Opinion Magazine
Number of visits: 9504392
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|29 November 2019

હૈયાને દરબાર

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ

સુખની ઘટના લખું તમોને ત્યાં દુ:ખ કલમને રોકે
દુ:ખની ઘટના લખવા જાઉં ત્યાં હૈયું હાથને રોકે

છેકાછેકી કરતાં પૂરો થઈ ગયો કાગળ
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યા આગળ

અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યા
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યાં

તો ય તમારી ઇચ્છા મુજથી દોડે આગળ આગળ
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ

•  કવિ : મેઘબિન્દુ    •  સ્વરકાર : માલવ દીવેટિયા    •  ગાયિકા : કલ્યાણી કોઠાળકર

———————–

સંવેદનશીલ કૃતિ આપણને કેમ સ્પર્શી જાય છે? કારણ કે એનું સીધું જોડાણ હૃદય સાથે હોય છે. એ કૃતિમાં ભારે ભરખમ શબ્દો નથી હોતા, કોઈ ચમત્કૃતિ નથી હોતી કે નથી હોતાં કોઈ ઉપમા-અલંકારો. સરળ શબ્દો અને ચોટદાર અભિવ્યક્તિ. કવિ મેઘબિન્દુ (મેઘજી ડોડેચા) સંવેદનાના કવિ છે. હૃદયનો ઉમળકો હોય કે દિલનું દર્દ, કલમ દ્વારા એ વહી જાય છે. સંબંધો વિશેનાં ગીતોમાં એમની કલમ હૃદયગાન થઈને નિખરે છે એટલે જ કન્યાવિદાયનું એમનું ગીત હોય કે નવી પરણેલી પુત્રવધૂને આવકારતી રચના હોય, પતિ-પત્નીના જીવનની કથા હોય કે પ્રેમી યુગલના પ્રણયભંગની ખંડિત લાગણીની વાત હોય, હૃદયના ભાવ મેઘબિંદુનાં ગીતોમાં કેન્દ્રસ્થાને હોય છે.

કવિ મેઘબિંદુએ શાળાજીવનથી જ કવિતા લખવાનો પ્રારંભ કર્યો હતો. શબ્દની ઉપાસના આટલાં વર્ષોથી કરતાં હોવા છતાં એમણે પોતાના કર્તૃત્વના ક્યારે ય ઢોલ-નગારાં પીટ્યાં નથી. મૂક રહીને મહદ્અંશે કવિતા-ગીત-ગઝલ રચવાનો નમ્ર પ્રયાસ કર્યા કરે એ વ્યક્તિ એટલે મેઘબિંદુ. એમની કવિતામાં સંબંધોનું વિશ્વ આનંદ અને અવસાદના રંગો પ્રતિબિંબિત કરતું રહે છે. મુઠ્ઠીભર શબ્દોથી સંબંધોના અંગત-બિન અંગત વિશ્વને ઉજાગર કરતા રહી એ પોતાની અનુભૂતિને આપણા સુધી પહોંચાડે છે.

આજના મુખ્ય ગીતની વાત કરીએ એ પહેલાં યુવા ગાયિકા નિકિતા વાઘેલાના કંઠે સાંભળેલી મેઘબિંદુની એક ગઝલ વિશે વાત કરવી છે. ગઝલના શબ્દો છે :

બાગમાં ટહુકો છળે તો શું કરું?
લાગણી ભડકે બળે તો શું કરું?

આપણા સંબંધની આ રિક્તતા,
જો બધે જોવા મળે તો શું કરું?

સાવ અણજાણ્યા અધૂરાં લોકમાં,
વાત તારી નીકળે તો શું કરું?

પ્યાસ લઈને આંખમાં પાછો ફરું,
આંખમાં મૃગજળ મળે તો શું કરું?

પહેલી વાર આ ગઝલ સાંભળીને સ્તબ્ધ થઈ જવાયું હતું. ગીતના શબ્દો અને સ્વરાંકન બંને અદ્ભુત. ટહુકાના છળવા અને લાગણી ભડકે બળવાની વાત રૂંવાડા ઊભા કરી દે એવી છે. એક એક પંક્તિમાંથી સરેઆમ સંવેદના પ્રગટે છે. આશિત દેસાઈએ સંગીતબદ્ધ કરેલા આ ગીતને મૂળ હેમા દેસાઈએ ગાયું છે પરંતુ હેમા દેસાઇની શિષ્યા નિકિતા વાઘેલા પાસે પહેલી વાર સાંભળ્યું ત્યારે જાણે એણે હૃદય ઠાલવીને ગાયું હોય એવું લાગ્યું હતું. નિકિતા આ વિશે કહે છે કે, "કોઈને નવાઈ લાગે પણ ગુજરાતી ગીતો સ્ટેજ પર પરફોર્મ કરવાં એ મારું ડ્રીમ હતું. પાંચ વર્ષ પહેલાં હેમા દેસાઈ જેવાં ગુરુ મળતાં એ પરિપૂર્ણ થયું. ગુજરાતી ગીતો ખૂબ સરસ છે. એમાં ઘણું વૈવિધ્ય છે. બાગમાં ટહુકો ગઝલ મારી પ્રિય ગઝલ છે. સ્વરસખીના એન્યુઅલ ફંકશનમાં મને એ રજૂ કરવાનો મોકો મળ્યો એ મારું સદ્ભાગ્ય. બાકી, હું ફિલ્મી ગીતો પણ ગાઉં છું પરંતુ, આપણી પોતાની ભાષામાં ગાવાની મજા જ અલગ છે.

એક યુવા ગાયિકા પાસેથી ગુજરાતી ગીતોના વૈભવની વાત સાંભળવા મળે ત્યારે થાય કે માતૃભાષાને કંઈ આંચ આવવાની નથી.

ઉપર ડાબેથી કવિ મેઘબિન્દુ, નિકીતા વાઘેલા, નીચે ડાબેથી કલ્યાણી કોઠાળકર, માલવ દીવેટિયા

કવિ મેઘબિંદુ આ ગીત વિશે કહે છે, "લગભગ ૨૦ વર્ષ પહેલાં લખાયેલું આ ગીત એટલું બધું લોકપ્રિય થયું છે કે થોડાં વર્ષો પહેલાં રાજકોટમાં યોજાયેલી સુગમ સંગીત સ્પર્ધામાં આ એક જ ગીત આઠ સ્પર્ધકોએ પસંદ કર્યું હતું. શબ્દો અનુરૂપ જ સંગીત હોવાથી વધુ લોકચાહના પામ્યું છે. આશિત દેસાઈએ એમના ગઝલ આલબમ રેકોર્ડિંગ વખતે મને પૂછ્યું કે કવિ, નાની બહેરની કોઈ ગઝલ હોય તો આપો. મેં તાત્કાલિક લખી આપી. એમણે એ જ વખતે કમ્પોઝ કરી દીધી હતી અને તરત જ હેમાંગિની દેસાઇના અવાજમાં રેકોર્ડ થઈ ગઈ હતી. બીજી અનેક ગાયિકાઓએ પણ એ ગાઈ છે.

હવે વાત કરીએ નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યા આગળ … ગીત વિશે. "મારાં પત્નીનું અવસાન ૧૯૯૪માં થયું ત્યારે હું ભાંગી પડ્યો હતો. હીરાબહેન પાઠકના ’પરલોકે પત્ર’ પુસ્તક વિશે મેં સાંભળ્યું હતું. મને થયું કે કવિતા તો હું લખું જ છું તો હવે થોડું ગદ્ય લખું. ’પરલોકે પત્ર’ની જેમ પત્ર સાહિત્ય ગદ્ય સ્વરૂપે લખવાનું નક્કી કર્યું. પરંતુ, જીવ કવિતાનો એટલે પત્નીને પત્ર લખવા બેઠો ને કવિતા રચાવા માંડી. પત્નીના મૃત્યુના તેરમા દિવસે આ ગીત લખાયું; નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યા આગળ …! કવિ સુરેશ દલાલને સંભળાવ્યું તો એમને બહુ ગમ્યું અને એમણે ‘કવિતા’ માસિકમાં એનો રસાસ્વાદ પણ કરાવ્યો. ઉલ્લેખનીય છે કે આ ગીતના દસથી વધુ જુદાં જુદાં સ્વરાંકન થયાં છે. એમાં માલવ દીવેટિયા તથા પુરુષોત્તમ ઉપાધ્યાયનાં સ્વરાંકન વધુ લોકપ્રિય થયાં. હંસા દવે અને કલ્યાણી કોઠાળકરે આ ગીતને ભાવપૂર્ણ રજૂ કર્યું છે. સુખ-દુ:ખ જીવનમાં વણાયેલા હોય છે.

કવિ જ એની અભિ-વ્યકિત યથા-યોગ્ય કરી શકે છે. મનુષ્યની નિયતિ એવી છે કે એની આંખોમાં સ્મિતની પાછળ આંસુ છુપાયેલા હોય છે. શેક્સપિયર ભલે કહી ગયા હોય કે વોટ ઈઝ ધેર ઇન અ નેઇમ? પરંતુ, નામ એ જ જીવન પર્યંત આપણી ઓળખ બની રહે છે. એમાં ય પ્રિય પાત્રનું નામ તો ક્યારેક સુખનો દીપક બનીને ઝગમગે તો ક્યારેક આંખમાં ઝળઝળિયાં લાવે. એટલે જ લેખક પ્રકાશ મહેતાએ આ ગીત વિશે લખ્યું છે કે, "વિરહી પ્રેમી હજુ તો કોરા કાગળ પર પ્રિયજનનું નામ લખવા માંડે છે ને ‘ત્યાં આંસુ આવ્યા આગળ.’ પહેલી પંક્તિનો લય જુઓ. પ્રેમીને મન સૌથી મહત્ત્વનું નામ કોનું હોય? પોતાના પ્રિયજનનું જ સ્તો! એટલે જ નામ તમારું એ શબ્દોમાં લયનો ભાર ’તમારું’ પર મુકાયું છે. આમ તો કેટલાય નામોને સંબોધીને પત્ર લખું છું પણ જેવું તમારું નામ લખ્યું રડવું આવી જાય છે. આમ તો સ્મિતનું મહોરું પહેરીને આપણે જીવીએ છીએ પણ વિયોગની તીવ્ર વ્યથાનો અનુભવ થતાં એ મહોરું સરી પડે છે અને પાછળ છુપાયેલા આંસુ આગળ આવી જાય છે.

સુરેશ દલાલે આ ગીતના રસાસ્વાદમાં લખ્યું છે, ‘મેઘબિન્દુ’ની કવિતાનું મૂળ અંગત સંવેદનામાં છે. કાગળમાં ઘણીયે વાર લખવાનું ઘણું બધું હોય પણ છતાંયે જયાં કાગળ લખવાની શરૂઆત કરીએ ત્યાં તો શું લખવું એની વિમાસણ હોય છે. અહીં કવિ કાગળ પર પ્રિય વ્યકિતનું નામ હજી લખે ન લખે ત્યાં તો એમની આંખમાં આંસુ આવે છે અને આંસુના પડદા પાછળથી પ્રિય વ્યકિતનું નામ જોવાનું રહે છે. આ ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે કાગળ લખવો તો છે, પણ લખાતો નથી. અને કોરા કાગળને કોઈ અર્થ નથી. આપણું જીવન સામાન્ય રીતે સુખ અને દુ:ખના બે મોટા હાંસિયા વચ્ચે વહેંચાઈ જતું હોય છે. કયારેક થાય છે કે લખાય છે એ પૂરેપૂરું પ્રગટ થયું નથી. હું છેકભૂંસ કર્યા કરું છું. આખો કાગળ છેકાછેકી કરતાં કરતાં માંડ માંડ પૂરો થાય છે. પૂરો થાય છે એ તો કહેવાની એક રીત છે. બાકી જગતમાં કોઈ કાગળ કયારે ય પૂરો થતો નથી. કાગળમાં આખું હૃદય પાથરવું છે. ભાવને પૂરેપૂરો પ્રગટ કરવો છે. હૈયે છે એ હોઠે આવતું નથી. હોઠે આવે છે તે કાગળ ઉપર પ્રગટતું નથી.

પ્રિય વ્યકિત માટે લાખલાખ ઉમળકાઓ અને અરમાનોને ઉમંગથી શણગાર્યા હોય. પ્રિય વ્યકિતનાં સપનાંઓ માટે ગાઢ અંધકારમાં પણ અજવાળા પાથર્યાં હોય. ગમે એટલું કરીએ તો પણ પોતાના મનને કશુંક ઓછું જ લાગવાનું. પ્રિય વ્યકિતને માટે જમીન-આસમાન એક કરી નાખવા મન તલપાપડ થતું હોય છે. આપણી અપેક્ષાના અશ્વ હણહણતાં હોય છે. પણ પ્રિય વ્યક્તિની ઈરછાઓ, વેગ અને આવેશ પવનથી પણ વિશેષ જોરદાર આગળ ને આગળ ફૂંકાતા હોય છે. આમ જે કંઈ લખવું છે તે લખાતું નથી. પ્રિય વ્યકિત માટે જે કંઈ કરવું છે તે કરાતું નથી. અને અધૂરપની મધુરપ સાથે જેટલું જિવાય એટલું જીવી લેવું છે.

સુરેશ દલાલની આવી સુંદર અભિવ્યક્તિ પછી ગીત વિશે વધુ શું કહેવું? હા, ગીતના સંગીતની વાત તો કરવી જ પડે. ક્ષેમુ દીવેટિયાનો સમૃદ્ધ સંગીત વારસો મેળવ-નાર એમના પુત્ર માલવ દીવેટિયાએ આ ગીતનું હૃદયસ્પર્શી સ્વરાંકન કર્યું છે. સંગીત ક્ષેત્રે પિતા કરતાં ઓછું કામ કરતાં માલવભાઈ ગીત સંગીતબદ્ધ કરે ત્યારે પૂરી નિષ્ઠાથી કરે. તેઓ કહે છે, "વીસેક વર્ષ પહેલાં અમદાવાદમાં અમે ‘આરોહી’ ગ્રુપ ચલાવતાં હતાં. એ વખતે સૌથી પહેલું સ્વરાંકન આ ગીતનું મેં કર્યું હતું અને અમારા જ ગ્રુપની યુવા ગાયિકા કલ્યાણી કોઠાળકર પાસે મેં ગવડાવ્યું. મેઘબિંદુએ એમનો કાવ્યસંગ્રહ મને ભેટ આપ્યો હતો જેમાં પહેલું જ ગીત આ હતું, જે મને એટલું બધું ગમી ગયું કે એ પછીનાં ગીતો મેં વાંચ્યાં જ નહીં અને આ ગીત કમ્પોઝ કરી દીધું. ગીતની એરેન્જમેન્ટ કરનાર સૌમિલ મુન્શી કહે છે, "ગીતનું હાર્મની સ્ટ્રક્ચર એવું સરસ છે કે કવિ-સંગીતકાર અને ગાયક જાણે એકબીજાનાં પૂરક હોય એવું જ લાગે. કલમની સ્યાહીમાંથી સ્મરણ ઢોળાય, આંસુ છલકાય અને નામનું સંબોધન કરતાં જ અટકી જવાય. કાગળ તો રણ જેવો કોરોકટ પણ પ્રિયજનના નામનો પહેલો અક્ષર પડતાં જ ઝરણ બની જાય. રાગ મધુવંતીની છાંટ ધરાવતા આ ગીતમાં તીવ્ર મધ્યમ, કોમળ ગાંધાર સાથે શુદ્ધ ગાંધારનો એકમાત્ર કોર્ડ ચમત્કૃતિ સર્જે છે. એ એટલો સહજતાથી આવે છે કે એ સ્વરાંકનની કમાલ બની રહે છે. ગીતનો મ્યુઝિકલ ગ્રાફ સરસ છે.

આ બન્ને ગીતો યુટ્યુબ પર સાંભળી શકશો. ગીત ભલે વિષાદનાં હોય પરંતુ, એ સાંભળીને જરૂર હળવાશ અનુભવશો.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 28 નવેમ્બર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=604653

Loading

29 November 2019 admin
← ડિસેમ્બર ૧૯૯૨, ડિસેમ્બર ૨૦૧૯
નવજીવનનો વિકાસ ને ધર્મ →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved