Opinion Magazine
Number of visits: 9448703
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નદીઓથી ચીતરાયેલા પ્રદેશમાં

વિરાફ કાપડિયા|Opinion - Short Stories|20 July 2017

લેખકનો ટૂંક પરિચયઃ મુંબઈમાં પારસી પરિવારમાં જન્મ, અમેરિકામાં એન્જિનિયરિંગમાં ઉચ્ચ અભ્યાસ પછી સ્થાયી નિવાસ. એક કાવ્યસંગ્રહ તથા કાવ્યો, વાર્તા, લેખો જાણીતાં સામયિકોમાં પ્રકાશિત. ગુજરાતી, હિંદી, ઇંગ્લિશ અને અમેરિકન સાહિત્યનું સ્વ-અધ્યયન.

(નોંધઃ માતાપિતા સાથે રજા વિતાવવા જતો ત્યારે પિતાને મળવા આવતા, કલાકો બેસીને વાતો કરતા નિવૃત્ત સ્કૂલ-ઇન્સ્પેક્ટર મિસ્ટર જોશીને ચા-પીધેલે ઘોઘરે ગળેથી આ વાર્તા સાંભળેલી. એ હતા ‘જાણતલ’ જોશી, મસ મોટા નંબરના ચશ્માવાળા વિધ વિધ વિષયોના વિશારદ.)

મોટો બાબુરાય મોટો અને લઠ્ઠ હતો. એના ખભા પહોળા હતા, એના ઉદરનું ઉપસણ બહિર્ગોળ હતું, જેવી ભૂગોળ ટેકરિયાળા નદીઓથી ચીતરાયેલા પ્રદેશમાં. એનો હોંકારો કે ઘમકારો રાની બિલાડાને થિજાવી મૂકતો અને પીપળાનાં પાનને ધ્રુજાવી મૂકતો. એ તમારે વાંસે ધબ્બો મારતો જાય અને હસતો જાય.

મોટા બાબુરાયની પત્ની ભીને વાન અને લઘુકાય હતી. એનાં રાંધણ-સીવણમાં પ્રવીણ, એના તકલી-ચકરાવામાં કાબેલ. પણ એ એકે શબ્દ બોલતી નહીં, અને જ્યારે ઓટલે બેસતી ત્યારે એની આંખો ધીમી અને ઝીણી ફરતી રહેતી, બિલ્લીની જેમ. કોઈ જાણતું નહીં કે એના મસ્તકમાં શું ચાલી રહ્યું છે.

તેમને એક મોટો છોકરો હતો, ચિબુક પર થોડાં ગૂંચળાંવાળો. એટલો ઊંચો કે ઘરે આવતાં બારણે ઝૂકતો આવતો. એને માથે કાદવિયા કેશ, નાકમાં લીંટ, એનાં લૂગડાંમાંથી બે કાળાં મોટાં કાંડાં બહાર લટકતાં. એ હસતો ત્યારે એના ગળામાં હણહણાટ ઘૂમરાતો. તેઓ એને છોટો બાબુલાલ કહેતાં, અને પછી તેનું ‘છોટો બાબુ’ ને ‘બબુ’ થતું ગયું. એ તેમનો ખૂબ લાડકવાયો હતો.

એ પ્રદેશ કેવો હતો? નાનીમોટી ટેકરીઓ અને પશ્ચિમે જંગલ. ઊંચા ઘાસમાંથી લોંકડીનું ચાલાક મોઢું ફરિયાદી ચીસમાં ઉપર ઊઠતું, અને પછી ઝૂકી જતું. વડોની છાયામાં, જ્યાં સૂરજનાં આંગળાં પહોંચતાં અટકી જતાં, ત્યાં નીચે પથરાયેલા જળાશયની ભારેખમ ભીની વાસ ધીમાં ચક્કર મારતી. અને જેવા તમે ચઢાણની ટોચ સર કરો કે પેલે પાર આખો ભૂમિવિસ્તાર સીઝતો અને સણસણતો — ટેકરીઓ, ઘણીયે હવે તો ખણાઈ ગયેલી, નદી, ઘાસફેલાવો, તરુ-ઝાડવાં, બધું.

પીપળપાન પ્રખર ભાણમાં ધ્રૂજે છે. “ભાઈ, આ રસ્તો ગભીપુર તરફ જાય છે?” મટોડી ચહેરો, ટેકરી જેવો જ ચાઠાંદાર અને ખણાઈ ગયેલો, અને સમયની નિખાલસ જંગલિયતથી અંકાયેલો, છારીવાળી આંખ રમાડતો જાણે સ્વપ્નમાંથી જવાબ આપે છેઃ “નામ તો એ  જ છે, પણ હું ગ્યો નથી ત્યાં.”

મોટો બાબુરાય હસતો પણ એની ખેલાડી આંખ હોડી કે ઘોડી પર આવતા લોકોની ચાંપતી તપાસ લેતી. એ વીશી અને વિશ્રાંતિગૃહ ચલાવતો અને મોટાં શહેરો ભણી જતાં જતાં પસાર થતા લોકો ત્યાં ઘોડો બાંધતા, વિસામો લેતા, પેટમાં બળતણ ને હાડકાંમાં ઊંજણ પૂરતા, ને ઝાડ નીચે લંબાવી પાનની પિચકારી મારતા. મોટો બાબુરાય કહે છે, “નીચે ઊતરો, દોસ્ત, ને જરી આરામ ફરમાવો.” એ તમારે વાંસે ધબ્બો મારે અને તમને એનાં ખાનપાન પર સહજમાં ગોઠવી દે.

એ લોકો કેવા હતા? ધીમા વાંકા વળતા જતા, જથ્થાબંધ લાગણીના કાઢામાં સીઝતા જતા. એમના હોઠ ફફડતા જાય છે પણ તમને કોઈ શબ્દ સંભળાતા નથી, ને નથી સંભળાતો હૃદયનો ખખડાટ, હડફ દમ ને હાંફ, બેસણ ને ઊભટ; પાંસળીની ઘનઘોર ટોપલીમાં જન્મેલી માછલી જેવી હાંફ, નદીના વહેણમાં ગાઉના ગાઉ અનવરત દોડતી માછલી જેવી હાંફ.

એમનાં નામ પડેલાં પર્ણોનાં એંધાણ જેવાં છે, ભુલાઈ ગયાં છે. દુનિયાની ધીંગી કઢાઈમાં ઊફણાતો ને નદીઓથી ચીતરાયેલા મુલકની કિનાર પરથી દડતા પારાની જેમ ઢોળાઈ જતો કાવો.

મોટો બાબુરાય લેણદેણમાં પાવરધો હતો. એને ઈંડું મુકાયું હોય તેવા માળાની ગંધ આવી જતી. એ લખીવાંચી શકતો. એ તિજોરી આગળ બેસીને નગદ ગણતો કે છાંયામાં હીંચતો જ્યારે લોકો મથીમથીને પસીનો પાડતા. “તમારો ઘણો આભાર, સાહેબ,” મોટો બાબુરાય કહે છે પેલા કાળા ડગલામાં સજ્જ સજ્જનને, જે મળસકે પૈસા ચૂકવી ઘોડા પર ઊપડવાની તૈયારીમાં છે. ઘોડો તબડક તબડક અદૃશ્ય થઈ ગયો, અને પેલાને ખબર નથી કે એ પોતે પણ અદૃશ્ય થઈ ગયા જેવો જ છે. કેમ કે મધરાતે જ ખેપિયાને સંદેશો આપી રવાના કરી દેવાયો છેઃ “કાળા ડગલાનો આદમી; બદામી ઘોડો, કપાળે સફેદ ચાઠાનો.”

આદિ હતો પણ તમે ભાળી નથી શકતા, અંત આવશે પણ તમે જાણી નથી શકતા. તમે હાક મારશો પણ તેઓ તમારા ભણી મુખ નહીં ફેરવે. તેમનું ક્રૂર તાર્કિક ચક્ર ચાલે છે દિવસરાતના સતત ભ્રમણચક્રની જેમ. તેઓ લાગણીશૂન્ય સન્નિપાતમાં મસ્તક ડોલાવતા પસાર થાય છે; તાણેલું આકાશ ત્યારે ઢોલની જેમ ધ્રૂજે છે અને અનુમાન એના નખ ઘસે છે સુકાયેલી સ્લેટ પર જ્યાં સરવાળા થયા’તા. તેઓ ઉપેક્ષામાં જઈ રહ્યા છે તેમના ડહાપણના અબુધ બોજા તલે, દાઢીને અંગુલથી રમાડતા, ઘરેણાં, ઘારી, ને ઘરવખરીના આત્મસંતોષમાં મસ્ત-મશગૂલ. અને વડવાઓની વૃષણથેલી લટકે છે જૂની બૂટ-લેસની જેમ.

છોટો બાબુ બોર-ચોર-મસ્તીમાં શિરમોર હતો, અને કાનકટ્ટા ગલૂડિયા જેવો ગમ્મતિયાળ. એક રાતે જ્યારે ખેપિયો ગેરહાજર હતો ત્યારે મોટા બાબુરાયે બબુને બોલાવીને કહ્યું, “ઘોડો પલાણ.” અને નિરાંતે વાળુ કરી રહેલા મુસાફર તરફ માથાનો ઇશારો કરી મોટા બાબુરાયે ઉમેર્યું, “ જગ્ગુને ખબર આપ. આ આદમી ઈશાનનો ફાંટો લેશે અને જગ્ગુ ત્યાં લખન કે રાજુ કરતાં વધારે પાસે પડશે. જગ્ગુ શિયાળ છે, સાપ છે, અને એને ધંધો મોકલવો મને ગમે છે. ભરોસો મૂકવો હોય તો તમે એની પર મૂકી શકો. એ ઈમાનથી ભાગીદારી કરશે. મને લાગે છે આસામી પર માલ લદાયેલો છે, અને હા, જગ્ગુને ચેતવજે આની પાસે પણ બંદૂકડી છે, મેં જોઈ છે.”

બબુના મગજમાં વકૂફની જગ્યાએ બીજું કશુંક ભર્યું હતું, અને એને લાગ્યું કે એ જાણતો હતો કે સો બનાવવા કેટલા વીસની જરૂર પડે. તેથી નદીઓથી ચીતરાયેલા પ્રદેશ પર આકાશ રતૂમડું થાય તેની બહુ પહેલાં એ બાપના કબાટમાં છુપાવેલી પિસ્તોલ લઈ, ઘોડાને પગપાળા દોઢ ગાઉ દોરી જઈ, પોચી જમીનના નીચા કળણ નજીક કૂલો ગોઠવીને બેઠો, અને પેટની ચળ ખંજવાળતો વિચારવા લાગ્યો કે બાપો કેટલો ગરવો બનશે ને મા કેવી હરખ વેરશે જ્યારે જાણશે કે દીકરો આટલો પાવરધો નીકળ્યો. એની માનો તો એ સદાનો બહુ વહાલો હતો જ.

કલ્પના કરો તમે સવાર થઈને જઈ રહ્યા છો પરોઢિયાથી દૂર. ખુદને કલ્પો અને કલ્પો તમારી પહેલાં જઈ ચૂકેલા બેનામ શખ્સોને, ઘોડેસવારો કે જે ‘આવજો આવજો’ તરફથી પ્રયાણ કરતા ‘આવો આવો ‘ તરફ, અને તીડની જેમ ચૌરાહે કે તિરાહે છોડી જતા પંડનું પુરાણું કોચલું — પાતળું, ભૂતિયું, પારદર્શક, હવા-હળવું; ઉષા વેળા અશ્વને દોડાવી મૂકતા હલબલતી હરિયાળીના પરદા તરફ, સ્વર અને સાવધાનીથી દૂર લીલોતરીના જગતમાં, નિખાલસ શાખાઓના મુલકમાં, પર્ણોના પ્રદેશમાં. કલ્પના કરો પાંદડાંના પાણડૂબ્યા પ્રકાશમાં ઝળહળ થતા તમારા પોતાના ચહેરાની.

અથવા તો કલ્પના કરો કળણ-કિનારે ટૂંટિયું વાળીને બેઠેલી તમારી પોતાની જાતની; પરોઢ પહેલાંના પ્રગાઢ મૌનમાં છેલ્લું ઘુવડ-ઘૂ, હજી પોની તરડ નહીં, હજી પહેલો પાંખ-ફફડાટ, દેવચલ્લી કે લલેડું નહીં. તમે અંધારામાં ઘાસને અડો છો અને હાથ ભીનો થઈ જાય છે. તેટલામાં પ્રકાશની ટશરો; અને તમે ઘાસલ જમીન પર મુસાફરના ઘોડાના દાબડાની રાહ જુઓ છો. અને લીલા પાનની પારદર્શિતામાં પ્રકાશ તમારું મોં ધુએ છે.

પહેલા કિરણને અજવાળે તમારી જાતને કલ્પોઃ બેમાંથી તમે કોણ છો ?

બબુએ પોચા ઘાસ પર ઘોડાના દાબડા સુણ્યા. પણ એ બેસી રહ્યો અને સવારને પસાર થવા દીધો. સંતાઈને સવારનું મુખ જોઈ લીધું — એ જ. અને એ ઘોડા પર ચડી પાછળ ગયો. “અરે ઓ ભાઈ!” અને મુસાફર એને આવતો તાકી રહ્યો, ઘોડાને અટકાવીને મોં પર મલકાટ સાથે સીટીમાં સૂર ગુંજતો. બબુ ઘોડો દોડાવતો આવ્યો અને મુસાફરે કહ્યું, “શું મારી આંખ ધોખો તો નથી ખાતી ? અરે, છોટા બાબુ્લાલ ! ”

“નમસ્તે, શ્રીમાન,” બબુએ કહ્યું, “મારા બાપુને તમારી ભૂલેલી કોઈ ચીજ જડી છે, અને તમને એની ખોટ સાલશે જાણી મને મોકલ્યો છે. બાપુ તો પોતાનું ન હોય એવું કશું રાખે જ નહીં.”

મુસાફરે સસ્મિત વિનયથી બબુનું કહેવું સાંભળ્યું; બીજું કશું કર્યું નહીં. પણ એને કાન તરફ આંખો હશે યા એનો અંદાજ પાકો હશે, કેમ કે જેવા બન્ને સાથસાથે થોડા આગળ વધ્યા, અને બબુએ “હું એ લાવ્યો છું” કહી ખીસામાં હાથ નાખ્યો કે મુસાફરનો પોતાનો હાથ પણ વીજળીની ઝડપે એની બગલથેલીમાં ગયો.

‘ધડાક’ ધ્વનિ થયો. બબુએ પોતાનો ખભો પકડી લીધો, “ઓહ, હું ઘવાયો છું.” એના હાથમાંથી પિસ્તોલ પડી ગઈ.

“બસ ખભો જ વીંધાયો ? તને તો ફાંસી મળવી જોઈએ,” મુસાફરે કહ્યું, “હવે ભાગ અબઘડી તારા ઈમાનદાર બાપ પાસે, પળની પણ વાર કરીશ તો …”

બબુએ ન ડાબે જોયું, ન જમણે; ન ઢીલ કરી, ન ધીરજ. એને મુસાફરનો ચહેરો ગોઠ્યો નહીં, ન એની તાકેલી બંદૂકનળી. આખો માહોલ કઠણ થઈને કઠવા લાગ્યો. એણે ઘોડો ઘર ભણી દોડાવી મૂક્યો. બીક મૂત બનીને એને ભીંજવી ગઈ, લોહી કિરણોની જેમ વસ્ત્ર પર ફૂટી નીકળ્યું. મુસાફર મલકાટ કરતો વિચારવા લાગ્યો, “આ છોરો હવે બરાબર પહોંચવાનો ગભીપુરને પાદરે.”

“મૂરખા! ” એના બાપે કહ્યું, પણ એની માએ એને માથે હાથ ફેરવ્યો અને નાકમાંથી લીંટ સાફ કર્યું, અને પોતાના વહાલાની ચામમાં પડેલા નાના છેદ પર જામેલું લોહી જોઈ રુદન કર્યું. પણ બાપે કમાડ વાસ્યાં અને કહ્યું, “હવે બંધ કર આ ડૂસકાં ફૂસકાં. સારું કે ગોળી અછરતી ચાલી ગઈ. પણ પેલો મુસાફર કાયદાની આફત અહીં મોકલી શકે છે. એટલે બબુ, તું લે આપણી લાલ ઘોડી અને પેલું નવું જીન, અને આ ચારસેં, અને અજમાવ તારી તકદીર ક્યાંક બીજે. હવે પછી કશો કીમિયો અજમાવે તો બોલ્યા વિના જ ગુપચુપ કામ કરજે, સમજ્યો ?”

અને બબુએ માબાપને ભેટીને રજા લીધી. એણે દક્ષિણ તરફ ઘોડી ફેરવી. માને શોકમાં રડતી છોડી, ને બાપને છોડ્યો નદીઓથી ચીતરાયેલા મુલકમાં. દસ દસ વરસનાં વહાણાં વાઈ ગયાં; ન એણે બાપને કોઈ વાવડ મોકલાવ્યા, ન એણે માને ખત ચીતરવા મસી વહોરી. આમે એને કલમનો જુલમ ક્યારેયે ફાવ્યો જ નહોતો.

બીજો પ્રાંત તો હમેશાં હોય જ છે, અને બીજું ઠામ તો હમેશાં હોય જ છે. બીજો ચહેરો ને બીજું નામ તો હમેશાં હોય જ છે. નામ અને ચહેરો તે તમે છો, અને તમે તે નામ અને ચહેરો છે. અને જે ઝરણામાં તમે તાકો છો, તેમાં દેખાય છે તમારો મોહભીનો ચહેરો, દેખાય છે તમારી તરફ સરકતા હોઠ, જેવા તમે પંડને પીવાની અસાધ્ય તરસ લઈને ઝૂકો છો, જેવા તમે પ્રતિબિંબ તરફ ઝૂકો છો જે તમે પોતે છો, ઝૂકો છો હોઠ ઉપર હોઠ મૂકવા, આંખ ઉપર ઉઘાડી આંખ રાખવા, પીવા માટે, ઝરણને નહીં, તમારી ઓળખને. પણ પાણી તો પાણી છે અને તે પોતાના વહેણને માણે છે, પાણી પર તરતા પ્રતિબિંબની નીચે ચક્કર ખાતું પાણી પાણીને તાણે છે, અને પોતાના આરંભને અને પોતાના અંતને કેવલ પાણી જ જાણે છે.

અને નવા પ્રાંતમાં, નવા ઠામમાં નવા મિત્રની આંખો નવા ચહેરાને આકારશે, અને એના હોઠ નવા નામના અક્ષરો ઉચ્ચારશે. નામ તે તમે છો અને એ હવાની હલચલ છે, અને એ હવા જ છે; હવા તો વહે છે, અને બધે જ હાજર પલપલ છે.

નામ અને ચહેરો તે તમે છો. નામ અને ચહેરો હમેશાં નવાં છે, છતાં એ તમારી જ ઓળખની હવા છે, અને નવાં છે.

કેમ કે તે ઝબકોળવામાં આવ્યાં છે ઓસડ અકસીરમાં, અને રૂઝના રુધિરમાં. કેમ કે તે ઝબકોળવામાં આવ્યાં છે સમયમાં. કેમ કે સમય હમેશાં નવું ઠામ છે, અને ઠામહીણો છે. કેમ કે સમય નવું નામ ને નવો ચહેરો છે, અને અનામ છે, ચહેરાહીણો છે.

કેમ કે સમય ભોળપણ છે, કેમ કે સમય અભિનિષ્ક્રમણ છે, કેમ કે સમય દક્ષિણ છે.

ઓહ, મોડી સાંજે સીટી વગાડતો આ પથ ઉપર કોણ આવી રહ્યો છે, માથા પર ટોપી પહેરી લાંબો કાળો કોટ ઝુલાવતો? આ કોણ અસવાર પાછો ફરી રહ્યો છે નદીઓથી ચીતરાયેલા પ્રદેશમાં? એની લાંબી કાળી દાઢી દૂંટી સુધી ફેલાઈ છે, એની ભેટે ઝૂલતી તલવારનું ચાંદીમઢ્યું મ્યાન સાંજના પ્રકાશમાં ચકચકે છે, અને એની આંખનો અંદાજ તો એવો છે જાણે પૂરી પૃથ્વી એની પોતાની ન હોય ! એની સામેથી આવી રહેલા માણસનું એ ઝીણી આંખે અવલોકન કરે છે અને કહે છે, “ભૂલ ન કરતો હોઉં તો, બલરામ કાઠી તો નહીં?”

“હા, તે હું જ,” બલરામ કહે છે અને પિચકારી મારી થૂંકે છે, “પણ તાજુબ છે તેં એ કેવી રીતે જાણ્યું; જો હું બલરામ તો તું કોણ ?”

અને કાળી દાઢીનો આદમી કહે છે, “અરે, હું છોટો બાબુ !“

અને બલરામે જવાબ આપ્યો, ”તેં તો મારું તાજુબ વધારી દીધું ! અને તું સિધાવે છે ક્યાં?“

“બસ જરા મુલાકાતે જાઉં છું, જ્યાં હું મોટો થયો’તો. હું દખ્ખણે ગયો’તો મારી તકદીર અજમાવવા, અને લાગે છે મેં અજમાવી છે, એટલે મને થયું ઘેર આંટો મારી આવું,” છોટો બાબુ બોલ્યો, “મળું મારાં બા-બાપુને, જો હજી જીવતાં હોય તો.”

“જીવતાં છે,” બલરામે જવાબ વાળ્યો, અને માથું હલાવ્યું, “બસ એટલું જ. બાકી તું ગ્યો ને સાથે તારા બાપુની તકદીર પણ જાણે લેતો ગ્યો.”

બબુએ એનાં ગજવાં હલાવીને રણકાવ્યાં, “જો, મારી પોતાની તકદીર પણ કંઈ ખોટી નથી હોં !“

પછી બબુએ ઉમેર્યું, “હવે હું ઘેર ભણી ઊપડું. પણ તું એમ કર, જમી કરીને આવને મારે ત્યાં, આપણે બાટલો ખોલીશું ને તું બધા ખરખબર કહેજે. પણ બહુ જલદી નહીં હોં, કેમ કે મારે થોડી ગમ્મત કરી લેવી છે તેઓ મારું નામ જાણે તે પહેલાં. જરા સ્વાંગ કરીને તેમને છેતરું, મજા આવશે. પછી પાછળથી ભલે જાણે કે હું તો છોટો બાબુ દખ્ખણથી આવેલો.”

અને બલરામે કહ્યું, “હજી મજાક કરવાની તારી આદત તો આદત જ રહી ગઈ, હં !“

દાબડા દોડાવી મેદાનો પાર કરતો, પહાડની છત્રછાયામાં રવાલ ચાલે જતો, અને ચકમકતી નદીને કાંઠે કાંઠે પ્રયાણ કરતો આવીને ઊભો હતો યાયાવર નદીઓથી ચીતરાયેલા પ્રદેશના મહાન ચિત્રમાં, અંદર પોતેય જડાયેલો, આંખ ઝીણી કરીને આઘેનાં અંતર આંકતો.

તમે જંગલી બોરડીની નીચે પડ્યા છો અને ટિટોડી બોલે છે. નવાં પાંદડાં નીચે જાળાંઝાંખરાંમાં આરામ કરો છો અને ટિટોડી બોલે છે, બોલે છે તમારા ભાગ્યની ડાળ ઉપરથી અને તમારી ચતુરાઈની પાળ ઉપરથી, અને અટકતી નથી, અટકતી જ નથી. અને તમારી ઘડિયાળ ઉતારાના રૂમમાં આખી રાત ટક ટક કરે છે, અને અટકતી નથી. તાકીદે ટ્રેન પસાર થઈ જાય છે જબરજસ્ત સાવરણીનો સુસવાટો થયો હોય તેમ, અને અટકતી નથી. બાજુના રૂમમાંથી હમેશાં શ્વાસોચ્છ્ વાસનો અવાજ આવ્યા કરે છે, અને એ અટકતો નથી. અને નોકર આવીને પૂછે છે, “બીજું કંઈ કામ છે, સાહેબ, બીજું કંઈ કામ છે?” અને અટકતો નથી. કારણ કે બીજું કંઈય ન હોય એવું તો કશું હોતું જ નથી, તમને માનવમનની ખામી ને ખમીર વિશે વિસ્તૃત અનુભવ હોય, પૂરું પ્રાવીણ્ય હોય તે છતાંયે, અને ખાસ તો ચોઘડિયા પર વાદળો ઘેરાયાં હોય ત્યારે.

જોકે તમારી તકદીર બુલંદ રહી ને બજાર ગરમ રહ્યું, જોકે તમારી પદવીને લાયક આદર તમને મળતો રહ્યો, જોકે તમારો હાથ એની કરામત કદી ભૂલ્યો નહીં અને તમારા સેલ (cell) સેળભેળમાં કુશળ રહ્યા. તેમ છતાં તમને ધીરે ધીરે ભાન થયું કે કશોક ગોટાળો છે, ચિત્રમાંથી કશુંક ગુમ છે. અને આંખ ઝીણી કરીને તમે જોયું અને બોલી ઊઠ્યા, “અરે, હું જ અંદર નથી !“ એટલે તમે યાદ કરવાની કોશિશ કરી કે એ વસ્તુ છેલ્લી તમારી પાસે ક્યારે હતી જે હવે તમે ખોઈ નાખી હતી, અને તે જગ્યાએથી તમે ફરી ચાલવાનું નક્કી કર્યું. પણ એ તો ઘણો વખત વીતી ગયાની વાત હતી. પરંતુ તો પણ પ્રયત્ન કરવો તો જરૂરી હતો. તમે મુશ્કેલીથી ડગી જનારા કાળા માથાના માનવી નહોતા, એટલે તમે પાછા ફર્યા. ઘર તે ઘર, બીજા બધા વનના પથ્થર.

એણે તેમની જોડે મશ્કરીઓ કરી અને ખેલદિલીથી મસ્તીગમ્મતની પરંપરા રચી, અને તે દરમ્યાન તેમને ખ્યાલ સુદ્ધાં ન આવ્યો કે આને જ તે કલેજાનો કટકો કહેતી’તી અને આને જ તે હૈયાનો હરખ માનતો’તો, કે આ તે જ હતો ગળામાં ઘૂમરાતો હણહણાટ લઈને દોડતો તેમનો છોટો. એણે ગજવાં ખણખણાવ્યાં અને રોટલા ઉપર રોટલા હોઇયાં કર્યા, અને ફૂલી ગયેલા પેટ ઉપર આંગળાં થપથપાવતાં દાઢી પર છંટાયેલી છાશ લૂંછી. પછી એક લાંબો ઓડકાર ખાઈને એ જમણ પરથી ઊઠી ગયો અને અદાકારીમાં બોલ્યો, “વીશીવાળા, તારી પાસે બીજું કંઈ તાજું ને ચોખ્ખું પીવાનું પાણી હોય તો આપને, આ તે કંઈ પાણી છે, ઘોડાના મૂત જેવું ?”

અને વીશીવાળાની સ્ત્રીએ કહ્યું, “મોટા બાબુરાય, સાહેબને આપણા ઝરણા પર જ લઈ જાઓને, ત્યાં એકદમ સરસ ને ચોખ્ખું એમને જોઈએ તેટલું પાણી મળશે.”

સ્ત્રીએ મોટા બાબુરાય તરફ સીધી ને સટાક નજરથી જોયું. એણે મોટાને એક બાલદી આપી, પણ એ ખાલી નહોતી, પણ એ પાણી નહોતું.

તારાઓ ઝબૂકી રહ્યા હતા અને પડતર બીડ પર પ્રકાશ પથરાયો હતો, પણ વૃક્ષોની નીચે રાત અંધારઘેરી હતી. વૃક્ષોના અંધકારમાં પાંદડાંઓ ઝૂકીને લટકી રહ્યાં હતાં, ને નીચે અંધકારમાં ઝરણું હતું જેમાં એક તારો પાંદડાંમાંથી ચળાઈને ઝિલાઈ ગયો હતો. પણ ત્યાં એ તારો ઝબૂકતો નહોતો. છોટો બબુ ઘૂંટણે પડીને એ જ પુરાણી જગ્યા પર ખોબે ખોબે પાણી પીવા લાગ્યો. અને પેલો તારો ત્યાંથી અદૃશ્ય થઈ ગયો, પણ ત્યાં ઝળહળ પાણીમાં એનો ચહેરો હતો.

“આરામથી જોઈએ તેટલું પીઓ,” મોટા બાબુરાયે કહ્યું, અને બાલદીમાંની કુહાડી એના મસ્તક પર ફટકારી દીધી. તેમણે બન્નેએ મળીને એનાં ગજવાં ફંફોસ્યાં અને એને વૃક્ષોના અંધકારમાં ત્યાં જ દાટી દીધો.

“મને લાગતું જ હતું કે એ દળદાર હશે,” મોટા બાબુરાયે કહ્યું.

“પણ હું ન હોત તો તમે હસતા હસતા ઊભા જ રહેવાના હતા ને,” એની સ્ત્રીએ કહ્યું.

પ્રતિબિંબ છાયાન્વિત છે અને આકાર ધૂંધળો છે. રાત મોડી છે અને અહીં પાંદડાંઓ અને ડાળીઓની નીચે ભારે અંધકારના ઓથારમાં ભાગ્યે જ કોઈ કિરણ આવી શકે છે. અને આંખો ઝીણી કરીને પણ તમારા ચહેરાની ઘેરી રૂપરેખાને તમે સાવ ઓછી ઉકેલી શકો છો. પણ તમે જે ખોઈ દીધું હતું તે તો ઘણા સમય પહેલાં જ આ પાણીમાં ખોવાઈ ગયું હતું, જ્યારે તમે શિશુવત્ એને ખોઈને પછી ભોલપણમાં ચાલી નીકળ્યા હતા, ઘૂંટણભર નમીને, હમણાંની જેમ. અને તમારી તરસ રહી ગઈ હતી પાંદડાંઓની નીચે, વરસોથી સ્વપ્ન જોતી પડી રહી હતી આ ઘેરાયેલી ગહનતામાં ખિન્ન અને છિન્નભિન્ન, પરંતુ આ પાંદડાંઓની તેજછાયામાં માતા કે પિતા કરતાંયે વધુ વફાદાર.

તમે હવે નવા મિત્રોના સ્મિત અને આવકારથી થાકી જઈને. સાધેલી નવી કળાથી કંટાળી જઈને, સમયનાં ઊડતાં ફોરાંથી ઊબી જઈને પાછા ફરો છો સમયથી પર ઘરને ઊંબરિયે, યાચવા માટે ક્ષમા, વારસાગત અપરાધથી અપરાધીનતા. અને અબોધ અંધકારમાં નમો છો, જાણે કે મેળવવા કોઈ ઉપહાર; ઓ પિતા, કયો ઉપહાર  તારા કટકા કરનારા કરથી?

“અને છોટો બાબુ  કેમ છે ?” બલરામ કાઠીએ કહ્યું.

“ગાંડો થ્યો છે,” મોટા બાબુરાયે કહ્યું, “કેમ, તને ખબર તો છે એ દખ્ખણે ગયો છે, દસ દસ વરસ થયાં ને?”

“દખ્ખણે ગયો’તો,” બલરામે કહ્યું, “પણ મેં દીઠો છે અહીં નદીઓથી ચીતરાયેલા મુલકમાં, લાંબો કાળો કોટ પહેરી ઘોડા પર આવી રહેલો. ખાસ્સો મોટો થઈ ગયો છે, એની કાળી કાળી દાઢી તો માળી દૂંટી સુધીની છે. ને મ્યાન ઉપર મઢેલી ચાંદી ચમકે છે. કહેતો’તો એની તકદીર પણ ચમકી ઊઠી’તી ત્યાં દખ્ખણમાં. અરે, તમારી તકદીર લઈને, તકદીર થઈને આવી રહ્યો છે.”

“હા, હા, એવી તકદીરની તો, ભગવાન કરે, મને જરૂર છે જ,” મોટાએ કહ્યું.

પરંતુ એની સ્ત્રીએ હોઠ પર જીભ ફેરવી, ડોક ખેંચીને પૂ્છ્યું, “તું કે’ છે લાંબી કાળી દાઢીમાં ઘોડા પર આવી રયો’તો ?”

અને બલરામ બોલ્યો, “ઓહો, એ છોટો જ હતો ઝાડવા જેવડો મોટો.”

અને મોટા બાબુરાયની આંખો બહાર ધસી આવી; એ માંદા બળદની જેમ બરાડ્યો, “લાંબો કાળો કોટ પહેરીને આવતો’તો ?”

નિશા નિસ્તબ્ધ છે અને દીવો ધીમેથી બળે છે. ભૂરી જ્યોત ચીથરાંની વાટને ચૂસે છે. મોટાનો શ્વાસ ચાલે છે સસણી બોલતી હોય તેમ. અને સ્ત્રીનો શ્વાસ ચાલે છે ચટપટ ને ઝટ. છાપરાની નીચે બીજો કોઈ અવાજ સંભળાતો નથી, માત્ર સ્ત્રીના શ્વાસનો સિસકાર અને મોટાના દમની હાંફ. બારણાં બહાર પણ હવે બધું સૂમસામ છે. બન્ને જણ કાન સરવા કરીને સુણી રહ્યાં છે, પણ હવે નથી ઘોડાના જીનની કિચૂડ, કે નથી દાબડાની દડબડ. બલરામ ઘણા સમયથી રવાના થઈ ચૂક્યો છે. અને એમ બન્ને બેઠાં છે, શ્વાસ લઈ રહ્યાં છે, થોભી રહ્યાં છે, અને રાત લંબાતી જાય છે. એકે જણ નથી ઊઠતું કે નથી હાલતું. સ્ત્રી નથી જોતી એની તરફ, અને એ નથી જોતો સ્ત્રીની તરફ. એણે સ્ત્રી ભણી જોયા વિના જ કહ્યું, “મને કોદાળી આપ.”

બન્ને દીવો લઈને ઝરણા આગળ ચાલ્યાં જ્યાં પાંદડાંઓએ અંધારું પાથર્યું હતું. સ્ત્રી હાથથી ખોતરવા લાગી, એ કોદાળીથી ખોદવા લાગ્યો. એમ બનેલા ખાડામાં કૂતરાની જેમ ખોતરતી ખોતરતી સ્ત્રી અચાનક અટકી ગઈ, બોલી, “મારો હાથ એના ચહેરાને અડ્યો.” એ દીવો લઈને નમ્યો; નીચે કાળા કોટવાળો આદમી દાઢી પર કચરો અને ચહેરા પર ધૂળ લઈને સૂતો હતો. એ વધુ નીચે નમ્યો, દીવાની જ્યોત કાંપવા લાગી અને એના હોઠ ફફડ્યા, “મને એનું નામ કહે.”

