષિત ‘પ્રવેશબંધી-મીટિંગબંધી’ લાદવામાં આવી. આ પ્રદેશવાદની અંધતા અને ઝનૂન તે પછીની બધી જ સરકારો દ્વારા ચાલુ રાખવામાં આવી છે. જે હકીકતમાં, ગુજરાતના સમાજજીવનનો હિસ્સો ક્યારે ય નહોતી. શું નર્મદા યોજના – ડુંગરા દૂરથી રળિયામણા જેવી પુરવાર થઈ રહી છે?!

૧૯૬૧થી ૨૦૧૯ના ૫૮ વર્ષના આ લાંબા સમયગાળામાં, માત્ર ઊંચાઈ સિવાય આ યોજનાની બીજી બધી બાબતોને ચાતરી જવાઈ છે. ત્યારે મેઘાણી યાદ આવે છે કે “ધરતીને પટે, પગલે પગલે મુઠ્ઠી ધાન વિના નાનાં બાળ મરે, ત્યારે હાય રે હાય કવિ! તને કૃષ્ણની બંસરીનાં ગીત કેમ ગમે? …”

‘નમામિ દેવી નર્મદે’ની સ્તુતિ કરતાં કરતાં, આ યોજનાના હાર્દને અમાનવીય અને બેશરમથી કચડી નંખાયું છે ત્યારે એમ પૂછવાનું મન થાય છે કે ‘નર્મદા! તૂં બહેતી હૈ ક્યૂં?’     

E-mail : dn.rath@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2019; પૃ. 05-06

Loading

1 October 2019 admin
← મારી ગેરસમજ થઈ હશે કદાચ
શાશ્વત ગાંધી અને ગાંધીવિચાર →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved