
નેહા શાહ
બજારનું માળખું ત્યારે શ્રેષ્ઠ પરિણામ આપે જ્યારે બજારમાં સ્પર્ધા હોય. જ્યારે એક કંપની અથવા મુઠ્ઠીભર કંપનીનું સમગ્ર બજારમાં રાજ હોય અને કંપની રાજાની માફક વર્તન કરે ત્યારે ગ્રાહકના કલ્યાણ સાથે સૌથી વધુ બાંધછોડ થાય. ઈજારાશાહીના પ્રશ્ન શું હોઇ શકે એનો સાક્ષાત્કાર ઈન્ડિગો એરલાઈન્સ ની તાજેતરની કટોકટીથી થયો.
અઠવાડિયા જેટલી લાંબી ચાલેલી અરાજકતા માટે ફ્લાઈટની ફરજ સંબંધી સમય મર્યાદા નક્કી કરતા નવા નિયમો જવાબદાર છે – જેનો અમલ નવેમ્બર મહિનામાં શરૂ કરવાનો હતો. ભારતમાં પાયલોટના કામ કરવાના કલાક સબંધી નિયમો આંતરરાષ્ટ્રીય ધોરણો કરતાં ઘણા વિપરીત છે. થાકેલા પાયલોટ વધુ કામ કરે તો અકસ્માતનું જોખમ પણ વધે. પાયલોટનું સંગઠન – ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ તરફથી વારંવાર રજૂઆત થયા બાદ અને સંલગ્ન પક્ષોના અભિપ્રાય સમજ્યા બાદ અને આંતર રાષ્ટ્રીય ધોરણોને ધ્યાનમાં રાખતા સરકારે મે-૨૦૨૪માં પાયલોટનાં કામ કરવાના કલાક અંગે નિયમો બદલ્યા. બધી એરલાઈન્સને એનું પાલન કરવા માટે એક વર્ષથી વધુ સમય મળ્યો હતો. એકાદ એક્સ્ટેન્શન પછીની આ તારીખ હતી. નવેમ્બર ૨૦૨૫ સુધીમાં અમલીકરણ કરવાનું હતું. ઈન્ડિગો સિવાયની કંપનીઓએ શરૂઆતમાં વધારે સમય માંગ્યો પણ નવેમ્બર ૨૦૨૫ સુધી અમલ કરવામાં તેમને ખાસ વાંધો ન આવ્યો. પણ ઈન્ડિગો પાછળ પડ્યું. નવા નિયમો પ્રમાણે પાયલોટે કામના કલાક ઘટાડ્યા તો ફ્લાઈટ રદ્દ કરવી પડી. બેથી અઢી લાખ મુસાફરો અટવાઈ પડ્યા, અન્ય એરલાઈન્સે પોતાના ભાડામાં દસ ગણા જેટલો તોતિંગ વધારો ઝીંક્યો, અને રાતોરાત મુખ્ય રૂટ પરની ટ્રેનમાં ડબ્બા વધારવા પડ્યા. આ ઘટનાને શું કહીશું? મોટી કંપનીની બેજવાબદારી, બિનકાર્યક્ષમતા, અહંકાર, કે પછી રાજકીય સાંઠગાંઠમાંથી જન્મતો આત્મવિશ્વાસ?
ભારતનું ઉડ્ડયન ક્ષેત્રમાં નફા સાથે સાતત્યપૂર્ણ ધંધો કરવો ખૂબ મોટો પડકાર છે. ખૂબ મોટા મૂડી રોકાણ ઉપરાંત ઇંધણનો તેમ જ બાકીના ઓપરેશનનો ખર્ચ વધતો જાય છે, પણ સામે ટિકિટના ભાવ વધારી શકાતા નથી, કારણ કે, ગ્રાહકનો મોટો હિસ્સો મધ્યમ વર્ગમાંથી આવે છે, જે કિંમત પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. ઘણી વાર તો ગ્રાહકને આકર્ષવા એરલાઈન્સ કંપની કિંમત યુદ્ધ પર ઊતરી જાય છે. ઈન્ડિગોનો વૃદ્ધિ દર પણ ખૂબ ઝડપી રહ્યો છે – વિશ્વમાં સૌથી વધુ સીટ કેપેસિટીમાં બીજો નંબર અને દૈનિક ઉડાનના હિસાબે સાતમો. સમય પર પહોંચાડવા માટે પણ ઈન્ડિગોનું પ્રદર્શન ઘણું સારું છે. આટલી કાર્યદક્ષતા સાથે એનો નફો પણ સાતત્યપૂર્ણ રહ્યો છે, જેને માટે એની ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના જાણીતી છે. એક જ કંપનીના એક સરખા વિમાન વાપરી ઈન્વેન્ટરીનો ખર્ચ ઘટાડવો, એન્જિનિયર, પાયલોટ, અને ક્રુ સભ્યોની તાલીમ માટે થતો ખર્ચ ઘટાડવાનો ફાયદો એણે મેળવ્યો છે. તેમ જ એક રૂટના સ્ટાફને જરૂર પડ્યે બીજા રૂટ પર આસાનીથી મોકલી શકાય. આ ઉપરાંત વિમાનમાં ઇંધણના વપરાશ માટે વજનનું મહત્ત્વ હોય છે. એક અંદાજ પ્રમાણે ઈન્ડિગો વજનને નિયંત્રણમાં રાખીને વર્ષના આશરે ૨૯૨ કરોડ રૂપિયા બચાવે છે. આ વ્યૂહરચના ખરેખર કાબિલે તારીફ છે. અહી એ ભૂલવું ન જોઈએ કે પ્રતિ વિમાન-પાયલોટનો ગુણોત્તર ઓછો રાખવો એ પણ ઈન્ડિગોની ખર્ચ ઘટાડવાની વ્યૂહરચનાનો ભાગ છે. નફાની ગણતરીએ મપાતી બિઝનેઝની સફળતામાં કંપનીના કર્મચારીઓના કલ્યાણમાં થતી બાંધછોડ, જેની સીધી અસર યાત્રીઓની સુરક્ષા પર પણ પડે છે – જે આ કંપનીને નફાખોરની શ્રેણીમાં મૂકે છે. આજે જ્યારે આ કટોકટી સર્જાઈ છે ત્યારે સૌનું ધ્યાન એ દિશામાં ગયું.
દરેક દેશમાં ઈજારાશાહીને રોકવા કે નિયંત્રિત કરવા માટે કાયદા છે. ભારતનો કોમ્પીટીશન એક્ટ સરકારને ઇજારાને અને એની નફાખોર વૃત્તિને કાબૂમાં રાખવા સત્તા આપે છે. ઉડ્ડયન જેવી પાયાના સેક્ટરમાં એક કંપનીના હાથમાં ૬૪ ટકા જેટલા બજારનો કબજો હોય તો સરકારે પહેલા જ ચેતી જવું જોઈએ અને વાતાવરણ વધારે સ્પર્ધાત્મક બનાવવા માટે પગલાં લેવાં જોઈએ. કારણકે કોઈ નાની ચૂક પણ આખું બજાર ગબડાવી શકે છે.
આ ઉપરાંત નવા નિયમોનો અમલ સમયસર થઇ શકે એ માટે ઈન્ડિગો જેવી તોતિંગ કંપનીએ પાછલા છ મહિનામાં કેટલી તૈયારી કરી એ અંગે નાગરિક ઉડ્ડયનનાં મહાનિર્દેશકે શું દેખરેખ રાખી એ અંગે કોઈ સ્પષ્ટતા જ નથી. સરકારે કદાચ ધારી લીધું કે નિયમ બનવાયા એટલે દરેક કંપની આજ્ઞાંકિત થઈને એનું પાલન કરી જ લેશે. જો એ પાલન ના કરે તો શું થાય એનો વિચાર નાગરિક ઉડ્ડયન વિભાગે કર્યો હતો? હું આ પ્રશ્ન આખું મંત્રાલય ચલાવતા મંત્રી અને એમના અધિકારીઓને સહજ રીતે થવો ન જોઈએ? ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નો એક રિપોર્ટ કહે છે કે ઈન્ડિગોના ૨૦૨૩-૩૪ તેમ જ ૨૪-૨૫ના વાર્ષિક અહેવાલમાં નવા નિયમોને કારણે કંપનીના વેપાર પર પડી શકવાની અસરનો કોઈ ઉલ્લેખ જ નથી. આટલી તપાસ જો સરકારે આગોતરી કરી હોત તો ઈન્ડિગોના બિનજવાબદાર વર્તનને કાબૂમાં રાખી શકાયું હોત અને આ હાલાકી ઊભી થઇ ન હોત. કટોકટી ટાળવા અત્યારે લેવાયેલા પગલામાં ન તો કર્મચારીનું કલ્યાણ સચવાયું ન મુસાફરોની સલામતી !
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