“બાબુલાલ નથી, બાબુલાલ નથી,” સ્ત્રી રડી ઊઠી, “ઓહ, આ મારો બબુ નથી. કેવો એ નાનો હતો ને મારી સાડી પકડતો’તો જ્યારે હું રસોડામાં રાંધતી’તી, મને મા-મા કહેતો ચીટકીને બાઝતો’તો.”

પરંતુ કાંપતી જ્યોતમાં નીચે નમીને એણે કહ્યું, “પણ મને એનું નામ કહે.”

“ઓહ, કોઈ નામ નથી, એ તો કોઈ દૂર ગામથી આવ્યો’તો જ્યાં એ રહેતો’તો. એનું કોઈ નામ નથી, હતું જ નહીં. પણ મારો બબુ, મારો બબુ, એનું તો નામ છે, અને તે બાબુલાલ, હા, એનું તો નામ છે.”

પરંતુ ફરી એના ગળામાંથી ઘોઘરો અવાજ નીકળ્યો, “મને એનું નામ કહે.”

“ઓહ, એનું કોઈ નામ નથી, અને નામમાં શું, બધું સરખું જ. પણ મારા બબુનું તો નામ છે. નાનો હતો ને એના મોં પરથી હું લાળ લૂંછતી’તી અને ત્યાં બચી કરતી’તી, અને એના પગનાં નાનાં નાનાં આંગળાં ગણતી’તી, અને એને બચીઓ કરતી’તી જ્યાં એની ડીંટી આગળ નાનું લાખું હતું ત્યાં. ચગદા જેવું લાલ લાખું હતું ડાબી ડીંટી આગળ, મારા સુભાગીને.”

મોટા બાબુરાયે દીવાના પ્રકાશમાં આંખનો પલકારો માર્યો, અને એનું મોં હવા ચૂસતી માછલીની જેમ ખૂલ્યું. એ ધીમા સ્વરે બોલ્યો, “હા, હું તો વીસરી જ ગયો’તો.”   

“ઓહ, હું એના નસીબના લાખા પર બચીઓ કરતી’તી; હું બચી કરું ને એ ખડખડ હસે, ખડખડ હસે―”

મોટાએ કહ્યું, “એનું કપડું હઠાવ ને છાતી ખુલ્લી કર.”

સ્ત્રીએ ભૂમિશયિતનું ઉપલું વસ્ત્ર ખસાડ્યું અને ત્યાં ડાબી ડીંટી પાસે જન્મચિહ્ન હતું. એ લાલ ચગદા જેવું હતું.

મધુમક્ષિકાને જાણનો ડંખ લાગ્યો છે, અને મત્સ્યના ઠંડા કોષોમાં કળતર થઈ રહી છે. શોકાતુર મસ્તક પાછા વળવાના રસ્તા તરફ જવા ઉપર ઊઠી રહ્યું છે, પોતાની સમજણને સંગ્રહીને. કોઈ તારક માર્ગદર્શક નથી બની રહ્યો. ઝાડ પરથી ખખડાટ સાથે ઊડીને ઘુવડ અંધારામાં તરાપ મારે છે. મત્સ્ય મોજાંઓના વ્યવધાનમાં ઊછળીને પડે છે, અને યાયાવર, તું પડે છે સમયના મહાન ધોધમાં, ધારાની ધસતી કમાનમાં ચમકે છે, અને રોષ અને પરિતાપ તારા પતનની સાથોસાથ ફેંકાઈને ઝબોળાય છે પ્રચંડ પ્રવાહમાં. એ અસીમ ક્ષુધિત તરલતામાં તને ઊપડે છે તીવ્ર ચળ, નમ્ર ઇચ્છા, જેનું નામ છે ઘર.

પ્રહર મોડો છે. દૃશ્ય છાયાન્વિત છતાંય પરિચિત છે. સોદો ટૂંકો ને ત્વરિત છે. અને તું યાયાવર, જીવનની જદોજહદ પછી પાછો ફરે છે, મોડી સાંજની વિધિસર શાંતિમાં બુજુર્ગનાં ચરણોમાં નમવા પાછો ફરે છે; બુજુર્ગ જે પાપી, અજ્ઞાની, જીર્ણ છે. પાછો ફરે છે નીચે નમવા હૃદય આગળ રાતું ચિહ્ન લઈને, ચિહ્ન જે તારું નામ છે, જે તારા તકદીરની નિશાની છે, જે તારી તકદીર છે.

**********   સમાપ્ત   ***********

NJ, USA.

e.mail : vkapmail@yahoo.com 

Loading

20 July 2017 admin
← કિતની આઁહો સે કલેજા ઠંડા હો તેરા …
ભારતની લોકશાહી પરનું કલંક લિન્ચિન્ગ : ગાયના નામે લઘુમતીઓ પર હિંસાચા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved